મસ્ત રહે મનના આજના એપિસોડમાં આપણી સાથે છે સાયકોલોજીસ્ટ હંસલ ભચેચ. જેમણે ગુજરાતી મિડ-ડે ડોટ કોમ સાથે આજના મોર્ડન સમયના સૌથી જરૂરી મુદ્દે વાતચીત કરી છે. આ મુદ્દો એટલે કે ઓસીડી જેને ઓબ્સેસિવ કંપલ્સિવ ડિસઓર્ડર કહેવામાં આવે છે. આજે જાણીએ તેના વિશે વધુ...
ડૉ. હંસલ ભચેચ (તસવીર ડિઝાઇન કિશોર સોસા)
અમુક દાયકા પહેલાં ઍન્ગ્રી યંગ મૅન માત્ર ફિલ્મોમાં જ જોવા મળતાં પણ હવે જમાનો બદલાતા આપણને બસમાં, ટ્રેનમાં કે રસ્તામાં દરરોજ આવા એકાદ પાત્રના દર્શન થાય છે. માત્ર એ જ નહીં પણ વાસ્તવિક જીવનમાં તમને સિંઘમની જેમ ‘આતા માઝી સટકેલ’ કહેતા અને એનિમલના રણવિજય સિંહ જેવા પાત્રો પણ આજુબાજુ ફરતાં જોવા મળશે, થેન્ક્સ ટુ આજની આધુનિક જીવનશૈલી, જે ત્રણ ટી (T)થી વણાયેલી છે. પહેલો ટી ટૅકનોલોજીનો, બીજો ટી ટ્રાન્સફોર્મેશનનો અને આ બન્ને થકી સતત આગળ રહેવાની હોડમાં રહેતા લોકો માટે ત્રીજો ટી ટેન્શનનો. આ વાત કોઈની સામે સવાલ ઊભો કરવા કે કોઈના માથે માછલાં ધોવા માટે કરી નથી, મુદ્દો છે જવાબ શોધવાનો... મગજને શાંત રાખવાનો... લાંબાગાળાની માનસિક બીમારી ટાળવાનો... અને મનને મસ્ત રાખવાનો! ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે વધુ એક વિશેષ પેશકશ ‘મસ્ત રહે મન’ (Mast Rahe Mann) જેમાં આપણે દર પખવાડિયે એક નવા પ્રશ્ન સાથે મળીશું સાયકૉલૉજિસ્ટને અને તેમની પાસેથી જાણીશું મનને મસ્ત કેવી રીતે રાખવું!
મસ્ત રહે મનના આજના એપિસોડમાં આપણી સાથે છે સાયકોલોજીસ્ટ હંસલ ભચેચ. જેમણે ગુજરાતી મિડ-ડે ડોટ કોમ સાથે આજના મોર્ડન સમયના સૌથી જરૂરી મુદ્દે વાતચીત કરી છે. આ મુદ્દો એટલે કે ઓસીડી જેને ઓબ્સેસિવ કંપલ્સિવ ડિસઓર્ડર કહેવામાં આવે છે. ઓસીડી વિશે વાત કરતાં પહેલા સમજીએ એ છે શું?
ADVERTISEMENT
OCDએ એક પ્રકારની માનસિક બીમારી છે જે મગજમાં રાસાયણિક અસંતુલનને કારણે થાય છે. ઓસીડીની સાથે કેટલાક પરિબળો છે જેમ કે કોઇનો સ્વભાવ છે કે તેમને પરફેક્શનની ટેવ હોય એવા લોકોને આ તકલીફ થવાની શક્યતા વધારે હોય છે અથવા ઘણીવાર આ બીમારી વારસામાં પણ આવતી હોય છે. ઓસીડીમાં મૂળ બે કૉમ્પોનેન્ટ હોય છે. એક ઓબ્સેશન અને બીજું હોય છે કમ્પલશન.
ઑબ્સેશન એટલે કોઈ એક વિચાર મગજમાં વારંવાર આવ્યા કરે અને એ વિચારને હટાવવા માટે વ્યક્તિએ પોતાની અમુક પ્રક્રિયાઓ ડેવલપ કરી હોય એ કર્યા કરે.
દાખલા તરીકે વ્યક્તિને એવો વિચાર આવે કે `મારા હાથ બગડેલા છે.` એટલે એને આ વિચાર સતત આવ્યા કરે કે મારા હાથ બગડેલા જ છે અને એનું કમ્પલશન એ છે કે જઈને હાથ ધોઈ આવે. હવે એ જ્યારે હાથ ધોતો હોય ત્યારે એના મગજમાં એ વિચાર તો ચાલતો હોય કે હાથ બગડેલા છે એટલે અડધો કલાક પોણો કલાક સુધી પોતાના હાથ ધોયા જ કરે. જ્યાં સુધી કે તેને પોતાને એવો સંતોષ ન થાય કે હાથ સાફ થઈ ગયા.
આ એક ઉદાહરણ છે ઑબ્સેશન કમ્પલશનનો. ઑબ્સેશન ઑફ ડર્ટી હેન્ડ્સ અને કમ્પલશન ઑફ વૉશિંગ હેન્ડ્સ.
એ રીતે જ તાળું લાગેલું છે કે નહીં એનું ઑબ્સેશન હોય તો એ 5-6 વાર તાળું ચેક કર્યા કરે એ કમ્પલશન છે.
ઘણાં લોકોને વિયર્ડ ઑબ્સેશન પણ થતું હોય છે. દાખલા તરીકે - આ રોડ પરનો ટ્રાફિક મારા મોઢામાં જતો રહેશે. એટલે એનું કમ્પલશન એ થાય કે એ લોકો માસ્ક પહેરી રાખે કે જેથી ટ્રાફિક મોઢામાં ન જતો રહે. હવે આ બીમારીમાં કેવું છે કે તેમને ખબર હોય છે કે ટ્રાફિક મોઢામાં ન જતો રહે પણ તેમને આ વિચાર આવ્યા કરે એ તેમાંથી છૂટકારો મેળવી નથી શકતા.
આ બીમારીમાં ઑબ્સેશનનો સૌથી પીડાદાયક કોઈ ભાગ હોય તો એ છે કે વ્યક્તિને ખબર છે કે આ વિચારો ખોટા છે, લૉજિકલી એ જે વિચાર મગજમાં આવ્યા કરે છે તે સાચો નથી પણ તેઓ આમાંથી છૂટકારો નથી મેળવી શકતાં નથી. વ્યક્તિને ખબર છે કે જે હાથ હું ધોઈ રહ્યો છું તે એટલી બધીવાર ધોવાની જરૂર નથી તેમ છતાં તેણે એ હાથ વારંવાર ધોવા પડે છે તેને કારણે તેણે કેટલું બધું સહન કરવું પડતું હશે એટલે આ રીતે જોવા જતાં આ એક ખૂબ જ ગંભીર બીમારી છે જે ખૂબ જ કષ્ટદાયક છે.
ઓસીડીનો ઉપચાર શું?
સામાન્ય રીતે આના ઉપચારમાં સૌથી પહેલા તો કેમિકલ બેલેન્સ કરવું પડે એટલે આ માટે તમારે એન્ટિઑબ્સેશનલ દવાઓ લેવી પડે અને જે વ્યક્તિ પોતાની ઉપર કામ કરવા માટે તૈયાર હોય તે લોકો સાથે સાથે સાઇકોથેરેપી પણ સાથે સાથે કરી શકે. આમાં પણ કોગ્નિટિવ બિહેવિયર થેરેપી જેને શૉર્ટમાં (CBT) કહે છે તે લઈ શકે. આ એક એવા પ્રકારની સ્પેસિફિક થેરેપી છે જેમાં એ લોકોની થિન્કિંગ ડિસ્ટેક શું છે અને તેના વિશે એનું જ્ઞાન કરાવીને તેની અમુક કસરત આપે છે તે કરવાની હોય છે. પરંતુ આ થેરેપી લેતી વખતે તમે થેરેપી લો ત્યારે તમારે જીવનમાં એની પ્રેક્ટિસ પણ કરવાની હોય છે, ઘણીવાર લોકો સાંભળીને પછી એક્સર્સાઈઝ કરે નહીં તો એનો કોઈ ફાયદો થાય નહીં. થેરેપિસ્ટે જે ટેક્નિક શીખવી છે અને જે વસ્તુ ફોલો કરવાની કહી છે તે ફોલો કરે તો આની ઉપર કન્ટ્રોલ આવવા માંડે અને તેમની દવાઓ ઓછી થાય અને તે આમાંથી બહાર આવી શકે.
શું ઓસીડી માટે દવા ફરજિયાત છે?
જો માઇલ્ડ ફૉર્મ હોય તો માત્ર થેરેપીથી કામ ચાલી શકે. સિવીયર સફરિંગ ન હોય તો માત્ર થેરેપીથી તમે આમાંથી છૂટકારો મેળવી શકો છો.
સિવીયર સફરિંગ કઈ રીતે માપી શકાય?
સિવીયર સફરિંગમાં એવું છે કે જો તમે એમ કહો કે ચાર-પાંચ વાર હાથ ધોઈને મને સંતોષ થઈ જાય છે કે હવે મારા હાથ ચોખ્ખા છે, તો એને માઇલ્ડ ફૉર્મ કહી શકાય એવે વખતે થેરેપીથી દર્દી સાજો થઈ શકે છે. પણ જો કોઈ એક વ્યક્તિ દોઢ-બે કલાક સુધી બાથરૂમમાંથી બહાર નીકળે જ નહીં તો એને સિવીયર ફૉર્મ ઑફ ઑબ્સેશન કહી શકાય. આ સિવીયર ઑબ્સેશનમાં જો તમે થેરેપીથી કામ કરવા જાઓ તો એ પ્રૉસેસ ખૂબ જ લેન્ધી થઈ જતી હોય છે. મૂળ સાઈકોથેરેપી એ રીત સ્વભાવે જ ધીમી હોય છે એમાં દવા વગર તમે આ ડિસીઝ દૂર કરવા જાઓ તો ખૂબ જ વધારે સમય લાગી શકે છે. દવાઓ આપવા કે લેવા માટે પણ આ બીમારીની ગંભીરતા કેટલી છે તેના પર નિર્ભર કરે છે કે દર્દીને દવાની જરૂર છે કે નહીં.
તમે ઓસીડીનો ભોગ છો કે નહીં તે કેવી રીતે ખબર પડે?
ઘણીવાર કેટલાક લોકોને એકનો એક વિચાર વારંવાર આવતો હોય પણ તે લોકો એવું બતાવે નહીં કે આપણું ખરાબ લાગશે. એટલે કે તેમને માત્ર ઑબ્સેશન થતું હોય કમ્પલશન ન હોય. એનો અર્થ એ છે કે લોકો પોતાનું ઑબ્સેશન છુપાવતા હોય. દાખલા તરીકે કોઈને પૈસા આપવાના છે તો ગણીને આપવા પડે. નોટ એકબીજામાં ચોંટી ગઈ છે કે નહીં એનું ઑબ્સેશન હોય એટલે એ વસ્તુ દર્દી કરે ખરી પણ લોકોથી છુપાઈને કરે. એટલે શરૂઆતમાં જે ઓસીડીના લક્ષણો હોય અથવા માત્ર ઑબ્સેશનથી પીડાતા દર્દી હોય છે તે લોકોથી છુપાઈને કરતાં હોય છે. ઘણીવાર તેમની નજીકના લોકોને થોડોઘણો અંદાજ આવી જતો હોય છે કે આ સામાન્ય નથી પણ એ લોકો આ વસ્તુને નકારતાં હોય છે કે આવું કંઈ ન હોય એટલે આ સ્થિતિ કમ્પલશન પર જ્યાં સુધી ન પહોંચે ત્યાં સુધી બહુ વધારે ખ્યાલ આવતો નથી.
આજના એપિસોડમાં આપણે જાણ્યું કે ઓસીડી શું છે અને તેની ઓળખ કઈ રીતે કરી શકાય, આગળના એપિસોડમાં આપણે જાણીશું કે તેનાથી છૂટકારો કઈ રીતે મેળવી શકાય.