Mast Rahe Mann: આજના એપિસોડમાં આપણે મળીશું સલાહકાર મનોચિકિત્સક ડૉક્ટર ખ્યાતિ દેસાઈને અને તેમની પાસેથી જાણીશું કે તહેવારોમાં સ્ટ્રેસને કઈ રીતે દસ વેંત દુર રાખવો
તસવીર ડિઝાઇન: કિશોર સોસા
અમુક દાયકા પહેલાં ઍન્ગ્રી યંગ મેન માત્ર ફિલ્મોમાં જ જોવા મળતાં પણ હવે જમાનો બદલાતા આપણને બસમાં, ટ્રેનમાં કે રસ્તામાં દરરોજ આવા એકાદ પાત્રના દર્શન થાય છે. માત્ર એ જ નહીં પણ વાસ્તવિક જીવનમાં તમને સિંઘમની જેમ ‘આતા માઝી સટકેલ’ કહેતા અને ‘એનિમલ’ના રણવિજય સિંહ જેવા પાત્રો પણ આજુબાજુ ફરતાં જોવા મળશે, થેન્સ ટુ આજની આધુનિક જીવનશૈલી, જે ત્રણ ટી (T)થી વણાયેલી છે. પહેલો ટી ટેકનોલોજીનો, બીજો ટી ટ્રાન્સફોર્મેશનનો અને આ બંને થકી સતત આગળ રહેવાની હોડમાં રહેતા લોકો માટે ત્રીજો ટી ટેન્શનનો. આ વાત સવાલ ઊભો કરવા કે કોઈના માથે માછલાં ધોવા માટે અમે કરી નથી, મુદ્દો છે જવાબ શોધવાનો... મગજને શાંત રાખવાનો... લાંબાગાળાની માનસિક બીમારી ટાળવાનો... અને મનને મસ્ત રાખવાનો! ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે એક વિશેષ પેશકશ ‘મસ્ત રહે મન’ (Mast Rahe Mann) જેમાં આપણે દર પખવાડિયે એક નવા પ્રશ્ન સાથે મળીશું સાયકોલોજિસ્ટને અને તેમની પાસેથી જાણીશું મનને મસ્ત કેવી રીતે રાખવું!
દિવાળી ૨૦૨૪ (Diwali 2024)ને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે દરેક ઘરમાં તહેવારોની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. તહેવાર ખુશીઓ લાવે છે પરંતુ સાથે જ આજની આ ઝડપી અને સ્વછંદી જિંદગીમાં સ્ટ્રેસ (Stress In Festive Season) પણ લાવે છે એ એટલી જ હકીકત છે. તહેવારોમાં અનેક કારણસર લોકોને સ્ટ્રેસ થાય છે. પણ જાણો છો તહેવારોમાં સ્ટ્રેસ થવાનું કારણ શું છે? અને તહેવારો દરમિયાન થતા સ્ટ્રેસને કઈ રીતે હેન્ડલ કરવો? જો નથી ખબર તો આજનો આ આર્ટિકલ તમારી માટે છે. આજના ‘મસ્ત રહે મન’ (Mast Rahe Mann)ના એપિસોડમાં આપણે મળીશું સલાહકાર મનોચિકિત્સક (Consultant Psychiatrist) ડૉક્ટર ખ્યાતિ દેસાઈ (Dr. Khyati Desai)ને અને તેમની પાસેથી જાણીશું તહેવારોમાં સ્ટ્રેસ કઈ રીતે દુર કરી શકાય.
ADVERTISEMENT
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ‘મસ્ત રહે મન’ (Mast Rahe Mann)માં વાતચીત કરતા ડૉક્ટર ખ્યાતિ દેસાઈ જણાવે છે કે, ‘તહેવારો એટલે ઉમંગ, ઉત્સાહ અને ઉલ્લાસના દિવસો. તહેવારો આવે એટલે ઉજવણીનો સમય કહેવાય. આ તહેવારો સ્ટ્રેસ બસ્ટર છે. પરંતુ આજની ઝડપી જિંદગીમાં આ જ તહેવારોની સિઝન જાણે સ્ટ્રેસ અને ટેન્શન લઈને આવતી હોય તેવું લોકો અનુભવે છે. તહેવારો દરમિયાન સ્ટ્રેસ થવાના અનેક કારણો છે. જેમાનું સૌથી મોટું કારણ છે આર્થિક સ્ટ્રેસ. તહેવારો આવે એટલે રોજિંદા ખર્ચમાં વધારો થાય. જેને કારણે વ્યક્તિનો સ્ટ્રેસ વધી જાય છે. તહેવારોમાં ઘર માટે ખરીદી, ઘરની નવી વસ્તુઓની ખરીદી, સંબંધીઓ માટે ખરીદી, કપડાં-દાગીનાની ખરીદી વગેરે કરવાનું હોય છે. જેને લીધે મહિનાના આર્થિક બજેટમાં વધારો કરવો પડે છે અને તેનો ફાયનાન્શિય્લ સ્ટ્રેસ આવે છે. પછી બાળકોની પરીક્ષા સામાન્ય રીતે તહેવારોની આસપાસ જ આવતી હોય છે એટલે બાળકો માટે તે સ્ટ્રેસનું કારણ બને છે. બાળકોને પરીક્ષાની તૈયારીઓ કરાવવાની હોય એટલે એ વાલીઓ માટે સ્ટ્રેસ સાબિત થાય છે. કોર્પોરેટ્સમાં તહેવારના ટાર્ગેટોનું સ્ટ્રેસ હોય છે. તે સિવાય તહેવારો દરમિયાન સામાજીક જબાવદારીઓ નિભાવવાની હોય એટલે એનો પણ સ્ટ્રેસ તો ખરો જ.’
ડૉક્ટર ખ્યાતિ દેસાઈએ કહ્યું કે, ‘આ સિવાય આજકાલ લોકોને સોશ્યલ મીડિયા પર બહુ દેખાડો કરવો હોય છે. સોશ્યલ મીડિયા પર શો-ઑફ કરવો હોય છે એટલે એનો સ્ટ્રેસ પણ રહે છે. લોકો સમક્ષ સારા દેખાવવાનો અને સારા લાગવાનો ટ્રેન્ડ આજે બહુ વધી ગયો છે. તેને કારણે પણ લોકોને સ્ટ્રેસ થતો હોય છે.’
તહેવારોમાં સ્ટ્રેસથી દુર રહેવાના માર્ગ વિષે વાત કરતા ડૉક્ટર ખ્યાતિ દેસાઈ કહે છે કે, ‘ફેસ્ટિવ સિઝનમાં તમે જો શેડ્યુલ બનાવો તો મોટાભાગનો સ્ટ્રેસ ઓછો જઈ જાય. જેમકે, પરીક્ષા આવતી હોય તો પહેલેથી ભણવાનું રાખો, જેથી તહેવારના દિવસોમાં થોડોક સમય ફ્રી અને ઉજવણી માટે મળી શકે. દિવાળીમાં ઘરની સાફસફાઈ, નાસ્તો બનાવવો વગેરે કામ બધાએ ભેગા મળીને કરવા જેથી ગૃહિણીનું ટેન્શન ઓછું થાય. આર્થિક સ્ટ્રેસની વાત છે તો એ પણ પ્લાનિંગથી જ ઓછો કરી શકાય. તહેવાર આવે ત્યારે જ બધી નવી વસ્તુ ખરીદવા જવું એવું નહીં રાખો, એમ કરશો તો જે-તે મહિને આર્થિક ભાર વધી જશે. એના કરતાં એક-બે મહિના પહેલાથી ખરીદી કરવાનું શરુ કરો જેથી ખર્ચ બધા મહિનામાં થોડો-થોડો વિભાજીત થઈ જાય. પછી આવે સોશ્યલ મીડિયાનો સ્ટ્રેસ તો એનું વળગણ તો રોજિંદા જીવનમાં પણ ઓછું કરવાની જરુર છે જ. આ ઉપરાંત જો ટાઇમટેબલ બનાવીને કામ કરવામાં આવે તો દરેક કામ આસાન થઈ જાય છે અને સ્ટ્રેસ રહેતો નથી. લિસ્ટ બનાવીએ અને વન થિંગ એટ અ ટાઇમ કરીએ અને ટીકમાર્ક કરતા જઈએ તો કામ જલ્દી અને સરળતાથી થઈ જાય છે. તેમજ સેન્સ ઑફ અચિવમેન્ટ પણ ફીલ થાય છે. તહેવારોમાં પણ દરેકે આ જ ફૉમ્યુલા અપનાવવો જોઈએ.’
અંતે ડૉક્ટર ખ્યાતિ દેસાઈએ ઉમેર્યું કે, ‘તહેવારોમાં શારીરિક સ્ટ્રેસની સાથે-સાથે માનસિક સ્ટ્રેસમાંથી પણ રાહત મળે તે ખાસ જરુરી છે અને માનસિક સ્ટ્રેસમાંથી મુક્તિ મેળવવાનો રામબાણ ઇલાજ છે પુરતી ઉંઘ.’