આંખ, કાન, જીભને લગતા કેટલાક એવા અભ્યાસો પણ છે જે તમારા શરીરને જોરદાર ફાયદો કરી શકે છે. યોગ એટલે અઘરાં-અઘરાં આસનો જ નહીં પણ સિમ્પલ પ્રૅક્ટિસ પણ કેટલી ઇફેક્ટિવ હોઈ શકે એ જાણી લો
રોજેરોજ યોગ
પ્રતીકાત્મક તસવીર
તમને ખબર છે કે યોગની સૌથી શ્રેષ્ઠ બાબત શું છે? એની સમગ્રતા. દરેક માટે, દરેક સમયે, દરેક સંજોગમાં એ ઉપયુક્ત નીવડી શકે એટલો બધો ખજાનો યોગ ક્ષેત્રના શિક્ષકોએ શોધી કાઢ્યો છે. ભલે કદાચ ક્લાસિકલ યોગિક પ્રૅક્ટિસમાં તમે એને સામેલ ન કરી શકો, પરંતુ એ પછીયે યોગ સ્કૂલ દ્વારા થતા સૂક્ષ્મ અભ્યાસો પરિણામલક્ષી છે અને નિયમિત ઘણા યોગશિક્ષકો દ્વારા વ્યક્તિની જરૂરિયાત મુજબ એનો અભ્યાસ કરાવાય છે. ઘણી વાર એવું બને કે વ્યક્તિને અમુક ફિઝિકલ કન્ડિશનમાં હાથ-પગની મૂવમેન્ટ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હોય ત્યારે આ સાવ સામાન્ય લાગતી પ્રૅક્ટિસ પણ જાદુઈ પરિણામ આપી શકે છે. વડીલોને યોગ કરાવવાનો અનુભવ ધરાવતાં યોગ શિક્ષિકા તૃષા ગોડા કહે છે, ‘મારી પાસે એવા ઘણા પેશન્ટ છે જેમને બૅલૅન્સ નહોતું રહેતું એવી સમસ્યા હતી અને યોગના અભ્યાસથી બૅલૅન્સ રહેવા માંડ્યું. તેમની અલર્ટનેસ વધી હોય, ડિપ્રેશન, પૅનિક અટૅક, ઍન્ગ્ઝાયટી જેવા સાઇકોલૉજિકલ ડિસઑર્ડરમાં જેમને બેટર ફીલ થયું હોય. એક બહુ જ જાણીતા ફિલ્મ ડિરેક્ટરનાં ઉંમરલાયક દીકરી મારાં સ્ટુડન્ટ છે. તેમની ઉંમર લગભગ બોતેર વર્ષ છે. તેમની એવી હાલત હતી કે સપોર્ટ વિના તેઓ બેડ પરથી બાથરૂમ સુધી નહોતાં જઈ શકતાં. લગભગ બાર સેશનમાં જ તેઓ ટેકા વિના ચાલતાં થઈ ગયાં. નાની પ્રૅક્ટિસ પણ આપણી એનર્જી ચૅનલ્સનાં બ્લૉકેજિસ દૂર કરવામાં સમર્થ હોય છે.’
સૂતાં-સૂતાં થઈ શકે એવી કેટલીક સિમ્પલ યોગિક પ્રૅક્ટિસ
ADVERTISEMENT
સુપ્ત તાડાસન : આ અભ્યાસને અમુક યોગ પુસ્તકોમાં યષ્ટિકાસન નામ પણ આપવામાં આવ્યું છે, જેમાં તમારે પીઠ પર જ સૂતા રહેવાનું છે પરંતુ હાથને માથા તરફ સીધા રાખવાના અને પગને આગળની તરફ ખેંચવાના. હથેળીને ઇન્ટરલૉક કરીને પાછળ અને પગના પંજાને આગળ ખેંચો એટલે આખા શરીરને સ્ટ્રેચ મળે. આ ખેંચાણથી શરીરની બધી નસો પણ છૂટી થઈને બ્લડ સર્ક્યુલેશન સુધારી શકે.
સૂક્ષ્મ વ્યાયામ: સૂતાં-સૂતાં જ પગની આંગળી અને અંગૂઠાને સ્ટ્રેચ કરવાનાં, પગના પંજાને ક્લૉકવાઇઝ અને ઍન્ટિ-ક્લૉકવાઇઝ ગોળાકાર ફેરવવાના. ઘૂંટણને સ્ટ્રેચ કરીને હળવેથી છોડવાના અને પાછું સ્ટ્રેચ કરવાનું. પગને સહેજ ઘૂંટણથી વાળવાનો અને સીધો કરવાનો. એ જ રીતે હથેળીની મુઠ્ઠી વાળી પાછી આંગળીઓ ખોલી એમાં ખેંચાણ આપવું, બન્ને હાથને કાંડાથી બન્ને બાજુ ગોળાકાર ફેરવવી.
આ પણ વાંચો: થાકી જવાય ત્યાં સુધી નાચો, કૂદો, ગાઓ...આવું બધું મેડિટેશનમાં કરવાનું હોય તો?
ટંગ એક્સરસાઇઝ : જીભના સ્નાયુઓને કસરત આપવાથી બ્રેઇનનાં અમુક સેન્ટર ઉત્તેજિત થતાં હોય છે. આ અભ્યાસ પણ બેડ પર સૂતાં-સૂતાં જીભને અંદરની તરફ ગળા તરફ વાળવી અને બહાર સંપૂર્ણપણે ખેંચવી. જીભને ગોળાકાર ઘુમાવવી બન્ને તરફ, મોઢું બંધ રાખીને જીભને ગોળાકાર ફેરવવી જેવા અભ્યાસ કરી શકો. હવાથી કોગળા કરતા હોઈએ એમ હવાને ચારેય બાજુ ફેરવવી. હનુમાનજીની જેમ હવાને હડપચી તરફ પણ લઈ જવી.
કાનની કસરતો : કાનની બૂટને હાથ વડે જોરથી દબાવવી, બૂટને ઉપર-નીચે ખેંચવી, ગોળાકાર ફેરવવી. એ જ રીતે બીજા એક અભ્યાસમાં હાથની આંગળીઓને કારની જેમ રાખીને કાનને વચ્ચે રાખીને નીચે અને ઉપર માલિશ કરતા હોઈએ એમ ફેરવવી.
શ્વાસના અભ્યાસો : ભ્રામરી પ્રાણાયામ દરેક વ્યક્તિ કરી શકે એવો અભ્યાસ છે. એનાથી તમારા મસ્તિષ્કના કોષો શાંત થશે અને ધીમે-ધીમે બૉડી પર પણ એની પૉઝિટિવ અસર થશે. એવી જ રીતે પેટથી શ્વાસ લેવાનો અભ્યાસ પણ સૂતાં-સૂતાં કરો તો એ મનને શાંત કરીને ખૂબ જ રિલૅક્સ કરી દે છે. ડાઇજેશન અને શ્વસનને લગતી બીમારીમાં એ ખૂબ લાભકારી પણ છે.
આંખની કસરત : સૂતાં-સૂતાં જ તમે આંખોને પટપટાવવી, આંખોને ડાબે અને જમણે ધીમે-ધીમે ફેરવવી, આંખોની કીકીને ઉપર-નીચે, ગોળાકાર ક્લૉકવાઇઝ અને ઍન્ટિ-ક્લૉકવાઇઝ ફેરવવી. એક જગ્યાએ આંખોને સ્થિર કરીને આંખમાંથી પાણી નીકળે ત્યાં સુધી એને એકીટશે જોઈ રહેવાના ત્રાટક કરી શકો.