પ્લેટલેટ્સ ઓછા છે એ બાબતે પેનિક ન થાઓ
ઓ.પી.ડી.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
હું ૬૮ વર્ષનો છું. ૨૦૦૪માં મારા પ્લેટલેટ્સ ઓછા થઈ ગયા હતા, નિદાન થયું કે મને ક્રોનિક ઇમ્યુન થ્રૉમ્બોસાયટોપેનિયાની (ITP) તકલીફ છે. એના માટે ૨૦૦૪થી ૨૦૦૮ સુધી મને દવાઓ ચાલી, પરંતુ ખાસ ફરક ન પડ્યો એટલે મારી સ્પ્લીન સર્જરી થઈ. મારું સ્પ્લીન હેલ્ધી જ હતું, છતાં એને કાઢી નાખવામાં આવ્યું. એ પછી પણ મારા પ્લેટલેટ્સ કાઉન્ટ વધ્યા નથી. એ પછી હું સતત દવાઓ લેતો રહ્યો, પણ પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટતા જ ગયા છે. અત્યારે મારા પ્લેટલેટ્સ ૧૦-૨૦ હજારની વચ્ચે રહે છે, એ વધતા જ નથી.
ITP એક એવો ડિસઑર્ડર છે, જેમાં વ્યક્તિના પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટી જાય છે. પ્લેટલેટ્સની જરૂર માણસને એટલે હોય છે કે એ શરીરમાં જ્યાં પણ બ્લીડિંગ થાય ત્યાં એ લોહીને ગંઠાવવામાં મદદ કરીને બ્લીડિંગને રોકવાનું કામ કરે છે. આ રોગ થવાનું કોઈ જ કારણ નથી. તમે મોકલેલી વિગતોમાં સમજાય છે કે શરૂઆતમાં જે દવાઓ તમને આપવામાં આવી એનાથી ફાયદો ન થયો એટલે સ્પ્લીનને કાઢી નાખવાની સર્જરી થઈ.
તમે કહો છો કે સ્પ્લીનમાં કોઈ ખરાબી નહોતી. તમે આ બાબતે બરાબર સમજ્યા નથી. સ્પ્લીનમાં ખરાબી હોય એટલે એને નથી કાઢવામાં આવતું. એ પ્લેટલેટ્સને તોડવાનું કામ કરે છે, જેને લીધે પ્લેટલેટ્સની સંખ્યા વધી ન જાય. જેમના શરીરમાં એની માત્રા ઓછી હોય એમની સ્પ્લીનને દૂર એટલા માટે કરવામાં આવે છે કે એનાથી તેને ફાયદો થાય, પણ ૩૩ ટકા દરદીઓને આ સર્જરી પછી પણ ફાયદો થતો નથી. દુખદ વાત એ છે કે તમે પણ એ જ કૅટેગરીમાં આવો છો. તમને એ સર્જરીનો ફાયદો થયો નથી. પછી પણ જે દવાઓનો કોર્સ તમે ચાલુ રાખ્યો છે એ દવાઓ તો યોગ્ય છે, પરંતુ એનાથી પણ તમને ફાયદો થયો નથી એટલે જ પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટીને દસ-વીસ હજાર જેટલા થઈ ગયા છે.
ADVERTISEMENT
તમારી જે ટ્રીટમેન્ટ ચાલુ છે એ ચાલુ જ રાખો અને આ રોગ સાથે જીવતા શીખી જાઓ. પ્લેટલેટ્સ ઓછા છે એ બાબતે પેનિક ન થાઓ. શિસ્તબદ્ધ જીવન જીવો, જેથી બ્લીડિંગ બને એટલું ટાળી શકાય. કોઈ પણ જાતની પેઇનકિલર્સ ન લેતા. પેઢામાંથી કે ગળામાંથી બ્લીડિંગ થાય એ જ થોડું ચિંતાજનક હોઈ શકે છે. બાકી જેટલા છે એટલા પ્લેટલેટ્સ સાથે પણ તમે એક સારું જીવન જીવી શકશો. જ્યારે પરિસ્થિતિ આપણા હાથમાં ન હોય ત્યારે એ એને અનુરૂપ જીવતા શીખવું પડે છે.