આયુર્વેદ, સિદ્ધા, યુનાની, યોગ જેવી ભારતીય ઉપચાર પદ્ધતિઓનાં ગુણગાન હજારો વર્ષોથી ગવાઈ રહ્યાં છે અને સૌથી વધુ પદ્ધતિસર રીતે એનું જતન પણ આપણે ત્યાં જ થયું છે એવી ટ્રેડિશનલ મેડિસિન્સની દિશામાં સકારાત્મક સ્તરે કામ થવું જોઈએ એ વાત કોવિડ દરમ્યાન વર્લ્ડ હેલ્
પ્રતીકાત્મક તસવીર
નામ છે રૉય અપ્ટન. તેમનું રહેવાનું કૅલિફૉર્નિયામાં. ૬૭ વર્ષના આ ભાઈએ છેલ્લાં ચાલીસ વર્ષથી સામાન્ય ટીકડી પણ દવારૂપે નથી લીધી. તેઓ જ નહીં, તેમની દીકરીઓ અને ઘરના દરેક સભ્ય ઍલોપથીની ટ્રીટમેન્ટથી શક્ય હોય એટલું અંતર રાખે છે. પોતે હર્બલિસ્ટ છે એટલે કે પ્રાકૃતિક દવાના જાણકાર છે અને પોતાના બગીચામાં ઊગતી દવાઓથી જ સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે. જોકે વેસ્ટર્ન વર્લ્ડે અત્યાર સુધી પરંપરાગત દવાઓ માટે દાખવેલા ઉદાસીન વલણથી નિરાશ રૉયને હવે ક્યાંક કંઈક બદલાશે એવી આશા જાગી છે. રૉય કહે છે, ‘અમારે ત્યાંના પ્રાચીન વારસાને અમે સાચવી ન શક્યા એ સૌથી મોટી કમનસીબી છે. આજે અમારે ત્યાં જે ઉપચાર પદ્ધતિ ચાલે છે એ વૈજ્ઞાનિક હોવાનો દાવો થાય છે, પરંતુ એમાં હેલ્થકૅરની વાત નથી પણ
ડિસીઝ કૅરની વાત છે. નવી ઉપચાર પદ્ધતિની દોડમાં અમારા દેશે પરંપરાગતની દિશામાં ઘણુંબધું ખોઈ દીધું છે. ઍટ લીસ્ટ હવે રોગોની સારવાર નહીં પણ સ્વાસ્થ્યની દેખભાળની દિશામાં આગળ વધવાનું સૂઝ્યું છે એ બહુ સારી નિશાની છે.’
રૉય જેવા તો ઘણા લોકો અમને મળ્યા જેઓ પરંપરાગત ઉપચાર પદ્ધતિનાં વખાણ કરતાં થાકતા નહોતા. પ્રસંગ પણ એવો હતો. ગાંધીનગર સેક્ટર 13 Cમાં આવેલું મહાત્મા મંદિર એક્ઝિબિશન ઍન્ડ કન્વેન્શન સેન્ટર ગયા ગુરુવાર અને શુક્રવારે જુદા જ સ્વાંગમાં હતું. એન્ટ્રી મારતાં જ જાણે કે જુદી દુનિયાનો અનુભવ થતો હતો. ભારતીયો સાથે થોકબંધ વિદેશી મહેમાનોના ચહેરા પર સ્મિત અને સાથે નમસ્તેના નાદથી સેન્ટર ગુંજતું હતું. તમને થશે અવસર શું હતો? તો દુનિયામાં પહેલી વાર એક ગ્લોબલ સમિટ યોજાવા જઈ રહી હતી. એ પણ પરંપરાગત ઉપચાર પદ્ધતિઓ પર અને યોજી કોણે? તો વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને. ભારત સરકારની આયુષ મિનિસ્ટ્રી અને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના સહિયારા પ્રયાસે દુનિયાભરમાં ભારતનો ડંકો વગાડી દીધો હોય એમ કહેશો તો પણ ચાલે. ગયા ગુરુવાર અને શુક્રવારે ભારત એક ઐતિહાસિક ઘટનામાં નિમિત્ત બન્યું લગભગ પોણી સદી વિતાવી ચૂકેલા અને આંતરરાષ્ટ્રીય સ્તરે દુનિયાના તમામ દેશોની હેલ્થ પૉલિસી બનાવવામાં જેની રાય મહત્ત્વની ગણાય છે એવા વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને પોતાના કાર્યકાળનું પહેલું જ પરંપરાગત દવાઓને લગતું અધિવેશન યોજ્યું અને એ પણ ભારતમાં. ટ્રેડિશનલ મેડિસિનની દુનિયામાં ભારતની લીડરશિપ ઊભર્યા વિના રહી નહીં. જરા વિચાર કરો કે હવે જ્યારે પણ દુનિયાભરમાં ટ્રેડિશનલ મેડિસિનની દિશામાં જે પણ ડેવલપમેન્ટ થશે, હેલ્થ પૉલિસીથી લઈને રિસર્ચ અને એવિડન્સ જનરેશનનું જે પણ કામ આગળ વધશે, જ્યારે પણ એના ઇતિહાસની ચર્ચા થશે ત્યારે પહેલું નામ ભારતનું લખાશે; કારણ કે આ કાર્યનું મંગળાચરણ આપણે ત્યાંથી થયું હતું. માત્ર ભારતીય તરીકે જ નહીં, પણ એક ગુજરાતી તરીકે આપણને ડબલ પ્રાઉડ થાય એવી બીજી પણ એક વાત જાણી લો. આ પહેલી ગ્લોબલ સમિટ ભારતમાં પણ ગુજરાતના ગાંધીનગરમાં યોજાઈ અને વર્લ્ડનું પહેલું ગ્લોબલ રિસર્સ સેન્ટર વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને ભારતના જામનગરમાં શરૂ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે દુનિયાભરમાં ટ્રેડિશનલ દવાઓ પર જે પણ સંશોધનો થશે એ પણ ભારતમાં અને એથીયે વધુ આપણા ગુજરાતના જામનગરમાં થશે. હવે મૂળ પર વાત આવીએ. આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવાનો અવસર મિડ-ડેને મળ્યો. ગાંધીનગરની બે દિવસની ગ્લોબલ સમિટમાં ઘણા આંતરરાષ્ટ્રીય સ્તરે દવાના ક્ષેત્રે સક્રિય મહાનુભવો, ડૉક્ટરો, રિસર્ચરો વગેરે સાથે થયેલી ગુફ્તગૂ અહીં પ્રસ્તુત છે. દુનિયા દેશી દવાની બાબતમાં
ADVERTISEMENT
રૉય અપ્ટન અને ડૉ. હન્સ હેનરી ક્લગ
ક્યાં આગળ વધી રહી છે, આપણી પાસે જેમ પરંપરાગત ઉપચાર પદ્ધતિઓ અને દવાઓ છે એમ દુનિયાના બીજા ખૂણાઓમાં શું ચાલે છે જેવી કંઈ કેટલીયે વાતો આ સમિટ દરમ્યાન મળેલા
લોકોએ મિડ-ડે સાથે શૅર કરી, જે અહીં પ્રસ્તુત છે.
યે તો સિર્ફ શુરુઆત હૈ
અમને ભરોસો નથી
આપણી પરંપરાગત પદ્ધતિઓ આજની તો નથી. એ તો કેટલાંય હજારો વર્ષથી એક્ઝિસ્ટન્સ છે
તો અચાનક વર્લ્ડ હેલ્થ ઑર્ગેઇઝેશનને એમાં શું રસ પડ્યો? આ દિશામાં પોતાનો બેબાક મત વ્યક્ત કરનારા પણ ઘણા લોકો અમને મળ્યા.
જેમ કે વેસ્ટ આફ્રિકન દેશ ટોગોમાં રહેતા લકાસા એસોસિમિનમ
પોતે હીલર્સ અસોસિએશનના ચૅરમૅન છે. તેઓ કહે છે, ‘છેક સિત્તેરના દશકથી વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને ટ્રેડિશનલ મેડિસિન વિશે ચર્ચાઓ કરી હતી પણ એમાં કંઈ આગળ ખાસ કર્યું તો નહીં. અમારો અનુભવ છે કે વેસ્ટર્ન વર્લ્ડની આવી સંસ્થાઓ મોટી-મોટી વાતો કરીને તમારી પાસેથી બધું જ્ઞાન લઈ લે, તમારી પદ્ધતિઓ સમજી લે અને પછી પોતાની રીતે એને ડેવેલપ કરીને પોતાનો થપ્પો એમાં મારી દે. આ વાતની અમને ચિંતા છે જ જે આ પ્રકારના વ્યાપક પ્રચાર-પ્રસારથી અમને દૂર રહેવા માટે પ્રેરિત કરે છે એટલું જ નહીં, અત્યારે એક જગ્યાએ આ વાત થાય છે પણ એમાં હીલરોને ક્યાંય સામેલ નથી કરાયા. સરકાર પૉલિસીઓ બનાવે પણ એ માટે જે લોકો ટ્રેડિશનલ મેડિસિનનો અભ્યાસ કરે છે, પ્રૅક્ટિસ કરે છે એમને જ જો એમાં વિશ્વાસમાં ન લેવાય તો પરિણામ ક્યાંથી મળશે? હજી ઘણાંબધાં પાસાંઓ છે જેના માટે ડબ્લ્યુએચઓ કામ કરે તો પરિણામ આવશે.’
આ વાત સાથે સાઉથ મેક્સિકોના દેશ ગ્વાટેમાલામાં રહેતા યુએન દ્વારા નિયુક્ત થયેલા સ્પેશ્યલ રિપોર્ટર ફ્રાન્સિસ્કો કલી સંપૂર્ણ રીતે સહમત કહે છે. ઇન્ડીજિનસ લોકોના હક માટે લડતા ફ્રાન્સિસ્કો કહે છે, ‘ઘણીબધી વાતો તો થાય પણ કામ કેટલું થાય એ મહત્ત્વનું છે. આજે આખેઆખી પ્રજાતિઓ જોખમમાં છે ત્યારે તમે તેમની પાસેથી તેમની પ્રાચીન ઉપચાર પદ્ધતિ માટે જશો ત્યારે એ લોકો કંઈ હાથમાં નહીં ધરી દે. લોકોના ઉત્થાન માટે કામ કરવું હોય તો આ આપણે કન્ટિન્યુ કરવું પડશે. ૪૬ વર્ષ પહેલાં પણ આ વાત ઉપાડવામાં આવી હતી અને પછી ખોવાઈ ગયેલા. આ વખતે પણ આવું ન થાય બસ.’
દુનિયાના જુદા-જુદા ખૂણેથી આવેલા લોકોએ ‘મિડ-ડે’ને શું કહ્યું?
વેસ્ટ આફ્રિકાના સેનેગલથી આવેલા અને હર્બલ મેડિસિનનો વેપાર કરતા એલી ડિઆલો ડેકર કહે છે...
આફ્રિકાનાં ઘરોમાં ટ્રેડિશનલ મેડિસિનનો ઉપયોગ થાય છે, એનું પ્રમાણ પણ વધ્યું છે પરંતુ પરંપરાથી ચાલ્યા આવતા આ જ્ઞાનનું કોઈ ડૉક્યુમેન્ટેશન નથી થયું. અમારે એ અમારા પછીની જનરેશનને શીખવવું હોય તો હાથમાં કંઈ જ નથી. આ દિશામાં ઘણા પ્રકારના ડેવલપમેન્ટની જરૂર છે.
રિપબ્લિક ઑફ કોરિયાના ઍક્યુપંક્ચર કન્સલ્ટન્ટ (કોરિયા) અને કયુંગ હી યુનિવર્સિટી મેડિકલ સેન્ટરના પ્રોફેસર ચાંગ શીક યીન કહે છે...
કોરિયામાં નેવું ટકા લોકો ઍલોપથી પ્રિફર કરે છે. એનું મહત્ત્વનું કારણ છે કે પરંપરાગત દવાઓના પરિણામને લઈને નવી જનરેશનના લોકોને કોઈ ટ્રેઇનિંગ જ નથી મળી. ઍલોપથી ઇમર્જન્સીમાં ચાલે અને બાકી પરંપરાગત ઉપચાર પદ્ધતિ આપણી જીવનશૈલી હોવી જોઈએ એ વાત હવે લોકોને સમજાવવાની જરૂર છે. કોરિયામાં લેગો સિસ્ટમ, મેરેડિયન સિસ્ટમ ચલણમાં છે પરંતુ એના પ્રૅક્ટિશનર ખૂબ જ ઓછા રહ્યા છે.
આર્જેન્ટિનામાં વિવિધ યુનવિર્સિટીમાં આયુર્વેદ ભણાવતા ફિઝિશ્યન ડૉ. જોર્ગીસ બેરા
કહે છે...
આપણું ભવિષ્ય જ ટ્રેડિશનલ મેડિસિનમાં છે. સ્પેનમાં આજે પણ ઘણી ઇન્ડીજિનસ થેરપી છે જે પ્લાન્ટ બેઝ્ડ છે. પરંતુ આપણે એને ભુલાવી દીધી. ભારત એ બાબતમાં ખૂબ જ નસીબદાર દેશ છે કે તેમના પૂર્વજોનો અદ્ભુત વારસો સિસ્ટમૅટિકલી જળવાયેલો છે.
નેપાલની હેલ્થ મિનિસ્ટ્રી અંતર્ગત આવતા ડિપાર્ટમેન્ટ ઑફ આયુર્વેદ અને ઑલ્ટરનેટિવ મેડિસિનના ડિરેક્ટર જનરલ ડૉ. વસુદેવ ઉપાધ્યાય કહે છે...
અમારી પાસે આયુર્વેદ વિભાગ છે અને એને ડેવલપ કરવાની દિશામાં કામ પણ કરી રહ્યા છીએ. નેપાલની પરંપરાગત પદ્ધતિઓ આજે પણ જળવાયેલી છે. બેશક, એનો વિકાસ જે સ્તરનો થવો જોઈતો હતો એ થયો નથી. મોટો રેશિયો આજે પણ ઍલોપથી તરફ વધુ ઝૂકેલો છે. અત્યારે પણ લગભગ ૮ હજાર જેટલા પ્લાન્ટ્સની સ્પીશીસ છે જેનો મેડિકલ પર્પઝથી ઉપયોગ થતો હોય. આજે લાઇફસ્ટાઇલ ડિસીઝ વધી રહ્યા છે ત્યારે પ્રિવેન્શન અને હેલ્થ માટે આપણી દેશી દવાઓ જ મહત્ત્વની છે.
વેનેઝુએલાના ઍપ્લિકેશન ઑફ સાયન્ટિફિક નૉલેજના વાઇસ મિનિસ્ટર ઍલ્બર્ટો જોસ ક્વિન્તેરો કહે છે...
અમારા માટે દુઃખની વાત છે કે અમારી પાસે પરંપરાગત મેડિસિનની ગણીગાંઠી વાતો બચી હશે. જોકે આ કૉન્ફરન્સ અમારા માટે આઇઓપનર સાબિત થઈ. અમારા દેશની હેલ્થ પૉલિસીમાં ઘણા મહત્ત્વપૂર્ણ બદલાવો લાવવાના છે. ટ્રેડિશનલ મેડિસિન હેલ્થ મેડિસિન છે અને અત્યારે આપણને એની જ જરૂર છે.
સાઉદી અરેબિયાના ટ્રેડિશનલ મેડિસિન સાથે સંકળાયેલા નૅશનલ સેન્ટરના અબદુલ્લા ઓબેઇન અલાનાઝી કહે છે...
અમારા દેશમાં પણ પરંપરાગત પદ્ધતિઓ પ્રમાણે ઇલાજ થાય છે, એ દવાઓનો ઉપયોગ થાય છે; પરંતુ નૅશનલ સેન્ટરે એના પર અમુક નિયંત્રણો પણ રાખ્યાં છે. જો આ હેરિટેજ માટે પૂરતા પ્રમાણના પુરાવા મળતા હોય તો એ વધુ વ્યાપક રીતે આગળ વધશે....
જપાનની યોકોહોમા યુનિવર્સિટી ઑફ ફાર્મસીના પ્રોફેસર અને જપાનના પ્રેસિડન્ટના ઍડ્વાઇઝર ડૉ. કેનજી વટાનાબે કહે છે...
જપાનમાં એજ્યુકેશનનું સ્તર ઊંચું છે અને જ્યાં શિક્ષણ વધારે હોય ત્યાં એવિડન્સની જરૂરિયાત વધારે પડે.
દુનિયાની નંબર વન કૅન્સર હૉસ્પિટલ એમ. ડી. ઍન્ડર્સન કૅન્સર સેન્ટરના ઇન્ટિગ્રેટિવ ઑન્કોલૉજી ફિઝિશ્યન ડૉ. સંતોષી નારાયણન કહે છે...અમારી હૉસ્પિટલમાં કૅન્સરની ટ્રીટમેન્ટ સાથે ટ્રેડિશનલ મેડિસિનના ઇન્ટિગ્રેશનનું અદ્ભુત પરિણામ અમને મળ્યું છે. અમારી પાસે એનાં રિસર્ચ પેપર છે અને આવનારા સમયમાં દરેક મેડિકલ સેન્ટરમાં આ બન્ને બાય ડિફૉલ્ટ સાથે ચાલે અને પેશન્ટની હેલ્થ પ્રાયોરિટીમાં આવે એ મહત્ત્વનું છે.
