જે વ્યક્તિ કૅન્સરની ટ્રીટમેન્ટમાંથી પસાર થાય, ખાસ કરીને રેડિયેશનમાંથી એને ડ્રાય માઉથની તકલીફ ઉદ્ભવતી જ હોય છે.
ઓ.પી.ડી.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
મારી ઉંમર ૫૮ વર્ષ છે. મને પેટનું કૅન્સર છે અને મારી ૮ કીમો પતી ગઈ છે. હાલમાં મારું રેડિયેશન ચાલે છે, જેમાં એક સેશન પત્યું, પરંતુ એ લીધા પછી મારું ખાવા-પીવાનું બંધ થઈ ગયું છે. હું કશું ચાવી જ નથી શકતો, કારણ કે બધું સૂકું લાગ્યા કરે છે. કઈ ગળે ઊતરતું જ નથી. વળી મારા દાંત વાંકાચૂકા હોવાથી એ દાંતોમાં ફસાઈ જાય છે. બીજું એ કે મારા ડ્રાય માઉથ માટે હું પાણી પીધા કરું છું, પણ એની કોઈ અસર નથી. મને કોઈ ફ્લોરાઇડની ડેન્ટલ ટ્રીટમેન્ટ લેવાનું પણ સૂચન કર્યું છે, શું એ જરૂરી છે?
તમને જે તકલીફ થઈ છે એને ડ્રાય માઉથની તકલીફ કહે છે. જે વ્યક્તિ કૅન્સરની ટ્રીટમેન્ટમાંથી પસાર થાય, ખાસ કરીને રેડિયેશનમાંથી એને ડ્રાય માઉથની તકલીફ ઉદ્ભવતી જ હોય છે. મોઢું સૂકું થઈ જાય અને લાળગ્રંથિમાંથી જેટલી લાળ બનતી હોય એ બને નહીં. કોઈ પણ ખોરાકને ચાવવા માટે લાળની જરૂર પડે છે. જ્યારે લાળ ઓછી હોય તો ચાવવું અઘરું બની જાય અને ખોરાકને ગળે ઉતારવો પણ દુષ્કર બને છે. એટલે જો તમે અત્યારે ન ખાઈ શકતા હો તો ઉપાયરૂપે તમે લિક્વિડ ડાયટ ચાલુ કરો. પાતળા દાળ-ભાત કે ખીચડી જેને ચાવવાની ખાસ જરૂર ન પડે અને તમને ગળે ઊતરી જાય એટલું થઈ શકે તો તમે સરળતાથી ખાઈ શકો. તમને જરૂરી પોષણ પણ મળશે અને નબળાઈ નહીં આવે.
ADVERTISEMENT
મહત્ત્વની વાત એ છે કે આ દરેક તકલીફ ટ્રીટમેન્ટને કારણે છે. એ એની સાઇડ ઇફેક્ટ છે. જેવી ટ્રીટમેન્ટ પતશે એવી લાળગ્રંથી પહેલાંની જેમ લાળ બનાવવા લાગશે માટે ભવિષ્યમાં ખોરાક સંબંધિત તકલીફ નહીં આવે, પરંતુ તમે જે કહો છો કે દાંત વાંકાચૂકા છે અને ખોરાક એમાં ફસાઈ જાય છે તો તમને દાંતમાં સડો થવાની શક્યતા ઘણી વધી જાય છે. બીજું એ કે જે વ્યક્તિનું ડ્રાય માઉથ હોય અને સૂકું હોવાને કારણે એના દાંતમાં સડો થવાની શક્યતા વધી જતી હોય છે. ઘણા દરદીઓમાં રેડિયેશન પછી દાંતનો સડો એક સામાન્ય પ્રૉબ્લેમ બની જતો હોય છે, જે માટે એક ફ્લોરાઇડ ટ્રીટમેન્ટ આવે છે જે રેડિયેશન લેતાં પહેલાં ૨૦ મિનિટ લેવાની રહે છે, જેને લીધે દાંત પર કોટિંગ થઈ જાય છે અને દાંત સડવાની શક્યતા નહીંવત્ બની જાય છે. તમે એ લઈ શકો છો અને અત્યારે ભલે નહીં, પરંતુ ભવિષ્યમાં સરળતાથી ખાઈ શકો એ માટે દાંતને સુરક્ષિત રાખવા જરૂરી છે. તમે તમારી હેલ્થ કન્ડિશનને ધ્યાનમાં રાખી આ ટ્રીટમેન્ટ લેવાનો નિર્ણય કરી શકો છો.