Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > બાળકોમાં કેમ થાય છે કિડની સ્ટોનનો પ્રૉબ્લેમ

બાળકોમાં કેમ થાય છે કિડની સ્ટોનનો પ્રૉબ્લેમ

Published : 03 March, 2025 07:42 AM | Modified : 04 March, 2025 06:51 AM | IST | Mumbai
Laxmi Vanita

છેલ્લાં ૨૦ વર્ષમાં વિશ્વમાં બાળકોમાં પથરીના કેસો વધી રહ્યા છે. ત્યારે નિષ્ણાતો પાસેથી એનાં કારણો અને કઈ સાવચેતી રાખવી એ વિશે જાણીએ.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


છેલ્લાં ૨૦ વર્ષથી વિશ્વભરમાં બાળકોમાં પથરી થવાના કેસ વધી રહ્યા છે. એક સમય હતો જ્યારે બાળકોમાં કિડનીમાં સ્ટોન બહુ જ રૅર જોવા મળતી સમસ્યા હતી, પણ હવે ત્રણ-ચાર વર્ષનાં બાળકોથી લઈને ટીનેજર્સમાં પણ પથરી જોવા મળે છે. કેટલીક વારસાગત સમસ્યાઓને બાદ કરતાં આની પાછળ પૅકેજ્ડ અને જન્ક-ફૂડની આદતો કઈ રીતે કારણભૂત બની છે એ નિષ્ણાત પાસેથી જાણીએ


એવું કહેવાય છે કે પથરીનો દુખાવો અસહ્ય હોય છે. ભલભલી વ્યક્તિને ઢીલા કરી દે છે. પુખ્ત વયના લોકોમાં તો સહનશક્તિ અને શરીરને સમજવાની શક્તિ હોય છે પરંતુ બિચારાં બાળકોનું શું? એક સમયે બાળકોમાં પથરીનો રોગ સાંભળીને ડૉક્ટર પણ ચોંકી જતા એ આજના સમયમાં સામાન્ય થઈ રહ્યો છે. ગ્લોબલી બાળકોના ડૉક્ટર્સની ચિંતા વધી રહી છે, કારણ કે કિડની સ્ટોન એટલે કે મૂત્રાશયમાં પથરીના કેસિસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ૨૦૦૦ની સાલ પહેલાં આ ભાગ્યે જ જોવા મળતી પરિસ્થિતિ હતી. ૨૦૦૫-૨૦૧૦માં યુરોલૉજી અને નેફ્રોલૉજીને લગતી વિવિધ જર્નલો બાળકોમાં પથરીની સમસ્યાને લઈને સંશોધનો પ્રકાશિત કરી રહી હતી. ૨૦૧૩-૨૦૧૬માં આ જ વિષયના અભ્યાસ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરીને આંચકો લાગે એવી માહિતી બહાર આવી હતી, જેમાં અમેરિકાના સંશોધકોએ જણાવ્યું હતું કે ૧૯૯૯થી ૨૦૧૦ની વચ્ચે દર વર્ષે બાળકોમાં પથરીના કેસોમાં ૧૬ ટકા જેટલો વધારો થઈ રહ્યો છે. ૨૦૧૭-૨૦૧૯માં આ અભ્યાસોના કેન્દ્ર સ્થાને આહાર, વાતાવરણ અને માઇક્રોબાયોમ જેવાં પરિબળોને ધ્યાનમાં રાખીને પથરી પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. ૨૦૨૦થી આજ સુધી વિશ્વના જુદા-જુદા પ્રાદેશિક વિસ્તારોમાં આ વિષય પર સંશોધનો થઈ રહ્યાં છે. આ બધામાં સામાન્ય તારણ તો એ જ છે કે છેલ્લાં ૨૦ વર્ષમાં વિશ્વમાં બાળકોમાં પથરીના કેસો વધી રહ્યા છે. ત્યારે નિષ્ણાતો પાસેથી એનાં કારણો અને કઈ સાવચેતી રાખવી એ વિશે જાણીએ.



પથરી, મેદસ્વિતા, હાઇપરટેન્શન અને ડાયાબિટીઝને દૂર કરવા માત્ર આ ત્રણ વસ્તુઓ કરવાની છે. પહેલું તો પાણી, પાણી અને પાણી. યોગ્ય માત્રામાં પાણી પીઓ. બીજું, સૉલ્ટી ફૂડ, પૅકેજ્ડ ફૂડ અને ચિપ્સને ઘરમાંથી કાઢો અને ત્રીજું છે કુદરતી રીતે મળતી શાકભાજી અને ફળો ખાઓ. 


