હાઇજીનનું ધ્યાન વ્યવસ્થિત ન રાખવામાં આવ્યું હોય, ડિલિવરી પછી ટાંકાને શેક આપવો જરૂરી છે એ ન અપાયો હોય તો પણ આવું થઈ શકે.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
હાલમાં મારી દીકરીની પહેલી ડિલિવરી થઈ છે. તેનું લેબર પેઇન લગભગ ૪૦ કલાક કરતાં પણ વધુ ચાલ્યું હતું. પહેલી જ ડિલિવરી હતી એટલે બાળકને બહાર આવવામાં તકલીફ પડી રહી હતી માટે વજાઇનામાં એક નાનકડો કાપ મૂકીને તેની ડિલિવરી કરવામાં આવી હતી. ત્યાર પછી એ કાપમાં ટાંકા લેવામાં આવ્યા હતા. એ ટાંકામાં અત્યારે ઇન્ફેક્શન થઈ ગયું છે. ટાંકા પાકી જવાથી પરૂ થઈ ગયું અને દુખાવો એટલો ભયંકર છે કે તે ન તો સૂઈ શકે કે બેસી શકે. હું તેની આ હાલત જોઈ નથી શકતી. ડૉક્ટરે દવાઓ આપી છે, પણ તેના સ્તનપાનમાં આ દવાઓ અસર તો નહીં કરે? એનું ઇન્ફેક્શન જલદી ઠીક થાય એ માટેના ઉપાય જણાવશો.
ડિલિવરી દરમ્યાન કાપો પાડવો પડે એ સામાન્ય અવસ્થા છે, પરંતુ એમાં ઇન્ફેક્શન થઈ જવાનાં મુખ્ય કારણોમાંનું એક કારણ લાંબો સમય ચાલેલું લેબર પેઇન છે. તમારી દીકરીને જે થયું છે એ પાછળ કદાચ આ કારણ હોઈ શકે છે. બીજાં કારણોમાં કાં તો દરદી ખુદ ખૂબ નબળી હોય, હાઇજીનનું ધ્યાન વ્યવસ્થિત ન રાખવામાં આવ્યું હોય, ડિલિવરી પછી ટાંકાને શેક આપવો જરૂરી છે એ ન અપાયો હોય તો પણ આવું થઈ શકે. ટાંકા જેને આવ્યા હોય એને હંમેશાં અમે સલાહ આપીએ છીએ કે તમે પલાઠી વાળીને બેસશો નહીં. જો એમ બેઠાં હોય તો પણ ઇન્ફેક્શન આવી શકે છે. તમારે ટાંકાને સાફસુધરા રાખવાના. ગરમ પાણીમાં બેટાડિન સૉલ્યુશન નાખીને ૩-૪ વાર શેક કરવાનો. પૌષ્ટિક ખોરાક ખાઓ અને ઇમ્યુનિટી વધારો, જેથી ઇન્ફેક્શન સામે લડવાની તાકાત મળે. ટાંકા માટે ડૉક્ટરે જે દવાઓ આપી છે એ સેફ જ હોય, કારણ કે ગાયનેકને ખબર છે કે નવજાત શિશુ છે અને તેને સ્તનપાન કરાવવાનું રહેશે, માટે વગર ચિંતાએ અને દવાઓ મિસ કર્યા વગર ડોઝ પૂરા કરો. ડિલિવરી પછી જો તમે નાયલૉન કવરવાળાં પૅડ્સ પહેરો છો તો એનાથી ગરમી વધી જવાથી કે લોહી ત્યાં જ ચોંટ્યું રહેવાને કારણે ખાસ કરીને લાંબા સમય સુધી એક જ પૅડ પહેરતા હો તો આ પ્રકારના ઇન્ફેક્શન થવાની શક્યતા ખૂબ વધારે છે. બજારમાં હવે મેટરનિટી પૅડ્સ મળે છે, એ ખરીદો અને એ વાપરો. એ ઘણા સારા રહે છે. બાકી ઇન્ફેક્શન છે એટલે એ જતાં-જતાં જ જશે. દવાઓ પૂરી લો. હાઇજીનનું ધ્યાન રાખો. શેક કરતા રહો. બને કે આ ઇન્ફેક્શન લાંબો સમય રહે. એ જલદી ક્યૉર થઈ જાય એ માટે થોડા સજાગ પ્રયત્નો જરૂરી છે.

