Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > લાઇફપાર્ટનર મેન્ટલી અસ્વસ્થ હોય ત્યારે શું?

લાઇફપાર્ટનર મેન્ટલી અસ્વસ્થ હોય ત્યારે શું?

Published : 11 April, 2023 04:29 PM | IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

એ અસ્વસ્થતા ડિપ્રેશન, ઍન્ગ્ઝાયટી જેવી પણ હોઈ શકે અને કોઈ ગંભીર મેન્ટલ ડિસઑર્ડરની પણ હોઈ શકે છે. આવા કેસમાં નિદાન થયા પછી સાઇકોથેરપી અને દવાથી જ ઇલાજ પૂરો નથી થતો, જીવનસાથીનો પ્રેમભર્યો અભિગમ વધુ અસરકારક બની શકે છે

પ્રતીકાત્મક તસવીર

મેન્ટલ હેલ્થ કૅર

પ્રતીકાત્મક તસવીર


પચાસ વર્ષની આસપાસનાં રમાબહેન થોડા દિવસથી અજીબોગરીબ વર્તન કરતાં હતાં. ઘડીકમાં આનંદમાં હોય તો બીજી ક્ષણે નાનીઅમથી વાતમાં ઉશ્કેરાઈ જાય. ક્યારેક ઘર છોડીને ચાલ્યા જવાની તો કોઈક વાર જીવન ટૂંકાવી દેવાની વાતો કરે. તેમના હસબન્ડનું કહેવું છે કે સંબંધમાં હવે પહેલાં જેવી મીઠાશ નથી રહી. પરિવારના સભ્યો તેમને ગાંડાના ડૉક્ટર પાસે લઈ જવાની ભલામણ કરે છે તો આડોશીપાડોશી આ રોગને વળગાડનું નામ આપે છે. માનસિક અસ્વસ્થતાનાં ઘણાંબધાં કારણો હોઈ શકે છે. જોકે રમાબહેન પોતે આ વાત માનવા તૈયાર નથી તેથી સમસ્યા દિવસે-દિવસે વધતી જાય છે. રમાબહેન એક કાલ્પનિક ઉદાહરણ છે, પરંતુ ઇમોશનલી અને મેન્ટલી ડિસ્ટર્બ્ડ પાર્ટનર સાથે કોપ કરવું ચૅલેન્જિંગ બની જાય એવા અનેક વાસ્તવિક કિસ્સામાં વૈવાહિક જીવન તૂટવાની અણી સુધી પહોંચી જાય છે. આવા નાજુક કેસમાં જીવનસાથીએ પરિસ્થિતિને કઈ રીતે સંભાળવી જોઈએ એ વિષય પર આજે માંડીને વાત કરીશું.  