લંડનની વેસ્ટર્ન યુનિવર્સિટીમાં અસોસિએટ પ્રોફેસર અને ઇન્ડીજિનસ પ્લૅનેટરી હેલ્થના ડૉ. નિકોલ રેડવર્સ કહે છે...
આપણે જે તળાવ કે નદીનું પાણી પીએ છીએ એ ત્રણ મહિનામાં આપણી અંદર સ્વરૂપ લઈ લે છે. આપણો આહાર, આપણા શ્વાસમાં જતી હવા, આપણું પાણી એ બધું જ પ્રકૃતિનો અંશ છે. અત્યારે ટ્રેડિશનલ મેડિસિનના વિકાસમાં જે વાત થઈ એમાં ક્યાંય નેચર કન્ઝર્વેશન માટે શું કરીશું એના મૉડલની ચર્ચા નથી થઈ. મને એક જ ડર છે, જે ભૂલ મૉડર્ન મેડિસિનના પ્રમોશન વખતે થઈ એ ફરી અહીં ન થઈ જાય...
મૉરિશ્યસની નેક્સ્ટ આઇન્સ્ટાઇન ફોરમ ઍમ્બૅસૅડર ડેવિના લોબાઇન કહે છે...
અત્યાર સુધી આપણે એને ખૂબ અન્ડર એસ્ટિમેટ કરતા રહ્યા, પરંતુ હવે પણ એની ઉપયોગિતા સમજાય તો સારું. ઘણા એવા રોગો છે જેનો ઍલોપૅથીક મેડિસિન પાસે ઇલાજ નથી. પાર્કિન્સન્સ, ઑલ્ઝાઇમર્સ જેવી બીમારીમાં આપણી બીજી ઉપચાર પદ્ધતિઓ કામે લાગે એના પર રિસર્ચ થવું જોઈએ. મૉરિશ્યસમાં યોગ, આયુર્વેદ અને ઘણી આફ્રિકન પથીનો ઉપયોગ ખૂબ બહોળા પ્રમાણમાં થાય છે.
આ બે દિવસના સેમિનારમાં દુનિયાના ઘણા દેશોમાં હેલ્થ મિનિસ્ટર પણ જોડાયા હતા. જેમ કે ભુતાનના હેલ્થ મિનિસ્ટરે કહ્યું કે તેમને ત્યાં દેશી દવાને સરખું મહત્ત્વ અપાય છે અને આર્થિક દૃષ્ટિએ પણ તેમને ત્યાં ઍલોપથી પ્રૅક્ટિશનર અને પરંપરાગત ઉપચાર કરતા નિષ્ણાત વચ્ચે કોઈ ભેદ નથી રખાતો. સ્વાસ્થ્ય એ જ ધ્યેય છે, જેના માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વન નેશન, વન હેલ્થ, વન ફ્યુચર’નું સ્લોગન પણ આપ્યું છે. ઇન ફૅક્ટ, આ ગ્લોબલ સમિટ અને જી ટ્વેન્ટીની એક કમ્બાઇન્ડ મીટિંગ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો મેસેજ દ્વારા કહ્યું હતું કે ‘સ્વાસ્થ્ય જીવનનો આધાર છે અને એનાથી વધારે કંઈ જ નથી. સંસ્કૃતમાં કહે છે કે ‘ભારતમાં અમે હોલિસ્ટિક અપ્રોચને જ આગળ વધારીએ છીએ. ટ્રેડિશનલ મેડિસિનને પ્રમોટ કરીએ છીએ અને અફૉર્ડેબિલિટી બધાને મળે એવા પણ પ્રયાસો કરીએ છીએ. આરોગ્યં પરમં ભાગ્યં, સ્વાસ્થ્યં સર્વાર્થસાધનમ્’ એટલે કે નીરોગી થવું એ પરમ ભાગ્ય છે. સારું સ્વાસ્થ્ય હોય તો બધાં જ કાર્ય સિદ્ધ થાય. આ પ્રકારની સમિટ અને ટ્રેડિશનલ મેડિસિન માટેનું ગ્લોબલ રિસર્ચ સેન્ટર એ આવનારા સમયમાં વૈશ્વિક સ્તરે આપણા પ્રયાસોને વધુ બળવત્તર કરશે.’
દુનિયાભરના બસોથી વધુ હેલ્થ અને વેલનેસ સેગમેન્ટ સાથે સંકળાયેલા લોકોને ભારતે આવકાર્યા, પણ આટલી બધી વ્યાપકતા મળી કઈ રીતે? સહજ જ આ પ્રશ્ન થાય. એનો જવાબ આપ્યો મિનિસ્ટ્રી ઑફ આયુષના સેક્રેટરી પદ્મશ્રી વૈદ્ય રાજેશ કોટેચાએ. તેઓ કહે છે, ‘કોવિડ-19એ દુનિયાને એક બહુ જ સ્ટ્રૉન્ગ મેસેજ આપ્યો કે હવે પરંપરાગત પદ્ધતિઓ તરફ વળવું પડશે જેમાં આપણી આયુષ મિનિસ્ટ્રીએ માનનીય પ્રધાનમંત્રીજીના માર્ગદર્શનથી એવિડન્સ બેઝ્ડ પુષ્કળ કામ કર્યું. આપણે ડેટા મૂક્યો દુનિયા સામે અને દેશી દવાઓની અકસીરતાના રિસર્ચ અને સર્વેયુક્ત આંકડાઓ ભલભલાને વિચારતા કરી મૂકે એવા હતા. પરિણામ આજે આપણી સામે છે. આપણે શરૂઆત કરી છે હજી. મિનિસ્ટ્રી લેવલ પર આપણે જે કામ કર્યું એણે દુનિયા સામે દાખલો બેસાડ્યો છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેઇઝેશન સાથે સંકળાયેલા દેશોમાં ઘણા દેશો એવા છે જેમની પાસે પોતાની પ્રાચીન ઉપચાર પદ્ધતિ છે પણ ડૉક્યુમેન્ટેશનનો અને એવિડન્સ જનરેશન માટે રિસર્ચનો અભાવ હતો. એ કામ હવે પાટે ચડશે. ઘણાબધા ડ્રાફ્ટ તૈયાર કરવાની દિશામાં કાર્ય આરંભાઈ ચૂક્યું છે. આ બે દિવસમાં દુનિયાના આ ક્ષેત્રમાં ખૂબ આગળ પડતું કામ કરનારા અને સ્કૉલર કક્ષાના લોકોએ ભેગા થઈને મનોમંથન કર્યું છે. મને વિશ્વાસ છે આપણે આ બીજ રોપવામાં સફળ રહ્યા છીએ અને આગળ જતાં બહુ મોટું વટવૃક્ષ બનીને દુનિયાને સ્વાસ્થયવર્ધક બનાવશે.’
WHOના રીજનલ ડિરેક્ટર ફૉર યુરોપના ડૉ. હન્સ હેનરી ક્લગ કહે છે, ‘દુનિયાના નેવું ટકા દેશો પરંપરાગત ઉપચાર પદ્ધતિનો ઉપયોગ કરીને સારવાર કરે છે પરંતુ એવિડન્સ બેઝ્ડ, ડેટા બેઝ્ડ પ્રૅક્ટિસનો અભાવ છે. બદલાઈ રહેલા સમય વચ્ચે હોલિસ્ટિક હેલ્થમાં પરંપરાગત દવાઓ બહુ જ પ્રૉમિનન્ટ ભૂમિકા ભજવી શકે છે એ વાત હવે સમજાઈ ગઈ છે. જોકે એ પછીયે રિસર્ચ, ડેટા કલેક્શન, એનું એક સ્ટાન્ડર્ડાઇઝેશન, એમાં ટેક્નૉલૉજીનો શ્રેષ્ઠતમ ઉપયોગ જેવી બાબતો મહત્ત્વની છે. ભારત સરકારના સપોર્ટથી શરૂ કરવામાં આવેલા ગ્લોબલ રિસર્ચ સેન્ટરમાં પણ અમે દુનિયાની અસરકારક હોય એવી દવાઓ પર રિસર્ચ કરીને એના એવિડન્સ બેઝ્ડ ડેટાને પ્રમોટ કરીશું. અમારું એક જ ધ્યેય છે કે દુનિયા આખી હેલ્ધી બને.’
શું કામ મહત્ત્વનું?
