Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > હાઈ બીપીને કાબૂમાં રાખવા માટે યોગાભ્યાસ જેવું શ્રેષ્ઠ બીજું કંઈ નથી

હાઈ બીપીને કાબૂમાં રાખવા માટે યોગાભ્યાસ જેવું શ્રેષ્ઠ બીજું કંઈ નથી

Published : 17 May, 2023 02:26 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

નાડીશુદ્ધિ પ્રાણાયામથી બ્લડ-પ્રેશર તાત્કાલિક કન્ટ્રોલમાં આવે છે એવા અઢળક અભ્યાસો છે. એ સિવાય પણ અમુક પ્રકારની બ્રીધિંગ એક્સરસાઇઝ, માઇલ્ડ સ્ટ્રેચિંગ અને મુદ્રાનો ઉપયોગ તમારા બ્લડ-પ્રેશરને કાબૂમાં રાખશે

પ્રતીકાત્મક તસવીર

રોજેરોજ યોગ

પ્રતીકાત્મક તસવીર


વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના આંકડા મુજબ દર ચારમાંથી એક ભારતીયને હાઈ બ્લડ-પ્રેશર છે, જેમાંથી માત્ર બાર ટકાનું હાઈ બીપી કન્ટ્રોલમાં રહે છે. અત્યારે દુનિયાભરમાં હાઇપરટેન્શનને કારણે થતાં મૃત્યુનું પ્રમાણ સૌથી વધારે છે. સાઇલન્ટ કિલર તરીકે પંકાયેલી લોહીનું વહન કરતી આપણા હૃદયની ધમનીઓ તરફ જ્યારે લોહીનું દબાણ નૉર્મલ રેન્જ કરતાં વધી જાય ત્યારે તેને હાઈ બ્લડ-પ્રેશર કહીએ છીએ. વધી રહેલા હાઇપરટેન્શન પાછળ ઍઝ યુઝ્અલ આપણી લાઇફસ્ટાઇલ બહુ જ મોટું કારણ છે. લાઇફસ્ટાઇલ એટલે આપણી ખાણીપીણી, ઊંઘ અને ઍક્ટિવિટીમાં અસંતુલન. આ સ્થિતિમાં કઈ રીતે હાઇપરટેન્શનને ઘરે બેઠાં સ્વાવલંબી રીતે કન્ટ્રોલમાં રાખવાના પ્રયાસ કરી શકાય? તો એનો જવાબ છે યોગથી. શું કરવું અને કેવી રીતે કરવું એના ઇલાજ પર આજે ચર્ચા કરીએ. 


કૉમન મિસ્ટેક



જનરલી હાઈ બ્લડ-પ્રેશરવાળા દરદીઓની એક કૉમન ટેન્ડન્સી હોય છે એ વિશે પોતાના અનુભવોના આધારે યોગશિક્ષક અને મુદ્રા એક્સપર્ટ મિતેશ જોશી કહે છે, ‘જેમનું બ્લડ-પ્રેશર હાઈ રહેતું હોય તેમની કેટલીક બૉડી-લૅન્ગ્વેજ હોય છે. જેમ કે તેમનામાં એક ટેન્ડન્સી હોય છે કે તેઓ શ્વાસને બિનજરૂરી રોકીને રાખતા હોય, તેમનાં જડબાંને તેઓ જકડી દેતા હોય, ખભાને ટાઇટ રાખતા હોય. યોગાભ્યાસમાં આગળ વધતી વખતે તેમણે જાગૃતિપૂર્વક આ બાબતમાં સભાન થવું જોઈએ. તેમણે યોગાભ્યાસ કરતી વખતે શરીરને બને એટલું હળવું રાખવાના પ્રયાસ કરવા જોઈએ. મોટા ભાગે ઇન્ટરનલ સ્ટ્રેસ હાઈ બ્લડ-પ્રેશરનું મુખ્ય કારણ હોય છે. આ સ્ટ્રેસને કારણે જ બૉડીને ટાઇટ રાખવાની ટેન્ડન્સી પણ ડેવલપ થતી હોય છે. શરીરને હળવું રાખવાની ટ્રેઇનિંગ પર સાઇકોલૉજિકલી હાઈ બીપીના પેશન્ટમાં સ્ટ્રેસને મૅનેજ કરવાની બાબતમાં બહુ જ અસરકારક સાબિત થતી હોય છે.’


સર્વશ્રેષ્ઠ પ્રૅક્ટિસ

નાડીશુદ્ધિ પ્રાણાયામનો દસ મિનિટનો અભ્યાસ વ્યક્તિના બ્લડ-પ્રેશરના રીડિંગમાં નોંધનીય બદલાવ લાવી શકે છે એવો હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા થયેલો એક અભ્યાસ છે. એ સિવાય પણ આ બાબતમાં અઢળક અભ્યાસ થયા છે. ઇન ફૅક્ટ, એનો પ્રત્યક્ષ અનુભવ જાણીતા પીઢ યોગશિક્ષક તનુભાઈ ખટાઉનો છે. છેલ્લા ત્રણ દાયકા કરતાં વધુ સમયથી થેરપ્યુટિક યોગમાં જોરદાર પરિણામ મેળવનારા તનુભાઈ કહે છે, ‘મને થોડાંક વર્ષ પહેલાં માથું ભારે લાગતું હતું એટલે હાઈ બ્લડ-પ્રેશર હોઈ શકે એવો અંદાજ આવ્યો અને હું ડૉક્ટર પાસે ગયો. જનરલી આપણી જીવનશૈલીનો અભ્યાસ કરો તો તમને પહેલેથી જ સમસ્યા શું છે એ સમજાવા માંડે. તમારું શરીર સતત તમને મેસેજ પાસ કરતું હોય. હું બિઝનેસ કરતો, વાઇફને પૅરૅલિસિસ હોવાથી ઘર સંભાળતો. યોગનો જાતે અભ્યાસ કરતો અને સાથે યોગાભ્યાસ કરાવતો પણ. એકસાથે અનેક મોરચે લડતા હો ત્યારે તમારું માઇન્ડ રેસ્ટલેસ થાય અને તમારી બગડેલી લાઇફસ્ટાઇલ તમને હાઇપરટેન્શન આપી શકે. મારી સાથે એવું જ બન્યું. ડૉક્ટરે મારું બીપી ચેક કર્યું તો સિસ્ટૉલિક અને ડાયસ્ટૉલિક બ્લડ-પ્રેશરનો રેશિયો ૨૨૦ અને ૧૧૦નો હતો. એ સમયે બીપી કન્ટ્રોલમાં લાવવા માટે તાત્કાલિક ધોરણે દવા ચાલુ કરી દીધી. બીપી ૧૬૦ પર પહોંચ્યું એટલે દવા બંધ કરી દીધી. જીવનભર દવા લેવી નથી એવું પણ મનમાં નક્કી હતું એટલે દવાની સાથે નાડીશુદ્ધિ પ્રાણાયામ શરૂ કર્યા. થોડાક સમયમાં નાડીશુદ્ધિની અસર દેખાઈ અને મારું બીપી ૧૨૦/૮૦ની રેન્જમાં આવી ગયું. હું આજે પણ નાડીશુદ્ધિ પ્રાણાયામને હાઇપરટેન્શન માટે બેસ્ટ મેડિસિન માનું છું. એનાથી શ્રેષ્ઠ કંઈ હોઈ જ ન શકે મારી દૃષ્ટિએ.’


નાડીશુદ્ધિ અથવા તો અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરવાની સાચી રીત કઈ એ વિશે તનુભાઈ કહે છે, ‘તમારે શ્વાસ અંદર લેવાનો અને જેટલો શ્વાસ અંદર લીધો એનાથી બમણો શ્વાસ બહાર કાઢવાનો. હાઈ બીપીવાળા દરદીઓએ શરૂઆતમાં શ્વાસ રોકવાનો અભ્યાસ નહીં કરવાનો. ડાબી બાજુથી શ્વાસ અંદર ભર્યા પછી જમણી બાજુથી ધીમે રહીને બમણા પ્રમાણમાં શ્વાસને બહાર કાઢવાના પ્રયાસ કરવા અને ફરી જમણી બાજુથી શ્વાસ અંદર ભરીને ડાબી બાજુથી શ્વાસ બહાર કાઢવાના પ્રયાસ કરવા પણ બમણી રીતે. તમે દરરોજના દસ રાઉન્ડથી અભ્યાસની શરૂઆત કરી શકો. ધીમે-ધીમે તમારી અનુકૂળતા મુજબ જોઈએ એટલી એની સંખ્યા વધારી પણ શકો.’

બીજા કેટલાક અભ્યાસ

અનુલોમ-વિલોમ અથવા તો નાડીશુદ્ધિ હાઈ બ્લડ-પ્રેશર માટે શ્રેષ્ઠ પ્રાણાયામ છે જ, પરંતુ એ સિવાય પણ અમુક અભ્યાસ ખૂબ મદદરૂપ થઈ શકે. એના વિશે વાત કરતાં મિતેશ જોશી કહે છે, ‘તમે વસિષ્ઠ પ્રાણાયામ એટલે કે ઍબ્ડોમિનલ બ્રીધિંગ કરી શકો. જમીન પર ચત્તા સૂઈને બન્ને ઘૂંટણને વાળીને એક હાથને પેટ પર મૂકો અને પછી ધીમે રહીને શ્વાસ લો ત્યારે પેટ બહાર આવે અને શ્વાસ છોડો ત્યારે પેટ અંદર જાય એ રીતે પંદર-વીસ રાઉન્ડ કરવાથી પણ ખૂબ લાભ થશે. હાઇપરટેન્શન મુદ્રા, અપાનવાયુ મુદ્રા, વ્યાન મુદ્રા જેવી મુદ્રાઓ કરવાથી પણ ધબકારા ઝડપી થવા, શ્વાસ ઝડપી થઈ જવા જેવી સમસ્યામાં તરત રિલૅક્સેશન મળશે. એ સિવાય બીજી એક પ્રૅક્ટિસ અમે કરાવીએ છીએ જેમાં પણ લોકોને ખૂબ લાભ થયો છે એ છે ‘કૂલિંગ હેડ’. એટલે કે કોઈ પણ ધ્યાનવાળા આસનમાં બેસીને અથવા તો શવાસનમાં સૂઈને બધું જ ધ્યાન મસ્તિષ્કના ઉપલા ભાગમાં એટલે કે ક્રાઉન રીજનમાં લઈ જવું અને પછી બન્ને હાથને એ ક્રાઉનવાળા ભાગમાં મુકવા. પછી ધીમે-ધીમે પ્રાણ ઊર્જાનો ફ્લો એ ભાગમાં વધી રહ્યો હોય એવો અનુભવ કરવો અને મસ્તિષ્કમાં ઠંડક વ્યાપી રહી છે, માથું કૂલ થઈ રહ્યું છે એવો અનુભવ કરતા જવું. ખરેખર, એવું બનશે કે તમારું માથું ઠંડું થવા માંડશે. મેં ઘણા લોકોને આ અભ્યાસ કરાવ્યો છે અને અમને અદ્ભુત પરિણામ મળ્યું છે.’

એક નાસિકા હંમેશાં 
બંધ જ રહેતી હોય તો?
નાડીશુદ્ધિ અથવા તો અનુલોમ પ્રાણાયામમાં શ્વાસને એક બાજુથી લેવાનું અને બીજી બાજુથી છોડવાનો હોય છે પરંતુ ઘણી વાર નાસિકા બંધ હોય તો એમ કરવું અઘરું બનતું હોય છે. એવા સમયે શું કરવું એ વિશે યોગશિક્ષક તનુભાઈ ખટાઉ કહે છે, ‘સવારે એક ગ્લાસ પાણીમાં આદું નાખીને ઉકાળવું અને પછી એ પાણીને ગૅસ પરથી નીચે ઉતારી એમાં જરાક સંચળ અને લીંબુ નાખીને પીવાથી એકાદ મહિનામાં શરદીના કોઠાને કારણે નાક બંધ રહેવાની સમસ્યા હશે તો નિવારણ થઈ જશે. એ સિવાય તમે તુલસીનાં પાન નાખીને ઉકાળેલા પાણીની બાફ લઈને આ અભ્યાસ કરી શકો.’

હાઈ બીપી માટે બેસ્ટ મુદ્રા

હાઇપરટેન્શન મુદ્રા

બન્ને હાથની મુઠ્ઠી બનાવો અને જમણા હાથની તર્જની આંગળી ઉપરની તરફ ખેંચાયેલી સીધી રાખો. હાઈ બ્લડ-પ્રેશર માટે આ મુદ્રા અસરકારક ગણાય છે.

વ્યાન મુદ્રા 

પહેલી બે આંગળીઓ એટલે કે તર્જની અને મધ્યમા અંગૂઠાના ટેરવાને સ્પર્શતી હોય એ રીતે રાખો અને છેલ્લી બે આંગળીઓને સીધી રાખો. રક્ત પરિભ્રમણને લગતી સમસ્યાઓ માટે અને શરીરને પોષક તત્ત્વો પૂરતા પ્રમાણમાં પહોંચાડવા માટે આ ઇફેક્ટિવ મુદ્રા છે.

અપાનવાયુ મુદ્રા

 મૃત સંજીવની મુદ્રા તરીકે જાણીતી આ મુદ્રામાં તર્જનીને અંગૂઠાના મૂળ તરફ વાળી દો પછી અંગૂઠાના ટેરવાને મધ્યમા અને અનામિકાના ટેરવા સાથે સ્પર્ષ કરો. હાર્ટના તમામ પ્રકારના રોગો માટે આ ખૂબ જ ઇફેક્ટિવ મુદ્રા મનાય છે અને બન્ને હાથમાં એ કરી શકાય છે.  - મિતેશ જોશી, મુદ્રા નિષ્ણાત

Whatsapp-channel Whatsapp-channel

17 May, 2023 02:26 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK