લગભગ 2000 વર્ષ જૂની કોમ્બુચા ટી આજકાલ એના સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક ગુણોને પગલે હેલ્થ-ફ્રીક લોકોમાં ફરી પાછી લોકપ્રિય બની રહી છે. એ વજન ઘટાડવાની સાથે તંદુરસ્તી વધારતી હોવાની ચર્ચા થઈ રહી છે. તો આવો, આજે ફર્મેન્ટેડ પીણાંની દુનિયામાં એક લટાર મારીએ..
પ્રતીકાત્મક તસવીર
લગભગ બે હજાર વર્ષ જૂની કોમ્બુચા ટી આજકાલ એના સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક ગુણોને પગલે હેલ્થ-ફ્રીક લોકોમાં ફરી પાછી લોકપ્રિય બની રહી છે. એ વજન ઘટાડવાની સાથે તંદુરસ્તી વધારતી હોવાની ચર્ચા થઈ રહી છે. તો આવો, આજે ફર્મેન્ટેડ પીણાંની દુનિયામાં એક લટાર મારી આવીએ...
વડીલોને પૂછશો તો તેઓ એમ જ કહેશે કે અમે તો અમારું આખું જીવન માત્ર એક જ ચા પીધી. સાદી સાકર, ચા પત્તી અને દૂધ નાખીને ઉકાળેલી ચા. વરાઇટીમાં વધુમાં વધુ કાં તો એમાં મસાલો હોય કે પછી આદું કે એલચી હોય, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ચાના વૈવિધ્યમાં જાણે રાફડો ફાટ્યો છે. ગ્રીન ટી, બ્લૅક ટી, વાઇટ ટી, અર્લ ગ્રે ટી, બટર ટી, લેમન ટી, હિબિસ્કસ ટી, જૅસ્મિન ટી, પિન્ક ટી, બ્લુ ટી વગેરે-વગેરે. છેલ્લા કેટલાક સમયથી આ યાદીમાં એક નવું નામ જોડાયું છે, એ છે કોમ્બુચા ટી. આ ચાની ખાસિયત એ છે કે જ્યાં બીજી બધી ચા ઉકાળીને બનાવવામાં આવે છે ત્યાં જ આ ચા આથો લાવીને બનાવવામાં આવે છે, જેને પગલે એમાં પ્રોબાયોટિક બૅક્ટેરિયાનો જન્મ થાય છે, જે પેટના સ્વાસ્થ્યને સુધારે છે. આ સાથે એ વજન ઘટાડવામાં, ઇમ્યુનિટી વધારવામાં તથા હૃદયની ક્ષમતા સુધારવામાં મદદરૂપ થતી હોવાનું પણ કહેવામાં આવે છે. આ બધા દાવામાં કેટલું તથ્ય છે એ ડાયેટિશ્યન કેજલ શાહ પાસેથી સમજીએ.
ADVERTISEMENT
કોમ્બુચાનો ઇતિહાસ બે હજાર વર્ષો જૂનો છે. આ ચાની શોધ ચીનમાં થઈ હોવાનું માનવામાં આવે છે જ્યાંથી એ સિલ્ક રૂટના માર્ગે યુરોપ, રશિયા, જાપાન, કોરિયા જેવા દુનિયાના વિવિધ દેશોમાં પહોંચી. આજે અમેરિકા સહિત દુનિયાના બધા દેશો કોમ્બુચામાં રહેલાં પ્રોબાયોટિક તત્ત્વોને પગલે એનાં ભરપેટ વખાણ કરે છે. મૂળે કોમ્બુચા મીઠી ચામાંથી બનેલું હળવું આથાવાળું પીણું છે, જેને બનાવવા માટે સ્કોબી (સિમબાયોટિક કલ્ચર ઑફ બૅક્ટેરિયા ઍન્ડ યીસ્ટ)નો ઉપયોગ થાય છે. દેખાવમાં આ સ્કોબી સફેદ જિલેટિન જેવો થર છે, જે કોમ્બુચામાં અઠવાડિયું-પંદર દિવસ મૂકી રાખવાથી એમાં આથો આવે છે. સ્કોબીમાં રહેલા બૅક્ટેરિયા અને યીસ્ટ ચામાં રહેલી સાકરને ઇથેનૉલ અને એસિટિક ઍસિડમાં પરિવર્તિત કરી દે છે. આ એસિટિક ઍસિડ જ કોમ્બુચાને એનો વિશિષ્ટ ખાટો ટેસ્ટ પ્રદાન કરે છે. આથો લાવવાની પ્રક્રિયા દરમિયાન કોમ્બુચામાં થોડો આલ્કોહૉલ પણ ઉમેરાય છે, પરંતુ એનું પ્રમાણ ૦.૦૫ ટકા જેટલું જ હોવાથી બજારમાં એ નૉનઆલ્કોહૉલિક બેવરેજ તરીકે જ વેચાય છે. અલબત્ત ઘરે બનાવેલી કોમ્બુચા તથા એની કેટલીક આર્ટિસ્ટિક વરાઇટીમાં આલ્કોહૉલનું પ્રમાણ થોડું વધારે હોઈ શકવાથી જેઓ આલ્કોહૉલ બિલકુલ ન લેતા હોય તેમણે ધ્યાન રાખવું રહ્યું.
કોમ્બુચા સ્વાસ્થ્ય માટે કેવી રીતે લાભદાયક છે એની વાત કરતાં કેજલ શાહ કહે છે, ‘કોમ્બુચાની વધતી લોકપ્રિયતા પાછળ એના પ્રોબાયોટિક ગુણો સૌથી વધુ જવાબદાર છે. આ ચામાં આથો લાવવાની પ્રક્રિયા દરમિયાન એમાં પ્રોબાયોટિક તત્ત્વોનો ઉમેરો થાય છે. આ પ્રોબાયોટિક તત્ત્વો આંતરડાંનું સ્વાસ્થ્ય સુધારી પાચનક્રિયામાં મદદરૂપ થાય છે. સારી પાચનક્રિયા ઇમ્યુનિટી વધારે છે. તેથી જ જેમની પાચનશક્તિ નબળી હોય તેમના માટે કોમ્બુચા વરદાન સમાન છે.’
કેજલ વધુમાં ઉમેરે છે, ‘કોમ્બુચામાં પૉલિફિનૉલ્સ અને વિટામિન સી જેવાં ઍન્ટિઑક્સિડન્ટ્સ રહેલાં છે, જે શરીરમાંથી ફ્રી રૅડિકલ્સ દૂર કરી શરીરના કોષોનું રક્ષણ કરે છે. શરીરના વિવિધ ભાગોમાં થતી બળતરા દૂર કરવામાં પણ પૉલિફિનૉલ્સ મહત્ત્વનો ભાગ ભજવે છે.’
બલકે કોમ્બુચામાં તો આથો લાવવાની પ્રક્રિયા દરમિયાન પૉલિફિનૉલ્સની માત્રા અનેકગણી વધી જતી હોવાથી એ હૃદયના રોગો, કૅન્સર તથા આર્થ્રાઇટિસ જેવી ગંભીર બીમારીઓ સામે રક્ષણ પણ પૂરું પાડે છે.
કોમ્બુચા પાણીમાં સાકર અને ચા પત્તી નાખીને બનતી હોવા છતાં એમાં રહેલી મોટા ભાગની સાકર આથો લાવવાની પ્રક્રિયામાં ખર્ચાઈ જાય છે. પરિણામે અન્ય મીઠાં પીણાંઓની સરખામણીમાં કોમ્બુચામાં સાકરનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. તેથી જેઓ વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા હોય એવા લોકોને કોમ્બુચા વધુ આકર્ષક લાગે છે. અલબત્ત, માત્ર કોમ્બુચા પીવાથી વજન ઘટી જતું નથી, એના માટે તમારે તમારી ખાવાપીવાની અન્ય આદતો બદલવાની સાથે નિયમિત કસરતને પણ તમારા જીવનનું અભિન્ન અંગ બનાવવું આવશ્યક છે. આ સાથે તમે બજારમાંથી કઈ કોમ્બુચા ટી ખરીદો છો એના પર પણ ધ્યાન આપવું જરૂરી છે, કારણ કે એની કેટલીક વરાઇટીમાં અન્ય વરાઇટીની સરખામણીમાં વધુ સાકર હોય છે.
કેજલ કહે છે, ‘પ્રોબાયોટિક અને ઍન્ટિઑક્સિડન્ટ તત્ત્વોનું સંયોજન વિવિધ ઇન્ફેક્શન સામે રક્ષણ આપી શરીરની રોગપ્રતિકારક શક્તિ પર સકારાત્મક અસર કરે છે. આ સાથે કોમ્બુચામાં વિટામિન બીનું પ્રમાણ પણ ખૂબ વધારે હોય છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિને નિયંત્રિત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.’
ઉપરાંત આથાવાળી આ ચામાં એસિટિક ઍસિડ ઉપરાંત ગ્લુકોરોનિક અને ડી-સેકેરિક ઍસિડ પણ વધુ હોય છે. આ ઑર્ગેનિક ઍસિડ્સ સ્વભાવે ઍન્ટિમાઇક્રોબિયલ હોવાથી પેટમાં ખરાબ બૅક્ટેરિયાની વૃદ્ધિ સામે લડત આપવામાં સુપરહીરો જેવી ભૂમિકા ભજવે છે.
ટૂંકમાં કોમ્બુચા સ્વાદમાં થોડું ખાટું, આથાવાળું અને ફ્લેવરથી ભરપૂર ડ્રિન્ક છે, જેમાં અનેક ગુણકારી પોષકતત્ત્વો પણ રહેલાં છે. તેમ છતાં એનું સેવન કરતી વખતે પ્રમાણભાન રાખવું આવશ્યક છે. આ સાથે જ એને બનાવવાની પદ્ધતિમાં ગરબડ થાય તો એમાં ફૂગ લાગી જવાની સાથે નુકસાનકારક બૅક્ટેરિયાનો જન્મ થવાની પણ શક્યતા છે, જે ઍલર્જિક રીઍક્શન કે ઇન્ફેક્શનનું કારણ બની શકે છે. આવું ન થાય એ માટે કોમ્બુચા ટી હંમેશાં સારી જગ્યાએથી જ પીવી જોઈએ. ઘરે બનાવતી વખતે પણ સાફસફાઈનાં ધારાધોરણો તથા એને બનાવવાની રીતને પદ્ધતિસર અનુસરવી જરૂરી છે. વધુમાં ગર્ભવતી મહિલાઓ તથા જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેમણે કોમ્બુચાને પોતાના રોજિંદા ડાયટમાં સામેલ કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ.

