Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > હોમિયોપથી મારા પર કેમ અસર નથી કરતી?

હોમિયોપથી મારા પર કેમ અસર નથી કરતી?

Published : 10 April, 2025 02:05 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડિપ્રેશન શબ્દ આપણે વારંવાર વાપરીએ છીએ. કોઈ દુખી મ્યુઝિકને આપણે ડિપ્રેસિંગ મ્યુઝિક કહીએ છીએ તો શોક વ્યક્ત કરતા ન્યુઝને ડિપ્રેસિવ ન્યુઝ અને એ જ રીતે કોઈ નેગેટિવ વાતો કરનારી વ્યક્તિને ડિપ્રેસ્ડ વ્યક્તિ.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઘણા લોકો પર હોમિયોપથી ખૂબ કારગર નીવડે છે તો સામે પક્ષે અમુક લોકો કહે છે કે તેમને હોમિયોપથીની ટ્રીટમેન્ટથી કંઈ જ ફાયદો થયો નથી. જો આ ફરિયાદ તમને પણ હોય તો હોમિયોપથી કામની નથી એ જજમેન્ટ પર આવતાં પહેલાં આજે વર્લ્ડ હોમિયોપથી ડે નિમિત્તે સમજવાની કોશિશ કરીએ કે હોમિયોપૅથિક દવાઓની અસર શરીર પર ક્યારે થતી નથી.


ડિપ્રેશન શબ્દ આપણે વારંવાર વાપરીએ છીએ. કોઈ દુખી મ્યુઝિકને આપણે ડિપ્રેસિંગ મ્યુઝિક કહીએ છીએ તો શોક વ્યક્ત કરતા ન્યુઝને ડિપ્રેસિવ ન્યુઝ અને એ જ રીતે કોઈ નેગેટિવ વાતો કરનારી વ્યક્તિને ડિપ્રેસ્ડ વ્યક્તિ. રોજબરોજની વાતોમાં ડિપ્રેસ અને ડિપ્રેશન જેવા શબ્દો આપણે ઘણા વાપરીએ છીએ. પરંતુ આ શબ્દોનો અર્થ દુઃખ અને સ્ટ્રેસ સાથે જોડાયેલો છે. ૧૦૦માંથી ૯૯ લોકો જ્યારે કહે છે કે હું ડિપ્રેસ્ડ છું ત્યારે એનો અર્થ મોટા ભાગે એવો થતો હોય છે કે તેને મજા નથી આવતી, કંટાળો આવે છે, ચિંતા થાય છે, દુખી છે કે પડી ભાંગી છે. પરંતુ ખરું ડિપ્રેશન કોને કહેવાય એની દરેક વ્યક્તિને સમજ નથી હોતી. હકીકતમાં ડિપ્રેશન વિશે જોયું-જાણ્યું હોય તો આપણી હિંમત ન થાય આ શબ્દને આમ રમતાં-રમતાં વાપરવાની. જો એ સમજ હોય તો ભૂલથી પણ ગમે ત્યારે આ શબ્દ આપણે વાપરી ન શકીએ. આપણે કૅન્સર જેવો શબ્દ ગમે ત્યાં વાપરીએ છીએ કે? કારણ કે આપણને ખબર છે કે કૅન્સર શું છે. એવી જ રીતે ડિપ્રેશન શું છે એ સમજાય અને દરેક સુધી પહોંચે એ જરૂરી છે. ફક્ત એ માટે નહીં કે આ શબ્દનો ખોટી જગ્યાએ ઉપયોગ ટળે, પરંતુ ડિપ્રેશનને જેટલું હળવાશથી લોકો લે છે એને બદલે એની ગંભીરતાને સમજી શકે અને એનો ઇલાજ કરાવી શકે.

ડિપ્રેશન એ અવસ્થા નહીં, રોગ છે. ઘણા લોકો માને છે કે અમુક સમય પૂરતી આવતી ઉદાસીનતા જ ડિપ્રેશન છે. ઉદાસીનતા અને ડિપ્રેશનમાં ઘણો ફરક છે. આ કોઈ અવસ્થા નથી જે આવે અને એની મેળે જતી રહેશે. આ એક રોગ છે. આ માનસિક નહીં, શારીરિક રોગ છે. એટલે કે ડિપ્રેશન દરમિયાન મગજમાં અમુક ખાસ નોંધપાત્ર ફેરફાર થાય છે અને આ ફેરફાર ડિપ્રેશન પાછળનું કારણ હોઈ શકે છે જે સાબિત થયેલું તથ્ય છે. ડિપ્રેશન એક લાંબા ગાળાનો રોગ છે. 
જેમ આપણે ડિપ્રેશન શબ્દને હળવાશમાં લઈએ છીએ એમ જ એ રોગને પણ. આપણને લાગે છે ડિપ્રેશન તો નબળા લોકોને થાય. જેને ડિપ્રેશન છે એવા લોકો વિશે જાણીએ તો ખબર પડે કે સમાજમાં ઘણી સ્ટ્રૉન્ગ પોઝિશન ધરાવતા, અત્યંત સફળ અને આગળ પડતા લોકોને પણ ડિપ્રેશન આવે છે. ડિપ્રેશન તરફ ગંભીરતા નથી તો એના ઇલાજ માટે કઈ રીતે હોય? જો તમને ડાયાબિટીઝ હોય તો? ઇલાજની જરૂર છે જ. એ જ રીતે ડિપ્રેશનને પણ ઇલાજની જરૂરત છે જ. દરદીની પોતાની ઇચ્છાશક્તિ અને પરિવારનો સપોર્ટ અત્યંત મહત્ત્વનાં છે, પરંતુ આ બધાથી ઉપર મહત્ત્વનો છે એનો ઇલાજ. જાતે મન મક્કમ કરવાથી દુઃખ દૂર થાય, ડિપ્રેશન નહીં.

૧૫ વર્ષની રીનાને નાનપણથી ડસ્ટ માઇટની માઇલ્ડ ઍલર્જી હતી. તેના પેરન્ટ્સને લાગ્યું કે જેમ મોટી થતી જશે એમ ઠીક રહેશે, પરંતુ પ્રૉબ્લેમ મોટા થતાં વધતો ચાલ્યો. ઍલર્જી ખૂબ વધી જાય ત્યારે શ્વાસમાં પણ તકલીફ પડવા લાગી એટલે તેમણે હોમિયોપથીનો સહારો લીધો. એક જ મહિનાની અંદર એવાં તો ચમત્કારિક પરિણામ મળ્યાં કે રીના અને તેના પેરન્ટ્સ હોમિયોપથીનાં ગુણગાન ગાતાં થાકતા નથી. જોકે ૧૨ વર્ષની નયનાને તેની ધૂળની ઍલર્જી માટે જ્યારે હોમિયોપથી શરૂ કરવામાં આવી ત્યારે તેને કંઈ ખાસ ફરક ન પડ્યો. ૧ વર્ષથી તેઓ ઇલાજ કરે છે પણ હવે ધીરજ ગુમાવી બેઠા છે. હોમિયોપથીથી કંઈ જ ફરક નથી પડતો એવું તે બધાને કહી રહ્યા છે.

હોમિયોપથી એક એવું સાયન્સ છે જે લગભગ બે વિભાગમાં વહેંચાયેલું છે. એક તરફ એવા લોકો છે જે એનાં ગુણગાન ગાતાં થાકતા નથી અને બીજી તરફ એવા લોકો છે જેમને લાગે છે કે આનાથી કઈ ફરક પડતો નથી. હકીકતમાં તો ઍલોપથીમાં પણ એવું જ છે. એક પૅરાસિટામોલ લઈએ તો કોઈનો તાવ ઊતરી જાય અને કોઈનો ઊતરે જ નહીં. આ પરિસ્થિતિમાં આપણે કહીએ છીએ કે ઇન્ફેક્શન ભારે છે એટલે તાવ નથી ઊતરતો. આપણે એવું નથી કહેતા કે પૅરાસિટામોલ કામ નથી કરતી. કોઈ વૈદે હરડે લખી આપી હોય તો એનાથી બધા જ લોકોનું પેટ પૂરેપૂરું સાફ થશે જ એની કોઈ ગૅરન્ટી છે ખરી? છતાં આપણે આયુર્વેદ પર પ્રશ્ન ઉઠાવતા નથી. દરેક સાયન્સની પોતાની મર્યાદા છે એ વાત સાચી, પણ જ્યારે એ તમારા પર કામ ન કરે ત્યારે ફક્ત એ સાયન્સની મર્યાદા જ જવાબદાર નથી હોતી, બીજાં કારણો પણ હોઈ શકે છે. એ વાત સાચી કે હોમિયોપથી અમુક લોકો પર ખૂબ સારી રીતે કામ કરે છે અને અમુક લોકો પર એની અસર ઓછી થાય છે કે થતી જ નથી. એની પાછળનાં કારણો શું છે એ આજે સમજવાની કોશિશ કરીએ. જો એકની ઍલર્જી ઠીક થઈ શકે તો બીજાની કેમ નથી થતી? જો એકનો સાંધાનો દુખાવો ઠીક થઈ શકે તો બીજાએ એવું શું કરવું જેનાથી તેના ખુદ પર હોમિયોપથી કામ કરતી થાય એ આજે સમજવાનો પ્રયત્ન કરીએ.

યોગ્ય દવા 
હોમિયોપથી ક્યારે અકસીર રીતે કામ કરે? આ પ્રશ્નનો જવાબ આપતાં ૨૫ વર્ષનો અનુભવ ધરાવનારા હોમિયોપૅથ અને ધ અધર સૉન્ગ : ઇન્ટરનૅશનલ ઍકૅડેમી ઑફ ઍડ્વાન્સ્ડ હોમિયોપથીનાં CEO ડૉ. મેઘના શાહ કહે છે, ‘હોમિયોપથીમાં ફક્ત ચિહ્નો પ્રમાણે દવા નથી અપાતી. દરદીને પૂરી રીતે ઓળખીને દવા અપાય છે. એ માટે અમે દરદીને અઢળક સવાલો પૂછીએ છીએ. એ સવાલોના જવાબને આધારે અમે નક્કી કરીએ છીએ કે આ દરદી પર આ દવા કામ કરવી જોઈએ. દરદીની સંપૂર્ણ ઓળખમાં જો કચાશ રહી જાય તો યોગ્ય દવા નક્કી ન થઈ શકે અને એટલે કદાચ એ દરદી પર અકસીર રીતે કામ ન કરી શકે. આ યોગ્ય ઓળખ બે બાબતો પર નિર્ભર કરે છે. એક તમારા હોમિયોપૅથની કુશળતા અને બીજું કે તમે કેટલી ધીરજ સાથે સાચા જવાબો તમારા હોમિયોપૅથને આપ્યા છે. ઘણી વખત એવું થાય છે કે લોકો ખુદને જ ઓળખતા નથી અને જો ઓળખે છે તો યોગ્ય રીતે વ્યક્ત કરી શકતા નથી. જેમ કે અમુક લોકો હંમેશાં એવું દેખાડવા ઇચ્છતા હોય છે કે તેમને કોઈ જ તકલીફ નથી જીવનમાં, પણ અંદરખાને ઘણુંબધું ધરબાયેલું હોય છે. એ બહાર આવતાં ઘણા દરદીઓને બે સેશન્સ લાગે તો ઘણાને વીસ. જે વ્યક્ત ન કરી શકતા હોય એવા દરદીઓને પણ ઓળખવાની જુદી-જુદી ટેક્નિક છે, જે હોમિયોપથીના ડૉક્ટર્સ જાણતા હોય છે. અમે અમારા દરદીને જેટલું વધુ ઓળખી શકીએ એટલો જ ઇલાજ અકસીર કરી શકીએ. એ માટે દરદી પણ કોશિશ કરે તો વધુ સારું. જે લોકો જાત પ્રત્યે સભાન છે, ખુદને ઓળખે છે અને તે જેવા છે એવા જ અમારી સામે પ્રસ્તુત થાય છે એવા લોકો પર કઈ દવા કામ કરશે એ નક્કી કરવાનું સરળ બને છે. એક વખત તમારા પર કઈ દવા કામ લાગશે એ નક્કી થઈ ગયું પછી તો ઇલાજનાં પરિણામ બેસ્ટ આવવાનાં જ છે.’

બીજાં કારણો
હોમિયોપથીની દવાઓને એનું કામ કરતા રોકનારાં બીજાં કારણો વિશે વાત કરતાં ૪૦ વર્ષનો અનુભવ ધરાવતા અને ૩૦ વર્ષથી રિસર્ચ ક્ષેત્રે જોડાયેલા લાઇફ ફોર્સ હોમિયોપથીના ફાઉન્ડર અને ડિરેક્ટર ડૉ. રાજેશ શાહ કહે છે, ‘જ્યારે કોઈ વ્યક્તિના શરીરમાં હેવી ઍલોપથી દવાઓની ખૂબ અસર હોય ત્યારે હોમિયોપથીની દવાની તેમના પર અસર થતાં વાર લાગે છે. જેમ કે કોઈ વ્યક્તિને સમજો કે દર મહિને ઇન્ફેક્શન થાય ત્યારે તે ઍન્ટિબાયોટિક દવાઓ લે, કોઈ વ્યક્તિ પોતાની ઍલર્જી માટે ઇમ્યુનોસપ્રેસન્ટ દવાઓ લે, કોઈ પોતાના સોરાયસિસ કે રૂમૅટૉઇડ આર્થ્રાઇટિસ માટે મેથોટ્રેક્સેટ જેવી દવા લે, કોઈ પણ ઇન્ફ્લૅમેશનને ઠીક કરવા સ્ટેરૉઇડ્સ લે તો આ પ્રકારની દવાઓ તમારી રોગપ્રતિકારક શક્તિને સપ્રેસ કરે છે કે અસર પહોંચાડે છે. હોમિયોપથી દવાનું કામ છે તમારી આ શક્તિને જાગૃત કરવાનું, એ પછી ઠીક થવાનું કે રોગને મટાડવાનું કામ તો શરીર ખુદ જ કરી લેતું હોય છે જેમનું શરીર ઍલોપથીની દવાઓની અસર હેઠળ હોય તો પહેલાં અમે તેમના શરીરને એ અસરથી મુક્ત કરીએ પછી તેમના રોગ પર કામ કરીએ. આમ એ કામ વધી જાય છે. એટલે જ અમે દરદીઓને સમજાવીએ છીએ કે કોઈ પણ લાંબા ગાળાનો રોગ તમને આવે તો એની શરૂઆતમાં જ તમે અમને મળો. જેમ કે ખબર પડે કે ડિપ્રેશન શરૂ થયું છે તો વર્ષો સુધી ઍન્ટિ-ડિપ્રેસન્ટ ખાઈને પછી અમારી પાસે આવો એના કરતાં પહેલેથી આવો તો તમારા માટે વધુ ફાયદાકારક રહેશે. ઍન્ટિડિપ્રેસન્ટ નહીં ખાવી પડે.’

ગોળીઓ કે ટીપાં કે પાઉડર? 
વર્ષોથી એ જ સમજવામાં આવે છે કે હોમિયોપથી દવા એટલે સફેદ ગોળીઓ, કારણ કે એક સમયે એને લેવાની આ જ પદ્ધતિ હતી. જોકે હવે એને ટીપાંના રૂપે પણ લેવાય છે. ઘણી દવાઓનું સૉલ્યુશન ઘરે બનાવવાનું હોય છે જેમાં ચોક્કસ પાણીના માપમાં એને ઓગાળી એ પાણીને અલગ પદ્ધતિથી ગ્રહણ કરવાની પણ રીત છે. ઘણા લોકો આ દવાને સીધા પાઉડર ફૉર્મમાં પણ લે છે. એ વિશે વાત કરતાં ડૉ. મેઘના શાહ કહે છે, ‘દરદીને કઈ દવા કયા રૂપમાં આપવી એ તેના હોમિયોપૅથ જ નક્કી કરે છે. છેલ્લા થોડા સમયથી અમે અમારી પ્રૅક્ટિસમાં જોયું છે કે નિશ્ચિત દવાના ડોઝ પાણીમાં ઓગાળી એનો પાવર ઍક્ટિવેટ કરીને અમુક પદ્ધતિ પ્રમાણે રાત્રે સૂતાં પહેલાં જ્યારે લેવામાં આવે છે ત્યારે એની અસર વધુ હોય છે. આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિ દવા શરૂ કરે એ પહેલાં અમે તેમને બે દિવસ ટીપાં આપીએ છીએ જેમાં એ દવાની પોટેન્સી ઘણી વધુ હોય છે જેથી એ તરત અસર કરે છે. જોકે રોજના ડોઝ તરીકે અમે ટીપાં પ્રિફર નથી કરતા, એ માટે ગોળીઓ જ આપીએ છીએ.’

આ વાતને સ્પષ્ટતા સાથે સમજાવતાં ડૉ. રાજેશ શાહ કહે છે, ‘હોમિયોપથી દવા પોટેન્ટાઇઝેશન દ્વારા તૈયાર કરવામાં આવે છે. એમાંથી પોટેન્સી મળે છે એટલે કે સાદા શબ્દોમાં સમજીએ તો એક પ્રકારની શક્તિ ધરાવતી દવા મળે છે. કોઈ પણ રોગ માટે નિયત દવા હોય છે અને ચોક્કસ પોટેન્સીની દવા અપાવી જરૂરી છે. એ દવાના લેવાનાં માધ્યમ અલગ-અલગ હોઈ શકે, જેનાથી ખાસ ફરક નથી પડતો. એ ફક્ત વ્યક્તિને સરળ પડે એ માટે છે. જેમ કે અમુક દરદીઓ મોઢેથી દવા લઈ નથી શકતા તો તેમને દવા સુંઘાડી પણ શકાય. ઘણી હોમિયોપથી દવાઓ હાથની હથેળી પર ઘસીને પણ આપવામાં આવે છે. તો ઘણાનાં ઇન્જેક્શન પણ આપી શકાય. હોમિયોપથી દવાઓમાં આલ્કોહોલનો સહેજ ઉપયોગ હોય છે. જો ધાર્મિક કારણોસર કોઈ દરદી અમને કહે કે આલ્કોહોલ ન જોઈએ તો એ દવાઓ સૂકવીને પણ આપી શકાય.’


Whatsapp-channel Whatsapp-channel

10 April, 2025 02:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK