શરીરમાં રહેલી વિટામિન્સ અને મિનરલ્સની કમી ઉપરાંત અંદરખાને ઘર કરી રહેલી બીમારીને નખના દેખાવ પરથી પારખી શકાય છે. સદીઓથી રોગના નિદાનમાં નખનું નિરીક્ષણ કરવાનું ચલણ આપણે ત્યાં રહ્યું છે
પ્રતીકાત્મક તસવીર
નખ અને આપણી તંદુરસ્તીને સીધો સંબંધ છે. તમારી હેલ્થ કેવી છે એ તમારા નખ કહી દેતા હોય છે. જેમ કે નખ પર જો વર્ટિકલ લાઇનિંગ છે તો આયર્ન ડેફિશ્યન્સી હોવાની ઘણીબધી શક્યતા છે. જો વાઇટ સ્પૉટ છે તો ઝિન્ક ડેફિશ્યન્સી હોઈ શકે.
બીમારીનો સંકેત
એક તંદુરસ્ત વ્યક્તિના નખ સ્મૂધ, ક્લીન, મજબૂત અને ટ્રાન્સલ્યુસન્ટ હોવા જોઈએ એમ જણાવીને બાવન વર્ષનો અનુભવ ધરાવતા ડૉ. પ્રફુલ શાહ આગળ કહે છે, ‘જો કોઈના નખ પેલ એટલે કે નિસ્તેજ હશે તો એ વ્યક્તિને એનીમિયા હોઈ શકે. નખમાં ક્લબિંગ થાય એ ચિંતાની વાત છે. ક્લબિંગમાં નખના દેખાવ અને બંધારણમાં બદલાવ આવવા માંડે છે. આ બદલાવ હૃદયની કોઈ બીમારી, પલ્મનરી ડિસીઝ કે પછી ફંગલ ઇન્ફેક્શનને કારણે પણ હોઈ શકે. જૉન્ડિસ અને લંગ ડિસીઝને કારણે નખ પીળા પડી જતા હોય છે. જો કૅલ્શિયમ ડેફિશ્યન્સી હોય તો નખ બરડ થઈ જતા હોય છે. એ ઉપરાંત સૉરાયસિસ પણ બરડ નખ માટે જવાબદાર છે. નખમાં બ્લુ કલરની ઝાંય દેખાય તો વિટામિન B12ની ડેફિશ્યન્સી હોઈ શકે. જો નખ અડધા ગુલાબી અને અડધા સફેદ હોય તો કિડનીની સમસ્યા હોવાની શક્યતા હોય. જો નખની નીચે કાળા અથવા ભૂરા રંગની લાઇન્સ બને છે તો આ મેલનોમાના સંકેત હોઈ શકે છે જે એક પ્રકારે ત્વચાનું કૅન્સર છે. જો આવું કશું તમે નોંધો તો ડૉક્ટરને બતાવવું જરૂરી છે જેથી કશું ચિંતાજનક હોય તો સમયસર ટ્રીટમેન્ટ શરૂ થઈ શકે.’
ADVERTISEMENT
ઉંમરની અસર
ઉંમર વધવાની સાથે નખનો શેપ ચમચીના આકારનો થઈ જાય છે ને એમાં ખાડા પણ પડે છે. ડૉ. પ્રફુલ કહે છે, ‘જો ઓછી ઉંમરમાં તમારા નખ સ્પૂન શેપ્ડ થઈ ગયા હોય તો એનો અર્થ છે કે તમારું શરીર આયર્નને યોગ્ય રીતે પચાવી નથી શકતું. એ એનીમિયા કે હેમોક્રોમેટોસિસનાં લક્ષણ પણ હોઈ શકે. એવામાં આયર્નના લેવલને ચેક કરવા માટે ડૉક્ટરને કન્સલ્ટ કરીને એ માટેની જરૂરી બ્લડ ટેસ્ટ કરાવી લેવી. નખ હાફ મૂન જેવા દેખાવા લાગે તો એ આર્થ્રાઇટિસ, એલોપેસિયા કે હૃદયને લગતી કોઈ સમસ્યાના કારણે હોઈ શકે. ઘણાને ઇનગ્રોઇંગ નેઇલની સમસ્યા થાય જેમાં નખ અંદરની તરફ વધવા લાગે અને ચામડીમાં ખૂંપી જાય. જો ધ્યાન ન આપવામાં આવે તો આગળ જતાં પાકી જાય. એટલે એનું પણ વહેલી તકે નિવારણ કરાવી લેવું હિતાવહ છે.’
ટૂંકમાં આ બધાં કોઈ ગંભીર સમસ્યાનાં જ લક્ષણ હોય એવું જરૂરી નથી, પણ નખમાં કશીક વિકૃતિ કે કોઈ અસામાન્ય બદલાવ જોવામાં આવે તો એક વાર ડૉક્ટરને બતાવી લેવું જરૂરી છે. સમયસર નિદાન અને સારવાર મળે તો કોઈ પણ બીમારીને માત કરી શકવાની શક્યતા અનેકગણી વધી જાય છે. મોટા ભાગની સમસ્યાની શરૂઆત નખમાં ડર્ટ ઍન્ડ જર્મ્સના ભરાવાને કારણે થાય છે. એટલે સૌથી મહત્ત્વનું એ કે તમારા હાથ અને પગ સરખી રીતે સાબુ અને પાણીથી ધોવા અને નખ રેગ્યુલરલી ટ્રિમ કરવા.’