વિશ્વમાં લગભગ ૩૦ કરોડ લોકોમાં ઍન્ટિ-માઇક્રોબાયલ રેઝિસ્ટન્સ જોવા મળ્યા છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
એક તબક્કે જે દવાઓ જીવનરક્ષક અને ક્રાન્તિકારી હતી એ જ હવે મોટી સમસ્યા ન બની જાય એની ચિંતા વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)ને સતાવી રહી છે. આ દવાઓ એટલે ઍન્ટિ-બાયોટિક્સ. વિશ્વમાં લગભગ ૩૦ કરોડ લોકોમાં ઍન્ટિ-માઇક્રોબાયલ રેઝિસ્ટન્સ જોવા મળ્યા છે એનું કારણ છાશવારે ઍન્ટિ-બાયોટિક્સનો બેફામ ઉપયોગ હોવાનું મનાય છે. WHOનું કહેવું છે કે કોરોના દરમ્યાન અનેક લોકોએ પુષ્કળ માત્રામાં ઍન્ટિ-બાયોટિક્સનું સેવન કર્યું છે. મહામારી દરમ્યાન કોવિડગ્રસ્ત લોકોમાંથી માત્ર ૮ ટકા લોકોને જ એની જરૂર હતી, પણ લગભગ ૭૫ ટકા લોકોએ ઍન્ટિ-બાયોટિક્સ લાંબો સમય સુધી લીધી હતી.
૨૦૧૯માં સમગ્ર વિશ્વમાં ઍન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR)ને કારણે ૧૨ લાખ લોકો મૃત્યુ પામ્યા હતા અને લગભગ ૪૯ લાખ લોકોનાં મૃત્યુમાં AMRની ભૂમિકા મુખ્ય હતી. આ આંકડાઓની સાથે જ WHOએ ચેતવણી બહાર પાડી છે કે ખાસ કરીને ઍન્ટિ-બાયોટિક્સ ડૉક્ટરને પૂછ્યા વિના જાતે ન જ લેવી.