‘હીલિંગ થ્રૂ નેચર’ના નામે ‘શિનરિન યોકુ’ નામની જૅપનીઝ પદ્ધતિના ઉપયોગથી પાર્કમાં થતા સાધારણ વૉકને એક અસાધારણ અનુભવમાં બદલવાનું કામ કરે છે
વનવાડી ફૉરેસ્ટમાં ગ્રુપ સાથે ઍક્ટિવિટી કરતાં રેશમા આશર.
‘હીલિંગ થ્રૂ નેચર’ના નામે ‘શિનરિન યોકુ’ નામની જૅપનીઝ પદ્ધતિના ઉપયોગથી પાર્કમાં થતા સાધારણ વૉકને એક અસાધારણ અનુભવમાં બદલવાનું કામ કરે છે આ ૪૦ વર્ષનાં સાઇકોલૉજિસ્ટ. દેખીતી રીતે રિલૅક્સ અને રિફ્રેશ કરી દેતા આ વૉકની અસર ઘણી જાદુઈ છે. એક સદંતર જુદો અનુભવ આપતો આ વૉક કોઈ પણ વ્યક્તિના શારીરિક અને માનસિક હીલિંગમાં અત્યંત ઉપયોગી થઈ શકે છે
પાર્કમાં ચાલવા માટે તો ઘણા લોકો જાય છે. ઘણાનું ધ્યાન તેમનાં સ્ટેપ્સ કે રાઉન્ડ કેટલાં થયાં એના પર હોય છે તો કેટલાકનું ધ્યાન પોતાની ઝડપ પર, કેટલાક પાર્કમાં આવતા બીજા લોકોને નીરખવામાં વ્યસ્ત થઈ જતા હોય છે તો કેટલાક લોકો ચાલતા તો પાર્કમાં હોય છે પણ મન આજના દિવસના પ્લાનિંગ, મીટિંગ્સ અને ગોલ્સ પર જ કેન્દ્રિત હોય છે. પાર્કમાં ચાલતા કેટલા લોકો છે જે ત્યાંના ઝાડને નીરખીને જુએ છે? કેટલા લોકો છે જે પાર્કમાં પક્ષીના અવાજને ધ્યાન દઈને સાંભળે છે? કેટલા છે જે ખીલેલાં ફૂલો, પીળાં થઈ ગયેલાં પાંદડાં કે ઝાડ પાછળ સંતાઈને ખાતી ખિસકોલીમાં રસ ધરાવતા હોય છે? હકીકતે તમારો પાર્કમાં થઈ રહેલો વૉક એક મોકો છે કુદરત સાથે દોસ્તી કરવાનો. આ દોસ્તી તમારા શારીરિક અને માનસિક હીલિંગમાં ખૂબ ફાયદો કરે છે. ફોનમાં જ કેદ થઈ ગયેલી આપણી દુનિયાને કુદરત સાથે જોડવાનું કામ કરી રહી છે ૪૦ વર્ષની સાઇકોલૉજિસ્ટ રેશમા આશર.
ADVERTISEMENT
હીલિંગ થ્રૂ નેચર
રેશમા આશર દર મહિનાના છેલ્લા શનિવારે મુંબઈના કોઈ એક પાર્કમાં ‘હીલિંગ થ્રૂ નેચર’ નામે એક વૉકનું આયોજન કરે છે જેમાં તે શિનરિન યોકુ નામની જૅપનીઝ પદ્ધતિનો ઉપયોગ કરીને લોકોને કુદરતથી વધુ નજીક લાવવાનો પ્રયાસ કરે છે. શિનરિન એટલે જંગલ અને યોકુ એટલે સ્નાન. જેમ વ્યક્તિ પાણીથી નહાય એ જ રીતે કુદરતના ખોળે, ઝાડવાંઓની વચ્ચે તે એની ભીનાશ અને લીલાશથી તરબતર થઈ જાય એવા કોઈ અનુભવ લેવાની અહીં વાત છે. આ અનુભવ આહલાદક જ હોવાનો. રેશમા આશરે આ પદ્ધતિની હિમાચલ પ્રદેશ જઈને ટ્રેઇનિંગ લીધી છે. છેલ્લા ૮ મહિનાથી તેઓ નિયમિત દર મહિને આ વૉકનું આયોજન કરી રહ્યાં છે. શરૂઆત દક્ષિણ મુંબઈથી થઈ છે અને લોકોને થતો ફાયદો જોઈને ધીમે-ધીમે તેઓ મુંબઈમાં દરેક એરિયામાં આ વૉક શરૂ કરવા માગે છે.
જંગલને બદલે પાર્ક
અત્યાર સુધીમાં ચર્ની રોડ, ગ્રાન્ટ રોડ અને મરીન લાઇન્સ વિસ્તારમાં આવતા પાર્ક્સ જેમ કે કમલા નેહરુ પાર્ક કે હૅન્ગિંગ ગાર્ડન ટુ કુપરેજ બૅન્ડસ્ટૅન્ડ ગાર્ડન, સાગર ઉપવન ગાર્ડન, વીરમાતા જીજાબાઈ ભોસલે બૉટનિકલ ગાર્ડન, અમર સન્સ ગાર્ડન, એસ. કે. પાટીલ ગાર્ડનમાં આ વૉકનું આયોજન થયું છે. એ વિશે વાત કરતાં રેશમા આશર કહે છે, ‘માણસ કુદરતનો જ એક ભાગ છે એ અહેસાસ કૉન્ક્રીટનાં જંગલો વચ્ચે તો થઈ ન શકે. એના માટે રિયલ જંગલમાં જવું પડે. પણ જો રિયલ જંગલમાં જવાનું શક્ય ન હોય તો માણસે બનાવેલા પાર્કમાં પણ જઈ શકાય છે. એ માટે શનિવારે સવારે ૭ વાગ્યે સમય રાખીએ છીએ કારણ કે એ સમયે પાર્કમાં ભીડ ઓછી હોય છે. હું એ પહેલાં પાર્કમાં એક વખત રેકી કરી આવું જેથી એ પાર્કમાં કયા પ્રકારની શક્યતાઓ છે એ સમજી શકાય. આ લગભગ દોઢ કલાકનું સેશન હોય છે જે પૂરું થતાં-થતાં બે કલાક જેવું પણ થઈ જાય.’
પુણે પાસેની વેતાલ ટેકરીના ટ્રેક દરમ્યાન પાર્ટિસિપન્ટ્સ સાથે રેશમા આશર.
સ્લો-ડાઉન થવું જરૂરી
નૉર્મલ વૉક કરતાં આ કઈ રીતે જુદું પડે એ સમજાવતાં રેશમા આશર કહે છે, ‘ઘણું જ જુદું છે. અહીં ઝડપ સાથે ચાલવાનું નથી. ઊલટું સ્લો-ડાઉન થવાનું છે. કૅલરી બર્નિંગ પર અહીં કોઈ ફોકસ નથી. કુદરતને મન ભરીને નિહાળવાની છે. જે પણ બ્રૉડ સ્પેક્ટ્રમમાં દેખાય છે એને જેટલું ઝીણવટથી જોઈ શકાય એમ જોવાનું છે. આંખો બંધ કરીને પક્ષીઓનો અવાજ સાંભળવાનો છે. એક ઇન્દ્રિય બંધ થાય તો બીજી વધુ સતેજ થઈને કામ કરે છે. આ નિયમને આધારે જ્યારે તમે પક્ષીઓના અવાજને આ રીતે સાંભળો છો ત્યારે શ્રવણશક્તિ ખીલે છે. અહીં સૌથી મહત્ત્વનો ભાગ છે સજાગતા. તમે સંપૂર્ણ રીતે સજાગ થઈને તમારી આજુબાજુ શું બની રહ્યું છે એને આત્મસાત કરવાની કોશિશ કરો. તમે પગ ઉપાડો છો અને નીચે મૂકો છો ત્યાં કીડી દેખાય અને તમે એ પગને રોકી શકો એટલી સજાગતા સાથે જ્યારે તમે પ્રકૃતિના ખોળે હો ત્યારે તાદાત્મ્ય સર્જાય છે. ખૂબ જ જુદા અનુભવો થાય છે. સજાગતાનો હાથ પકડીને ચાલશો એટલે આપોઆપ સમર્પણ આવશે જે એનું છેલ્લું સ્ટેજ છે. સમર્પણ આવે ત્યારે કુદરત મા હોય અને એના ખોળામાં જઈને તમે લપાઈ જાઓ એ ભાવ આપોઆપ જાગ્રત થાય છે.’
ઍક્ટિવિટી કેવી હોય?
પાર્કમાં વૉક કરતાં-કરતાં તેઓ શું-શું કરે છે એ વિશે વધુ માહિતી આપતાં રેશમા આશર કહે છે, ‘હું દરેકને એમ કહું છું કે તમે જ્યારે ચાલો છો ત્યારે તમારી જાતને તમે રિલેટ કરી શકો એવી કોઈ વસ્તુ તમે ત્યાંથી લઈ લો. જેમ કે ઘણા એક ખરી ગયેલું પાન ઉઠાવે છે અને વાત કરે છે કે આની હાલત મારા જેવી છે એ એના પરિવારથી વિખૂટું પડી ગયું છે. કોઈ એક અનોખો પથ્થર ઉપાડે છે, તેને લાગે છે કે આટલા પથ્થરો વચ્ચે એ એકદમ જુદો તરી આવતો પથ્થર તેમના જેવો છે. આમ કુદરતના ભાગરૂપે તમે ખુદને જુઓ છો, જાતને એની સાથે સરખાવો છો. આ સિવાય લોકોને કહીએ છીએ કે આ અનુભવને તમે લખો અને જો તમને બધા સાથે શૅર કરવો હોય તો એ કરી શકો છો. આ ઍક્ટિવિટી પણ ઘણી જ ફાયદાકારક છે.’
રેશમા આશર.
પ્રકૃતિ પ્રેરિત પોએટ્રી
રેશમા આશર પ્રકૃતિથી પ્રેરિત કાવ્યોનું પણ એક સેશન લે છે. એ વિશે વાત કરતાં રેશમા કહે છે, ‘આ એક ક્રીએટિવ પ્રોસેસ છે. આપણને લાગે કે દરેક વ્યક્તિ કાવ્યો નથી લખી શકતી. એ વાત સાચી છે પણ કાવ્ય લખવાની શરૂઆત અને પ્રેરણા પ્રકૃતિ જ તેમને આપે છે. દરેક સેશનમાં અમુક લોકો હોય જે કહે કે અમે જીવનમાં કવિતા નો ‘ક’ પણ નથી લખ્યો, અમે ક્યાંથી કવિતા લખવાના? પણ સેશનના અંતમાં તેમણે જ સૌથી વધુ કવિતાઓ લખી હોય એવું બને. જરૂરી નથી કે એ મીટરમાં બંધ બેસતી હોય, જરાય જરૂરી નથી કે ભાષાની દૃષ્ટિએ એ ઉત્કૃષ્ટ હોય; પરંતુ આ એ કવિતાઓ છે જે પ્રકૃતિએ તમને પ્રેરી છે. એટલે એનું મહત્ત્વ જુદું છે.’
નેચર વૉક દરમ્યાન લોકોને કહેવામાં આવે કે નેચરમાંથી તમે જેની સાથે રિલેટ કરી શકો એ ચીજો ઉપાડવાની, ભેગી કરવાની અને પછી શા માટે એની સાથે રિલેટ કરો છો એ શબ્દોમાં સમજાવવાની પ્રક્રિયા થાય.
ફાયદા જ ફાયદા
આ પ્રકારની વૉકના શું ફાયદાઓ છે એ પ્રશ્નનો જવાબ આપતાં રેશમા આશર કહે છે, ‘તમે શહેરની ભાગદોડમાંથી ધીમા પડો, કુદરતના ખોળે રિલૅક્સ થાઓ જેને લીધે તાણ દૂર થાય, માનસિક અને શારીરિક તાજગી અનુભવી શકો એ પહેલો દેખીતો ફાયદો છે. બાકી જ્યારે વ્યક્તિ કુદરત સાથે તાદાત્મ્ય અનુભવે ત્યારે એનું હીલિંગ આપોઆપ સારી રીતે થાય છે. એ ખૂબ જ ઊંડાણપૂર્વક થતી પ્રોસેસ છે જે એકદમ કદાચ ન સમજાય, પણ એ વારંવાર પ્રૅક્ટિસ કરવાથી ચોક્કસ સમજી શકાય છે. મારી સાથે આ અનુભવ કરનારા ઘણા લોકો આ પ્રકારની પ્રૅક્ટિસ ચાલુ રાખે છે અને કુદરત સાથેનો તેમનો સંબંધ વધુ ગાઢ કરે છે.’
રજિસ્ટર કરવા માટે
હીલિંગ થ્રૂ નેચર અને શિનરિન યોકુ વૉક્સમાં જોડાવા માટે રેશમા આશરના ઇન્સ્ટાગ્રામ પેજ @sakura.wabisabi પર વિગતો મળી શકે છે આ સિવાય તેમની વેબસાઇટ https://magicthought.in/ પર પણ માહિતી ઉપલબ્ધ હોય છે. શરૂઆતમાં રેશમા આ વૉકના કોઈ પૈસા લેતી નહોતી. પરંતુ ફ્રી છે એવું માનીને કોઈ આવતું નહીં. એટલે ટોકન ફી રૂપે તેણે ૨૦૦ રૂપિયા લેવાનું શરૂ કર્યું. ત્યારથી લોકો આ વૉકને ગંભીરતાથી લઈને રેશમા સાથે વૉકમાં જોડાવા લાગ્યા.