આહારમાં શાકભાજી -ફળોની ગેરહાજરી

છેલ્લાં ૨૨ વર્ષથી મુંબઈમાં અને માટુંગામાં કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક નેફ્રોલૉજિસ્ટ તરીકે પ્રૅક્ટિસ કરતાં ડૉ. કામિની મહેતા કહે છે, ‘બાળકોમાં જ નહીં, નવજાત શિશુમાં પાણી પીવાનું પ્રમાણ ઓછું થાય છે તો એ મુખ્ય કારણ રહે છે. એની સાથે ગરમ અને ભેજવાળું વાતાવરણ પણ મોટી ભૂમિકા ભજવે છે. ગ્લોબલ વૉર્મિંગને કારણે વિશ્વભરનાં બાળકોમાં આ સમસ્યા જોવા મળી રહી છે. આ તો બાહ્ય પરિબળો છે. બાળકોની શાકભાજી અને ફળોની જગ્યા બ્રેડ-બટર, સૅન્ડવિચ, પીત્ઝાએ લઈ લીધી છે. એમાંય તેઓ પૅકેજ્ડ ફૂડ ખાય છે. બટાટાની ચિપ્સ, જેમાં મીઠાનું પ્રમાણ બહુ જ વધારે હોય છે. જો આહારમાં મીઠાનું પ્રમાણ વધારે હોય અને ફાઇબર અને પાણી પીવાનું પ્રમાણ ઓછું હોય એમાં ગરમ વાતાવરણ એટલે પથરી બનવા માટે ઉત્તમ વાતાવરણ. બાળકોના આહારમાં ફળો જરૂરી છે. ફળોમાં કુદરતી તત્ત્વ સાઇટ્રેટ શરીરમાં વધારાના કચરાને ઓગાળી નાખે છે એટલે પથરી બનતી અટકાવે છે.’


નવજાત શિશુમાં કેવી રીતે પથરી થઈ શકે?

મેદસ્વિતાને મોટા ભાગના રોગનું ઘર માનતા આ ડૉક્ટરે ૨૦૨૧માં ચૅરિટી રૂપે લોકોને પોતાની સાથે જોડીને સ્થૂળતા ઘટાડવા નિ:શુલ્ક માર્ગદર્શન મળે એ માટે વેબસાઇટ શરૂ કરી. હેલ્ધી સોસાયટી બનાવવામાં માનતાં ડૉ. કામિની કહે છે, ‘બાળકો કરતાં નવજાત શિશુઓમાં પથરીનું પ્રમાણ વધી રહ્યું છે. તમે બાળકને સ્તનપાન કરાવતાં હો અને બહારનું ફૂડ ન આપતાં હો તો પણ શિશુમાં પથરી થઈ શકે છે. વાત એમ છે કે માતાઓ બાળકને ગરમ અને ભેજવાળા વાતાવરણમાં સ્તનપાન કરાવે કાં તો જે માતાઓમાં લૅક્ટેશન ઓછું થાય છે તો તેમનાં શિશુઓમાં પાણીની માત્રા ઘટી જાય છે. એના કારણે જે તત્ત્વો પાણીમાં ગળી જવાં જોઈએ એ ગળતાં નથી અને કિડનીમાં ભેગાં થવા લાગે છે અને પથરી બનાવે છે. નવજાત શિશુમાં પાણીનું પ્રમાણ વધારવાની સલાહ અમે આપતા હોઈએ છીએ જેથી શિશુની કિડની ચોખ્ખી થઈ જાય એટલે પથરીની શક્યતા ટાળી શકાય. એટલે નવજાત શિશુની વાત આવે તો સામાન્ય રીતે આપણે જનીનો પર દોષનો ટોપલો ઢોળી દઈએ છીએ. આ કેસોમાં જનીનોને દોષ ન આપી શકાય, કારણ કે મોટા ભાગે આ આદતોને કારણે થતી સમસ્યા છે. એવા કેસિસ પણ આવ્યા છે જેમાં જનીનો જવાબદાર હોય છે. જેમ કે અમુક જનીનોમાં પથરી પેદા કરનાર તત્ત્વો હોય છે તો એ પેરન્ટ્સમાંથી બાળકોમાં આવ્યાં હોય તો એ વાત જુદી છે.’

ઉપવાસ પણ જવાબદાર બનતા હોય છે

આજના આહારના સંદર્ભમાં વાત કરતાં તેઓ કહે છે, ’માંસાહાર કરીને પાણી ન પિવાતું હોય તો પણ પથરી બની શકે છે. હમણાં રમઝાન શરૂ થયો છે અને ઉપવાસમાં તમે સવારથી સાંજ પાણી નથી પીવાના અને રાતે પચવામાં ભારે હોય એવો આહાર લેવાના છો જેમાં માંસાહાર, ડ્રાયફ્રૂટ્સ અને ઘણુંબધું હોય છે. ઉપવાસ પૂરો થયો અને તમે પૂરતા પ્રમાણમાં પાણી નથી પીધું તો શરીરમાં જમા થયેલો કચરો ઓગળવાનો નથી. તેથી એપ્રિલ અને મે મહિનામાં ડૉક્ટર્સ પાસે પથરીના કેસોમાં ધરખમ વધારો થાય છે. માર્ચ એટલે ભયંકર ગરમી. હીટવેવ તો ક્યારની શરૂ થઈ ગઈ છે. આ પથરીની સમસ્યાને ટાળવી કંઈ અઘરી નથી. આપણે અહીં નરમ પાણી અને કઠણ પાણીની વાત જ નથી કરી રહ્યા, આપણે સામાન્ય રીતે લોકોને કેવી રીતે પથરી થતી હોય છે એની વાત કરી રહ્યા છીએ. બસ, ગરમીના વાતાવરણમાં પૂરતું પાણી પીવાનું કહી રહ્યા છીએ જેના કારણે આ ગંભીર સમસ્યાને ટાળી શકાય છે.’

આમ થાય તો ડૉક્ટર પાસે તરત જવું

 મોટેરાઓ અને બાળકોની પથરીનાં ચિહનોમાં સામ્ય હોય છે. બાળકો પોતાની તકલીફ સારી રીતે વ્યક્ત નથી કરી શકતાં. બાળક ફરિયાદ કરે કે તેને પેટમાં દુખે છે અને પછી નથી દુખતું. આવું અવારનવાર થાય તો એ ચિંતાનો વિષય છે કારણ કે પથરીનો દુખાવો તરંગોની જેમ આવે ને જાય છે.

 બાળકના યુરિનનો રંગ લાલ, કથ્થઈ કે ગુલાબી થઈ જાય.

 યુરિન વખતે મૂત્રાશયના માર્ગમાં અત્યંત બળતરા થાય.

 તાવ આવી જાય અને વૉમિટિંગ થાય.

 બાળક પાણી પીવાની ના પાડે, કારણ કે તેને યુરિન વખતે તકલીફ થાય છે.

 બાળક ટૉઇલેટ માટે ટ્રેઇન થઈ ગયું છે તેમ છતાં જો આકસ્મિક રીતે યુરિન નીકળી જતું હોય.

યુરોલૉજિસ્ટ શું કહે છે?

સેન્ટ્રલ મુંબઈના જાણીતા એન્ડ્રોલૉજિસ્ટ અને યુરોલૉજિસ્ટ ડૉ. શર્વિલ થટ્ટે કહે છે, ‘બાળકોમાં ફૂડ અને પાણીની કમી તો પથરી બનવાનું કારણ છે જ પરંતુ અન્ય કારણો પણ છે જેના કારણે આ કેસિસ વધી રહ્યા છે. અમુક બાળકોમાં વારસાગત રીતે જ કૅલ્શિયમ, યુરિયા વગેરે જમા થવાની પાચનતંત્રને લગતી વિકૃતિઓ હોય છે. આ વિકૃતિઓને કારણે પથરી બની શકે છે. એ સિવાય મેદસ્વિતા અને પથરી વચ્ચે પણ સંબંધ છે. પરિવારના સભ્યોમાં પથરીની હિસ્ટરી હોય તો પણ શક્યતા રહે છે. સો ટકા થશે એવું ન કહી શકાય પરંતુ જનીનગત  બૅકગ્રાઉન્ડને કારણે એની શક્યતા રહે છે. પીવામાં કઠણ પાણી એટલે કે જેમાં વધારે માત્રામાં ખનીજ ક્ષાર હોય એનો ઉપયોગ થયો હોય તો એ પાણી શરીરમાંથી મીઠાને બહાર કરી દે છે અને પથરી બનાવે છે. જન્મ વખતે કે ડેવલપમેન્ટ ડિસઑર્ડરને કારણે બાળકના મૂત્રાશયના માર્ગમાં એટલે કે યુરિનરી ટ્રૅક્ટમાં પોસ્ટીરિયર યુરેથ્રલ વાલ્વ્ઝ, પેલ્વિયુરેટેરિક જંક્શન ઑબ્સ્ટ્રક્શન, ન્યુરોલૉજિકલ બ્લૅડર, યુરીટરોસેલ જેવી મેડિકલ સમસ્યા આવતી હોય છે. આ બધી સમસ્યા પેશાબના ફ્લો પર અસર કરતી છે. તો આમાંથી કોઈ પણ સમસ્યા બાળકને હોય તો તેના યુરિનને બહાર નીકળવામાં તકલીફ પડે છે. એના કારણે કચરો કિડનીમાં જમા થાય છે અને પથરી બને છે. એ સિવાય નવજાત શિશુમાં શરૂઆતમાં જ કોઈ સર્જરી થઈ હોય તો બાદના વર્ષોમાં તેને પથરીની સમસ્યા થવાની શક્યતા રહે છે. મારા અનુભવમાં પહેલાં પાંચથી ૧૦ વર્ષની ઉંમરનાં બાળકોમાં આના કેસિસ હતા. પણ હવે હું ૧૩થી ૧૮ વર્ષનાં બાળકોમાં વધુ ને વધુ પથરીના કેસિસ જોઈ રહ્યો છું. આ સમસ્યાને હલ કરવા માટે પેરન્ટ્સે બાળકોનાં ખાનપાન પર તો ધ્યાન રાખવું જ પડશે. પરંતુ તેમને બેઠાડુ જીવન છોડીને કસરત કરતાં પણ કરવાં પડશે.’

Whatsapp-channel Whatsapp-channel

04 March, 2025 06:51 AM IST | Mumbai | Laxmi Vanita

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK