યુવાન વયે આવતા હાર્ટ-અટૅક ઘણા જ સિરિયસ માનવામાં આવે છે. વૃદ્ધ વ્યક્તિને જે અટૅક આવે એના કરતાં યુવાન વયે આવતા અટૅક વધુ જાનલેવા સાબિત થતા હોય છે.
પ્રતીકાત્મક તસવીર
આજકાલ સ્ત્રીઓમાં પણ ઘણા હાર્ટ પ્રૉબ્લેમ જોવા મળે છે એટલું જ નહીં, વધુ ને વધુ યુવાન લોકો હાર્ટ ડિસીઝના ભોગ બની રહ્યા છે. પહેલાં એક સમય એવો હતો કે ૫૦ વર્ષ પછી હાર્ટ ચેકઅપ લોકો કરાવતા. હવે ૩૦ વર્ષ પછી પણ રેગ્યુલર ચેકઅપ કરાવો તો કદાચ અમુક કેસમાં લાગે કે મોડું થઈ ગયું. આમ રિસ્ક ફૅક્ટર હવે ધીમે-ધીમે નોંધપાત્ર નથી રહ્યાં. યુવાનોમાં હાર્ટ-અટૅક આવવાનું પ્રમાણ ૧૮-૨૦ ટકા જેટલું વધી ગયું છે. હકીકતે યુવાન વયે આવતા હાર્ટ-અટૅક ઘણા જ સિરિયસ માનવામાં આવે છે. વૃદ્ધ વ્યક્તિને જે અટૅક આવે એના કરતાં યુવાન વયે આવતા અટૅક વધુ જાનલેવા સાબિત થતા હોય છે.
યુવાન વયે હાર્ટ ડિસીઝ થવાનું એક કારણ તેમનું બેઠાડુ જીવન છે. ઓબેસિટી કરતાં પણ આ કારણ વધુ મહત્ત્વનું છે. ઘણા લોકોનું વજન વધારે નથી હોતું છતાં તેમના બેઠાડુ જીવનને કારણે તેઓ હાર્ટ ડિસીઝના ભોગ બને છે. હૃદય પણ એક સ્નાયુ છે. જો એ સ્નાયુને મજબૂત કરવા હોય તો એને કસવા પડે, કસરત કરવી પડે. હૃદયને મજબૂત રાખવા માટે કાર્ડિયો એક્સરસાઇઝ જરૂરી છે. જો તમે ખાસ કસરત કરવાના આદી ન હો તો કંઈ વાંધો નહીં, હાર્ટ માટે આજથી શરૂઆત કરી શકો. જો તમારે હાર્ટનું ધ્યાન રાખવું છે તો સૌથી પહેલાં કુટેવોથી મુક્તિ મેળવવી જરૂરી છે. સ્મોકિંગને કારણે હાર્ટ ડિસીઝનું રિસ્ક ચારગણું વધી જાય છે. આલ્કોહોલ પણ એક એવી કુટેવ છે જે સીધી નહીં તો આડકતરી રીતે પણ હૃદય પર અસર કરે છે. આલ્કોહોલ ઓબેસિટી માટે જવાબદાર બને છે અને ઓબેસિટી હૃદયરોગને આવકારનારા રોગોને તાણી લાવે છે. આમ તકલીફો વધે છે.
ADVERTISEMENT
ઘણા યુવાનો રેગ્યુલર એક્સરસાઇઝ કરે છે. તેમને નખમાંય રોગ નથી હોતો. ઓબીસ પણ નથી હોતા અને આદતો પણ ઘણી સારી હોય છે એમ છતાં તેમને હાર્ટ-અટૅક આવે ત્યારે લોકો કહેવા લાગે છે કે ગમે તેટલું ધ્યાન રાખીએ તો પણ કશો ફરક પડતો નથી. જે થવાનું છે એ થઈને રહે છે. પણ એવું નથી, આવા કેસિસમાં દરદીને ખબર નથી હોતી કે ખરેખર તેને નાનપણથી હૃદયની કોઈ તકલીફ હોય છે. જેમ કે મૅલિગ્નન્ટ કૉરોનરી આર્ટરી ડિસીઝ, જે જન્મથી જ હોય. એટલે સારી લાઇફસ્ટાઇલનો કોઈ ફરક નથી અને જેને હાર્ટ-અટૅક આવવાનો છે એ તો આવીને જ રહેશે એવું નથી. યુવાનોએ ખાસ પોતાની લાઇફસ્ટાઇલ ઠીક રાખવી જરૂરી છે. હાર્ટને ફૉર ગ્રાન્ટેડ લેવું નહીં.
-ડૉ. લેખા પાઠક

