કોરિયામાં બોરિચા, જપાનમાં મુગિચા અને ચીનમાં દમાઇ ચા તરીકે ઓળખાતી
પ્રતીકાત્મક તસવીર
ચાનો કૅફિન અને શુગર-ફ્રી ઑપ્શન જોઈતો હોય તો એક વાર રોસ્ટેડ બાર્લી ટી ટ્રાય કરી જોજો. શેકેલા જવમાંથી બનાવવામાં આવતી આ ચા કોરિયા, ચીન, જપાન જેવા દેશોમાં લોકો પીએ છે. જવની આ ચાના અનેક હેલ્થ બેનિફિટ્સ હોવાથી સવારે ખાલી પેટે એ પીવાથી ફાયદો થાય છે
આપણા ભારતીય ઘરોમાં લોકોને સવારે ઊઠીને સૌથી પહેલાં ચા-કૉફી પીવાની આદત હોય છે. જોકે આમાં શુગર અને કૅફિન બન્ને હોય છે, જે હેલ્થ માટે સારા નથી. આનો વિકલ્પ છે શેકેલા જવની ચા. આપણા માટે કદાચ આ નવી વસ્તુ હોઈ શકે પણ કોરિયા, જપાન, ચીનમાં આ ડ્રિન્ક ખૂબ પિવાય છે. કોરિયામાં જવની ચાને બોરિચા જપાનમાં મુગિચા અને ચીનમાં દમાઇ ચા નામેથી ઓળખવામાં આવે છે.
ADVERTISEMENT
જવની ચા બનાવવાની રીત
જવને રોસ્ટ કરવા માટે સૌથી પહેલાં એક પૅન લો. પૅનમાં જવ નાખીને એને શેકો જ્યાં સુધી એ લાઇટ બ્રાઉન કલરના ન થઈ જાય. આ રોસ્ટેડ જવને તમે ઍરટાઇટ કન્ટેનરમાં ભરીને એક મહિના સુધી રાખી શકો. એનાથી વધુ સમય માટે પણ એને રાખી શકીએ પણ એની ફ્રેશનેસ અને ફ્લેવરમાં ફરક પડી જાય છે.
જવની ચા બનાવવા માટે એક તપેલીમાં પાણી લઈને એને ગૅસ પર મૂકો. એમાં એકથી બે ચમચી શેકેલા જવ નાખો. આ જવને પાણીમાં ૧૦થી ૧૫ મિનિટ સુધી ઊકળવા દો. તમારી જવ ટી બનીને રેડી છે. આ ચાનો સ્વાદ વધારવા માટે ઘણા લોકો એમાં લીંબુનો રસ અથવા તો મધ મિક્સ કરીને પીએ છે. આમ તો જવની ચાને દિવસમાં કોઈ પણ સમયે પી શકાય છે પણ સ્વાસ્થ્યને એનો મહત્તમ લાભ મળે એ માટે લોકો સવારે ખાલી પેટે એને પીવાનું પસંદ કરે છે. જવમાં ફાઇબર તેમ જ B વિટામિન્સ, મૅન્ગેનીઝ, સેલેનિયમ, ફૉસ્ફરસ, આયર્ન, મૅગ્નેશિયમ વગેરે જેવાં વિટામિન અને મિનરલ્સ હોય છે. જવની ચા બનાવીને પીવાથી આ બધાં પોષક તત્ત્વોનો થોડોઘણો ફાયદો આપણા શરીરને મળે છે. આ વિશે માહિતી આપતાં ડાયટિશ્યન ઉર્વી વખારિયા કહે છે, ‘જવની ચા વેઇટલૉસમાં મદદરૂપ બને છે. એમાં ઝીરો કૅલરી અથવા તો સાવ નજીવી કૅલરી હોય છે. જવમાં ફાઇબર સારા પ્રમાણમાં હોય છે. એટલે તમે ચાને ગળણીથી ગાળ્યા વગર એમનેમ જવ સાથે પીઓ તો ડાઇજેશનમાં મદદ મળે છે. જવની ચા પીવાથી ઊંઘ સારી આવે છે. એમાં રહેલાં મેલૅટોનિન અને ટ્રિપ્ટોફૅન જેવાં અમીનો ઍસિડ સારી ઊંઘ લાવવામાં મદદરૂપ બને છે. જવની ચામાં રહેલાં આયર્ન, ઝિન્ક, મૅન્ગેનીઝ શરીરને ઊર્જા આપવાનું અને ઇમ્યુનિટી બૂસ્ટ કરવાનું કામ કરે છે. જવની ચામાં રહેલાં ઍન્ટિઑક્સિડન્ટ્સ શરીરમાં ઇન્ફ્લમૅશન ઘટાડવાનું તેમ જ કૅન્સર, હૃદય સંબંધિત બીમારીઓ સામે શરીરને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે. જવની ચા બ્લડ શુગર લેવલને ઘટાડવામાં મદદ કરે છે, કારણ કે એનો લો ગ્લાઇસીમિક ઇન્ડેક્સ લોહીમાં શુગર સ્પાઇક થતાં અટકાવે છે. એ સિવાય આ ચા પીવાથી ઇન્સ્યુલિન પ્રોડક્શન પણ ઇમ્પ્રૂવ થાય છે. જવની ચા કૉલેસ્ટરોલ લેવલને રેગ્યુલેટ કરવામાં પણ મદદરૂપ બને છે. જવમાં રહેલું ટોકોલ્સ નામનું કેમિકલ બૅડ કૉલેસ્ટરોલને ઘટાડવામાં મદદરૂપ બને છે. જવની ચા પીવાથી થતા હેલ્થ બેનિફિટ્સને લઈને વધુ રિસર્ચ થયું નથી.’
સ્કિન-હેલ્થ સારી રાખે
જવની ચા શરીરમાંથી ટૉક્સિન્સ બહાર કાઢીને લોહીને પ્યૉરિફાઇ કરવાનું કામ કરે છે, પરિણામે ક્લિયર સ્કિન અને બ્રાઇટ કૉમ્પ્લેક્શન મળે છે. આમાં રહેલાં ઍન્ટિઑક્સિડન્ટ્સ ફ્રી રૅડિકલ્સ સામે લડવામાં અને ઑક્સિડેટિવ સ્ટ્રેસથી સ્કિનને પ્રોટેક્ટ કરવામાં મદદ કરે છે, પરિણામે ચહેરા પર જલદીથી કરચલીઓ આવતી નથી અને સ્કિન યુથફુલ રહે છે. જવની ચા પાચનતંત્રને સારું રાખે છે, પરિણામે નબળા પાચનને કારણે થતી એકને જેવી સમસ્યા થતી નથી. સ્કિન હાઇડ્રેટ અને રિફ્રેશ રાખવા માટે ઘણા લોકો જવની ચાથી નહાતા હોય છે. એ સિવાય એનો બરફ બનાવીને ચહેરા પર ઘસતા હોય છે. વાળને ચમકદાર બનાવવા માટે પણ જવના પાણીથી હેર વૉશ કરવામાં આવે છે.
કોણે દૂર રહેવું?
જવમાં ગ્લુટન હોય છે એટલે જેમને ગ્લુટન ઇન્ટૉલરન્સની સમસ્યા હોય તેમણે આ ચા પીવાનું ટાળવું જોઈએ. એ સિવાય એવા લોકો જેમને કેટલાક અનાજ જેમ કે ઘઉં, ચોખા, મકાઈ ખાવાથી ઍલર્જી થતી હોય તેમણે પણ જવની ચા પીવાથી દૂર રહેવું જોઈએ.