મનથી, શરીરથી અને ભાવનાત્મક રીતે સમત્ત્વમ્ મહત્ત્વનું છે. તમારું બૅલૅન્સ તમારી હેલ્થને ઘણી રીતે મદદરૂપ થઈ શકે છે. ઘણા સર્વે કહે છે કે બૅલૅન્સ રાખનારી વ્યક્તિની હાર્ટ અને બ્રેઇન હેલ્થ સારી હોય છે. યોગ તો એમાં અદ્ભુત કામ કરી શકે છે. જોઈએ કેવી રીતે
તાડાસન, વૃક્ષાસન
બ્રિટિશ મેડિકલ જર્નલમાં પબ્લિશ થયેલો એક અભ્યાસ કહે છે કે એક પગ પર ઊભા રહેવાની તમારી એબિલિટીના આધારે તમારી બ્રેઇનની હેલ્થ નક્કી કરી શકાય. ૧૯૯૯માં થયેલા બીજા એક અભ્યાસમાં લગભગ પચાસ વર્ષની ઉંમરના ૨૭૦૦ લોકો આંખો બંધ કરીને એક પગ પર કેવી રીતે ઊભા રહી શકે છે એને લગતો અભ્યાસ થયો હતો. તેર વર્ષ પછી ફરી તેમની આ જ ટેસ્ટ થઈ હતી. વ્યક્તિને સંભવિત કૅન્સર કે હાર્ટ-ડિસીઝમાંથી કઈ સમસ્યા થઈ શકે એ બાબતમાં આ બૅલૅન્સ ટેસ્ટે પ્રિડિક્ટર તરીકે કામ કર્યું હતું. ઇન ફૅક્ટ બૅલૅન્સનું તમારી આવરદા સાથે પણ સીધું કનેક્શન છે એવું પણ રિસર્ચરો કહી ચૂક્યા છે. બૅલૅન્સ શરીરની અવેરનેસ સાથે સંકળાયેલું છે. તમારો રીઍક્શન ટાઇમ, વિવિધ મસલ્સનું કો-ઑર્ડિનેશન, સાંધાઓની સ્ટેબિલિટી સાથે પણ સંતુલનનું કનેક્શન છે. જીવન પણ સંતુલન હોય તો જ જીવવાની મજા આવે છે. યોગસાધનાનું ધ્યેય પણ ઇડા અને પિંગળા નાડી વચ્ચે સંતુલન લાવવાનું છે.
સ્ટેબલ રહેવા માટે
ADVERTISEMENT
યોગિક આસનોમાં સંતુલનનો ગજબ મહિમા છે ત્યારે તમારા ડેઇલી રૂટીનમાં સંતુલનનાં કયાં આસનો ઉમેરવાં જોઈએ એ જાણીએ. આમ તો દરેક જાતના આસનમાં બૅલૅન્સ જરૂરી છે. બન્ને પગ પર સરખું વજન આવે એ રીતે ઊભા રહેવું એ પણ બૅલૅન્સિંગ આસન જ છે. જોકે એક પગ પર ઊભા રહીને થતાં આસનોને કૅટેગરાઇઝ્ડ કરવા માટે બૅલૅન્સિંગ આસન નામ અપાયું છે. તમે એક પગ પર ઊભા હો અને બીજો પગ હવામાં હોય તો એ બૅલૅન્સિંગ આસન કહેવાય. એ જ રીતે ઇન્વર્ઝન આસન તરીકે ઓળખાતાં શીર્ષાસન અને સર્વાંગાસન પણ બૅલૅન્સિંગ આસન છે. દરેક આસન બૅલૅન્સ માગે છે. તમે કોઈ પણ ઍક્ટિવિટી ફિઝિકલી કરો છો ત્યારે બૅલૅન્સ મહત્ત્વનું છે. સંતુલન માગી લેતાં આસનો સાધકની માત્ર શારીરિક ક્ષમતા જ નહીં પણ સમજણ, એકાગ્રતા, વિલપાવર, સેલ્ફ-કન્ટ્રોલ જેવા ઘણા ફૅક્ટર્સનો માપદંડ નક્કી કરે છે.
ફાયદા અનેક
આસન તમારા શરીરથી મન સુધી કામ કરે છે. યોગનું વિજ્ઞાન પાંચ કોષ અને ત્રણ શરીરની વાત કરે છે. દરેક આસન એક પછી એક આ પાંચેય કોષ અને ત્રણ શરીર પર અસર કરે છે. પ્રત્યેક સ્તર પર આગળ તમે ત્યારે જ વધી શકો જો સ્ટેબિલિટી હોય. સંતુલન માગતા દરેક આસનથી એ બ્રેઇનના દરેક હિસ્સામાં સંતુલન ક્રીએટ કરે છે. એક વાત તો તમે જાણો છો કે તમારું લેફ્ટ બ્રેઇન શરીરના ડાબા ભાગને હૅન્ડલ કરે છે અને રાઇટ બ્રેઇન શરીરના જમણા ભાગને હૅન્ડલ કરે છે. સ્ટેબિલિટી સાથે થતાં આસનો બ્રેઇનની બન્ને બાજુએ ઇક્વલી કામ કરે છે, તમારી નર્વસ સિસ્ટમમાં સંતુલન ક્રીએટ કરે છે. એટલે જ તમે એ આસન કેવી રીતે કરો છો, કેટલું વજન ક્યાં આપો છો અને કયા ભાગને એન્ગેજ રાખો છો જેવી બાબતો મહત્ત્વની છે.
સ્ટેબિલિટીનાં આસનો માટે શરૂઆતમાં પડો નહીં એ રીતે દીવાલનો સપોર્ટ લઈને અભ્યાસ કરો તો ધીમે-ધીમે બ્રેઇન પોતાની રીતે નવાં કનેક્શનો ડેવલપ કરીને બૅલૅન્સ વધારશે. - ધારો કે ખુરશી પર તમે બેઠા હો તો કોઈ પણ જાતનો સપોર્ટ લીધા વિના સંતુલન સાથે ચૅર પરથી ઊભા થવાનું અને ફરી બેસવાનું, ફરી ઊભા થવાનું અને બેસવાનું આ અભ્યાસ પંદરથી વીસ વાર કરો. ધ્યાન રહે કે ઊઠતાં કે બેસતાં ચૅરને કે બીજી કોઈ વસ્તુને પકડવાની નહીં.
તાડાસન
બન્ને પગની એડીઓને ઉપર ઉઠાવો અને એ કરતી વખતે સ્થિર રહેવાની કોશિશ કરો. આ આસન કરતી વખતે હાથને ઉપરની તરફ ખેંચેલો રાખશો તો કરોડરજ્જુનો ભાગ પણ સ્ટ્રેચ કરી શકાય.
વૃક્ષાસન
દીવાલનો સપોર્ટ લઈને એક પગને ઘૂંટણથી વાળીને બીજા પગની ઇનર થાઇ (સાથળના ઉપરના ભાગમાં) મૂકો અને પછી શ્વાસ અંદર ભરીને વીસથી ત્રીસની ગણતરી કરો. ધીમે ધીમે આ જ અભ્યાસ બન્ને પગથી દીવાલના સપોર્ટ વિના પણ કરી શકાય.

