તમારા કાફ મસલને સ્ટ્રૉન્ગ બનાવવા જરૂરી છે કે એ સતત ૪-૫ કલાક ઊભા રહેવાથી કડક ન બને.
ઓ. પી. ડી.
પ્રતિકાત્મક તસવીર (સૌજન્ય : આઈ-સ્ટૉક)
હું ૩૮ વર્ષની છું અને રસોડામાં કોઈ દિવસ ૪-૫ કલાક સતત ઊભા રહેવું પડે છે. જ્યારે રસોઈ કરીને હું બેસું છું તો પગમાં ગોટલા ચડી ગયા હોય છે. એકાદ વર્ષથી ગોટલા ચડી જવાની સમસ્યા ખૂબ વધી છે. પહેલાં તો હું આનાથી વધુ ઊભી રહેતી હતી. હું ઘરમાં જ રહું છું એટલે બીજી કોઈ ભાગદોડ છે નહીં, પરંતુ આ ગોટલા જલદીથી જતા પણ નથી, જેને લીધે ખૂબ દુખાવો રહે છે. મારાં સાસુ કહે છે કે માલિશ કરું, પણ એના સિવાય શું કોઈ ઉપાય નથી?
પગના ગોઠણથી નીચેના ભાગમાં પાછળની તરફ કાફ મસલ હોય છે. આ સ્નાયુઓ જ્યારે કડક થઈ જાય ત્યારે એને આપણે ગોટલા ચડી ગયા છે એમ કહીએ છીએ. વધુ કલાકો ઊભા રહેવાથી ગોટલા ચડી જાય એ નૉર્મલ છે, પણ ૩-૫ કલાક ઊભા રહેવાથી આવું અમુક લોકોને જ થાય. જે લોકો ઍક્ટિવ લાઇફ જીવતા નથી, એક્સરસાઇઝ કરતા નથી અને જેમનું વજન પણ વધારે છે. મોટા ભાગે હાઉસ વાઇફમાં આવી તકલીફ જોવા મળે છે માટે સૌથી પહેલો ઉપાય તમારે તમારું બેઠાડું જીવન દૂર કરવું જરૂરી છે. તમારા કાફ મસલને સ્ટ્રૉન્ગ બનાવવા જરૂરી છે કે એ સતત ૪-૫ કલાક ઊભા રહેવાથી કડક ન બને.
ADVERTISEMENT
આ સિવાય તમે તપાસ કરાવો. તમારામાં વિટામિન ‘બી’ની ઉણપ હોય, સોડિયમ કે પોટૅશિયમ ઓછું થઈ ગયું હોય કે પછી તમારું હાઇડ્રેશન ઓછું હોય એટલે કે પાણીની કમીને કારણે આવું થતું હોય તો પણ આ પરિસ્થિતિ સર્જાઈ શકે છે માટે વિટામિન ‘બી’ના સપ્લિમેન્ટ લઈ જુઓ. આ સિવાય જ્યારે રસોડામાં હો ત્યારે ગરમી કે પરસેવાને કારણે પાણીની કમી એકદમ ન થાય એનું ધ્યાન રાખો. રસોઈ કરતા હો ત્યારે એક ગ્લાસ લીંબુ-પાણી પીવાની આદત રાખો. આ સિવાય જ્યારે ગોટલા ચડી જાય ત્યારે તમારે એને મસાજ દ્વારા રાહત આપી શકાય છે. મસાજ ઉપરની દિશામાં કરવું અને જો તમને લાગતું હોય કે તમને વારંવાર ગોટલા ચડી જાય છે તો એ સ્નાયુને મજબૂત કરવું જરૂરી છે, જેના માટે સ્ટ્રેચિંગ કરો. નીચેના શરીરમાંથી ઉપર તરફ લોહી પહોંચાડવા માટે કામ કરતો નીચેના ભાગનો સૌથી મોટો સ્નાયુ કાફ મસલ છે. જ્યારે એ કડક થાય એનો અર્થ જ એ કે આ કામમાં અડચણ આવી રહી છે. માટે ફક્ત દુખાવાને મટાડવા માટે જ નહીં, પરંતુ શરીરમાં લોહીનું પરિભ્રમણ બરાબર થાય એ માટે પણ કાફના સ્નાયુઓને સશક્ત બનાવવા જરૂરી છે.