જસ્ટ ૧ મિલીમીટર ડાયામીટર ધરાવતું એક એન્ડોસ્કોપ ગુજરાતી મૂળ ધરાવતી ડૉ. ખુશી શાહ અને લંડનની રિસર્ચ ટીમે ડેવલપ કર્યું છે
નયા ક્યા હૈ?
એન્ડોસ્કોપ
જસ્ટ ૧ મિલીમીટર ડાયામીટર ધરાવતું એક એન્ડોસ્કોપ ગુજરાતી મૂળ ધરાવતી ડૉ. ખુશી શાહ અને લંડનની રિસર્ચ ટીમે ડેવલપ કર્યું છે. એનાથી સ્તન-કૅન્સરની સર્જરી વખતે કૅન્સરના કોષોની ઓળખ કરવામાં મદદ કરશે. એને કારણે કૅન્સર રિલૅપ્સ થવાના ચાન્સિસ તેમ જ સેકન્ડ સર્જરીની જરૂરિયાત બન્ને ઘટશે
મોટા ભાગનાં કૅન્સર હવે ક્યૉરેબલ છે એવું કહેવાય છે અને બ્રેસ્ટ-કૅન્સર પણ એમાંનું એક છે. સ્તન-કૅન્સરની સારવાર જેટલી વહેલી મળે એની સાથે સચોટ મળે એ પણ એટલું જ જરૂરી છે. મોટા ભાગે બ્રેસ્ટ-કૅન્સરમાં કૅન્સરગ્રસ્ત કોષોને રિમૂવ કરવાની સર્જરી કરવામાં આવે છે અને આ સર્જરી વખતે સેફર સાઇડ પર રહેવા માટે આખી બ્રેસ્ટ જ રિમૂવ કરવાનો નિર્ણય લેવામાં આવે છે.
આવું એટલા માટે કરવું પડે છે કે સર્જરી દરમ્યાન ડૉક્ટરને ચોક્કસ ખબર નથી પડતી કે કયો કોષ કૅન્સરનો છે અને કયો હેલ્ધી છે.
ADVERTISEMENT
લંડનની ઇમ્પીરિયલ કૉલેજના રોબોટિક સર્જરીના નિષ્ણાતોની ટીમે બ્રેસ્ટ-કૅન્સરની સર્જરી દરમ્યાન પડતી આ અડચણનો ઉકેલ લાવે એવું ખૂબ જ ટચૂકડું એન્ડોસ્કોપ ડિવાઇસ ડેવલપ કર્યું છે. ગુજરાતી મૂળ ધરાવતાં ડૉ. ખુશી શાહ અને લંડનના રિસર્ચરોની ટીમે ભેગા મળીને આ ડિવાઇસ ડેવલપ કર્યું છે. લગભગ ૨૫ વાળ ભેગા કરો તો જેટલી જાડાઈ થાય એટલો વ્યાસ ધરાવતું આ ટાઇની સળિયા જેવું ડિવાઇસ એક સેકન્ડમાં ૧૨૦ ફોટોઝ પાડી શકે છે, જે જોઈને ડૉક્ટરને તરત ખબર પડી જાય કે કયો કોષ કૅન્સરવાળો છે અને કયો હેલ્ધી. ૧ મિલીમીટરના ૧૦૦મા ભાગની સાઇઝ ધરાવતો કૅન્સરનો કોષ હોય તો એ પણ આ એન્ડોસ્કોપ પારખી લે છે. આટલી સચોટતા મળતી હોવાથી એ બ્રેસ્ટ-કૅન્સરની સારવારમાં ઘણું ઉપયોગી નીવડશે.
હાલમાં એવું જોવા મળ્યું છે કે જે દરદીઓએ બ્રેસ્ટ-કન્ઝર્વેશન કરાવ્યું છે મતલબ કે કૅન્સરની સર્જરી દરમ્યાન માત્ર કૅન્સરની ગાંઠ જ રિમૂવ કરાવી છે અને બ્રેસ્ટને રાખી છે. તેમને ફરીથી કૅન્સર થાય એવી સંભાવનાઓ ૨૦ ટકા જેટલી છે. આવા સંજોગોમાં બીજી વાર સર્જરી કરવી જ પડે છે. નિષ્ણાતોનું માનવું છે કે પહેલી વારની સર્જરીમાં જ જો સચોટતા સાથે કૅન્સરના કોષો પરખાઈ જાય તો એનાથી બ્રેસ્ટ-કન્ઝર્વેશન કરવું સરળ પડશે એટલું જ નહીં, જેમણે બ્રેસ્ટ રિમૂવ ન કરાવી હોય તેમને ફરી કૅન્સર થવાના ચાન્સિસમાં પણ ઘટાડો થશે.
મેડિકલ રિસર્ચરો ઉપરાંત આ ડિવાઇસના ડેવલપમેન્ટમાં એન્જિનિયરિંગ ઍન્ડ ફિઝિકલ સાયન્સિસ રિસર્ચ કાઉન્સિલનો પણ સપોર્ટ રહ્યો હતો. ક્રૉસ કાઉન્સિલ પ્રોગામના ડિરેક્ટર પણ ગુજરાતી મૂળના છે. ડૉ. કેદાર પંડ્યાનું પણ કહેવું છે કે કૅન્સરના કોષોને આઇડેન્ટિફાય કરવાનું અઘરું કામ લગભગ ૯૯ ટકા ચોકસાઈ સાથે આ ડિવાઇસ કરે છે, એને કારણે સર્જરીની ઍક્યુરસી સારી રહેશે.
અલબત્ત, હાલમાં આ ડિવાઇસની ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે અને આગામી ત્રણથી ચાર વર્ષમાં એ માર્કેટમાં મુકાશે. આ ડિવાઇસનો યોગ્ય ઉપયોગ થાય તો કૅન્સર પછી બ્રેસ્ટ કન્ઝર્વેશન વધુ સંભવ બનશે.
12.5%
કૅન્સરના કુલ કેસમાંથી આટલા ટકા બ્રેસ્ટ-કૅન્સરના દરદીઓ છે. કૅન્સરથી પીડાતી મહિલાઓમાં દર ચારમાંથી એક બ્રેસ્ટ-કૅન્સરનો ભોગ હોય છે.