માતાના ખોરાકનો પ્રભાવ બાળક પર એટલો વધારે હોઈ શકે છે કે તેને ઍલર્જી થવાની શક્યતા ઊભી કરી આપે
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક તસવીર
આજકાલ ઍલર્જી, અસ્થમા જેવા રોગનું જોર વધ્યું છે. આમ તો વ્યક્તિને કોઈ પણ ઉંમરે કોઈ પણ પ્રકારની ઍલર્જી થઈ શકે પરંતુ મોટા ભાગે ઍલર્જીનાં લક્ષણો નાનપણમાં દેખાઈ જાય છે. ધૂળની, પોલનની એટલે કે પરાગરજની, ફૂલોની સાથે-સાથે ઘણા બધા ખાદ્યપદાર્થો જેમ કે શિંગદાણા, ચણાનો લોટ, દૂધ કે દૂધની બનાવટો, મકાઈ, મશરૂમ વગેરે જેવી જુદી-જુદી પ્રકારની ઍલર્જીઓ બાળકોમાં જોવા મળે છે.
ઍલર્જી થાય પછી એનો ઇલાજ કરવાની જગ્યાએ ઍલર્જી થાય જ નહીં એવી કોશિશો કરવી વધુ યોગ્ય છે. આ કોશિશ બાળકના જન્મ પહેલાં જ શરૂ કરવી વધુ યોગ્ય છે. ખાસ કરીને ત્યારે જ્યારે ઘરના લોકો કે માતા-પિતામાંથી કોઈ પણ એક વ્યક્તિને ઍલર્જીનો પ્રૉબ્લેમ હોય ત્યારે વધુ સતર્કતા જરૂરી છે. વૈજ્ઞાનિકોએ નોંધ્યું છે કે જે સ્ત્રી જ્યારે પ્રેગ્નન્સી દરમિયાન જન્ક ફૂડ, ફાસ્ટ ફૂડ, પ્રિઝર્વેટિવ્ઝ ધરાવતી વસ્તુઓ, કેમિકલ્સયુક્ત ખાતરોમાં ઊગેલી વસ્તુઓ ખાય છે ત્યારે તેના ગર્ભસ્થ શિશુને ઍલર્જી થવાની શક્યતા ઘણી વધી જાય છે. પ્રેગ્નન્સી દરમિયાન સ્મોકિંગ અને ડ્રિન્કિંગની આદતો, વધુપડતું સ્ટ્રેસ, નકારાત્મક વિચારો, ડિપ્રેશન આ બધી બાબતો પણ બાળકમાં ઍલર્જીનું કારણ બની શકે છે.
ADVERTISEMENT
માતાના ખોરાકનો પ્રભાવ બાળક પર એટલો વધારે હોઈ શકે છે કે તેને ઍલર્જી થવાની શક્યતા ઊભી કરી આપે. એ હકીકત છે કે જો ઍલર્જી જિનેટિક હોય તો જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારે જ તેના શરીરના નિર્માણ વખતે તેનામાં આ જિનેટિક ખામી થઈ જાય છે. બીજું એ કે માતા જ્યારે અમુક પ્રકારના ઍલર્જિક ખાદ્ય પદાર્થો ખાય છે ત્યારે એના ચોક્કસ પ્રોટીન બાળકને સીધા મળે છે જે તેની ડેવલપ થઈ રહેલી રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે, જેને લીધે તે ઍલર્જી ડેવલપ કરવાની ટેન્ડન્સી ધરાવે છે.
હવે એવી ટેસ્ટ પણ આવે છે કે જેનાથી ગર્ભમાં જ જાણી શકાય કે બાળકને કોઈ ઍલર્જી પ્રૉબ્લેમ છે કે નહીં. પરંતુ એવી ટેસ્ટ બધા જ લોકોએ કરાવવી જરૂરી નથી. કોઈ જિનેટિક ખામી લાગે તો કરાવી શકાય. હવે જન્મ બાદ બાળકની ગર્ભનાળ અને તેનું લોહી લઈને એને વર્ષો સુધી સાચવી રાખવામાં આવે છે. આ કોર બ્લડના ટેસ્ટિંગથી જાણી શકાય છે કે બાળકમાં ઍલર્જિક ટેન્ડન્સી છે કે નહીં. પણ ખરા અર્થમાં આ ટેસ્ટિંગ કરતાં પણ વધુ મહત્ત્વનું એ છે કે જે લોકોના ઘરમાં કોઈ પણ વ્યક્તિને ઍલર્જીનો પ્રૉબ્લેમ હોય છે તેમણે કોઈ નિષ્ણાત વ્યક્તિને મળવું ખૂબ જ જરૂરી છે.
- ડૉ. ઝીનલ ઉનડકટ