આયુર્વેદ પહેલેથી જ ભારતની ધરોહર છે અને આપણી પાસે ગ્રંથોનો એ પ્રૅક્ટિશનરોનો જે વારસો છે અને પદ્ધતિસર રીતે જેમ એની માવજત થઈ છે. હવે મૉડર્ન મેડિસિનની નવી ડેફિનેશનલ આપતાં પુણેની સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટીના પ્રોફેસર અને નૅશનલ રિસર્ચ ટીમમાં અગ્રણી પ્રો. ભૂષણ પટવર્ધન કહે છે, ‘હેલ્થ ઇઝ નૉટ ઇક્વલ ટુ મેડિસિન. હેલ્થકૅર ઇઝ નૉટ ઇક્વલ ટુ સિક કૅર. જો આપણે હેલ્થની વાત કરીએ તો એનું કૅન્વસ ખૂબ વિશાળ છે. આજે ૭૦ ટકા લોકો નૉન-કમ્યુનિકેબલ બીમારીઓના શિકાર બને છે. આપણે જો નેચર અને આપણી જાત વચ્ચેનું કનેક્શન નહીં બનાવીએ તો ટકવું અઘરું છે. ધારો કે તમારે ડાયાબિટીઝમાં ટકવું હશે તો માત્ર દવાઓ લેવાથી કંઈ નહીં થાય. તમારે લાઇફસસ્ટાઇલ સુધારવી પડે છે, આહારપદ્ધતિ સુધારવી પડશે. આપણી દાદી-નાની જે વાતો આપણને કહેતાં એ ટ્રેડિશનલ મેડિસિન છે. એ જ્ઞાન મહત્ત્વનું હતું. આ કૉન્ફરન્સ એ જ્ઞાનના રિવાઇવલ માટે હતી. તમે સમજો, હવેની દુનિયા ટ્રેડિશનલ મેડિસિન અને કન્વેન્શનલ મેડિસિન એમ કૉમ્બિનેશનથી ચાલે છે. એ જ હવે મૉડર્ન મેડિસિન કહેવાય. આપણે નસીબદાર છીએ કે બીજા દેશોની તુલનાએ આપણું આયુર્વેદ ખૂબ જ ઑર્ગેનાઇઝ્ડ અને વેલ-ડૉક્યુમેન્ટેડ છે. દુનિયા જે વાતને ફૉલો કરવાની છે એ વાત આપણને ગળથૂથીમાં મળવાની છે. હવે જો આપણે એને નહીં સ્વીકરીએ તો ક્યારે સ્વીકારીશું? વન વર્લ્ડ, વન ફૅમિલી, વન હેલ્થ અને વન હેલ્થ સિસ્ટમની વાત અત્યારે સૌથી વધુ ઉપયુક્ત છે.’
હેલ્થ મૅનેજમેન્ટ અને ચૅલેન્જ
આપણી પથીઓ વર્ષો સુધી ટકી, કારણ કે એમાં સત્ત્વ હતું અને છે. ભારત સરકારના કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચનાં સિનિયર પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ ડૉ. ભાવના પરાશર કહે છે, ‘બીમારીઓને રોકે, થયેલી બીમારીઓને રિવર્સ કરે એવું પોટેન્શિયલ ટ્રેડિશનલ પદ્ધતિમાં છે. હવે માત્ર ડિસીઝ મૅનેજમેન્ટ નહીં પણ હેલ્થ મૅનેજમેન્ટની દિશામાં આપણે આગળ વધવાનું છે. આ જ હેલ્થકૅરનું ફ્યુચર છે.’
જોકે એમાં આવનારા પડકારો વિશે પણ આપણે સભાનતા રાખવાની છે. અત્યારે સૌથી મહત્ત્વનો પડકાર એટલે? ડૉ. ભૂષણ પટવર્ધન કહે છે, ‘મનમાં ને મનમાં જ આપણે બાઉન્ડરી બનાવી દીધી છે કે આ ઍલોપથી ડૉક્ટર, હું નેચરોપથી, પેલો આયુર્વેદિક એટલે એ જ પથી સાચી. એવું નથી. પેશન્ટની જરૂરિયાત પ્રમાણે જ્યાં જે મહત્ત્વનું હોય, જે વધુ અસરકારક હોય એને પ્રાધાન્ય આપવાથી આપણું ભવિષ્ય વધુ બહેતર બનશે.’