પાંચ વર્ષથી નાનું બાળક પથારી ભીની કરે એ સામાન્ય છે, પરંતુ પાંચથી ઉપરનું બાળક પથારી ભીની કરે તો એને ગંભીરતાથી લેવું જરૂરી છે
ઓ.પી.ડી.
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
મારો દીકરો ૯ વર્ષનો છે. ભણવામાં પણ હોશિયાર છે, પરંતુ ૧૫ દિવસ પહેલાં હું જ્યારે તેને સવારે સ્કૂલ માટે ઉઠાડવા ગઈ ત્યારે મેં જોયું કે તેની પથારી ભીની થઈ ગઈ છે. તે તો અઢી વર્ષનો હતો ત્યારથી જ બાથરૂમમાં જાય છે. એ દિવસે તે ખૂબ ડરી ગયેલો. મેં તેને શાંત કર્યો અને કહ્યું કે ક્યારેક થઈ જાય એવું. બે દિવસ પહેલાં એવું ફરી થયું. મને સમજાતું નથી કે તેને શું થયું છે. તે વધુ ડરેલો દેખાય છે.
પાંચ વર્ષથી નાનું બાળક પથારી ભીની કરે એ સામાન્ય છે, પરંતુ પાંચથી ઉપરનું બાળક પથારી ભીની કરે તો એને ગંભીરતાથી લેવું જરૂરી છે. બેડવેટિંગની સમસ્યાના મુખ્યત્વે બે પ્રકાર છે. એક, પ્રાઇમરી અને બીજું, સેકન્ડરી. જે બાળકો સતત રેગ્યુલર પથારી ભીની કરતાં હોય એ પ્રકારને પ્રાઇમરી કન્ડિશન ગણવામાં આવે છે. જ્યારે જે બાળકોએ સતત ૬ મહિના સુધી પથારી ભીની કરી જ ન હોય અને અચાનક પથારી ભીની કરવાનું શરૂ કરે એ સેકન્ડરી કન્ડિશન ગણાય છે. તમારી પરિસ્થિતિ એ સેકન્ડરી કન્ડિશન છે, જેની પાછળનાં કારણો પ્રાઇમરી કરતાં ઘણાં જુદાં હોય છે. આ બન્નેમાં જે ફરક છે એ સમજવા જેવો છે.
ADVERTISEMENT
જો બાળકને સેકન્ડરી બેડવેટિંગની સમસ્યા હોય એટલે કે ૬ મહિના સુધી બાળકે ક્યારેય પથારી ભીની ન કરી હોય અને અચાનક જ પથારી ભીની થવા લાગે તો એની પાછળ શારીરિક કરતાં માનસિક કારણો વધુ જવાબદાર હોઈ શકે છે. બાળકો સ્કૂલ બદલે, સ્કૂલમાં કોઈ પ્રકારની સજા મળે, ઘરમાં માતા-પિતાના ઝઘડા, તેમનું સેપરેશન કે ડિવૉર્સ, પોતાના મિત્રો દ્વારા થયેલું કોઈ અપમાન વગેરે કારણસર જ્યારે બાળક અસલામતી અનુભવે અને ઍન્ગ્ઝાયટી એટલે કે ડર અને ચિંતાનો શિકાર બને ત્યારે એના પરિણામ સ્વરૂપ બેડવેટિંગની સમસ્યા ઉદ્ભવી શકે છે. પહેલી વાત તો એ કે બાળકે પથારી ભીની કરી એ બાબતે તમે તેને ખીજાતા નહીં. તેની પરિસ્થિતિ સમજવાની કોશિશ કરો. તેની જોડે વાત કરો. તેને શું તકલીફ છે, તેના મનમાં શું પ્રશ્નો છે જેને લીધે તે મૂંઝાય છે એ પ્રેમથી પસમજો. જો તમને એ ન ફાવે તો કાઉન્સેલરની મદદ કરો. નિદાન કરી ઇલાજ કરાવો. અત્યારે સમજવાનું એ છે કે તમારા બાળકને તમારા સ્નેહ, સાથ અને કાળજીની અત્યંત જરૂર છે.