ખાનપાન બદલાયાં છે તો સાથોસાથ ભાગદોડ વધી છે, હરીફાઈનો સમય છે એટલે સરખામણીઓ પણ વારંવાર થાય છે.
પ્રતીકાત્મક તસવીર
આજે અહીં જેની વાત કરવાની છે એ વિષયને સેક્સોલૉજી સાથે કોઈ નિસબત નથી. આ સવાલ છે સાઇકિયાટ્રિસ્ટનો. આ વિષય પર આજે વાત કરવાનું ખાસ કારણ પણ છે. થોડા સમયથી આ પ્રકારની ફરિયાદ લઈને આવનારા લોકોનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. કંઈ ગમતું ન હોય, દરેકેદરેક વાતમાં પોતે નિગ્લેક્ટ થાય છે એવી ફીલ આવતી હોય, બધું છોડી દેવાનું મન થતું હોય અને એ પછી પણ કશું જ હાથમાંથી છૂટતું ન હોય. આવી વાત કરતા ઑલમોસ્ટ સોથી વધારે પેશન્ટ્સને હું ૨૦૨પના આ ત્રણ મહિના દરમ્યાન મળ્યો. એ તમામ મીટિંગ પરથી એક તારણ પર આવી શક્યું છે કે અત્યારે મોટા ભાગનો વર્ગ ડિપ્રેશનની અસરમાં છે. હા, માસ-ડિપ્રેશન કહીએ એવી આ સિચુએશન છે અને આ સિચુએશન વચ્ચે સ્વીકારવું રહ્યું કે આ બદલાતી જતી લાઇફસ્ટાઇલનું પરિણામ છે.
ખાનપાન બદલાયાં છે તો સાથોસાથ ભાગદોડ વધી છે, હરીફાઈનો સમય છે એટલે સરખામણીઓ પણ વારંવાર થાય છે. આ બધા વચ્ચે હવે માણસ નાના મનનો થવા માંડ્યો છે, જેને લીધે પોતે કોઈને અનુકૂળ બનવાનો પ્રયાસ નથી કરતો પણ હવે તેના મનમાં એક જ વાત છે કે સામેવાળો તેને અનુકૂળ બને. આ સમગ્ર સિચુએશન બહુ ખરાબ છે પણ અફસોસની વાત એ છે કે એનો સ્વીકાર કરવાની તૈયારી નથી. ગયા અઠવાડિયે એક બહુ જાણીતી લેખિકા મને મળી. તેના કેટલાક પ્રશ્નો હતા, જેના વિશે ચર્ચા થયા પછી તેને મેં કહ્યું કે તને ડિપ્રેશનની ડીપ અસર છે, બહેતર છે તું વહેલી તકે મેડિસિન શરૂ કર. મારી વાત સાંભળીને તે હસવા માંડી, મને કહે કે હું કંઈ ગાંડી નથી.
ADVERTISEMENT
ગાંડપણ અને ડિપ્રેશન વચ્ચે બહુ મોટો ફરક છે અને આ ફરકને જો લેખિકા સ્તરની સાક્ષર વ્યક્તિ ન સમજી શકતી હોય તો તમે સામાન્ય વ્યક્તિ પાસેથી એ અપેક્ષા કેમ રાખી શકો? એ બહેનની વાત કરું તો એ બહેનને કોઈ પ્રૉબ્લેમ નહોતો. એ બહેનને જે તકલીફ હતી એ એટલી જ કે તેમને સેન્ટર ઑફ અટ્રૅક્શનની આદત પડી ગઈ હતી, જેને લીધે તે જ્યારે પોતાનાથી વધારે હોશિયાર કે પ્રસિદ્ધ લોકોની વચ્ચે ઊભાં હોય ત્યારે તેમને ઇગ્નૉર થવાની ફીલિંગ આવતી હતી. આ ફીલ તે છેલ્લા એકાદ વર્ષથી ભોગવતાં હતાં અને પછી એ ડિપ્રેશનમાં પરિણમી પણ તેમને લાગતું નથી કે પોતે ડિપ્રેશનમાં છે. ઊંઘતાને જગાડી શકાય પણ સૂવાનો ડોળ કરતા લોકોને તમે કેવી રીતે જગાડી શકો? સમય આવી ગયો છે કે કોઈ એક્સપર્ટ તમને કંઈ કહે છે તો તેમની વાત માનો અને તેમને અનુસરો. નહીં તો દુખી થવાનો વારો જે-તે વ્યક્તિનો જ આવશે.
(ડૉ. મુકુલ ચોકસી સેક્સોલૉજિસ્ટ, સાઇકિયાટ્રિસ્ટ અને કવિ છે.)

