Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

અનિવાર્ય છે આ અંધકાર

Published : 30 October, 2024 03:50 PM | Modified : 30 October, 2024 05:34 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

જરા કલ્પના કરો કે ક્યારેય રાત પડતી જ ન હોત તો. શું માત્ર અજવાળાના આધારે જ જીવનનું સંતુલન જાળવી શકાયું હોત? બિલકુલ નહીં. આજે કાળીચૌદશ નિમિત્તે ખૂબ વગોવાયેલા અંધકારની આવશ્યકતાને સમજીએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જરા કલ્પના કરો કે ક્યારેય રાત પડતી જ ન હોત તો. શું માત્ર અજવાળાના આધારે જ જીવનનું સંતુલન જાળવી શકાયું હોત? બિલકુલ નહીં. આજે કાળીચૌદશ નિમિત્તે ખૂબ વગોવાયેલા અંધકારની આવશ્યકતાને સમજીએ. ફેમિનાઇન એનર્જી ગણાતા અંધારાથી આપણી સતત વધી રહેલી દૂરી પણ અનેક સ્ત્રીજન્ય રોગોના મૂળમાં છે એવું પણ નિષ્ણાતો માને છે


અંધકારને આજ સુધી આપણે નકારાત્મકતા સાથે જ જોડ્યો છે. અંધારાથી ડરવાની ટ્રેઇનિંગ જાણે બાળપણમાં જ મળી જાય છે. કાળા રંગને પણ આપણે અપશુકનિયાળ કલર ગણીએ છીએ, પરંતુ ખરેખર અંધારું, કાળો રંગ એ બધું નકારાત્મક જ છે? શું ખરેખર એની આપણા જીવનમાં કોઈ જ જરૂર નથી. ધારો કે અંધારું થાય જ નહીં. ધારો કે સૂર્યાસ્ત સાથે રાત પડે જ નહીં? ધારો કે કાળો રંગ હોત જ નહીં તો? ડેફિનેટલી તમે એની કલ્પના ન કરી શકો. અંધકાર વિના અજવાળાનું કોઈ મૂલ્ય જ નથી. અંધકાર પ્રકૃતિના સંતુલનનો ગુણ સૂચવે છે અને હા, માત્ર બ્રહ્માંડના સંતુલનને નહીં પણ આપણા શરીરના સંતુલનમાં અંધકારનો વિશેષ મહિમા છે. આજે કાળીચૌદશ છે. દિવાળીમાં કકળાટ કાઢવા માટે જે કાળીચૌદશ મહત્ત્વની મનાઈ છે એ કાળીચૌદશ સાથે સંકળાયેલા કાળા રંગને, એ અંધકારને શું કામ જીવનમાં સ્થાન આપવું અતિમહત્ત્વનું છે એ વિશે આજે ચર્ચા કરીએ.



અંધકાર એટલે કઈ ઊર્જા?
ચાઇનીઝ ઍક્યુપંક્ચર પદ્ધતિમાં પૃથ્વી પરનાં દરેક તત્ત્વોને બે પ્રકારની એનર્જીમાં વિભાજિત કરાયાં છે. યીન એનર્જી અને યાંગ એનર્જી. યીન એટલે કે ફેમિનાઇન, સ્ત્રીત્વ સાથે સંકળાયેલી ઊર્જા અને યાંગ એટલે કે મસ્ક્યુલાઇન પુરુષત્વ સાથે સંકળાયેલી ઊર્જા. યોગનિષ્ણાત અને એનર્જી સાયન્સ સાથે સંકળાયેલા નિષ્ણાત મિતેશ જોષી એ વિશે કહે છે, ‘જેમ ઇલેક્ટ્રિસિટીમાં પણ પ્લસ અને માઇનસ એમ બન્ને પ્રકારના પાવરનો ઉપયોગ થાય છે અન્યથા ઇલેક્ટ્રિસિટીનું વિજ્ઞાન કામ જ ન કરે. એ જ રીતે જીવનમાં પણ અજવાળાની સાથે અંધારાનું મૂલ્ય છે. વ્યક્તિ હોય, સમાજ હોય કે આ આખું બ્રહ્માંડ બધું જ બે પ્રકારની ઊર્જાનું સંયોજન છે. એમાં અસંતુલન એ સમસ્યાનું મૂળ છે. પ્રકૃતિમાં આપણે અસંતુલન ક્રીએટ કરી રહ્યા છીએ એટલે ગ્લોબલ વૉર્મિંગથી લઈને અનેક પ્રકારની પ્રાકૃતિક આપત્તિઓને આમંત્રે છે. આપણે અત્યારે બહુ મોટા પાયે ફેમિનાઇન એનર્જીનું હનન કરી રહ્યા છીએ. પ્રકૃતિને એના મૂળ સ્વરૂપથી વિચલિત કરવી, શહેરીકરણ કરવું, વધુ પડતી ટેક્નૉલૉજીના સહારે જવું એ બધું જ મૅસ્ક્યુલાઇન એનર્જીને વધારનારું છે. એ જ રીતે તમે સમાજમાં પણ જોશો તો આ બદલાવ દેખાશે. ફેમિનાઇન એનર્જી રિલૅક્સ કરનારી છે. કામનેસ, પ્રેક અને કરુણા સાથે જોડાયેલી છે. શું કામ અંધારામાં તમે રિલૅક્સ થાઓ છો. રાત તમને આરામ આપવા, રિલૅક્સ કરવા સર્જાઈ છે. અંધારુ તમને હળવાશ અને રિલૅક્સેશન આપે છે. નિરાંત માટે આપણે લાઇટ ઓછી કરતા હોઈએ છીએ. જ્યારે અજવાળું તમને સતત ઍક્શન મોડમાં, રિફ્રેશ્ડ કરીને જાગ્રત મોડમાં રાખે છે. આજે ટેક્નૉલૉજીના પ્રભાવે ચારેય બાજુ લાઇટનો ઝળહળાટ છે. ચારેય બાજુ સતત ઓવર એક્સપોઝર ઑફ લાઇટ તમને જોવા મળશે. જેણે આપણી અંદરની ફેમિનાઇન એનર્જીને અસર પહોંચાડી છે. સમાજમાં વધેલી રેસ્ટલેસનેસ, યુદ્ધ અને સતત પોતાનું આધિપત્ય પ્રસ્થાપિત કરવાની ઝંખના એ ફેમિનાઇન એનર્જીનો અભાવ સૂચવે છે.’


અંધારું એટલે કઈ ઊર્જા?
યોગદર્શન પ્રમાણે આખું શરીર બે પ્રકારનું ઊર્જાનું સંયોજન છે. ચંદ્ર અને સૂર્ય ઊર્જા. નાડીશાસ્ત્રની દૃષ્ટિએ ચંદ્રનાડી એટલે ચંદ્રઊર્જા એટલે કે ફેમિનાઇન એનર્જીને રિપ્રેઝન્ટ કરે અને જમણી બાજુ સૂર્યનાડીનું રિપ્રેઝન્ટેશન કરે. અહીં પણ અંધારા અને અજવાળાના આપણા શરીર પર પડતા પ્રભાવ વિશે પણ સમજવા જેવું છે. ‍‍‍મિતેશભાઈ કહે છે, ‘દરેક સ્ત્રી અને પુરુષમાં બન્ને પ્રકારનાં હૉર્મોન્સ હોય છે. આપણા વ્યવહાર, આપણી મનોદશા અને આપણો સ્વભાવ બધાની જ અસર આપણી હેલ્થ અને આપણી એનર્જી સિસ્ટમ પર પડે છે. અંધકાર સાથેનો આપણો ઘરોબો ઓછો થયો છે એને કારણે મહિલાઓની હૉર્મોનલ સિસ્ટમ સૌથી વધુ પ્રભાવિત થઈ છે. વધી રહેલા સ્ત્રીજન્ય રોગો પાછળ પણ જવાબદાર છે આ અંધારાનો અભાવ. અંધારાનો અભાવ તમારા માઇન્ડસેટને વધુ લૉજિકલ બનાવે, તમારા ઇમોશન્સને પ્રભા‌વિત કરે. અંધારાનું એક્સપોઝર તમારી અંદર રહેલી અંતઃસ્ફુરણાને પુષ્ટ કરવાનું કામ કરતું હોય છે. તમે જ્યારે અંધારાને તમારી અંદર સમાવો છો ત્યારે તમે ફૉર્મમાંથી ફૉર્મલેસ અવસ્થા સુધી પહોંચતા હો છો. તમને કંઈ જ ન દેખાય અને જ્યારે અંધારું હોય એ સૂચવે છે કે અહીં તમે સમાપ્ત થઈ ગયા. આકાર, રંગ, રૂપનાં તમારાં તમામ લૉજિક અંધારા સામે પાણી ભરતાં હોય છે. ક્લાસિકલ યોગાસનો પણ ક્યાંક ને ક્યાંક આપણી અંદરની ફેમિનાઇન એનર્જીને બૅલૅન્સ કરવા માટે હતાં, પણ હવે એમાં બ્રેક લાગી છે, કારણ કે એમાં પણ હવે આપણે ડાયનૅમિક આસનો તરફ વળ્યા છીએ. અંધારું કેટલું રિલૅક્સેશન આપનારું છે એનો સીધો જ અનુભવ મેળવવો હોય તો બે હાથ એકબીજા સાથે રબ કરીને હથેળીને કપ શેપ બનાવીને જે રીતે આપણે ચહેરા પર મૂકીએ છીએ અને આંખોને આભાસી અંધકાર મળે છે ત્યારે જે અનુભવાય છે એ અખતરો કરવો જોઈએ. શું કામ આપણે તરત જ આંખ પાસે હળવાશ સાથે હાથ મૂકીએ અને આંખો રિલૅક્સ થઈ જાય છે? શું કામ આપણે આંખો બંધ કરીએ અને નિરાંત અનુભવાય છે?’

