સ્વમાં લીન થવાની ધ્યાનની વિવિધ પદ્ધતિનાં પરિણામોનો સ્વાનુભવ કરનારા વૈશ્વિક વિભૂતિ લદાખના બૌદ્ધ સાધુ ભિખ્ખુ સંઘસેના સાથે આ દિશામાં ચર્ચા કરીએ
રોજેરોજ યોગ
પ્રતીકાત્મક તસવીર
ભગવાન બુદ્ધ જાતને ઓળખ્યા વિના બીજું કંઈ પણ જાણી નહીં શકાય એ બાબતમાં સ્પષ્ટ હતા અને એટલે જ બુદ્ધિસ્ટ પરંપરામાં ધ્યાનનાં ભરપૂર ગુણગાન ગવાયાં હોય એ તમને દેખાશે. સ્વમાં લીન થવાની ધ્યાનની વિવિધ પદ્ધતિનાં પરિણામોનો સ્વાનુભવ કરનારા વૈશ્વિક વિભૂતિ લદાખના બૌદ્ધ સાધુ ભિખ્ખુ સંઘસેના સાથે આ દિશામાં ચર્ચા કરીએ
‘કમ્પૅશન ઇન ઍક્શન’ અને ‘મેડિટેશન ઇન ઍક્શન’. લદાખના ‘મહાબોધિ ઇન્ટરનૅશનલ મેડિટેશન સેન્ટર’ના પ્રણેતા ભિખ્ખુ સંઘસેના આ બે વાક્યને ભગવાન બુદ્ધ:ના ટીચિંગનો સાર ગણાવે છે. દુખી પ્રત્યે કરુણાભાવ દાખવો અને જાતને ઓળખવા માટે ધ્યાનનો અભ્યાસ કરો, પણ આ બન્નેને પ્રૅક્ટિસમાં લાવો. બુદ્ધિઝમની કેટલીક ટ્રેડિશન આજે બુદ્ધના પરિનિર્વાણ દિન તરીકે ઊજવે છે. ભગવાન મહાવીર, મહર્ષિ પતંજલિ અને ભગવાન બુદ્ધના જીવન સંદેશમાં અને તેમણે આપેલી ફિલોસૉફીમાં ઘણી સમાનતા છે. ધ્યાન બુદ્ધ પરંપરાનો પાયો માનવામાં આવે છે, જેની આજના સમયમાં સર્વાધિક આવશ્યકતા પણ છે ત્યારે લદાખમાં શિક્ષણ, મેડિકલ સહાય અને અધ્યાત્મના પ્રચાર-પ્રસારમાં છેલ્લા ત્રણ દાયકાથી સક્રિય વૈશ્વિક સ્તરે જાણીતી વિભૂતિ ભિખ્ખુ સંઘસેનાજી સાથે ધ્યાનને લગતી વાતો કરીએ અને સાથે બુદ્ધ પરંપરામાં પૉપ્યુલર એવી ધ્યાનની કેટલીક પદ્ધતિઓને પણ સમજીએ.
ADVERTISEMENT
ધ્યાન શું છે?
મેડિટેશનનું તો નામ જ ઇનૅક્શન મોડમાં જવાનું છે ત્યારે ‘મેડિટેશન ઇન ઍક્શન’ એવું શું કામ પ્રશ્નના જવાબમાં ભિખ્ખુ સંઘસેનાજી કહે છે, ‘ઍક્શનનો અર્થ અહીં છે પોતાને જાણવાની દિશામાં સક્રિય થાઓ. ધ્યાનનું ધ્યેય જ છે કે હું કોણ છું એ સમજવાના પ્રયાસ કરો. એ અવસ્થા સુધી પહોંચો જ્યાં ધ્યાન કરનારી વ્યક્તિ અને તે જેના પર ધ્યાન લગાવી રહી છે એ બન્ને એક થઈ જાય. આપણા અસ્તિત્વનું મૂળ સ્વરૂપ જાણવું સૌથી વધુ મહત્ત્વનું છે. એ પણ ત્યારે જ્યારે આપણે અહીં ટેમ્પરરી સમય માટે છીએ. એક વિઝિટરની જેમ જ્યારે આપણે અહીં આવ્યા હોઈએ લિમિટેડ ટાઇમ સાથે ત્યારે આપસમાં ઝઘડવામાં કે બધું જ ભેગું કરવામાં આપણો સમય બરબાદ થઈ જાય એ યોગ્ય નથીને? ધ્યાન એટલે સુખ, દુઃખ, સારું, ખરાબ જેવાં દ્વંદ્વોમાંથી બહાર નીકળીને જે સૂક્ષ્મ છે એ દિશામાં અંદરની તરફ ઝાંકવું, જાતને જાણવી એ જ ધ્યાન છે.’
મન ન લાગે તો શું?
ધ્યાન કરવા બેસો અને મનમાં વિચારો ઘેરી વળે, ધ્યાન કરવા બેસો અને જાણે ક્યારે એમાંથી ઊભા થઈએ એવું થાય. આવા સંજોગોમાં શું કરવું અને ધ્યાનની અવસ્થામાં આપણે છીએ કે નહીં એની સમજણ કેમ પડે? આ પ્રશ્નના જવાબમાં ભિખ્ખુ સંઘસેનાજી કહે છે, ‘બની શકે કે ધ્યાનમાં શરૂઆતમાં તમે એકાગ્ર ન થઈ શકો, પરંતુ પ્રયાસ તો શરૂ કરો. જે. કૃષ્ણમૂર્તિ કહેતા કે ફર્સ્ટ સ્ટેપ ઇઝ લાસ્ટ સ્ટેપ. એટલે કે જો તમે પહેલું ડગલું ભર્યું તો તમે છેલ્લા ડગલા સુધી પહોંચવાની દિશાને જોઈ શકો છો. ગમે તેટલા લાંબા પ્રવાસની શરૂઆત એક જ પ:ગથિયાથી થાય છે. ધ્યાનમાં પણ આ વાત લાગુ પડે છે. આંખો મીંચીને સ્થિર બેસી જાઓ અને પછી ધીમે-ધીમે આનાપાન ધ્યાનથી એટલે કે શ્વાસોચ્છ્વાસની ગતિના નિરીક્ષણથી શરૂઆત કરો. મન વિચલિત થાય તો પણ પ્રયાસ ચાલુ રાખો. ક્યારેય આશા નહીં છોડો. ધ્યાનની અવસ્થામાં જેમ-જેમ ઊંડાણ આવશે એમ તમને પોતાને જ અમુક ક્લૅરિટી આવતી જશે. જેમ તમે દૂર હો અને દૂરથી તમને કોઈ ઝાડ દેખાતું હોય કે કોઈ પ્રાણી ઊભું દેખાય, થોડાક નજીક આવો તો એ દૃશ્ય વધુ ક્લિયર થાય. એક અંતર પર તમને એ સમજાય કે એ ઝાડ કેળાનું છે કે વડનું. વધુ નજીક આવો તો એ દેખાય કે કેળાના ઝાડમાં કેળાની લૂમ છે અને હજી નજીક આવો તો બીજી ચાર નવી વસ્તુ ઝાડ સાથેની જોઈ શકો તમે. ધ્યાનનો નિયમિત અભ્યાસ તમને તમારી જાત માટેની આવી સ્પષ્ટતા આપશે. હું તો કહીશ કે રોજ માત્ર પાંચ મિનિટથી પણ શરૂ કરશો તો તમને અદ્ભુત પરિવર્તન તમારી અંદર દેખાશે.’
આપણને હવેના સમયમાં બુદ્ધની સૌથી વધુ જરૂર
નહીં? બુદ્ધ ચોક્કસ આજે રેલવન્ટ છે. બુદ્ધની પરમ સત્યની ખોજ પોતાની તપસ્યા-સાધનાનું પરિણામ છે. તેમણે માત્ર પોતાની મુક્તિ જ નહીં બલકે જગતના તમામ લોકોની મુક્તિનો માર્ગ આપ્યો. આજે પણ જ્યારે જગતમાં અનેક સ્તરે અશાંતિ, કલેશ, યુદ્ધ, ઈર્ષ્યા, અહંકાર, ક્રોધ, હિંસાનો માહોલ વધતો જાય છે ત્યારે બુદ્ધનો માર્ગ શાંતિ, અહિંસા, કરુણા અને સુખ-દુઃખથી પર એવા આનંદ તરફ લઈ જવામાં સહાય કરી શકે છે.
બુદ્ધના આર્ય સત્ય અને સંદેશ આજે પણ સનાતન |
જ્યાં સુધી સૃષ્ટિ રહેશે ત્યાં સુધી દુઃખ માનવી સાથે છાયા બનીને ચાલશે. દુઃખનું કારણ છે, કોઈ પણ વસ્તુને પકડી રાખવી; જ્યારે કે દરેક વસ્તુ ક્ષણભંગુર છે. મુક્તિ માટે વિવેકને જગાડી રાખો. સુખ આવે કે દુઃખ આવે, સ્વયંને કેન્દ્રિત રાખો, મધ્યમાં રાખો. આને બુદ્ધ અષ્ટાંગ માર્ગ કહે છે. આમાં સમ્યક જ્ઞાન, સમ્યક વિચાર, સમ્યક વાણી, સમ્યક ચેતના અને એકાગ્રતા સાથે સમ્યક જીવન સંભવ બને છે.
આ પણ વાંચો: મનને કાબૂમાં લાવવું છે?
અજ્ઞાન જ દુઃખ, ભ્રમ અને ચિંતાને જન્મ આપે છે. લોભ, ક્રોધ, અભિમાન, ઈર્ષ્યા, દુવિધા અને ભય અજ્ઞાનનાં જ સંતાન છે. માયાની રમત વિપરીતની રમત છે, તેથી મધ્યમાં રહેવામાં સાર છે. જ્યારે આપણે માયાના દ્વૈતને જાણી લઈએ છીએ ત્યારે આપણી અંદરની બધી જ ચિંતા દૂર થઈ જાય છે અને આપણી ભીતર પ્રેમ અને સ્વીકારનો ભાવ જાગે છે. આ જ્ઞાન પછી આપણે કોઈની પણ ઘૃણા કરી શકતા નથી. આ વાત આજના જગતમાં-સમાજમાં અસંભવ લાગે એવી ભલે જણાય, પણ શાંતિનો માર્ગ આ જ છે. અહીં જ આપણી ભીતર કરુણા પ્રગટે છે.
સંસારમાં રહીને પણ બુદ્ધત્વના માર્ગે |
જેમ વીણાના તાર બહુ કસેલા હોય તો એમાંથી સૂર પ્રગટ થાય નહીં અને તાર બહુ ઢીલા હોય તો પણ સૂર પ્રગટે નહીં એમ જીવન મધ્યમાં હોવું જોઈએ. સુખ અને દુઃખ બંનેથી પર, જ્યાં કેવળ આનંદ હોય. આ આનંદના માર્ગની યાત્રા સમજવા જેવી છે. સંસારમાં રહીને, પોતાનાં કર્તવ્ય બજાવીને પણ આ માર્ગે ચાલી શકાય છે. આપણે હજી પણ બુદ્ધને સમજી શક્યા નથી, એ હતા ત્યારે પણ આપણે તેમને ભગાડી દીધા હતા, તેમના ઉપર પથ્થરો ફેંક્યા હતા, તેમના અનુયાયીઓની હત્યા કરી હતી. બુદ્ધ પર પણ જીવલેણ હુમલા થતા રહ્યા હતા. આજે ભારત કરતાં વધુ ચીન, જપાન, થાઇલૅન્ડ સહિત અનેક દેશોમાં બુદ્ધનો બૌદ્ધ ધર્મનો સ્વીકાર અને ફેલાવો થયો છે.
ટ્રાય ધિસ
દરેકની અંદર બુદ્ધ છે એટલે કે સ્વયંપ્રકાશિત સત્ત્વ છે. એ આત્મ તત્ત્વ આપણા સહુમાં છે જે પરમતેજોમય છે. સર્વજ્ઞ છે. આંખ મીંચીને રિલૅક્સ બેસીને અથવા શવાસનમાં સૂઈને પહેલાં શ્વસન પર ધ્યાન આપીને મનને એકાગ્ર કરો અને પછી ધીમે-ધીમે શરીરનાં અંગોને શિથિલ કરતા જાઓ. ધીમે-ધીમે અંદર ઊઠતાં સ્પંદનો પર ધ્યાન કેન્દ્રિત કરો, મનના વિચારોના નિરીક્ષક બનો અને ધ્યાનને વધુ ઊંડાણ આપતા જાઓ. જાતની અંદર રહેલા એ તેજોમય પ્રકાશથી પરિચિત થવાના પ્રયાસ કરો. પોતાની અંદર રહેલી એ બુદ્ધતાનાં દર્શન કરો.
બુદ્ધનાં અનમોલ વચનો
બુદ્ધ કહે છે, કોઈ વ્યક્તિ એક વાર કોઈ સિદ્ધાંતને પકડી લે છે તો તે પોતાની સ્વતંત્રતાને ખોઈ દે છે. તે વ્યક્તિ રૂઢિવાદી થતી જાય છે, તેને એમ જ લાગે છે કે પોતે જે વિચારે છે એ જ સત્ય છે.
આમ તેના વિચારો સિદ્ધાંત બનીને તેને બાંધી દે છે. બુદ્ધ કોઈ સિદ્ધાંતમાં માનતા નથી. બુદ્ધ કહે છે, હું માત્ર મારા અનુભવના આધારે જ વાત કરું છું. મારો માર્ગ પરમ સત્યનો માર્ગ છે.
બુદ્ધના મતે વિચારોમાં બહુ શક્તિ છે. તે પોતાનાં મૂળિયાં માનવમનમાં ઊંડે સુધી લઈ જાય છે, જેમાં માણસ બંધાઈ ગયો તો તેના માટે પરમ જ્ઞાનનાં દ્વાર ખૂલવાનું અસંભવ બની જાય છે.
બુદ્ધ મૈત્રીને પ્રેમ કરતાં પણ ઊંચે મૂકે છે, કારણ કે પ્રેમ ક્યાંક અટકી યા ભટકી શકે છે પણ મૈત્રી કાયમી રહી શકે છે. જગત સાથે મૈત્રી પરમ યાત્રાનો માર્ગ બની શકે છે. બુદ્ધ કરુણામૂર્તિ પણ છે, તેથી જ તેમની તમામ મૂર્તિના ચહેરા પર શાંતિ અને કરુણાનાં દર્શન થાય છે. બુદ્ધ યુદ્ધના નહીં, શાંતિના પ્રતીક છે.
બુદ્ધ માત્ર એટલું કહે છે, કેવળ જાગો, તમે પણ બુદ્ધ બની શકો છો. આ સત્ય સમજાશે ત્યારે ચોક્કસ તમારું હૃદય એવું કહેશે, બુદ્ધમ્ શરણમ્ ગચ્છા મિ.