જ્યારે એક પગ કરતાં બીજો પગ ટૂંકો હોય ત્યારે ચાલવામાં તકલીફ પડે. સર્જરીથી ઘણાં સારાં રિઝલ્ટ મળે છે.
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
મારો દીકરો બે વર્ષનો છે. તે જ્યારે ચાલે છે ત્યારે થોડો લંગડાતો હોય એમ અમને લાગતું હતું. તેને અમે ડૉક્ટર પાસે લઈ ગયા ત્યારે સમજ પડી કે તેનો જમણો પગ ડાબા કરતાં ૮ સેમી જેટલો નાનો છે. અમને નાનપણથી સમજ ન પડી કે તેને આવી કોઈ તકલીફ થઈ છે. હવે ડૉક્ટર કહે છે કે તેને સર્જરી દ્વારા ઠીક કરી શકાય. શું સર્જરી સિવાય કોઈ ઉપાય ન હોઈ શકે? જો ના, તો મને એ પણ સમજવું હતું કે સર્જરીથી પગની લંબાઈ કઈ રીતે વધારી શકાય છે? શું એ સેફ છે?
૮ સેમી એ ખૂબ લાંબો ગાળો છે. નાનોસૂનો ફરક ન કહેવાય એ. સર્જરી સિવાય આ તકલીફનો કોઈ ઉપાય નથી. જો ફરક ૧-૨ સેમીનો હોત તો બીજું કંઈ થઈ શકત, પણ આમાં તો સર્જરી જ એકમાત્ર ઉપાય છે. જો તમે એ નહીં કરાવો તો તકલીફ ઊભી થશે. જ્યારે એક પગ કરતાં બીજો પગ ટૂંકો હોય ત્યારે ચાલવામાં તકલીફ પડે. સર્જરીથી ઘણાં સારાં રિઝલ્ટ મળે છે. જેમનો પગ ટૂંકો હોય એમાં શારીરિક રીતે સમજીએ તો કાં તો સાથળનું અને નહીં તો ગોઠણથી નીચેના ભાગમાં જે પગ છે એ હાડકું નાનું હોય ત્યારે એ પગની લંબાઈ ઓછી હોય છે.
ADVERTISEMENT
પ્રોસેસ એવી છે કે જે હાડકામાં તકલીફ છે એ હાડકાને વચ્ચેથી કાપીને એ બન્ને ભાગને બન્ને અલગ-અલગ બાજુથી થોડું-થોડું ખેંચીને એક જગ્યા બનાવવામાં આવે છે. આ જગ્યાને કુદરતી રીતે ભરવા દેવામાં આવે છે એટલે કે કુદરતી રીતે એ ખાલી ભાગમાં હાડકું બનતું જાય છે. જેવું હાડકું બને કે ફરી એને થોડું ખેંચવામાં આવે છે, ફરી જગ્યા બને અને એ કુદરતી રીતે ભરાય છે. આ રીતે કરતાં લગભગ ૧ મહિનાની અંદર ૧ સેમી જેટલી હાડકાની લંબાઈ વધારી શકાય છે. ત્યાર બાદ જે નવું હાડકું છે એ નક્કર હોતું નથી. નવું હોવાને કારણે એનામાં એટલી સ્ટ્રેંગ્થ હોતી નથી. મજબૂત બનાવવા માટે અમુક એક્સરસાઇઝ કરવી જરૂરી છે અને એ મજબૂતી માટે સમય લાગે છે. અમુક મહિના તો ક્યારેક વર્ષ પણ નીકળી જાય. સર્જરી પછી પગની બહારના ભાગમાં એક ફ્રેમ બેસાડવામાં આવે છે. જો બાળકને ૧ સેમી લંબાઈ વધારવી હોય તો આ ફ્રેમ ૧+૧ એમ બે મહિના લગાડીને રાખવી પડે છે, પરંતુ આ તક્નિક વડે ઘણા લોકો નૉર્મલ ચાલી શકે છે તો ઘણા લોકોની ખોડ મહદંશે ભરાઈ જાય છે.