અસ્વસ્થતાનાં લક્ષણો



મેન્ટલ ઇલનેસ એ બ્રૉડ ટર્મ છે. અનસ્ટેબલ હોવું, ડિસ્ટર્બ હોવું, ઇમોશનલી વીક હોવું, ડિપ્રેશન, ઍન્ગ્ઝાયટી વગેરેમાંથી કંઈ પણ હોઈ શકે છે. ટ્રાફિકમાં અટવાયેલા હો અને તમારો પાટર્નર કકળાટ કરે એ પણ એક પ્રકારનો ડિસઑર્ડર જ છે. તબીબી તપાસ વિના નિદાન થાય નહીં એવી વાત કરતાં મીરા રોડની વૉકહાર્ટ હૉસ્પિટલનાં કન્સલ્ટન્ટ સાઇકિયા​ટ્રિસ્ટ ડૉ. સોનલ આનંદ કહે છે, ‘બે વ્યક્તિઓ સાથે રહેતી હોય ત્યારે ખટરાગ ઊભો થવો એ સામાન્ય બાબત છે, પરંતુ દામ્પત્યજીવન પીડાદાયક બની જાય એ સ્તર આવે ત્યારે પરિસ્થિતિ વણસે છે. આ સંજોગોમાં એક પાટર્નરની અથવા બન્નેની મેન્ટલ હેલ્થને અસર થાય છે. વાત-વાતમાં ગુસ્સો કરવો, સામાન ફેંકી દેવો, રાહ ન જોવી, લાઇનમાં શાંતિથી ઊભા ન રહેવું, ટ્રાફિકમાં બૂમાબૂમ કરવી, નાની વાતમાં ઓવરરીઍક્ટ કરવું, મારપીટ કરવી, શંકા કરવી, મનમાં થૉટ આવે કે તરત રીઍક્ટ કરવું, આવેગ પર નિયંત્રણ ન હોવું વગેરે પ્રાથમિક લક્ષણોમાં પેશન્ટ ઇમ્પલ્સ કન્ટ્રોલ ડિસઑર્ડરથી પીડાય છે એવું માની શકાય. તમારા લાઇફ-પાર્ટનરમાં આવાં લક્ષણો જોવા મળે તો વહેલી તકે કાઉન્સેલિંગ માટે લઈ જવા જોઈએ. આવા કેસમાં મોડું કરવાથી ઇલાજ લંબાઈ જાય છે. પેશન્ટ ડિપ્રેશનમાં ચાલ્યા જાય, મેટાબોલિક સિન્ડ્રૉમ, ડાયબિટીઝ, બ્લડ-પ્રેશર જેવા રોગો પણ થઈ શકે છે.’ 


મનોરોગ અને પ્રાથમિક લક્ષણો વિશે વધુ સમજાવતાં મુંબઈ સેન્ટ્રલની વૉકહાર્ટ હૉસ્પિટલના સાઇકિયાટ્રિસ્ટ ઍન્ડ સાઇકોલૉજિકલ મેડિસિન ઍક્સપર્ટ ડૉ. મલિક મર્ચન્ટ કહે છે, ‘મેન્ટલ ઇલનેસની બે કૅટેગરી છે, કૉમન અને સિવિયર એટલે કે સ્કિઝોફ્રેનિયા. બહેકી-બહેકી વાતો કરવી, વાતચીત દરમિયાન ઑફ ટ્રૅક ચાલ્યા જવું, પોતાનો ખયાલ ન રાખવો, બેફિકર રહેવું, લોકોને શંકાની દૃષ્ટિએ જોવું એ સિવિયર મેન્ટલ ઇલનેસ છે. બિહેવિયર ચેન્જિંગના કારણે એને ઓળખવી એકદમ સહેલું છે, જ્યારે કૉમન અથવા માઇલ્ડ સ્ટેજની મેન્ટલ ઇલનેસને ઓળખવી અઘરું છે. એમાં દરદી અંદરને અંદર મૂંઝાયા કરે છે. ઊંઘ ઓછી થઈ જાય અથવા વધી જાય, ગુમસુમ રહેવા લાગે, કોઈ કામ કરવામાં રસ ન પડે, બહુ જલદી રડવું આવી જાય, ગભરાટ અને બેચેની થાય, કૉન્સ્ટ્રેશન ડિફિકલ્ટી હોય, વધારે પડતી ફિકર કરવા લાગે, ઉમંગ અને ઉત્સાહનો અભાવ હોવો એ લક્ષણો છે. મનોરોગ કંઈ રાતોરાત નથી થતો. વર્ષોથી મનમાં કંઈક ચાલતું હોય છે જે તમને આ સ્તર સુધી પહોંચાડી દે છે. રિલેશનશિપમાં કમ્પૅટિબિલિટી ન હોય, ટ્રસ્ટ ઇશ્યુ હોય ત્યારે બન્ને એકબીજા સાથે કમ્ફર્ટ ફીલ નથી કરતાં. લાંબા ગાળે એની માનસિક અસર થાય છે. મેન્ટલ ઇલનેસને મલ્ટિપલ કૉઝિઝના ઍન્ગલથી જોવું જોઈએ. નિગ્લેક્ટ કરવાથી મૅનેજ કરવું મુશ્કેલ બને છે તેથી સમયસર નિદાન થાય એ જરૂરી છે.’

શું કરશો?


જો ખરેખર ઇચ્છતા હો કે તમારા પાટર્નર આ રોગમાંથી બહાર નીકળે તો સૌથી પહેલાં તમારા ઈગોને રેફ્રિજરેટરમાં મૂકી દો એવી ભલામણ કરતાં ડૉ. મલિક કહે છે, ‘વ્યવસ્થિત ચાલતી સાંસારિક ગાડીમાં ખલેલ પડી રહી છે એવો અણસાર વર્તાય ત્યારે તારું વર્તન કેમ બદલાઈ ગયું એવો સવાલ પૂછો. વાતાવરણ એવું હોવું જોઈએ કે તે તમારી સાથે મનની વાત શૅર કરી શકે. સહાનુભૂતિ અને વાતચીતનું સમાધાન ન નીકળે ત્યારે એક પાટર્નરે મૅચ્યોરિટી દાખવવી પડે છે. ઘણી વાર એક્સટેન્ડેડ ફૅમિલી સિચુએશનને સંભાળવાની જગ્યાએ ખરાબ કરી નાખે છે. એવામાં ન્યુટ્રલ પાટર્નર અથવા પ્રોફેશનલ ઇન્વૉલ્વમેન્ટની જરૂર પડે છે. રિલેશનશિપ કાઉન્સેલર, સાઇકિયાટ્રિસ્ટ અથવા ફૅમિલી ડૉક્ટરની હેલ્પ લેવામાં સંકોચ ન અનુભવો. મેન્ટલ ઇલનેસ નિદાન થયા બાદ એને સ્વીકારો અને ઇલાજ શરૂ કરો.’

આપણે ત્યાં મેન્ટલ ઇલનેસને લઈને હજી જોઈએ એવી સભાનતા આવી નથી. શરૂઆતનાં લક્ષણોને ઑબ્ઝર્વ કરીને તબીબી તપાસ માટે આવનારા દરદીઓની સંખ્યા ઘણી ઓછી છે. સમસ્યા ખૂબ વધી જાય પછી ડૉક્ટર પાસે આવે છે એવી વાત કરતાં ડૉ. સોનલ આનંદ કહે છે, ‘પ્રાથમિક લક્ષણોનું નિરીક્ષણ કરીને ઉપાય શરૂ કરી દેવો જોઈએ. અનેક કેસમાં મોડું થઈ જવાથી રિલેશનશિપ પ્રૉબ્લેમ સૉલ્વ થઈ શકતા નથી અને વાત ડિવૉર્સ સુધી પહોંચી જાય છે. મેન્ટલ ઇલનેસની બાળકો પર પણ અસર થાય છે. પાર્ટનર વાયલન્ટ થાય પછી ડૉક્ટરનો સંપર્ક કરવામાં રાહ ન જોવી. નિદાન થયા બાદ પાર્ટનરને ધરપત આપો કે આપણે સાથે મળીને સામનો કરીશું.’ 

આ પણ વાંચો : પુરુષોમાં પણ અદેખાઈ હોય છે એ વાત માનો ખરા?

સારવારનો તબક્કો

હસબન્ડ-વાઇફની ઇમોશનલ અને સેક્સ્યુઅલ રિલેશનશિપને અસર થવાથી કમ્ફર્ટ થવામાં વાર લાગે છે. એક પાર્ટનર મેન્ટલ ઇલનેસમાંથી પસાર થઈ રહ્યો હોય એવા કેસમાં આપવામાં આવતી સાઇકોથેરપીમાં હોલિસ્ટિક ટ્રીટમેન્ટ પર ફોકસ રાખવામાં આવે છે એમ જણાવતાં ડૉ. સોનલ કહે છે, ‘સારવાર દરમિયાન સ્વસ્થ જીવનસાથીએ ખૂબ ધીરજ રાખવાની છે. ઘરનું વાતાવરણ સારું રહે એવો પ્રયાસ કરવો. એકબીજા પર આક્ષેપો કરવાનું ટાળો. વાતચીત દલીલમાં પરિણમે એવા ટૉપિક પર વધારે ચર્ચા ન કરવી. નેગેટિવ રીઍક્શન આવશે એવું લાગે ત્યારે રિસ્પૉન્સ આપવાનું ટાળો. વાયલન્સને ટૉલરેટ કરવાની જરૂર નથી. આવી સ્થિતિમાં રૂમની બહાર નીકળી જવું. જૂની વાતોને વારંવાર ઉખેડવી નહીં. કઈ સિચુએશનમાં કેવું રીઍક્શન આવી શકે છે એને ઑબ્ઝર્વ કરવાથી ઘણુબધું અવૉઇડ કરી શકાય છે. પરિવારના અન્ય સભ્યોનું ઇન્વૉલ્વમેન્ટ શક્ય એટલું ઓછું હોવું જોઈએ.’

કૉમન ડિસઑર્ડર અને સિવિયર કેસને સેપરેટલી ટ્રીટ કરવામાં આવે છે. સામાન્ય રીતે ડિપ્રેશન અને ઍન્ગ્ઝાયટીનો ઇશ્યુ બે-ત્રણ વીકના સેશનમાં સૉલ્વ થઈ જાય છે. કૉમન મેન્ટલ ઇલનેસની સારવાર છ મહિનાથી બે વર્ષ સુધી ચાલી શકે છે. સારવાર ચાલતી હોય એ દરમિયાન સ્વસ્થ પાર્ટનરે લાઇફ સિચુએશનને ઍડ્રેસ કરવી જોઈએ એવી સલાહ આપતાં ડૉ. મલિક કહે છે, ‘આ એવો રોગ છે જેમાં દરદીને પોતાની બીમારીનો એહસાસ હોતો નથી તેથી જવાબદારી તમારે લેવી પડશે. કોર્સની વચ્ચે તમારે કો-પાટર્નર મટીને કૅરટેકરનો રોલ અદા કરવાનો છે. ડૉક્ટરની તમામ ઍડ્વાઇઝને ફૉલો કરવી જોઈએ. ઘણી વાર દરદીને થોડું સારું લાગે એટલે દવા બંધ કરી દે છે. કોર્સ અધવચ્ચે ન છોડવો. અલર્ટ પણ રહેવાનું છે. દરદી સામે નેગેટિવ વાતો ન કરવી. દરદીના ઇલાજની સાથે ફૅમિલી મેમ્બરોને પણ સાયકો-એન્જ્યુકેટ કરવા પડે છે. દરદીને સલાહ-સૂચનો આપીને ડરાવવા નહીં. તેના બિહેવિયર પર કમેન્ટ્સ નથી કરવાની. ઘણી વાર મેડિકેશનની સાઇડ ઇફેક્ટ્સ પણ થઈ શકે છે. ઇન્ટરનેટ પર ખણખોદ કરીને પોતાની હોશિયારી નથી બતાવવાની. ડાઉટ હોય તો ડૉક્ટરને પૂછો, ગૂગલને નહીં. મેડિકેશન અને થેરપીથી સારવાર પૂરી થતી નથી. દરદી સાથે સંકળાયેલી દરેક વ્યક્તિનો સકારાત્મક અભિગમ જ તેને આ સ્થિતિમાંથી બહાર લાવી શકે છે.’

  માનસિક સમસ્યાઓમાં દરદીને પોતાની બીમારીનો એહસાસ હોતો નથી. સારવાર દરમિયાન સ્વસ્થ જીવનસાથીએ કો-પાટર્નર મટીને કૅરટેકરનો રોલ અદા કરવાનો છે. ડૉક્ટરની તમામ ઍડ્વાઇઝને ફૉલો કરવાની સાથે તમારો અભિગમ તેને આ સ્થિતિમાંથી બહાર લાવી શકે છે ડૉ. મલિક મર્ચન્ટ 

Whatsapp-channel Whatsapp-channel

11 April, 2023 04:29 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK