યસ, જો અયોગ્ય સનસ્ક્રીનની પસંદગી હોય અથવા એના ઓવરયુઝથી સંભવ છે. સૂર્યમહારાજ ખરેખર તપવાના શરૂ થઈ ગયા છે ત્યારે એનાં હાનિકારક કિરણોથી રક્ષણ મળે અને વિટામિન-Dના આપણા ક્વોટામાં ખલેલ ન પડે એના રસ્તા જાણવા જરૂરી છે
પ્રતીકાત્મક તસવીર
ઉનાળામાં ગરમીને કારણે ત્વચાની એક્સ્ટ્રા કૅર કરવી પડે છે. ઘરની બહાર નીકળતી વખતે સૂર્યનાં હાનિકારક કિરણોથી રક્ષણ મેળવવા માટે સનસ્ક્રીન મસ્ટ-હૅવ ચીજ માનવામાં આવે છે, પણ શું તમને ખબર છે કે દરરોજ સનસ્ક્રીન લગાવવાથી શરીરમાં વિટામિન-Dની ઊણપ આવી શકે? દરરોજ ઘરની બહાર જવાનું હોય કે ન જવાનું હોય, સ્કિનકૅર રૂટીનમાં સનસ્ક્રીન હોય એવા લોકો માટે આ લેખ કામની ચીજ છે. કોઈ પણ ચીજનો વપરાશ વધુ પડતો થાય એટલે એ ફાયદાને બદલે ગેરફાયદા આપવાનું શરૂ કરે છે એવી જ રીતે સનસ્ક્રીનનો ઉપયોગ પણ પ્રમાણસર કરવામાં આવે તો જ એ સ્કિન માટે ફાયદાકારક છે.
સનસ્ક્રીન શું કરે?
ADVERTISEMENT
જ્યારે આપણે સનલાઇટમાં આવીએ ત્યારે એમાંથી નીકળતાં કિરણો ત્વચાને ટચ કરીને શરીરની અંદર ઍબ્સૉર્બ થાય છે અને વિટામિન-Dની કમી પૂરી કરે છે. સનસ્ક્રીન એ સૂર્યનાં કિરણોથી શરીરને રક્ષણ આપે છે. જો દરરોજ સનસ્ક્રીન લગાવવામાં આવે તો ત્વચા પર એક પ્રોટેક્શન લેયર આવી જાય છે જે સૂર્યકિરણોને શરીરના સંપર્કમાં આવતાં રોકે છે. આવું થાય એટલે વિટામિન-D પૂરું પાડતાં સેફ કિરણો પણ શરીરની અંદર જઈ શકતાં નથી, પરિણામે સમયાંતરે વિટામિન-Dની ઊણપ સર્જાય છે.
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વધુ સન પ્રોટેક્શન ફૅક્ટર (SPF) હોય એવી સનસ્ક્રીન અલ્ટ્રાવાયલેટ (UV) કિરણોને સ્કિનમાં ઍબ્સૉર્બ થવા દેતું નથી એ તો ઠીક, એની સાથે એને લીધે શરીરમાં
વિટામિન-Dના પ્રોડક્શનને પણ ઓછું કરી નાખે છે. થિક સનસ્ક્રીન વાપરવાથી આ સમસ્યા આવી શકે છે. જોકે નૉન-સ્ટિકી અને વધુ SPF હોય એવું સનસ્ક્રીન યુવી કિરણોથી શરીરને રક્ષણ તો આપે જ છે અને સાથે વિટામિન-D બનવાની પ્રોસેસને પૂર્ણપણે બ્લૉક કરતું નથી.
જો આ વિટામિન ન મળે તો...
વિટામિન-Dના અઢળક ફાયદા છે. તંદુરસ્ત રહેવા માટે બાકી વિટામિન્સ અને મિનરલ્સની જેમ વિટામિન-Dની પણ જરૂર પડે છે. આ એવું વિટામિન છે જે ડાયટ અને દવામાંથી ઓછું અને સૂર્યપ્રકાશમાંથી સૌથી વધુ મળે છે. શિયાળા અને ચોમાસામાં તો ઘરની બહાર નીકળીને સૂર્યપ્રકાશમાં રહેવાથી કોઈ તકલીફ નથી થતી, પણ ઉનાળામાં આ વિટામિનની ઊણપને દૂર કરવા માટે લોકો તડકામાં બહાર નીકળવાનું ટાળે છે. જ્યારે આપણે સૂર્યપ્રકાશના સંપર્કમાં આવીએ છીએ ત્યારે શરીરમાં રહેલા કૉલેસ્ટરોલમાંથી વિટામિન-D બને છે અને સૂર્યપ્રકાશને જ આ વિટામિન માટેનો શ્રેષ્ઠ સોર્સ ગણવામાં આવે છે. એ મુખ્યત્વે હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે. આ સાથે નબળાઈ અને ડિપ્રેશન જેવી સમસ્યાઓને દૂર કરીને ઊર્જાનો સંચાર કરે છે. જો આ વિટામિન ન મળે તો શરીરમાં જાતજાતની સમસ્યા ઉદ્ભવે છે.
રાખો આટલું ધ્યાન
વિટામિન-D મેળવવા માટે સવારના તડકાને શ્રેષ્ઠ માનવામાં આવે છે ત્યારે જો તમને સવારે ૧૦ વાગ્યા બાદ ઘરેથી બહાર નીકળવાનું હોય તો સનસ્ક્રીન લગાવતાં પહેલાં ૧૫ મિનિટ તડકામાં ઊભા રહેવું.
માર્કેટમાં અઢળક બ્રૅન્ડ્સ સનસ્ક્રીન વેચે છે, પણ જે બ્રૅન્ડ નૉન-સ્ટિકી અને સ્કિનમાં લગાવતાંની સાથે જ ઍબ્સૉર્બ કરે એવું સનસ્ક્રીન બનાવે એ લેવાનો આગ્રહ રાખવો.
જેની સ્કિન ડ્રાય હોય તેણે એવી સનસ્ક્રીનની ખરીદી કરવી જોઈએ જેમાં મોઇશ્ચરાઇઝરનું પ્રમાણ બમણું હોય. એનાથી ત્વચાને રક્ષણ મળવાની સાથે સ્કિનને પોષણ પણ મળશે અને સૂર્યપ્રકાશમાંથી વિટામિન પણ. ઑઇલી સ્કિન હોય એવા લોકોએ વૉટર-બેઝ્ડ સનસ્ક્રીનનો ઉપયોગ કરવો હિતાવહ રહેશે.
વિટામિન-Dની કમી વધુ હોય તો એની ટૅબ્લેટ ખાવી, પણ નિયમિત ખાવાનું ટાળવું. એક દિવસ છોડીને એક દિવસ લઈ શકાય.

