Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > તન - મનને સ્થિર કરીને સ્વને ઓળખવાનો સરળ રસ્તો એટલે ઈશા ક્રિયા

તન - મનને સ્થિર કરીને સ્વને ઓળખવાનો સરળ રસ્તો એટલે ઈશા ક્રિયા

29 March, 2023 06:01 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

સદગુરુ જગ્ગી વાસુદેવે ઇન્ટ્રોડ્યુસ કરેલો ધ્યાનનો આ અભ્યાસ કઈ રીતે અલગ છે અને બારથી પંદર મિનિટ દરરોજ ઈશા ક્રિયા કરો તો કેવા લાભ થઈ શકે એ જાણીએ આજે

તન - મનને સ્થિર કરીને સ્વને ઓળખવાનો સરળ રસ્તો એટલે ઈશા ક્રિયા

રોજેરોજ યોગ

તન - મનને સ્થિર કરીને સ્વને ઓળખવાનો સરળ રસ્તો એટલે ઈશા ક્રિયા


‘ધ્યાન એ કરવાનો વિષય નથી. ઘણા લોકો મેડિટેશન કરવાના પ્રયાસ કર્યા પછી એ તેમનાથી થઈ નથી રહ્યું અને ધ્યાન કરવું ખૂબ અઘરું છે એ કન્ક્લુઝન પર આવી જતા હોય એનું કારણ માત્ર એટલું જ કે તેઓ મેડિટેશન કરવાની કોશિશ કરે છે. તમે ધ્યાન લાગી જાય એવું વાતાવરણ તમારામાં ઊભું કરી શકો પરંતુ તમે જાતે ધ્યાન ન કરી શકો. અનુકૂળ વાતાવરણમાં ધ્યાન એની મેળે જ લાગી જાય. ધ્યાન એ અવસ્થા છે, ઍક્શન નહીં. જો તમે તમારા શરીરને, મનને, ઊર્જાને અને તમારી લાગણીઓને અમુક રીતે સજ્જ કરો તો સહજ રીતે ધ્યાન લાગી જાય. જેમ કે જમીનમાં ખાતર નાખીને એને ફળદ્રુપ બનાવો અને સાથે પૂરતા પ્રમાણમાં હવા-પાણી આપો, સારાં બીજ હોય તો એ વિકસશે જ અને સહજ તમને ફળ અને ફૂલ પ્રાપ્ત થશે જ. તમે અનુકૂળ વાતાવરણ આપ્યું તો આપમેળે જ ફળ અને ફૂલ બહાર આવી ગયાં. એવું જ મેડિટેશનનું છે.’


 આ સદ્ગુરુ જગ્ગી વાસુદેવના શબ્દો છે. ઈશા ક્રિયા, જેની આપણે આગળ ચર્ચા કરવાના છીએ એ પણ તમને ધ્યાન માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કરીને આપે છે અને ધીમે-ધીમે સ્થિરતાની સાથે જાતને પામવાની એક અનોખી યાત્રા તરફ આપણી ગતિ કરાવે છે. એકદમ સરળ અને ઇફેક્ટિવ હોવાને કારણે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે કરી શકે. બારથી પંદર મિનિટમાં થઈ શકતા આ અભ્યાસથી તમે તમારી આંતરયોગની જર્નીની શરૂઆત કરી શકો છો. બિગિનર લેવલની વ્યક્તિઓ તરત જ આ અભ્યાસથી મેડિટેશનને સમજવાની દિશામાં આગળ વધી શકે છે. જાણીએ એની પ્રોસેસ અને એની પાછળ રહેલા સાયન્સ વિશે. 



માણસ જ્યારે બધા જ પ્રયાસો કરી ચૂક્યો હોય અને અંદરથી ‍થાક્યો હોય, શરીર અને મનની મર્યાદાઓ સમજાઈ હોય ત્યારે પોતાના શરીર અને મન સિવાયના અસીમ અસ્તિત્વની શોધ શરૂ થાય. ઈશા ક્રિયા જો આ સમયે થાય તો તમારામાં અકલ્પનીય ફેરફાર લાવી શકે. ઈશા યોગના હઠયોગ શિક્ષક મનોહર ગડ કહે છે, ‘જ્યાં સુધી તમારું શરીર અને મન સ્થિર નહીં થાય ત્યાં સુધી એ તમને એનાથી પરનો અનુભવ નહીં લેવા દે. એટલે જ ઈશા ક્રિયામાં સૌથી પહેલાં સ્થિરતા કેળવવાની અને પછી શ્વાસ સાથે એ વાતને રિધમાઇઝ કરવાની કે તમે શરીર નથી, તમે મન પણ નથી. આને તમારા શાબ્દિક ભાવાર્થ સાથે નથી જોડવાનો પણ એની પાછળ રહેલા હાર્દને સમજવાની કોશિશ કરવાની છે. શરીર અને મનથી પર રહેલા તમારા અસ્તિત્વની ખોજ એ ઈશા ક્રિયા છે. સદ્ગુરુ પાસે જે સાંભળ્યું છે અને સમજ્યું છે એનો મારી દૃષ્ટિએ આ નિચોડ છે. બિગિનર લેવલના સાધકને અધ્યાત્મનો સ્વાદ ચખાડવા માટે સદ્ગુરુએ ઈશા ક્રિયાનું ટૂલ આપ્યું છે. હું શરીર નથી, હું માઇન્ડ નથી એટલે એમાં મારે એને હૅન્ડલ કરવાના પ્રયાસો પણ કરવાના નથી. જોકે આ દિશામાં ઇફેક્ટિવ પરિણામ ત્યારે આવશે જ્યારે તમારી અંદરથી એની ડ્રાઇવ હશે. દોડી-દોડીને થાક્યા હશો, બૉડી અને માઇન્ડની સેમ પૅટર્નથી કંટાળ્યા હશો ત્યારે ઈશા ક્રિયા તમને જુદો અનુભવ આપી જશે.’


કેવી રીતે કરશો ઈશા ક્રિયા? 

ઈશા ક્રિયા ત્રણ તબક્કામાં થાય છે. કરોડરજ્જુ સીધી રહે એ રીતે પૂર્વ દિશામાં મોઢું રાખીને સુખાસનમાં બેસી જાઓ. જરૂર પડે તો બૅક સપોર્ટ લઈ શકો છો પરંતુ માથાને સપોર્ટ વિના જ રાખવું. બન્ને હથેળીને સાથળ પર આકાશની તરફ વળેલી હોય એમ રાખો. ગરદન સહેજ ઉપરની તરફ વળેલી રાખો, હળવાશ સાથે આંખો બંધ કરીને તમારું ધ્યાન બન્ને ભ્રમરો વચ્ચે સહેજ લાગેલું રહે એ રીતે રાખો.


પહેલું સ્ટેજ: ધીમે-ધીમે સહજતા સાથે શ્વાસ અંદર અને બહાર લો. દરેક શ્વાસ અંદર જાય ત્યારે મનથી જાતને કહો કે હું આ શરીર નથી અને શ્વાસ બહાર છોડતી વખતે ‘હું મન પણ નથી’ એવું જાતને કહો. શ્વાસ જેટલો સમય અંદર જતો હોય એટલો સમય તમારા મનમાં આ વિચાર પણ ચાલે એનું ધ્યાન રાખો. સાતથી અગિયાર મિનિટ સુધી આ પ્રોસેસને રિપીટ કરો. 

બીજું સ્ટેજ: નાકથી શ્વાસ અંદર ભરીને મોઢાને સંપૂર્ણ ખોલીને શ્વાસ છોડતી વખતે ‘આઽઽઽ...’ નું સાત વખત ઉચ્ચારણ કરો. યાદ રહે ‘આ’નું ઉચ્ચારણ કરતી વખતે અવાજના તરંગોનો અનુભવ નાભિની જસ્ટ નીચેથી અનુભવાતા હોય. બહુ જોરથી ઉચ્ચારણ કરવાની જરૂર નથી પરંતુ એટલા જોરથી જરૂર કરજો જ્યાંથી તમે સાઉન્ડનાં વાઇબ્રેશન્સ મેહસૂસ કરી શકો.
ત્રીજું સ્ટેજ : ચહેરાને સહેજ ઉપર તરફ ઝુકાવીને પાંચથી છ મિનિટ માટે બન્ને આઇબ્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને સ્થિરતા સાથે બેસી રહો. બારથી અઢાર મિનિટમાં તમે આ અભ્યાસ કરી શકો છો. 

ઈશા ક્રિયાને વધુ બહેતર રીતે સમજવા માટે તમે યુટ્યુબ પર ઈશા ક્રિયાના વિડિયોઝમાંથી સદ્ગુરુના અવાજમાં જ ઇન્સ્ટ્રક્શન્સને અનુસરી શકો છો. ઈશા ક્રિયા કરતી વખતે શરીર અને મનમાં ચાલતી હલચલો પર બહુ ધ્યાન આપવાની જરૂર નથી. એને તમે સંપૂર્ણ ઇગ્નોર કરી શકો. દરરોજ કમ સે કમ બાર મિનિટ વચ્ચે કોઈ પણ જાતનો બ્રેક લીધા વિના દિવસમાં બે વાર આ ક્રિયા સતત ૪૮ દિવસ સુધી કરો તો જીવનને સમગ્રતાથી જાણવા અને આપણી હેક્ટિક લાઇફમાં જાતને જાળવી રાખવાના અઢળક લાભ મેળવી શકશો.

Whatsapp-channel Whatsapp-channel

29 March, 2023 06:01 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK