Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > નવા પ્રસરી રહેલા HMPVથી ડરવા જેવું છે?

નવા પ્રસરી રહેલા HMPVથી ડરવા જેવું છે?

Published : 08 January, 2025 07:46 AM | Modified : 08 January, 2025 07:53 AM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

થોડી સમજણ અને થોડી જાગૃતિ સાથે આ સમયને પસાર કરવો જોઈએ, નહીં કે ડરીને

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ચીનમાં કોઈ વાઇરસ ફાટી નીકળ્યો છે જેને લીધે ઘણા લોકો અસરગ્રસ્ત થયા છે એ વાત સાંભળીને કોણ ન ડરે? પરંતુ વાઘ આવ્યો-વાઘ આવ્યો એમ વાઇરસ આવ્યો-વાઇરસ આવ્યો માનીને ડરવા જેવું નથી. હ્યુમન મેટાન્યુમોવાઇરસ એક એવો જૂનો વાઇરસ છે કે કદાચ આપણને બધાને એક વાર એના દ્વારા ઇન્ફેક્શન થઈ જ ચૂક્યું હશે એમ માનીએ તો આ વાઇરસ સામે લડવાની ઇમ્યુનિટી આપણી અંદર છે જ. થોડી સમજણ અને થોડી જાગૃતિ સાથે આ સમયને પસાર કરવો જોઈએ, નહીં કે ડરીને


થોડા દિવસો પહેલાં સોશ્યલ મીડિયા પર ફરતા ચીનની હૉસ્પિટલના અને દરદીઓના કેટલાક ફોટોઝ આપણી અંદર ડર જન્માવી ગયા હતા. ચીનમાં HMPV એટલે કે હ્યુમન મેટાન્યુમોવાઇરસ ફેલાયો છે. ત્યાં કેટલા લોકો અસરગ્રસ્ત છે એની જાણ નથી પણ ફોટોઝ અને વિડિયોઝ એવું જણાવતા હતા કે ચીનમાં આ રોગ બહોળી માત્રામાં ફેલાયો છે. કોરોનાને લગભગ ૫ વર્ષ થઈ ગયાં અને એ પછી આજે પણ ચીનની કોઈ વાત આવે તો એક ક્ષણ માટે કંપારી છૂટી જાય છે, કારણ કે કોરોનામાં દરેક વ્યક્તિએ જે પરિસ્થિતિઓ જોઈ છે એ કોઈ સરળતાથી ભૂલી શકાય એવી બાબતો નથી. એમાંથી માંડ કળ વળી છે એમ કહેવાય ત્યાં નવો વાઇરસ અને એ પણ ચીનથી! એ વાત સાચી કે આપણે દૂધના દાઝેલા છીએ એટલે અત્યારે તો છાશને ફૂંકીએ તો શું, એનો ગ્લાસ હાથમાં લઈએ એમ પણ નથી. ચીનના પેલા ફોટોઝ ફરતા થયા એને હજી તો બે દિવસ પણ નહોતા થયા કે તરત જ ભારતમાં પહેલો કેસ બૅન્ગલોરમાં દેખા દઈ ગયો. એના બીજા દિવસે ખબર પડી કે હવે તો સાત કેસ છે. બૅન્ગલોર જ નહીં, અમદાવાદ અને નાગપુરમાં પણ એના કેસ સામે આવ્યા. આ જાણીને કોઈ પણને લાગે કે આ તો એકદમ કોરોના વખતે થયું હતું એવી જ પૅટર્ન છે. વાઇરસ ભારત પહોંચી ગયો! હે ભગવાન, હવે? ડર લાગવો ભલે ગમેતેટલો સહજ હોય, પરંતુ ડરને જો કોઈ ભગાવી શકે છે તો એ છે તર્ક અને જ્ઞાન. HMPV શું છે, એ કઈ રીતે ફેલાય અને એને કારણે થતું ઇન્ફેક્શન કેટલું ગંભીર હોઈ શકે છે એ બાબતો જાણ્યા વગર ગભરાવું યોગ્ય નથી. આજે આ વાઇરસ સંબંધિત જેટલા પણ પ્રશ્નો મનમાં ઉદ્ભવ્યા છે એના જવાબો મેળવવાની કોશિશ કરીએ.



આ વાઇરસ આપણો જાણીતો છે


HMPV-હ્યુમન મેટાન્યુમોવાઇરસ વિશે ચીનનું ઑફિશ્યલ સ્ટેટમેન્ટ એ છે કે હમણાં શિયાળો ચાલે છે એટલે આ પ્રકારનું ઇન્ફેક્શન ત્યાં કૉમન છે. એટલે ચીનમાં ટ્રાવેલ કરવાથી ખાસ કોઈ તકલીફ નથી. પણ એવું તો કોરોના વખતે પણ તેમણે કહેલું. તો આ વાઇરસથી ડરવા જેવું ખરું કે નહીં? એ વિશે વાત કરતાં વૉક્હાર્ટ હૉસ્પિટલ, મુંબઈ સેન્ટ્રલના ઇન્ટરનલ મેડિસિન સ્પેશ્યલિસ્ટ ડૉ. બહેરામ પારડીવાલા કહે છે, ‘કોરોના એક જૂનો વાઇરસ હતો જેનો નવો વેરિઅન્ટ હતો કોવિડ-19. આ વાઇરસથી આપણે સદંતર અજાણ હતા. એકદમ નવો વાઇરસ જેના વિશે આપણને કશી જ ખબર નહોતી એટલે હેરાનગતિ ખૂબ વધારે હતી. કોરોનાની જેમ HMPV પણ જૂનો જ વાઇરસ છે. એના કેસ દર વર્ષે થોડા પ્રમાણમાં ભારતમાં પણ જોવા મળે જ છે. એટલે આ વાઇરસ કઈ રીતે વર્તે છે એની આપણને ખબર છે. અજાણ્યો નહીં, જાણીતો દુશ્મન છે એટલે એનું ઇન્ફેક્શન લાગે તો પણ શું કરવું એ આપણને ખબર છે. એટલે કોરોના જેવી પરિસ્થિતિ ફરીથી નહીં આવે. એ બાબતે અત્યારે ચિંતા કરવા જેવી નથી.’

સેલ્ફ-લિમિટિંગ


ભારતમાં અત્યારે જેમને આ ઇન્ફેક્શન થયું છે એ નવજાત બાળકો છે. જે કોઈ જગ્યાએ ટ્રાવેલ કરવા ગયાં નહોતાં, તે અહીં જ હતાં. એટલે કહી શકાય કે તેમને જે ઇન્ફેકશન થયું છે એ અહીં રહીને જ થયું છે. આ વિશે વાત કરતાં ફોર્ટિસ હૉસ્પિટલનાં ઇન્ફેક્શન ડિસીઝ સ્પેશ્યલિસ્ટ ડૉ. અનીતા મૅથ્યુ કહે છે, ‘આ વાઇરસ સેલ્ફ-લિમિટિંગ છે. એટલે કે નૉર્મલ વ્યક્તિઓને જો આ વાઇરસથી ઇન્ફેક્શન થાય તો તેમને બીજા વાઇરલ ઇન્ફેક્શનની જેમ મોટા ભાગે ૭ દિવસની અંદર તબિયત જાતે જ ઠીક થઈ જાય, પરંતુ ખૂબ મોટી ઉંમરની વ્યક્તિ અને નવજાત બાળકોને આ ઇન્ફેક્શન વધુ અસર કરી જાય છે. વધુ અસરમાં તેમનાં ફેફસાં અસરગ્રસ્ત થાય છે, જેને કારણે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. આવા કેસ ભાગ્યે જ જોવા મળે છે. જેમની ઇમ્યુનિટી કૉમ્પ્રોમાઇઝ્ડ છે તેમનામાં આ પ્રકારનાં કૉમ્પ્લીકેશન જોવા મળે છે જેમ કે કૅન્સરના કે HIVના દરદીઓ.’ 

આંકડા કેમ નથી?

આ વાઇરલ ઇન્ફેક્શન ભારતમાં જોવા મળે જ છે પરંતુ એના કોઈ આંકડા આપણી પાસે નથી. એ બાબતે સમજાવતાં ડૉ. અનીતા મૅથ્યુ કહે છે, ‘કોઈ પણ વાઇરલ ઇન્ફેક્શનનાં ચિહ્નો સરખાં જ હોય છે જેમાં શરદી, ઉધરસ, તાવ જેવી પરિસ્થિતિ જણાય છે. આ ચિહ્નોની તપાસ કરીને કોઈ પણ ડૉક્ટર એ જણાવી નથી શકતો કે તમને કયા વાઇરસને કારણે ઇન્ફેક્શન થયું છે. એ માટે અલગ ટેસ્ટ કરાવવી પડે છે. મોટા ભાગે વાઇરલ ઇન્ફેક્શન સેલ્ફ-લિમિટિંગ હોય છે એટલે કે જાતે જ મટી જાય છે. એટલે અલગથી ટેસ્ટ કરાવવાનું ડૉક્ટર ત્યાં સુધી કહેતા નથી જ્યાં સુધી દરદી હૉસ્પિટલમાં દાખલ થતા નથી. ઇન્ફેક્શનનાં ચિહ્નો ગંભીર થાય અને ફેફસાં એમાં અસરગ્રસ્ત થાય તો ડૉક્ટર આ ટેસ્ટ કરાવે છે. આ ટેસ્ટ ઘણી મોંઘી હોય છે. ૧૬-૨૦ હજારની ટેસ્ટ દરેક વ્યક્તિ કરી શકે એમ હોતી નથી. એટલે આ રોગના આંકડાઓ આપણી પાસે ન હોય એ સહજ છે. જે આંકડાઓ સામે આવે છે એ એવી વ્યક્તિઓના જ હોય છે જે હૉસ્પિટલમાં દાખલ થઈ હોય.’

ટેસ્ટ કઈ કરવાની?

કોઈ પણ વાઇરલ ઇન્ફેક્શન માટે આપણી પાસે કોઈ ખાસ દવાઓ નથી. જેમ કોરોનામાં પણ મેડિકલ હેલ્પ જે મળતી હતી એ સપોર્ટિવ હતી. એટલે કે કોઈ પણ વાઇરલ ઇન્ફેક્શન માટે જે દવાઓ આપવામાં આવે એ એનાં ચિહ્નોને આધારિત જ હોય. જો શરદી થઈ હોય તો એની દવા, જો ઉધરસ વધુ હોય તો એની દવા અને જો તાવ આવે તો એની દવા. બાકી જો ફેફસાં સુધી અસર પહોંચે તો ઑક્સિજન પૂરો પાડવા વ્યક્તિને દવાખાને લઈ જવી જરૂરી છે. આમ વાઇરલ ઇન્ફેક્શનમાં દરદીનું ધ્યાન રાખી શકાય, સપોર્ટ આપી શકાય પરંતુ ઇન્ફેક્શન આમેની લડત તેની પોતાની હોય છે. તો પછી એ જાણવા માટે કે કયા વાઇરસથી તમને ઇન્ફેક્શન થયું છે એની ટેસ્ટ કરાવવાનો ફાયદો શું? એ વિશે વાત કરતાં ડૉ. અનીતા મેથ્યુ કહે છે, ‘એટલે જ વાઇરલ ઇન્ફેકશનમાં ડૉક્ટર દરેક દરદીની ટેસ્ટ કરાવતા નથી પરંતુ જે દરદીઓ હૉસ્પિટલમાં દાખલ થાય તેમની ટેસ્ટ કરાવવી જોઈએ. પહેલું કારણ એ કે ખાસ તો એટલા માટે કે ખબર પડે કે કયા પ્રકારનું ઇન્ફેક્શન છે અને જો એ વાઇરલ જ હોય તો વ્યક્તિને ઍન્ટિબાયોટિક આપવાની જરૂર નથી એની સમજ પડે. આ માહિતી દરદીની સાથે-સાથે હેલ્થકૅરના પ્લાનિંગ માટે પણ એટલી જ જરૂરી છે. બાકી આ રોગની કોઈ રસી પણ હજી સુધી આવી નથી જેવી રીતે કોરોના કે ફ્લુની રસી આવી ગઈ છે.’

ધ્યાન રાખો

પહેલી બાબત તો એ કે કોરોનાના ભય હેઠળ આ વાઇરસથી આપણે ગભરાઈએ એ યોગ્ય નથી. એ વિશે સ્પષ્ટતા કરતાં બહેરામ પારડીવાલા કહે છે, ‘ગભરાઈને તમે ખોટી અફવાઓ ફેલાવો કે કોરોનામાં જે સાવધાનીથી રહેતા હતા એટલી જ સાવધાની રાખવા લાગો અને બધું ડિસઇન્ફેક્ટ કરવા લાગો એ યોગ્ય નથી. બીજી તરફ કંઈ નહીં થાય એમ માનીને લાપરવાહ પણ થવાની જરૂર નથી. હાલમાં શિયાળો ચાલે છે એટલે ઘણા લોકોને શરદી-ઉધરસ થયા હશે. પરંતુ એ જરાય જરૂરી નથી કે આ વાઇરસને કારણે જ હોય એટલે ગભરાઓ નહીં, પરંતુ જો શરદી-ઉધરસ હોય તો ગફલતમાં પણ ન રહો. જો શ્વાસ સંબંધિત કોઈ પણ તકલીફ થાય તો તાત્કાલિક તમારા ફૅમિલી ડૉક્ટરને મળો. જો તે કહે તો દાખલ પણ થાઓ. ઘરમાં નવજાત બાળક કે વડીલનું વિશેષ ધ્યાન રાખો. ઘણા એવા લોકો છે જેમનાં ફેફસાં કોરોનાકાળમાં અસરગ્રસ્ત થયાં હતાં કે કાયમી ડૅમેજ થયાં હતાં. તેમના માટે કોઈ પણ પ્રકારનું વાઇરલ ઇન્ફેક્શન જોખમી સાબિત થઈ શકે છે. એટલે તેમણે વધુ સતર્ક રહેવું જોઈએ. HMPV જીવલેણ સાબિત થઈ શકે છે પણ અમુક જ કેસમાં. પરિસ્થિતિ એટલી ગંભીર ન થઈ જાય એનું ધ્યાન આપણે રાખવું જરૂરી છે.’

ચિંતા કેમ છે? 
નેધરલૅન્ડ્સમાં ૨૦૦૧માં આ વાઇરસ વિશે જાણકારી મળી હતી. એ હકીકત છે કે શિયાળામાં એનું ઇન્ફેકશન થવાની શક્યતા વધુ રહે છે પરંતુ આ રોગ એટલો સામાન્ય છે કે મોટા ભાગે પાંચ વર્ષથી નાનાં બાળકોને એક વાર તો થઈ જ ચૂક્યો હોય છે. એનો અર્થ એ કે આપણા શરીરમાં ક્યાંક ને ક્યાંક એની ઇમ્યુનિટી ડેવલપ થઈ ચૂકી છે. તો પછી ચિંતા છે શેની? ચિંતા એ છે કે ચીન પોતાની માહિતી દુનિયા સમક્ષ સરળતાથી લાવતું નથી. ચીનના વિડિયો દર્શાવે છે કે ત્યાં લોકોની હાલત વધુ જ ખરાબ છે, જેવી કોરોના સમયમાં હતી. દુનિયાને એ ચિંતા છે કે કોરોનાની જેમ ચીન ફરીથી કઈ છુપાવતું તો નથી? જેને લીધે લોકો બીમાર પડી રહ્યા છે એ HMPVનો કોઈ નવો સ્ટ્રેઇન તો નથી? આ પ્રશ્નનો જવાબ આવનારો સમય આપશે પરંતુ ત્યાં સુધી ડરવાની જરૂર નથી એમ કહી શકાય.

Whatsapp-channel Whatsapp-channel

08 January, 2025 07:53 AM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK