આવા દરદીઓ સતત નકારાત્મક વિચારતા હોય છે. શારીરિક જ નહીં માનસિક રીતે પણ તેઓ થાકેલા રહે છે.
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક તસવીર
જેવી રીતે આપણે એક્સરસાઇઝ જરૂરત કરતાં વધારે કરીએ તો સ્નાયુઓ થાકી જાય છે. એ માટે આપણે ધીમે-ધીમે એને સ્ટ્રૉન્ગ બનાવવા પડે છે પછી એક્સરસાઇઝ વધારી શકાય એવું જ મગજ સાથે છે. નિર્ણય જ્યારે હદથી વધારે લેવા પડે ત્યારે એ થાકી જાય છે. વિચારીએ તો સમજાશે કે સવારથી રાત સુધીમાં વિચારો આપણે કેટલા નિર્ણયો લઈએ છીએ. આખો દિવસ શું ખાવું, શું બનાવવું, શું પહેરવું, ક્યાં ફરવું, કયું કામ કરવું, કયું ન કરવું, ક્યારે કામ કરવું અને ક્યારે ન કરવું, પહેલાં શું કરવું અને પછી શું કરવું, અત્યારે શું કરવું અને કાલે શું કરવું, કેવી રીતે કરવું, કેવા રિઝલ્ટ માટે કરવું, મારે કરવું કે કોઈને સોંપી દેવું જેવા અગણિત અને અઢળક નિર્ણયો આપણે દિવસ દરમ્યાન લેતા હોઈએ છીએ. સતત મગજને જ્યારે નિર્ણયો લીધા કરવાના હોય ત્યારે એક સમય એવો આવી શકે કે એ અત્યંત થાકી જાય. આ થાકને કારણે તેને નિર્ણયો લેવાનો કંટાળો આવે અથવા એ યોગ્ય નિર્ણય લેવાને સક્ષમ ન રહે. જેને લીધે આપણે ભૂલભરેલા નિર્ણયો લઈએ છીએ અને હેરાન થઈએ છીએ. આ અવસ્થા ડિસિઝન ફટિગ છે.
શારીરિક થાક આપણે સમજી જઈએ છીએ, પરંતુ માનસિક રીતે જો નિર્ણયો લઈને થાકી ગયા હો તો એ એટલી સરળતાથી સમજ પડતું નથી. આમ પણ આપણે ત્યાં માનસિક તકલીફો બાબતે લોકો ખાસ જાગૃત રહેતા નથી. વળી નિર્ણયો લેવામાં માણસ ભૂલો કરતો જ હોય છે. વળી જરૂરી નથી કે એ ભૂલો ત્યારે જ સમજાય. નિર્ણયમાં લેવાતી આ ભૂલો એકદમ દેખાય આવે છે. ડિસિઝન ફટિગમાં શરૂઆતમાં વ્યક્તિ ચિડાય છે, કારણ કે તેને સમજાતું નથી કે તે કેમ ખોટા નિર્ણયો લઈ રહી છે. આવા દરદીઓ સતત નકારાત્મક વિચારતા હોય છે. શારીરિક જ નહીં માનસિક રીતે પણ તેઓ થાકેલા રહે છે. તેમને કોઈ વસ્તુ માટેનો ઉત્સાહ નથી હોતો. દરેક જવાબદારીથી તેઓ ભાગવા ઇચ્છતા હોય છે. આ અવસ્થા રાતોરાત ડેવલપ થતી નથી, ધીમે-ધીમે આવે છે. આ તકલીફ મોટા ભાગે ડૉક્ટર્સ કે જજ જેવા પ્રોફેશનમાં રહેતા લોકો જોડે વધુ થાય છે, કારણ કે તેમને સતત એવા નિર્ણયો લેવાના હોય છે જેની અસર કોઈ વ્યક્તિના જીવન-મરણ સાથે સંકળાયેલી હોય. મહત્ત્વના નિર્ણયો સતત લેવાના હોય ત્યારે સ્ટ્રેસ ઘણું વધારે રહે છે. સતત તમે દિવસ-રાત આ જ કામ કરતા હો અને એની સાથે પોતાની કાળજી ન રાખતા હો તો ડિસિઝન ફટિગ આવતું હોય છે. જેને કારણે વ્યક્તિ પોતે જ નહીં, તેમની સાથે સંકળાયેલું કામ જેમાં તેમના દરદી કે કેદી સામેલ છે એ પણ તકલીફ ભોગવે છે. આ અવસ્થાને ઓળખો. જો તમે એનાથી પીડાતા હો તો નિષ્ણાતની મદદ ચોક્કસ લો.
ADVERTISEMENT