માનવશરીર ઊભા રહેવા માટે સર્જાયેલું છે. જ્યારે આપણે વાંદરા હતા અને એમાંથી હોમો સેપિયન્સ બન્યા, પગ પર ઊભા થઈ શક્યા એની પાછળ જવાબદાર સ્નાયુઓમાં મુખ્ય સ્નાયુ જે કહી શકાય એનું નામ છે ગૅસ્ટ્રોક્નિમિયસ અને સોલિયસ સ્નાયુ, જેને આપણે પગની પિંડી કહીએ છીએ.
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક તસવીર
માનવશરીર ઊભા રહેવા માટે સર્જાયેલું છે. જ્યારે આપણે વાંદરા હતા અને એમાંથી હોમો સેપિયન્સ બન્યા, પગ પર ઊભા થઈ શક્યા એની પાછળ જવાબદાર સ્નાયુઓમાં મુખ્ય સ્નાયુ જે કહી શકાય એનું નામ છે ગૅસ્ટ્રોક્નિમિયસ અને સોલિયસ સ્નાયુ, જેને આપણે પગની પિંડી કહીએ છીએ. જ્યાં ઘણી વાર ગોટલા જામી જાય છે એ સ્નાયુઓ માનવશરીરમાં અત્યંત જરૂરી સ્નાયુઓમાંના એક છે.
એનું મુખ્ય કામ સમજવા માટે શરીરની રચના સમજવી જરૂરી છે. આપણા હૃદય સાથે બે પ્રકારની નળીઓ સંકળાયેલી હોય છે. એક જેમાં શુદ્ધ લોહી હોય, જેને ધમની કહેવાય અને બીજી જેમાં અશુદ્ધ લોહી હોય જેને શિરા કહેવાય છે. લોહી આખા શરીરમાં ધમની વાટે પહોંચે છે, પરંતુ આ એ લોહી છે જે આખા શરીરમાંથી શીરા વાટે હૃદય સુધી પહોંચે છે. હવે વિચારો કે આપણે જ્યારે ઊભા હોઈએ ત્યારે ઉપરથી લોહીનું નીચે જવું સરળ છે, પરંતુ નીચેથી ઉપર લોહીને પહોંચાડવા માટે એક ધક્કાની જરૂર રહેવાની જ. આ કામ આ સ્નાયુ કરે છે એટલે જ એને શરીરમાં બીજા હૃદયની ઉપાધિ આપવામાં આવી છે. જ્યારે આ સ્નાયુને કામમાં લગાડવામાં આવે ત્યારે કૅલરી ખાસ્સા પ્રમાણમાં ખર્ચ થાય છે. ડાયાબિટીઝની વ્યક્તિ જો સોલિયસ સ્નાયુનો ઉપયોગ કરે તો તેની ૩૦-૪૦ પૉઇન્ટ શુગર ઘટાડી શકે છે.
ADVERTISEMENT
આ એક્સરસાઇઝ એટલે સાદી રીતે સમજવા જઈએ તો પહેલાં દરજી કપડાં સીવવા માટે જે જૂના મશીન વાપરતા એ મશીન પર તેમના જે રીતે પગ ચલાવતા એ એક્સરસાઇઝ કરવાથી ઘણા ફાયદા છે. આ સ્નાયુને કામે લગાડવાથી ઘણા ફાયદા થાય છે. મહત્ત્વનું એ છે કે પગને ૯૦ના ખૂણે રાખીને આ એક્સરસાઇઝ યોગ્ય રીતે થવી જોઈએ. જોકે આ એક્સરસાઇઝ સાથે એક રિસ્ક જોડાયેલું છે. ડીપ વેઇન થ્રૉમ્બોસિસ નામનો રોગ છે જેમાં નસોમાં જુદા-જુદા કારણસર થ્રૉમ્બસ એટલે કે બ્લડ ક્લૉટ જેને આપણે સાદી ભાષામાં લોહી જામી જવું કહીએ અને એ લોહી ગંઠાઈ જવાથી જે ગાંઠ જેવું બની જાય એ ક્લૉટ ઉદ્ભવતું હોય છે. આ પગમાં ઉદ્ભવેલો ક્લૉટ કે બ્લૉકેજ તૂટે ત્યારે એ છેક પગથી ઉપરની બાજુએ ફેફસાં સુધી લોહીની સાથે વહીને ઉપર આવી શકે છે. પગમાં થયેલો આ ક્લૉટ નળીઓના પ્રવાહમાં વહી ફેફસાંની ધમની સુધી પહોંચે છે અને એ ધમનીને બ્લૉક કરે છે જેને કારણે અટૅક આવી શકે છે. દરેક ફિઝિયો જેની પાસે પિંડીની સમસ્યા લઈને કોઈ દરદી આવે ત્યારે એનું ખૂબ ધ્યાન રાખવાનું હોય છે, કારણ કે એ પિંડીની સમસ્યા દૂર કરતાં-કરતાં જો થ્રૉમ્બોસિસ થઈ ગયું તો જીવન-મરણનો પ્રશ્ન સામે આવી શકે છે. માટે આ સ્નાયુની એક્સરસાઇઝ જેટલી ઉપયોગી છે એટલું જ એનાથી ડરીને રહેવું જરૂરી છે.