શરીરની હીલિંગ પ્રોસેસને ઝડપી કરવા માટે સાંધાના દુખાવા, મચકોડ કે મસલ પુલ થઈ ગયો હોય, લિગામેન્ટ ઇન્જરીને કારણે થતો દુખાવો હોય ત્યારે કાં તો હીટ કાં કોલ્ડ શેક લેવાનું ડૉક્ટર કહે છે.
હેલ્થ ઇઝ વેલ્થ
જોજો, ક્યાંક ગરમ કે ઠંડો શેક પીડા વધારી ન દે
શરીરની હીલિંગ પ્રોસેસને ઝડપી કરવા માટે સાંધાના દુખાવા, મચકોડ કે મસલ પુલ થઈ ગયો હોય, લિગામેન્ટ ઇન્જરીને કારણે થતો દુખાવો હોય ત્યારે કાં તો હીટ કાં કોલ્ડ શેક લેવાનું ડૉક્ટર કહે છે. જોકે ક્યારે હીટિંગ વાપરવું અને ક્યારે કોલ્ડ ટ્રીટમેન્ટ લેવી એ જાણી લેવું જરૂરી છે નહીંતર ઊલમાંથી ચૂલમાં પડી જવાશે
શેક પછી એક્સરસાઇઝ
ક્રૉનિક જૉઇન્ટ પેઇન હોય તો સ્નેહન અને સ્વેદન જેવી ક્રિયાઓ પછી જૉઇન્ટ્સની હળવી મૂવમેન્ટ કરવાથી મસલ્સ રિલૅક્સ થાય છે અને સાંધા વચ્ચે જામેલું વિકૃત પ્રોટીન ઘટે છે.
ADVERTISEMENT
ઠંડીની સીઝન સરસ છે. સાંધા અને સ્નાયુઓના દુખાવાની ફરિયાદ રહેતી હોય તો હૉટ વૉટરબૅગ અથવા તો ઇલેક્ટ્રિક હીટિંગ પૅડનો વપરાશ પણ વધી ગયો હશે. તાજેતરમાં સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ દ્વારા બહાર પડેલી એક ગાઇડલાઇનમાં સૂચન થયું છે કે રાતે હીટિંગ પૅડ લઈને સૂવાનું હાનિકારક છે. એનાથી સ્થાનિક ભાગમાં ઓવરહીટિંગ થઈ જાય છે અને સ્કિનમાં તેમ જ ત્યાંના મસલ્સ બન્નેને નુકસાન થઈ શકે છે. આમેય તમે જોયું હશે તો લાંબો સમય હીટિંગ પૅડ વાપરવામાં આવે તો ત્યાંની જગ્યા પર હીટબર્ન થઈ જાય છે. આ વાત જેટલી હીટિંગ પૅડ માટે સાચી છે એટલું જ સાચું છે કોલ્ડ પૅક માટે પણ. કોલ્ડ પૅક બૉડીની નીચે મૂકીને સૂઈ જવામાં આવે તો બરફની ઠંડકથી પણ ત્વચા જલી જાય છે.
હીટિંગ પૅડ ડાયાબિટીઝના દરદીઓએ બહુ સાચવીને વાપરવા જોઈએ એવું જણાવતાં જનરલ ફિઝિશ્યન ડૉ. સુનીલ શાહ કહે છે, ‘મસ્ક્યુલર પેઇન માટે ગરમ શેક પેઇન રિલીવર ગણાય છે, મોટા ભાગે જો રાતના સમયે તમારે શેક લેતાં-લેતાં સૂવું હોય તો હૉટ વૉટરબૅગ વધુ સેફ છે. જો તમે ઇલેક્ટ્રિક હીટિંગ પૅડ વાપરતા હો તો એ લગાતાર પંદર મિનિટથી વધુ સમય કદી રાખવી નહીં એટલું જ નહીં, એનું ટૅમ્પરેચર પણ પહેલેથી ઓછું જ રાખવું. ડાયાબિટીઝના દરદીઓને ઇલેક્ટ્રિક હીટિંગ પૅડથી હીટબર્ન થઈ જાય એવું ઘણી વાર જોવા મળ્યું છે. ડાયાબિટીઝના દરદીઓમાં ત્વચાની સંવેદનશીલતા ઘટી ગઈ હોય છે. એને કારણે વધુ ગરમી પણ તેમને વર્તાતી જ નથી. એને કારણે ત્વચા પર બળી જાય તોય ખબર નથી પડતી. વળી, ડાયાબિટીઝને કારણે એ બર્ન ઝડપથી રૂઝાવામાં પણ અડચણ આવે છે. આઇસ પૅકથી પણ આવી સ્થિતિ પેદા થઈ શકે છે.’
ક્યારે હીટ, ક્યારે કોલ્ડ?
હીટિંગ પૅડ કે આઇસ પૅક વાપરતી વખતે થતી ઇન્જરી બાબતે જેટલી સભાનતા લાવવાની જરૂર છે એટલું જ મહત્ત્વનું છે કે ક્યારે હીટ વાપરવી અને ક્યારે કોલ્ડ? જો સમજ્યા વિના શેક કરવામાં આવે તો બાજી અવળી પડી શકે છે. ખાસ કરીને સ્પોર્ટ્સ કે ફિઝિકલ ઍક્ટિવિટી દરમ્યાન થતી ઇન્જરી પછી શું વાપરવું એની મૂંઝવણ હોય છે. આ વિશે સ્પોર્ટ્સ અને મસ્ક્યુલોસ્કેલેટન ફિઝિયોથેરપિસ્ટ ડૉ. અશ્મિ દવે દત્તા કહે છે, ‘હીટ અને કોલ્ડ પૅક ક્યારે વાપરવો એનો મેઇન રૂલ એ છે કે જ્યારે ઇન્જરી તાજી હોય તો એ વખતે આઇસ પૅક વાપરવો. પગ મચકોડાયો કે મસલ પુલ થઈ જાય કે ઇન્જરીને કારણે સોજો આવ્યો હોય ત્યારે કોલ્ડ પૅક વાપરવો. ઇન્જરી તાજી હોય ત્યારે જો હીટ વાપરો તો અંદર વધુ નુકસાન થઈ શકે. જ્યાં ગરમી આપો ત્યાં આજુબાજુમાંથી પણ લોહી આવીને ભરાતું હોય છે, જ્યારે ઠંડક આપવાથી મસલ્સ રિલૅક્સ થાય છે. સોજો હોય એ બતાવે છે કે ત્યાં ફ્લુઇડ ભરાયેલું છે. એવા સમયે ત્યાં ગરમી ન આપવી, ત્યાં ઠંડો શેક વધુ રાહત આપશે અને હીલિંગ પ્રોસેસ ઝડપી બનાવશે.’
જોકે ઇન્જરી ક્રૉનિક હોય તો ગરમી વાપરી શકાય એમ સમજાવતાં સ્પોર્ટ્સ ફિઝિયોથેરપિસ્ટ ડૉ. તરુણ દત્તા કહે છે, ‘ક્રૉનિક રોગો છે જેમ કે આર્થ્રાઇટિસને કારણે દુખાવો થતો હોય તો હીટ થેરપી વાપરી શકાય. એનાથી પેઇન રિલીફ થશે. જોકે ઇન્જરી જૂની હોય અને ત્યાં સોજો પણ ન હોય છતાં દુખાવો થતો હોય હીટ થેરપી વાપરી શકાય. ઇન્જરી થયાને ઘણા દિવસો થઈ ગયા હોય અને છતાં સોજો ઊતરતો ન હોય તો જાતઅખતરા કરવાને બદલે નિષ્ણાતને કન્સલ્ટ કરવા.’
આ પણ વાંચો : અડદ બનાવે મરદ
હીટ-કોલ્ડ શેકથી શું થાય?
ગરમ શેક લઈએ ત્યારે એ ભાગનું તાપમાન વધે છે. જ્યારે પણ તાપમાન સહેજ વધે એટલે એ ભાગમાં લોહીનું પરિભ્રમણ વધે છે. સ્નાયુઓ જકડાઈ ગયા હોય કે ટિશ્યુનું ડૅમેજ થયું હોય તો ગરમ શેક લેવાથી લોહીનું પરિભ્રમણ વધતાં એ ભાગમાંથી કળતર ઘટે છે અને સ્નાયુની ફ્લૅક્સિબિલિટી સુધરે છે.
બીજી તરફ ઠંડો શેક એટલે કે બરફનો શેક લેવામાં આવે ત્યારે એ થોડાક સમય માટે સ્થાનિક ભાગમાં શિથિલતા પેદા કરે છે. જેમ બરફ હાથમાં પકડીએ તો હાથ નમ્બ થઈ જાય છે એમ સોજાવાળી જગ્યા પર બરફની ઠંડક આપવાથી સ્થાનિક નસોની ઍક્ટિવિટી અને સંવેદના ઘટી જાય છે. એને કારણે લોહીનું પરિભ્રમણ ઘટતાં આ જગ્યામાં ઉદભવેલો સોજો પણ ઘટે છે. સોજો ઘટવાથી પેઇન ઘટે છે.
સૂકો અને ભીનો શેક
ઠંડા અને ગરમ શેકની જેમ આયુર્વેદમાં સૂકો અને ભીનો શેક પણ હોય છે. આયુર્વેદમાં રેતી ગરમ કરીને શેક કરવાનું કહેવામાં આવે છે એની વાત કરતાં આયુર્વેદ નિષ્ણાત વૈદ્ય પ્રબોધ ગોસ્વામી કહે છે, ‘દુખાવા કે કળતરમાં ગરમ શેક કરવાથી લાભ ચોક્કસ થાય છે. જ્યાં પીડા થતી હોય ત્યાં શેક કરવાથી લાભ થાય જ છે પણ જો ક્યારેક કંઈક વાગ્યું હોય ત્યારે તરત જ એના પર ગરમ શેક ન કરાય. ઍક્સિડન્ટ થયો હોય ત્યારે દુખાવા માટે તમે ગરમ શેક વાપરો અને જો અંદર કંઈક ઇન્જરી થઈ હોય તો ગરમ શેકથી તકલીફ થઈ શકે છે. એટલે ઍક્સિડન્ટ પછી ગરમ શેક લેવો હોય તો પહેલાં અંદર કોઈ ઇન્જરી નથી એ રૂલઆઉટ કરી લેવું પડે. બાકી ઘણી વાર જૉઇન્ટ્સમાં ઇન્ફેક્શન હોય કે અંદર પસ થયું હોય એવા સમયે તમે બહારથી ગરમ શેક આપો પણ સ્થિતિ વકરે. આયુર્વેદમાં ભીનો અને સૂકો બે પ્રકારનો શેક હોય છે. ભીના શેકને સ્વેદન કહેવાય છે. આ પ્રકારનો શેક ક્રૉનિક રોગોમાં બહુ કામનો છે. ઑસ્ટિઓઆર્થ્રાઇટિસ જેવી તકલીફમાં સાંધાની અંદરનું સાઇનોવિયલ ફ્લુઇડ ઘટી ગયું હોય ત્યારે સ્વેદન શેક આપવો જોઈએ. એમાં તો ઔષધિયુક્ત તેલની માલિશ કરીને પછી ઉપરથી શેક વખતે પણ ઔષધિ આપી શકાય. જેમ કે નગોળના પાનને બાફીને એને દુખાવાના ભાગે બાંધવાથી ઑસ્ટિઓઆર્થ્રાઇટિસના પેઇનમાં ઘણી રાહત મળે છે. ઑસ્ટિઓઆથ્રાઇટિસમાં જો સૂકો રેતીનો શેક આપીએ તો સાંધા વધુ ડ્રાય થઈ જાય એવું બને, જ્યારે ગાઉટ અને રૂમૅટિઝમની તકલીફમાં સૂકો શેક સારું કામ કરે છે. અલબત્ત, શેક અને સ્વેદન વખતે કેવી ઔષધિ વાપરવી, શાનો શેક કરવો એ દરદીની ઉંમર, રોગ-રોગીની અવસ્થા પર નિર્ભર કરે છે. મૂઢ માર વાગ્યો હોય કે લોહી જામી ગયું હોય ત્યાં બરફનો ઠંડો શેક અકસીર નીવડે છે. સૂકો શેક કરવાથી દુખાવામાં રાહત જરૂર થાય; પણ એ માત્ર લક્ષણોને મટાડવાની વાત છે, દુખાવાનું મૂળ શોધીને એનું કારણ દૂર થાય એ વધુ મહત્ત્વની સારવાર છે.’
જ્યારે ઇન્જરી તાજી હોય તો એ વખતે આઇસ પૅક વાપરવો. પગ મચકોડાય કે મસલ પુલ થઈ જાય કે ઇન્જરીને કારણે સોજો આવ્યો હોય ત્યારે કોલ્ડ પૅક વાપરવો. ઇન્જરી તાજી હોય ત્યારે જો હીટ વાપરો તો અંદર વધુ નુકસાન થઈ શકે : - ડૉ. અશ્મિ દવે, સ્પોર્ટ્સ ફિઝિયોથેરપિસ્ટ