ઘણા લોકો માને છે સૂકી ખાંસી કફનો પ્રકાર નથી. કોઈ પૂછે કે શું થયું છે તો કહેશે કફ નથી, બસ સૂકી ખાંસી છે. હકીકતમાં એ એક પ્રકારનો કફ જ છે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં અત્યારે અઢળક દરદીઓ છે જે ડ્રાય કફથી હેરાન થઈ રહ્યા છે. ડ્રાય કફ એટલે કે સૂકી ખાંસી. સીઝન ચેન્જ થવાને કારણે જે કફ થાય છે એ મોટા ભાગે ડ્રાય કફ જ હોય છે. સીઝન બદલાય ત્યારે શ્વાસ માર્ગમાં કોઈ પણ કારણસર તકલીફ થાય તો સૂકી ખાંસી કે ઉધરસ ચાલુ થઈ જાય છે, જેને આપણે નકલી ખાંસી કે ખોટી ઉધરસ કહીએ છીએ. ઘણા લોકો માને છે સૂકી ખાંસી કફનો પ્રકાર નથી. કોઈ પૂછે કે શું થયું છે તો કહેશે કફ નથી, બસ સૂકી ખાંસી છે. હકીકતમાં એ એક પ્રકારનો કફ જ છે.
મોટા ભાગે ગળું એકદમ સૂકું થઈ જાય, ગળામાં દુખાવો થાય, સતત વગર કારણે ઉધરસ આવે, બોલવામાં પણ તકલીફ થાય, વધારે બોલવામાં આવે તો તરત જ ઉધરસ શરૂ થઈ જાય, રાત્રે સૂતી વખતે સૂઈ જ ન શકાય કારણ કે તમે જેવા લાંબા પડો એટલે તરત જ ઉધરસ શરૂ થઈ જાય જે બંધ જ ન થાય અને જેવા બેસી જાઓ કે ઉધરસ બંધ થઈ જાય. આ બધાં જ સૂકા કફનાં સામાન્ય અને શરૂઆતી લક્ષણો છે. આ ઉપરાંતનાં લક્ષણો જે સૂકી ઉધરસની સાથે-સાથે શરીરમાં દેખાય છે એમાં તાવ, ટૂંકા શ્વાસ, માથાનો દુખાવો, શરીર તૂટવું, નાકમાંથી પાણી ગળ્યા કરવું, ગળા પર સોજો, ઊલટી, છાતીમાં દુખાવો, શ્વાસ લો ત્યારે ફેફસાંમાંથી આવતો અવાજ, બ્લડપ્રેશરમાં બદલાવ, લોહીમાં ઑક્સિજનનું ઘટતું પ્રમાણ વગેરે જેવાં લક્ષણો પણ ડ્રાય કફની સાથે જોવા મળે છે. આ એક પણ લક્ષણને અવગણવું હિતાવહ નથી.
ADVERTISEMENT
ડ્રાય કફ માટે જવાબદાર પરિબળોમાં મોટા ભાગે બાહ્ય પરિબળો જવાબદાર ગણાય છે. વાતાવરણમાં આવતા ફેરફારો, પ્રસૂષણ, વાઇરસનો હુમલો કે શ્વાસને અસર કરતા એક પણ પ્રકારના જીવાણુનો હવામાં અતિરેક, ધૂળ, માટી, પરાગરજ જેવાં કોઈ પણ ઍલર્જી કરતાં પરિબળો વગેરે ડ્રાય કફને જન્મ આપે છે. આ બાહ્ય પરિબળો મોટા ભાગે શરીરમાં શ્વાસ વાટે જાય છે અને શ્વાસનળીઓમાં ઇરિટેશન જન્માવે છે જે આગળ જતાં ઇન્ફેક્શન પેદા કરે છે અને એના પરિણામ સ્વરૂપે ડ્રાય કફ થાય છે. સ્મોકિંગ કરનાર વ્યક્તિ અને તેની સાથે-સાથે પૅસિવ સ્મોકર્સ એટલે કે સ્મોકર્સની આસપાસ રહેનારા લોકોને પણ સિગારેટનો ધુમાડો ખાઈ-ખાઈને ડ્રાય કફની બીમારી થઈ શકે છે. અસ્થમાના પેશન્ટ અથવા જેમને કોઈ પણ પ્રકારની ઍલર્જી છે તેમને પણ આ તકલીફ જલદીથી થાય છે. આ કારણો જાણવાં એટલે જરૂરી છે કે તમને શેના કારણે આ તકલીફ થઈ રહી છે એ સમજશો તો ઉપાય મેળવવો સરળ બનશે. કારણ જાણી લઈએ તો એ કારણથી બચવું પણ સરળ બને જે દવાઓથી વધુ અકસીર ઇલાજ સાબિત થઈ શકે. -ડૉ. અમિતા દોશી નેને

