દવા માત્ર મોઢાથી નહીં પણ સ્કિનથી પણ લઈ શકાય અને એના પણ અઢળક ફાયદા હોઈ શકે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
તાજેતરમાં એક સોશ્યલ મીડિયા પોસ્ટ પર પ્રિયંકા ચોપડા પગની પાનીમાં લસણ ઘસતી નજરે પડી હતી. દવા માત્ર મોઢાથી નહીં પણ સ્કિનથી પણ લઈ શકાય અને એના પણ અઢળક ફાયદા હોઈ શકે. ડાયાબિટીઝના દરદીઓ માટે કારેલાં ભરેલા કોથળા પર કૂદકા મારવાનો નુસખો તમે સાંભળ્યો હશે. ખરેખર આ પ્રકારની થેરપી પાછળનું રહસ્ય શું છે એ જાણીએ આજે
ઑસ્ટ્રેલિયામાં ‘ધ બ્લફ’ નામની ફિલ્મનું શૂટિંગ કરી રહેલી પ્રિયંકા ચોપડાએ થોડાક સમય પહેલાં સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ મૂકી, જેમાં તે પગમાં લસણ ઘસી રહી છે. પગમાં તેલની માલિશ કરવી કે કાંસાના વાટકાથી પગમાં તેલનો મસાજ કરવો એ પરંપરા ઘણાનાં ઘરોમાં રહી હશે પણ લસણની કળીને છૂટી પાડીને એના પરથી ફોતરાં કાઢીને એને પગમાં ઘસવાથી ભલા કેવી રીતે લાભ થાય? એના કરતાં તો લસણ ખાઈ લે એ વધુ સારું નહીં? શું લસણ ઘસવાથી લસણના ગુણો શરીરને મળવાના? આવા ઘણા સવાલોના જવાબ સાથે આ કઈ પ્રાચીન સારવારની પદ્ધતિ છે અને એના કેવા લાભ થઈ શકે એ વિષય પર ચર્ચા કરીએ.
ADVERTISEMENT
માથાનો પગ સાથે સંબંધ
આયુર્વેદમાં પગ અને માથા વચ્ચે સીધો સંબંધ હોવાની વાત આવે છે. આ સંદર્ભે આયુર્વેદ અને પંચકર્મ નિષ્ણાત ડૉ. ઉમાશંકર નિગમ કહે છે, ‘પગમાં થતા પ્રૉબ્લેમ્સ અને પગ થકી મળતા સોલ્યુશન એમ બન્ને પર બ્રેઇન સર્વાધિક રિસ્પૉન્સિવ હોય છે. આયુર્વેદમાં આ કનેક્શનને સ્પષ્ટતા સાથે રજૂ કરવામાં આવ્યું છે. પગની નસો, જે બ્રેઇન સાથે જોડાયેલી છે એમ આપણી કિડની, લિવર અને પૅન્ક્રિયાસ પર પણ એનો પ્રભાવ પડે છે. અમે તો મોટા ભાગે મોં વાટે જ લીલી શાકભાજી કે જૂસ આપીને ઇલાજ કરીએ છીએ પરંતુ લીલી શાકભાજી સીધી જ પગ પર ઘસો તો એનો પ્રભાવ શરીર પર પડે એ સંભાવનાને નકારી ન શકાય.’
સ્કિન વાટે દવા
આપણા શરીરને દવા તથા પોષણ આપવાના ઘણા રસ્તા છે એમ જણાવીને આયુર્વેદ વિશારદ અને નેચરોપૅથ એક્સપર્ટ કલ્પના સંઘવી કહે છે, ‘આપણા અથર્વવેદમાં વિધાન છે કે કોઈ પણ જાતની વનસ્પતિને આપણે શરીરમાં નાખવી હોય તો ચાર જાતના રસ્તા આપ્યા છે. મોઢાથી, નાકથી, નસ વાટે ઇન્જેક્શનથી, ગુદાદ્વારથી અને ચામડીથી. શરીરને માલિશ કરવા માટે અવનવા તેલના જે પ્રયોગો આયુર્વેદ અને નેચરોપથીમાં દેખાડાયા છે એની પાછળ પણ એ જ કારણ છે કે એક તો મસાજ દ્વારા શરીરના સ્નાયુઓ મજબૂત બને અને સાથે જ ત્વચા વાટે શરીરમાં ગયેલું તેલ સાંધા માટે લુબ્રિકન્ટનું કામ કરે. આપણે ત્યાં સદીઓથી લગભગ દરેક ઘરમાં એક પરંપરા હતી કે જેમને પણ શરીરમાં નબળાઈ હોય, ખૂબ થાક લાગતો હોય અથવા ઝીણો તાવ ઊતરતો જ ન હોય તેઓ કાંસા, તાંબા અથવા જર્મન સિલ્વરના વાટકાથી પગનાં તળિયાં ઘસતા. પગને સ્કિન વાટે જો મેડિસિનલ પ્રૉપર્ટી ધરાવતી વસ્તુઓનો સંયોગ મળે તો એ અદ્ભુત પરિણામ આપી શકે છે.’
મૉડર્ન મેડિકલ સાયન્સમાં આ નુસખાને લઈને પ્રયોગો થયા છે. ‘ફીટ ટેસ્ટિંગ’ તરીકે સાબિત થયેલી આ પદ્ધતિમાં જ્યારે તમે લસણને ક્રશ કરીને એને ચામડી પર ઘસો છો ત્યારે એમાં રહેલું ઍલિસિન નામનું એન્ઝાઇમ સ્કિનના સંપર્કમાં આવીને છૂટું પડે છે અને સ્કિનનાં બારીક છિદ્રો થકી બ્લડ સ્ટ્રીમમાં પ્રવેશ કરે છે જેથી લસણ ખાધા વિના તમારા મોઢામાં લસણનો સ્વાદ આવી જતો હોય છે. કેટલાક પ્રકારનાં કેન્સર, કૉલેસ્ટરોલ, બ્લડ-પ્રેશરમાં, ઇમ્યુનિટી વધારવામાં, ઇન્ફેક્શન સામે ફાઇટ આપવામાં, શરીરના સોજા ઘટાડવામાં, મસલ્સ રિકવરી જેવા અઢળક ઉપાયોમાં લસણમાં રહેલું આ એન્ઝાઇમ ઉપયોગી છે. સાંધાના અને સ્નાયુના દુખાવામાં પગમાં લસણ ઘસવાની પ્રક્રિયા લાભકારી સાબિત થઈ શકે છે. સ્કિન ડિસીઝમાં પણ લસણ કામની દવા છે. ઘણા કિસ્સાઓમાં પગની પાની પર કાંદાની સ્લાઇસ મૂકીને એના પર મોજું પહેરી દો તો પણ તાવથી લઈને શરીરને ડીટૉક્સ કરવામાં એ ઉપયોગી થઈ શકે છે. કાંદા અને લસણથી પગને મળતા ઘર્ષણથી વધારાનો કફ છૂટો પડે છે અને શરદી-ખાંસીમાં પણ રાહત આપી શકે છે.
કેવી-કેવી વનસ્પતિ?
પગનાં તળિયાં પર લસણ, કાંદા કે કારેલાં સિવાય બીજી કઈ વસ્તુનો કેવી રીતે પ્રયોગ કરી શકાય એનો જવાબ આપતાં કલ્પના સંઘવી કહે છે, ‘તમારી ઉંમર, સમસ્યા અને પગની સ્કિનની થિકનેસના આધારે કેટલો સમય માટે કઈ વસ્તુનો ઉપયોગ કરવો એ નક્કી કરી શકાય. તમારી સ્કિન મેડિસિનલ પ્રૉપર્ટીને શોષીને એને તમારા રક્તપ્રવાહમાં સામેલ કરવા સમર્થ છે. અમે આ અઢળક દરદીઓ પાસે સાંભળ્યું છે કે અધકચરાં ક્રશ કરેલાં કારેલાં ભરેલા ડ્રમમાં વ્યક્તિ જ્યારે ચાલે એની દસેક મિનિટમાં તેમની જીભ પર કારેલાંની કડવાશ આવી ચૂકી હોય. દસથી ત્રીસ મિનિટ સુધી મેડિસિનલ પ્રૉપર્ટી ધરાવતી વસ્તુને ખૂંદો અને નિયમિત થઈને આગળ વધો તો ઘણા પ્રૉબ્લેમ્સ સૉલ્વ થઈ શકે છે. તમે ટૉમાટિના ફેસ્ટિવલ વિશે સાંભળ્યું હશે. ટમેટાંને એકબીજા પર મારીને ટમેટાંમાં જાતને રગદોળીને રમવાના આ ઉત્સવના પણ હેલ્થ બેનિફિટ્સ છે. ઇમ્યુનિટી વધારવાનું કામ કરે. શરીરમાં સોજા હોય, સાયનસને લગતી સમસ્યા હોય તો તમે પગ પર અધકચરું આદું ઘસી શકો. સ્કિન-પ્રૉબ્લેમ હોય તો કડવો લીમડો ઉપયોગી છે. વેરિકોઝ વેઇન, પગના સોજા વગેરેમાં પણ આ પ્રકારની વસ્તુઓના સંયોગથી લાભ થશે. પગમાં ખૂબ દુખાવો થતો હોય તો આકડાનાં પાન, એરંડાનાં પાન અને નિર્ગુંડીનાં પાનને સાફ કરીને અધકચરાં કૂટીને એના પર ચાલો અથવા એને ગરમ પાણીમાં નાખી પગ એ પાણીમાં પંદર મિનિટ બોળીને રાખો. ખૂબ થાક લાગ્યો હોય ત્યારે ઘૂંટણની નીચે સુધી આવે એટલું નવશેકું પાણી એક બાલદીમાં લઈને એમાં મીઠું અને લીંબુ નાખીને પંદર મિનિટ પગ બોળી રાખો. થાક ઊતરી જશે અને તાજગીનો અનુભવ થશે. કાચી વસ્તુ પર કૂદકા મારો ત્યારે પગની સ્કિન વાટે એ રસ ચુસાઈને બ્રેઇનને સૂધિંગ મેસેજ આપે, જે રિલૅક્સિંગ હૉર્મોન્સ રિલીઝ કરીને તમને ફાસ્ટ હીલિંગમાં મદદ કરે. આપણું શરીર પાંચ તત્ત્વથી બનેલું છે અને એક પણ તત્ત્વમાં અસંતુલન શરીરમાં રોગ લાવે છે. ઔષધી ધરાવતી વસ્તુઓને એના મૂળ સ્વરૂપમાં પગના સંપર્કમાં લાવો તો આ તત્ત્વો સંતુલિત થતાં જાય છે. પણ એમાં પરિણામ માટે તમારે ધીરજ રાખવી પડે અને સાથે તમારી રૂટીન દવા પણ ચાલુ રાખવી પડે. આ ડાયાબિટીઝની દવા નથી પણ ડાયાબિટીઝને મૅનેજ કરવા માટે મદદ કરી શકે એવો રસ્તો છે.’
ટ્રાય કરો આ પણ
ધારો કે મોટી ઉંમરને કારણે કારેલાં કે લીમડાનાં પાનને ઊભા રહીને ખૂંદવાનું તમારા માટે પૉસિબલ નથી તો તમે લીમડાનો કે કારેલાનો જૂસ કાઢીને એને નવશેકા પાણીમાં મિક્સ કરીને દસ-પંદર મિનિટ એ નવશેકા પાણીમાં પગ રાખીને તમે બેસી શકો. આ ઉપરાંત સારી ગુણવત્તાના પ્યૉર તેલના પ્રયોગથી પણ થોડોક લાભ થશે.