ચાલવા તો જાઓ, પણ હવે નવો ટ્રેન્ડ છે સાઇલન્ટ વૉકિંગનો. કાનમાં ચડાવેલાં ભૂંગળાં ઘરે મૂકો, ફોન મૂકો ખિસ્સામાં અને નીકળી પડો એકલા જ ચાલવા. પછી જુઓ પોતાની જાત સાથે રહીને કોઈ ગૉસિપ કે સંગીતના સહારાને પડતો મૂકવાના કેવા મજાનાફાયદા થાય છે એ
હેલ્થ ઈઝ વેલ્થ
તૂ ‘ચલ અકેલા’!
સાઇલન્ટ વૉકિંગનો ટ્રેન્ડ માત્ર શારીરિક ફાયદા જ નહીં, માનસિક રીતે સુકૂન અને રિલૅક્સેશનનો ફાયદો પણ અપાવે છે.
‘મૈં ઔર મેરી તન્હાઈ’ની જેમ જ્યારે એકલા જ ડિવાઇસ ફ્રી થઈ નેચરમાં ‘સાઇલન્ટ વૉકિંગ’ થાય છે ત્યારે એ તમને વર્તમાન ક્ષણમાં જીવવા પ્રત્યે સભાન રાખે છે
સૃષ્ટિ અગ્રવાલ, સાઇકોલૉજિસ્ટ
ADVERTISEMENT
ચાલવા તો જાઓ, પણ હવે નવો ટ્રેન્ડ છે સાઇલન્ટ વૉકિંગનો. કાનમાં ચડાવેલાં ભૂંગળાં ઘરે મૂકો, ફોન મૂકો ખિસ્સામાં અને નીકળી પડો એકલા જ ચાલવા. પછી જુઓ પોતાની જાત સાથે રહીને કોઈ ગૉસિપ કે સંગીતના સહારાને પડતો મૂકવાના કેવા મજાનાફાયદા થાય છે એ
ચાલવાના ફાયદા કેટલા છે એ હવે કોઈને કહેવાની જરૂર નથી. જોકે ચાલવાનાય ઘણા પ્રકાર હોય છે. બ્રિસ્ક વૉકિંગ, સ્લો વૉકિંગ, જૉગિંગ, બૅકવર્ડ વૉકિંગ, સ્ટીપ વૉકિંગ, રેસ વૉકિંગ. અને એમાં લેટેસ્ટ ટ્રેન્ડ ઉમેરાયો છે સાઇલન્ટ વૉકિંગનો. આ કોઈ વિશેષ ટ્રેન્ડ નથી, પણ આપણી ચાલતી વખતે ગપાટા મારવાની કે પછી કાનમાં ભૂંગળાં ભરાવીને જોરશોરથી મ્યુઝિક સાંભળતાં-સાંભળતાં ચાલવાની ખોટી આદતોને છોડવાનું અલર્ટ આપતો ટ્રેન્ડ છે. યસ, આ ટ્રેન્ડ હેલ્થ-ફ્રીક જુવાનિયાઓને બહુ ગમી રહ્યો છે.
સાઇલન્ટ વૉકિંગ બિલકુલ મેડિટેશન જેવી અસર કરે છે. યોગ કે મેડિટેશન કરતી વખતે આપણે ધીરે-ધીરે બધું જ ફોકસ આપણા શ્વાસોચ્છ્વાસ પર લઈને આવીએ છીએ એ જ રીતે સાઇલન્ટ વૉકિંગથી આપણે બધું જ ફોકસ આપણી ચાલવાની પ્રક્રિયા પર લાવીએ છીએ. આસપાસના માહોલને ઑબ્ઝર્વ કરીએ, એકાગ્રતા આવતાં શાંતિનો અનુભવ કરીએ છીએ. એક્સપર્ટ્સ કહે છે કે આ રીતની માઇન્ડફુલ વૉક આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ઘણી સારી અસર છોડે છે.
દિવસ આખો આપણા મગજમાં કોઈને કોઈ ચર્વણ ચાલુ રહેતું હોય ત્યારે ચાલતી વખતે સાવ જ એકલા હોવા છતાંય આપણે શાંત નથી હોતા. આજની આપણી લાઇફસ્ટાઇલ એવી બનતી જાય છે કે આપણે દિવસની નાનામાં નાની ક્ષણને પણ નિચોવી નાખીએ છીએ. આ જ કારણ છે કે આપણે સાવ ફ્રી હોઈએ ત્યારે પણ આપણે મોબાઇલમાં ખૂંપેલા રહેવાનું પસંદ કરીએ છીએ.
ટિકટૉક પર હાલ ટ્રેન્ડિંગ એવા ‘સાઇલન્ટ વૉકિંગ’ની ફેમ જ બતાવે છે કે આપણને પોતાની બિઝી લાઇફમાંથી હવે ટેમ્પરરી કટઑફની જરૂર પડવા લાગી છે. દિવસના એક નાનકડા ભાગમાં થતું આ કટઑફ આપણને આખા દિવસ માટે રીચાર્જ કરી શકે એટલું પાવરફુલ હોય છે. આ સમયમાં માણસ તનાવ ભૂલીને એફર્ટલેસલી આંતરિક રીતે પોતાની સાથે જોડાય છે. એટલે ઘણી વખત હીલિંગના ભાગરૂપે એક્સપર્ટ્સ સાઇલન્ટ વૉકિંગ સજેસ્ટ કરવા લાગ્યા છે.
મ્યુઝિક અને પૉડકાસ્ટ માનસિક ત્રાસ આપે છે એવું તો બિલકુલ જ નથી. એના ફાયદાઓ એની જગ્યાએ જ છે. પણ એનાથી મળતું હાઈ સ્ટિમ્યુલેશન મગજને શાંત કરવામાં કે સારી ઊંઘ કરવા માટે ક્યારેક નડતરૂપ બને છે, કારણ કે મગજ સતત વિચારવાની કન્ડિશનમાં જ રહે છે. જ્યારે આપણે ડાઉન ફીલ કરતા હોઈએ ત્યારે ઘણી વાર લાગતાવળગતા લોકો આપણને એક સલાહ આપે છે કે ‘જાઓ, જઈને થોડી ફ્રેશ ઍરની મજા માણો’ કે ‘જાઓ, થોડું ચાલી આવો એટલે સારું લાગશે’, આવું કહેતાં કાઉન્સેલિંગ સાઇકોલૉજિસ્ટ સૃષ્ટિ અગ્રવાલ કહે છે, ‘કેમ આવું કહેતા હોય છે? ચાલવાથી આપણા પ્રૉબ્લેમ તો સૉલ્વ નથી થતા, સમસ્યાઓ ત્યાંની ત્યાં જ રહે છે. પણ આવું કરવાથી એક બ્રીધિંગ સ્પેસ ચોક્કસ મળે છે. પોતાની સાથે ગાળેલું એકાંત ધીરે-ધીરે આપણને શાંત પાડતું જાય છે. ચાલવાના ફાયદાઓ તો આપણે જાણીએ જ છીએ પણ જ્યારે એ સાઇલન્ટ્લી કરવામાં આવે છે એટલે કે ‘મૈં ઔર મેરી તન્હાઈ’ જેમ જ્યારે એકલા જ ડિવાઇસ ફ્રી થઈ નેચરમાં ‘સાઇલન્ટ વૉકિંગ’ થાય છે ત્યારે એ તમને વર્તમાન ક્ષણમાં જીવવા અને આસપાસના માહોલ પ્રત્યે સભાન રહેવા મદદ કરે છે. સાઇકોલૉજીમાં એને ‘માઇન્ડફુલનેસ’ કહે છે. માઇન્ડફુલ થવા માટે જે સ્થિતિમાં છીએ ત્યાં માઇન્ડને એસ્ટાબ્લિશ કરવાની વાત છે. સાઇલન્ટ વૉક ‘માઇન્ડ ફુલ’ હોવાને સ્થાને તમને ‘માઇન્ડફુલ’ કન્ડિશનમાં લઈ જાય છે. લાઇફમાં ક્લૅરિટી લાવવા આ બહુ જ જરૂરી છે. આની અસર આપણાં હાર્ટ રેટ, વિચારો, પાચન તંત્ર અને ઓવર ઑલ વેલ બીઇંગ પર પડે છે. એનાથી ઊંઘ પણ સારી આવે છે. રિસર્ચ બતાવે છે કે ઓવર થિન્કિંગ, બૅડ સ્લીપ પૅટર્ન, હાઈ મેન્ટલ સ્ટિમ્યુલેશન, નેગેટિવ થિન્કિંગ અને મેન્ટલ ચૅટરિંગ જેવા ઇશ્યુઝ પણ આવી વૉકથી રિઝોલ્વ થાય છે.’
સૃષ્ટિ આગળ કહે છે, ‘શરૂઆતમાં એવું લાગી શકે છે કે આપણા ચાલવાના રૂટીનમાં કશુંક મિસિંગ છે. શરૂઆતમાં પુશ કરવુંય પડે કદાચ. પણ એક વાર તમે જો આમાં કમ્ફર્ટેબલ થઈ જાઓ તો આગળ જતાં તમે એને એન્જૉય કરી શકો છો. ચાલવું હોય કે બીજી કોઈ વસ્તુ, પોતાની સાથે દિવસમાં એક વખત સમય વિતાવવો જરૂરી જ છે. આપણા માનસિક સ્વાસ્થ્ય પર એની અસર વિશે વાત કરીએ તો ચાલવાથી તનાવ ઓછો થાય છે અને ફીલ-ગુડ હૉર્મોન્સ રિલીઝ થતાં આપણને સારું લાગે છે. સ્ટ્રેસફુલ માહોલમાં જેટલો બહારનો ઘોંઘાટ બંધ કરવો જરૂરી છે એટલો જ અંદરનો ઘોંઘાટ પણ બંધ કરવો રહ્યો. બજારમાં એકલા જઈ શૉપિંગ કરવું સાઇલન્ટ વૉક ન કહી શકાય.’
મલ્ટિટાસ્કિંગ દર વખતે જરૂરી નથી
રસપ્રદ વાતચીત કે પોડકાસ્ટ કે લાઉડ મ્યુઝિક સાથે કરવામાં આવતી વૉક્સ બૉડીને એકસાથે બહુ જગ્યાએ પહોંચી વળવાનો ટાસ્ક આપે છે. લાંબા ગાળે આ સ્ટ્રેસફુલ થઈ શકે છે. ચાલતી વખતે માનસિક વિરામ મળવો એટલે જરૂરી છે કે એનાથી શરીરને મળતો મહત્તમ ફાયદો લણી શકાય છે. આવો મહત્તમ ફાયદો લણવા માટે આટલું ચોક્કસ કરવું.
ઘરેથી વૉક માટે નીકળતા પહેલાં પોતાનાં હેડફોન્સ કે બિનજરૂરી ડિવાઇસિસ ઘરે જ મૂકી દેવાં. શક્ય હોય તો ફોન પણ ઘરે જ મૂકી દેવો અથવા પૉકેટથી બહાર નહીં કાઢો એવા નિર્ણય સાથે જ ઘરની બહાર નીકળવું.
મિત્રો કે વૉકિંગબડી સાથે જવા કરતાં એકલા જવાનું પસંદ કરવું. જો કોઈ સાથે હોય તો મૌન વૉક કરવાનું પહેલાંથી આપસમાં નક્કી કરી લેવું.
આસપાસ શું છે એ ઑબ્ઝર્વ કરવું. શક્ય હોય તો ઓપન ગાર્ડન કે ઓપન ટેરેસ પસંદ કરવા, નેચરની મહત્તમ નજદીક રહી શકીએ એવી જગ્યાઓ પસંદ કરવી.
સવારનો સમય અને ખાસ કરીને આછો તડકો હોય એ સમય વૉકિંગ માટેનો બેસ્ટ સમય ગણવામાં આવે છે. એનો ફાયદો લેવો. ફિટનેસ એક્સપર્ટ કૈલાશ માને કહે છે, ‘ઘણા લોકો ચાલતી વખતે હેડફોન્સ પર લાઉડ મ્યુઝિક સાંભળતા હોય છે. જાણે ચાલવું એમના માટે એક બોરિંગ ઘટના હોય. ચાલવું એમને જરૂરી પણ લાગતું હોય એટલે પોતાને આવી સ્થિતિમાં ટકાવી રાખવા હેડફોન્સનો ઉપયોગ કરતા હોય છે. આ પણ એકાંત એન્જૉય કરવાની એક હેલ્ધી રીત માનવામાં આવે છે. પણ આવી રીતે ચાલવામાં ક્યારેક ચાલવાની રિધમ મેઇન્ટેન નથી થતી. ઘણી વખત બીપીવાળા પેશન્ટ વધતીઓછી રિધમમાં ચાલીને નુકસાન વહોરી લે છે. એ સામે ‘સાઇલેન્ટ વૉકિંગ’ કરવાનો ફાયદો એ છે કે આપણે શું કરીએ છીએ એના પર ધ્યાન રહે. હું ઘણા સ્ટુડન્ટ્સને વૉકિંગ માટે કહેતો હોઉં છું. જ્યારે આપણે વૉકિંગ કરીએ છીએ ત્યારે આપણાં સ્ટ્રેન્થ અને સ્ટેમિના વધતાં હોય છે. એના લીધે હ્રદયને લગતી બિમારીઓથી બચી શકાય છે. BMI કંટ્રોલમાં રહે અને મેટાબોલિઝ સુધરે છે. ફોન પર મ્યુઝિક સાંભળતાં ચાલવામાં કૉન્સન્ટ્રેશન નથી રહેતું. એકલા ચાલવાથી મેડિટેટિવ સ્ટેટ મળે એ અલગ. ફિટ રહેવા માટે ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ બંને એટલાં જ જરૂરી છે. પહેલાંના જમાનામાં કોઈ જ જાતનાં ઇક્વિપમેન્ટ્સ યુઝ ન થતાં. લોકો માઇલો સુધી એકલા ચાલી લેતા. એ લોકો લાંબી ઉંમરવાળું જીવી ગયા અને ઇમ્યુનિટી અને સ્ટ્રેંગ્થ પણ આજના યુવાનોને હંફાવે એવી રહેતી. મને તો એનું આ જ કારણ લાગે છે. સિસ્ટમૅટિક વૉકિંગથી કાર્ડિયોવૅસ્ક્યુલર એબિલિટી વધે છે એ આપણને ખબર જ છે. વૉકિંગ ફૅટ લૉસ, સ્ટૅમિના બિલ્ડિંગ, બ્લડ-પ્રેશર ઘટાડવામાં મદદરૂપ થાય છે. સાઇલન્ટ વૉકિંગ આ ફાયદાઓમાં ઉમેરો એ કરે છે કે એનાથી ઊંઘ સારી થાય છે અને નેગેટિવિટી ઘટે છે. વ્યક્તિ વધુ પૉઝિટિવ અને એનર્જેટિક બને છે. વૉકિંગની નિયમિત પ્રૅક્ટિસ બુઢાપામાં ગોઠણના દુખાવાથી રાહત આપે છે. યુવાનીમાં જ આ આદત હોય તો ઉંમર વધતાં આવી ફરિયાદો રહેતી નથી.’