ટ્રાય કરો આ ડાર્કનેસ મેડિટેશન


જાણીતા યોગનિષ્ણાત પ્રસેનજિત કાંબળેએ અંધારાના મેડિટેશન પર ખૂબ સંશોધન કર્યું હતું અને એના આધારે તેમણે એ આપેલી. પ્રસેનજિત તો હવે આ દુનિયામાં નથી, પણ તેમણે આપેલી મેડિટેશન પદ્ધતિના અવનવા અનુભવો વિશે વાત કરતાં યોગનિષ્ણાત મિતેશ જોષી કહે છે, ‘ડાર્કનેસનો સ્વભાવ ઍબ્સૉર્બ કરવાનો હોય છે, પરંતુ જો કૉન્શિયસલી તમે એ ડાર્કનેસને ઍબ્સૉર્બ કરો તો અત્યારના સમયે ફેમિનાઇન અને મૅસ્ક્યુલાઇન એનર્જીના અસંતુલનમાં બહુ મોટી હેલ્પ મળી શકે એમ છે. સૌથી પહેલાં તમે આંખ બંધ કરીને રિલૅક્સ થઈને બેસો અને અથવા સૂઈ જાઓ. જે રૂમમાં છો એ રૂમમાં સંપૂર્ણ અંધારું હોય એની ચોકસાઈ રાખો. આંખો બંધ કરો અને ધીમે-ધીમે અનુભવ કરો જાણે પૃથ્વીના પેટાળમાંથી ઘનઘોર શ્યામ ઊર્જા તમારા શરીરમાં પ્રવેશી રહી છે. એ અંધકારભરી ઊર્જા તમારા પગથી કમ્મરના ભાગ સુધી વ્યાપક થઈ ગઈ છે અને જાણે તમારો એ હિસ્સો વિલીન થઈ ગયો છે. એવી જ રીતે ધીમે-ધીમે એ ઊર્જા આગળ વધી રહી છે. તમે એ મા કાળીની શ્યામ રંગની ઊર્જાને તમારી અંદર સમાવી રહ્યા છો અને તમારા શરીરના પ્રત્યેક કોષ જાણે એક અનન્ય નિરાંતમાં ખોવાઈ રહ્યા છે. માત્ર તમારા શરીરનો આકાર જ નહીં, પણ તમારા મનના દોષો પણ આ અંધકારમાં વિલ‌ીન થઈ રહ્યા છે.’

મણિપુરની મહિલાઓમાં પ્રચલિત છે આ પ્રયોગ
જેમ આપણે સૂર્યના તડકામાં એક્સપોઝ થઈને સનબાથ લઈએ છીએ એમ અંધારામાં સમય પસાર કરીને ડાર્કનેસને પણ અંદર એન્ટર થવા દેવી જોઈએ. એને માટે મણિપુરની બહેનો ચાંદીના લોટામાં પાણી ભરે અને એને એવી જગ્યાએ મૂકે જ્યાં કાળુંડિબાંગ અંધારું હોય. એક રાત એ પાણી રાખ્યા પછી એ પાણી પીએ જે ફેમિનિન એનર્જીમાં વધારો કરે.

અંધારામાં ઊંઘો
ઘણા લોકો સૂએ ત્યારે ડીમ લાઇટ ચાલુ રાખીને સૂતા હોય છે. શક્ય હોય ત્યાં સુધી આ આદત ટાળવી જોઈએ. તમે જે રૂમમાં સૂઓ એ રૂમમાં રાત્રિ દરમ્યાન સંપૂર્ણ અંધારું હોય એ તમારી ઊંઘની સાથે મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ માટે જરૂરી છે.

Whatsapp-channel Whatsapp-channel

30 October, 2024 05:34 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK