સોલિયસ પુશ-અપ્સ શું છે, એ કેવી રીતે કરવાં અને કેવી રીતે તમે ખુરશીમાં બેઠાં-બેઠાં પગની મૂવમેન્ટ કરીને હેલ્ધી રહી શકો એમ છો
એક્સરસાઇઝ કરતી વખતે કમર સીધી રાખવી.
એને સોલિયસ પુશ-અપ્સ કહેવાય છે. અમેરિકામાં હાર્ટ-અટૅક, મેદસ્વિતા અને ડાયાબિટીઝના વધારે કેસો છે અને ટેક્નૉલૉજી સાથે લોકોનું જીવન બેઠાડુ થઈ રહ્યું છે તેથી બેઠાં-બેઠાં વજન ન વધે, મધુપ્રમેહ ન થાય અને હૃદય પણ સ્વસ્થ રહે એવા સોલ્યુશનની જરૂર હતી. સોલિયસ પુશ-અપ્સ કરવાથી હૃદયરોગ અને ડાયાબિટીઝમાં ઘટાડો જોવા મળ્યો હોવાથી અત્યારે વિશાળ પાયા પર આ કસરત પર રિસર્ચ થઈ રહી છે. તો આજે જાણીએ સોલિયસ પુશ-અપ્સ શું છે, એ કેવી રીતે કરવાં અને કેવી રીતે તમે ખુરશીમાં બેઠાં-બેઠાં પગની મૂવમેન્ટ કરીને હેલ્ધી રહી શકો એમ છો
અમેરિકામાં જ નહીં; વિશ્વભરમાં લોકોને બેઠા રહેવું છે પણ હૃદયરોગ, મેદસ્વિતા કે ડાયાબિટીઝ જેવી બીમારીઓ નથી જોઈતી. એ તો હવે કેવી રીતે શક્ય બને? સવારે ઉઠાતું નથી એટલે કસરત નથી થતી. ઑફિસમાં એક વખત ખુરશી પર બેઠા તો કામ પૂરું ન થાય ત્યાં સુધી ઊભા નથી થવાતું અને અમુક લોકો બીમારીને કારણે જ પગ પર ઊભા નથી રહી શકતા. હવે આ બધાં કોઈ બહાનાં નથી પરંતુ સહજ સમસ્યાઓ છે. ૨૦૨૨માં અમેરિકાની યુનિવર્સિટી ઑફ હ્યુસ્ટનના પ્રોફેસરે આ બધા સવાલોનો જવાબ મેળવવા માટે પગના સોલિયસ મસલ પર અભ્યાસ કર્યો, જેમાં તેમને જાણવા મળ્યું કે આ સોલિયસ મસલને સક્રિય કરવાથી ઉપર્યુકત બધી સમસ્યાઓને એકસાથે હલ કરી શકાય છે. આવી રીતે જન્મ થયો સોલિયસ પુશ-અપ્સનો. એના માટે કોઈ જિમમાં જવાની જરૂર નથી કે કોઈ ખાસ સાધનની જરૂર પણ નથી. ઘરે, ઑફિસમાં કે જ્યાં પણ ઊંચાઈ પર બેસવા મળે અને પગ જમીન પર રહે ત્યાં જ આ સોલિયસ પુશ-અપ્સ કરી શકો છો. ઘાટકોપરમાં ફિઝિયોથેરપિસ્ટ તરીકે પ્રૅક્ટિસ કરતાં ડૉ. ધ્વનિ શેઠ દેસાઈ આ વિષયને ઊંડાણપૂર્વક સમજાવે છે. અને હેલ્ધી કે દરદી દરેકને સોલિયસ પુશ-અપ્સ વિશે જાગૃત થવા કહે છે.
ADVERTISEMENT
સોલિયસ પુશ-અપ્સ છે શું?
હેલ્ધી હો કે કોઈ રોગના દરદી, દરેકે સોલિયસ પુશ-અપ્સ કરવા જ જોઈએ. જોકે એ માટે દેશી ભાષામાં સોલિયસ પુશઅપ શું છે એ સમજાવતાં ફિઝિયોથેરપિસ્ટ ડૉ. ધ્વનિ શેઠ દેસાઈ કહે છે, ‘સોલિયસ એક પ્રકારના મસલ છે. આપણા કાફ એટલે પગની પિંડી જેમાં બે પ્રકારના સ્નાયુઓ આવેલા છે, સોલિયસ અને ગૅસ્ટ્રોનિમિયસ. આ બન્ને સ્નાયુઓના જૂથને ગૅસ્ટ્રોસોલિયસ કહેવામાં આવે છે. આપણા પગની પિંડીને શરીરનું બીજું હૃદય ગણવામાં આવે છે, કારણ કે એમાં હૃદયની જેમ પમ્પિંગ કૉન્ટ્રૅક્શન એટલે કે સંકોચન થાય છે. જેમ હૃદયમાં લોહીની અંદર અને બહાર જવાની પ્રક્રિયામાં લોહીની બહાર જવાની પ્રક્રિયાને પમ્પિંગ કૉન્ટ્રૅક્શન કહેવાય છે. શરીરનું બીજું હૃદય કહેવાતા આ પિંડીના પમ્પિંગ કૉન્ટ્રૅક્શનને સરળતાથી સમજી શકાશે. પિંડીમાં જ્યારે સ્નાયુઓનું સંકોચન થાય ત્યારે એ પગના નીચેના ભાગમાં જમા થયેલું લોહી નસ વાટે ખેંચીને હૃદય તરફ ફેંકે છે. ગ્રેવિટીને કારણે તેમ જ આખો દિવસ બેસી રહેવાને કારણે લોહી ગૅસ્ટ્રોસોલિયસ મસલમાં ‘પુલ’ એટલે કે એકઠું થઈ જાય છે, જેને આપણે ઉપરની બાજુ ‘પુશ’ એટલે કે ધક્કો મારીને હૃદય તરફ મોકલવાનું છે. તેથી સોલિયસને પુશ કરતી કસરતો કરવાની હોય છે. જ્યારે આ પિંડી માટેની કસરત કરીએ ત્યારે ઑક્સિજનસભર લોહી નસોમાં જાય છે અને નસો દ્વારા હૃદય તરફ જાય છે. આવી રીતે શરીરમાં હૃદય માટે સારું બ્લડ-સર્ક્યુલેશન ચાલતું રહે છે, જેના કારણે કાર્ડિયોવૅસ્ક્યુલર એટલે કે હૃદયને લગતા રોગો અટકાવી શકાય છે. મોટા ભાગના કેસોમાં અમે હૃદયરોગના દરદીઓને કાફ મસલ એટલે કે પગની પિંડીઓને ઉપર-નીચે કરવાનું કહેતા હોઈએ છીએ તો એમાં દરદીને ઊભા થવું જ પડતું હોય છે. પરંતુ જેમનાથી ઊભા નથી રહેવાતું તેમના માટે બેઠાં-બેઠાં કરવાની આ કસરત સોલિયસ પુશ-અપ્સ અકસીર છે.’
કાર્ડિયો અને સોલિયસ પુશ-અપ્સ વચ્ચેનો તફાવત
હૃદયને હેલ્ધી રાખવા માટે જ્યારે તમે ઊભા-ઊભા કસરત કરો ત્યારે ગૅસ્ટ્રોનિમિયસ મસલ કામ પર લાગે છે એમ જણાવતાં ડૉ. ધ્વનિ શેઠ દેસાઈ કહે છે, ‘જેટલી જલદી તમે કસરત કરો એટલી જલદી આ મસલ થાકી જાય છે કારણ કે એ ઝડપથી કામ કરતા મસલ છે. તેથી તમે લાંબો સમય સુધી આ કસરત નહીં કરી શકો, જ્યારે સોલિયસ બહુ ધીમા મસલ છે જેને ‘સ્લો ટ્વીચ મસલ’ પણ કહેવાય છે. બહુ ધીરે-ધીરે કામ કરે છે અને એની અસર લાંબા સમય સુધી ટકે છે. કહેવાનો અર્થ એ કે તમે અડધો કલાક સુધી સોલિયસ પુશ-અપ્સ કરશો તો પણ તમને થાક નહીં લાગે અને એની ઇફેક્ટ મૅક્સિમમ છે. સસલા અને કાચબા જેવું છે. ધીરે-ધીરે પણ શાંતિથી તમે એની અસરનો અનુભવ કરી શકશો.’
શુગર કન્ટ્રોલ થઈ શકે
આ કસરતથી ડાયાબિટીઝના દરદીઓની શુગર કન્ટ્રોલ થઈ શકે છે. એ જ કારણ છે કે સોલિયસ પુશ-અપ્સ પૉપ્યુલર બન્યું છે. એનાં અન્ય કારણો વિશે જણાવતાં ડૉ. ધ્વનિ શેઠ દેસાઈ કહે છે, ‘જ્યારે પણ આપણે કસરત કરીએ ત્યારે જમા થયેલા ફૅટ અને કાર્બોહાઇડ્રેટ્સની કૅલરી ઓછી કરીએ છીએ. અમેરિકાની યુનિવર્સિટીએ જે અભ્યાસ કર્યો એમાં જાણવા મળ્યું કે સોલિયસ પુશ-અપ્સ લોહીમાંથી ડાયરેક્ટ ગ્લુકોઝ વાપરે છે. એટલે શરીરમાં જે પહેલેથી જમા થયેલી શુગર કે ફૅટ છે એના પર સોલિયસ પુશ-અપ્સ અટૅક નથી કરતું. જમ્યા પછી શરીરમાં લિપિડ અને ફૅટ ફર્યા જ કરે છે, એને યોગ્ય ચૅનલ નથી મળતી એટલે કે જ્યાં જવું જોઈએ ત્યાં નથી જતું અને ખોટી જગ્યાએ જમા થાય છે. જમ્યા પછી તરત જ આ કસરત કરવાનો હેતુ એ કે જેવી આ કસરત શરૂ કરો એટલે બ્રેઇનને સિગ્નલ જાય છે કે મારે શુગર કે ફૅટની જરૂર છે એટલે તમે જે ખાધેલું છે એમાંથી આ મસલ પ્રત્યક્ષ જ શુગર અને ફૅટની કૅલરી વાપરશે. આનાથી તમારા શરીરમાં એક્સ્ટ્રા શુગર કે ફૅટ ક્યાંય ભેગી જ નહીં થાય. એટલે જો જમ્યા પછી સોલિયસ પુશ-અપ્સ કર્યા બાદ ડાયાબિટીઝના દરદીઓ શુગરની ટેસ્ટ કરાવે તો તેમના બ્લડમાં વધારે શુગર નહીં આવે. બીજી વાત કે જમ્યા પછી તરત જ આ કસરત કરવાથી તમારી પાચનક્રિયા પણ સારી થશે.’
સોલિયસ પુશ-અપ્સ કરવાની સાચી રીત
આ કસરત પર હજી સંશોધનો ચાલુ છે એટલે ભવિષ્યમાં એનાં ચોક્કસ પ્રમાણ નક્કી થશે. અત્યારે તો એની કોઈ નકારાત્મક અસર નથી. જમ્યા પછી બે કલાકે કસરત કરવાનું યાદ આવે અને સોલિયસ પુશ-અપ્સ કરો તો એનો કોઈ જ ફાયદો નથી એમ જણાવતાં તેઓ કહે છે, ‘જમ્યા પછીના અડધો કલાકના સમયની અંદર જ આ પુશ-અપ્સ કરવાનાં છે. શક્ય હોય તો જમ્યા બાદ પાંચ મિનિટ પછી જ ખુરશી પર બેસી જાઓ અને જો યાદ હોય કે પહેલાંના જમાનામાં દરજી કેવી રીતે મશીન પર બેસીને પગને હલાવતા અને કપડાં સીવતા તો એવી જ રીતે પગની પાનીને ઉપર-નીચે કરવાની છે. પગના અંગૂઠાને જમીન પર રાખીને પાની ઊંચી કરો અને પછી પાનીને જમીન પર રાખીને પગનો અંગૂઠો ઉપર કરો એટલે થઈ ગયા તમારા સોલિયસ પુશ-અપ્સ. આવી રીતે શરૂઆતમાં એકસાથે ૩૦ સેટ કરો અને પછી ૬૦ સેટ કરવા માટે ટેવ પાડી શકો છો. દિવસમાં આવા ૩થી ૪ સેટ કરી શકો છો. એટલે કે સવાર, બપોર અને સાંજે જમ્યા પછી આ પુશ-અપ્સ અચૂકથી કરવા. એક વાત ખાસ ધ્યાનમાં રાખજો કે સોલિયસ પુશ-અપ્સ કરતી વખતે ઊભા નથી થવાનું નહીંતર શરીરના કોઈ અન્ય મસલનો ઉપયોગ થશે અને ઇચ્છનીય અસર નહીં મળે. આપણું એક દેશી ઉદાહરણ સમજો કે પહેલાંના જમાનામાં મશીનને પગ વડે ચલાવીને કપડાં સીવતા દરજીઓ મેદસ્વિતા, ડાયાબિટીઝ કે હૃદયરોગના શિકાર નહોતા અને તેઓ તો દિવસના ૧૫થી ૧૮ કલાક મશીન પર બેસી રહેતા હતા.’

