આજે સમજીએ હળદર જેવું મહામૂલું ઇન્ડિયન સ્પાઇસ કઈ રીતે લઈએ તો બેસ્ટ રિઝલ્ટ આપે
રોજની એકથી ૩ ગ્રામ હળદર એટલે કે અડધાથી એક ચમચી જેટલો પાઉડર રોજિંદી જરૂરિયાત પૂરી કરી દે છે
શિલ્પા શેટ્ટી, યામી ગૌતમ અને અનન્યા પાંડે જેવી અભિનેત્રીઓ રોજ સવારે ઊઠીને સૌથી પહેલાં હળદર નાખેલું ગરમ પાણી પીતી હોવાનું કહેતી આવી છે એને કારણે હવે લોકો માનવા લાગ્યા છે કે હલ્દીવાલા દૂધ આઉટડેટેડ થઈ ગયું છે. આજે સમજીએ હળદર જેવું મહામૂલું ઇન્ડિયન સ્પાઇસ કઈ રીતે લઈએ તો બેસ્ટ રિઝલ્ટ આપે
કોરોના વખતે હળદરવાળું દૂધ ડાલગોના કૉફી તરીકે બહુ ચર્ચામાં આવ્યું હતું. હળદરવાળું દૂધ રાતે પીવાથી સારી ઊંઘ આવે છે એવું આયુર્વેદમાં પણ કહેવાયું છે. ભારતીય મસાલાઓમાં ઔષધીય ગુણોની દૃષ્ટિએ જો કોઈ કિંગ હોય તો એ છે હળદર. એટલે જ જ્યારે એક પછી એક બૉલીવુડની અભિનેત્રીઓ સવારના ઊઠીને હળદરવાળું પાણી પીતી હોવાનો દાવો કરે ત્યારે એમાં કંઈક તો દમ હશે જ. એવામાં સવાલ એ થાય કે હળદરવાળું દૂધ વધુ સારું કે પાણી? આ મૂંઝવણનો જવાબ મેળવવા અમે નિષ્ણાતની મદદ લીધી. મુલુંડનાં જાણીતાં ડાયટિશ્યન જિનલ સાવલા આપણી મૂંઝવણ વધારતાં કહે છે, ‘બન્ને હેલ્ધી ડ્રિન્ક્સ છે. તમે કયા ફાયદા માટે હળદર લેવા માગો છો એના પર બધો આધાર છે. મતલબ કે દૂધ સાથે હળદર લેવાથી અલગ ફાયદા થાય છે અને પાણી સાથે હળદર લેવાથી પણ ફાયદા થાય છે, પણ અલગ પ્રકારના.’
ADVERTISEMENT
દૂધ સાથે હળદર
હવે એ સમજીએ કે કયા ફાયદા જોઈતા હોય તો હળદર સાથે દૂધ લેવાય. ટ્રેડિશનલી આપણે ત્યાં દૂધ સાથે હળદર લેવાનું કહેવામાં આવ્યું છે એમ જણાવતાં જિનલ સાવલા કહે છે, ‘હળદરમાં કર્ક્યુમિન નામનું ખૂબ સરસ અને અસરકારક કમ્પાઉન્ડ છે, જે અનેક પ્રકારે શરીરને પ્રોટેક્શન આપે છે. એ ઍન્ટિ-વાઇરલ, ઍન્ટિ-બૅક્ટેરિયલ અને ઍન્ટિ-ફંગલ પણ છે. મતલબ કે બહારથી હુમલો કરતા વાઇરસ, બૅક્ટેરિયા કે ફંગસ સામે રક્ષણાત્મક કવચ ઊભું કરવાનું કામ કરે છે. હળદર ઍન્ટિ-ઇન્ફ્લમૅટરી છે. શરીરમાં જ્યારે કંઈ પણ ઍબ્નૉર્મલ થાય ત્યારે ત્યાં સોજો આવે. વાગે તો સોજો આવે, હાડકું ભાંગે તો સોજો આવે, આંતરિક કોષો ડૅમેજ થાય તોય એના પર સોજો આવે, મૂઢમાર વાગે તોય સોજો આવે, સ્નાયુઓને અને લિગામેન્ટને વધુ કામ કરવું પડ્યું હોય તો થાકમાં પણ સોજો આવે. આંતરિક અવયવોમાં કંઈક ડૅમેજ થાય તોય એના પર સોજો આવે. આ તમામ પ્રકારના સોજામાં હળદર હર મર્ઝ કા મરહમ જેવું કામ આપે છે. એટલે જ તો થાક લાગ્યો હોય, મૂઢ માર વાગ્યો હોય ત્યારે કહેવાય છે કે હળદરવાળું દૂધ પીશો તો પીડા ઓછી થશે. આર્થ્રાઇટિસ, જૉઇન્ટ્સ પેઇન, હાડકાં નબળાં પડવાને કારણે થતો દુખાવો હોય તો એમાં પણ હળદરવાળું ગરમ દૂધ કામનું છે. બીજું એક બહુ જ સરસ કામ કર્ક્યુમિન કરે છે એ છે મેટાબોલિઝમ સુધારવાનું. હળદરથી ગૉલબ્લૅડરમાંથી પાચક રસો કે જેને બાઇલ કહેવાય છે, એ ઝરે છે. એનાથી ડાઇજેશન સુધરે છે અને બ્લોટિંગ, ગૅસ અને અપચો સુધરે છે. આ માટે હળદરવાળા દૂધને બદલે ખોરાક રાંધતી વખતે જ હળદરનો ઉપયોગ વધુ ફાયદાકારક છે. કૅન્સર માટે તો હવે પશ્ચિમના દેશોએ પણ સ્વીકાર્યું છે કે હળદરમાંનું કર્ક્યુમિન અસરકારક છે.’
સૂવા માટે બેસ્ટ રેમેડી
રાતે ઊંઘ ન આવતી હોય તો એ માટે હળદરવાળું દૂધ બેસ્ટ ઉપાય કેમ છે એનું કારણ સમજાવતાં જિનલ કહે છે, ‘કર્ક્યુમિન થાક ઉતારવાનું કામ કરે છે અને દૂધમાં પણ લૅક્ટોઝ હોય છે જેનાથી સ્લીપ-ઇન્ડ્યુસિંગ પ્રોસેસ સરળ બને છે. પણ હું કહીશ કે જો અનિદ્રા માટે આ પ્રયોગ કરતા હો તો એમાં ચપટીક હિંગ જેટલો જાયફળ પાઉડર પણ નાખવો અને દૂધ હૂંફાળું હોય ત્યારે જ પી લેવું.’
હળદરવાળું પાણી કેટલું કામનું?
અભિનેત્રીઓ હળદરવાળું પાણી પીએ છે એટલે એ વેઇટલૉસ માટે બહુ કામનું છે એવો પ્રચાર થઈ રહ્યો છે, પણ એ વાતમાં કોઈ જ દમ નથી એમ જણાવતાં જિનલ સાવલા કહે છે, ‘ટર્મરિક વૉટર લેવાથી સીધેસીધું વજન ઊતરે જ નહીં. હા, એનાથી લિવર ડીટૉક્સિફાય થાય અને આડકતરી રીતે ફાયદો થાય. સવારે ખાલી પેટે હૂંફાળું હળદરવાળું પાણી લેવાથી કર્ક્યુમિન બહુ જ સારી રીતે શરીરમાં ઍબ્સૉર્બ થાય છે, જે ઇમ્યુનિટી બૂસ્ટ કરવાનું કામ કરે અને ટૉક્સિન્સને ફ્લશ-આઉટ કરવામાં મદદરૂપ થાય. લાંબા સમય સુધી એ લેવાથી સ્કિન સ્વચ્છ બનાવે. ત્વચા પર ઇન્ફ્લમેશન, ખીલ કે ડાઘા હોય તો દૂર થાય અને ત્વચાની એજિંગ પ્રોસેસ ધીમી પડે. ત્વચામાં જે વેર ઍન્ડ ટેઅર થયું હોય એ ખાલી પેટે લીધેલા કર્ક્યુમિનથી રિપેર થાય છે અને કરચલીઓ પડતી અટકે છે.’
ફરક શું?
ક્યારે દૂધ વાપરવું અને ક્યારે પાણી એની જનરલ સમજણ આપતાં જિનલ કહે છે, ‘બૉડી ડીટૉક્સિફાય કરવું હોય તો ખાલી પેટે પાણી સાથે હળદર લેવી ઉત્તમ. અનિદ્રા, સાંધા-હાડકાંના દુખાવા કે ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે લેવું હોય તો દૂધ સાથે હળદર લેવી. હળદરવાળું દૂધ રાતના સૂતી વખતે લેવું અને હળદરવાળું પાણી સવારે નરણા કોઠે લેવું અને એ પછી અડધો-પોણો કલાક બીજું કંઈ જ પીવું કે ખાવું નહીં.’
પાણીમાં ઘી અને દૂધમાં કાળાં મરી
હળદરની સાથે બીજાં કયાં દ્રવ્યો ઉમેરવાથી વધુ ફાયદો થાય એ વિશે જિનલ કહે છે, ‘હળદરમાં રહેલું કર્ક્યુમિન ફૅટ સૉલ્યુબલ કમ્પાઉન્ડ છે. મતલબ કે એની સાથે સારી ફૅટ લેવામાં આવે તો એ શરીરમાં સારી રીતે શોષાય છે. દૂધમાં નૅચરલ ફૅટ્સ હોય છે એટલે વાંધો નથી આવતો, પણ એને સુપાચ્ય બનાવવા માટે એમાં તમે ચપટીક કાળાં મરી ઉમેરી શકો છો. જેમને દૂધ માફક નથી આવતું અથવા તો ડીટૉક્સિફાઇંગ પર્પઝ માટે હળદરવાળું પાણી પીતા હોય તેમણે હૂંફાળા પાણીમાં અડધી ચમચી ગાયનું ઘી નાખીને પીવું. એનાથી કર્ક્યુમિન શોષાશે પણ સારી રીતે અને આંતરડાંની લાઇનિંગ પરથી કચરો સાફ થવામાં મદદ થશે.’
કોણે ન લેવું?
હળદર ગરમ પ્રકૃતિની માનવામાં આવે છે એટલે જેમને ગૅસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ઇશ્યુઝ હોય તેઓ ખાલી પેટે હળદર લે તો તેમને ઊબકા આવી શકે છે. ક્યારેક ડાયેરિયા કે સ્ટમક અપસેટ પણ થઈ શકે છે.
પ્રેગ્નન્સી દરમ્યાન નિયમિત હળદરવાળું દૂધ કે પાણી લેવાનો પ્રયોગ ન કરવો.
જે લોકો રેગ્યુલર બ્લડ-થિનર્સ એટલે કે લોહી પાતળું થવાની દવા લેતા હોય તેમણે પણ હળદરનું દૂધ કે પાણી ન લેવું.
જેમનું બિલિરુબિન ખૂબ હાઈ રહેતું હોય તેમણે પણ ડૉક્ટરને કન્સલ્ટ કરીને આ પ્રયોગ કરવો.