આજે કેવડા ત્રીજ નિમિત્તે જાણીએ કેવડાનું મહાત્મ્ય શું છે અને સ્વાસ્થ્યને લગતા ફાયદા કેવા છે
પ્રતીકાત્મક તસવીર
અનાયાસે પાર્વતીજીએ ભાદરવા સુદ ત્રીજના દિવસે શિવજીને કેવડાના જળથી સ્નાન કરાવ્યું અને તેઓ પ્રસન્ન થઈ ગયા. આ ફૂલની સુગંધ અને તાજગીથી તેમની ત્વચામાં કાન્તિ આવી ગઈ અને ત્યારથી પરિણીત સ્ત્રીઓ પતિના સ્વાસ્થ્ય માટે ખાસ વ્રત કરે છે. આ દિવસે શિવજીના લિંગ પર કેવડો કે કેવડાનું પાણી ચડાવે છે. આખો દિવસ પાણી કે ફળાહાર ગ્રહણ કરતાં પહેલાં સ્ત્રીઓ કેવડો સૂંઘે છે. આજે કેવડા ત્રીજ નિમિત્તે જાણીએ કેવડાનું મહાત્મ્ય શું છે અને સ્વાસ્થ્યને લગતા ફાયદા કેવા છે
ભાદરવા સુદ ત્રીજના દિવસને ભારતમાં કેવડાત્રીજ તરીકે ધામધૂમથી ઊજવવામાં આવે છે. આ જ દિવસે કહેવાય છે કે શંકર ભગવાન પાર્વતીના તપથી પ્રસન્ન થયા હતા. આ જ દિવસે શિવજીએ પાર્વતીને પરણવાનું વચન આપ્યું હતું. કેવડાત્રીજના દિવસે પાર્વતીજીએ ભગવાન શંકરને કેવડાનું પુષ્પ ચડાવ્યું હતું. એની સુગંધથી પ્રેરાઈને ભગવાન શંકર ધ્યાનાવસ્થા છોડી જાગૃત અવસ્થામાં આવ્યા હતા. કદાચ પૃથ્વીની આ સૌપ્રથમ અરોમાથેરપી (સુગંધ ચિકિત્સા)ની ઘટના હશે. આ વાતને જરાક જુદી રીતે પુષ્ટિ આપતાં પ્રખ્યાત નેચરોપૅથ ડૉ. હર્ષા છાડવા વિસ્તારથી પોતાની વાત રજૂ કરે છે એ જાણવા જેવી છે. તેઓ કહે છે, ‘ભગવાન શંકર જ્યારે ધ્યાનમાંથી જાગ્યા ત્યારે તેમના શરીરમાં થાક વર્તાતો હતો. ચામડી સૂકી થઈ ગઈ હતી. પાર્વતીજીએ ભગવાન શંકરને કેવડાજળ વડે સ્નાન કરાવ્યું. આમ કરવાથી તેમની ચામડીને મૉઇશ્ચર (ભેજ) મળ્યું. ચામડીને પૂરતો ભેજ મળવાથી ત્વચા પર કાન્તિ છવાઈ ગઈ.’
ADVERTISEMENT
ભાદરવામાં કેવડો અને ત્વચા
આમ તો ઘણાં ફૂલો ત્વચા પર પૉઝિટિવ અસર જન્માવે છે, પરંતુ ચામડી અને કેવડાને જે સંબંધ છે એ વિશેષ છે. પોતાના દરદી સાથેનો અનુભવ વર્ણવતાં ડૉ. હર્ષા છાડવા કહે છે, ‘મારા એક દરદીને શરીરે ખૂબ ખંજવાળ આવતી હતી. તેમને મેં ચંદનને કેવડાજળમાં ઘસીને લગાડવાનું કહ્યું અને તેમને ખૂબ ફાયદો થયો. વળી ભાદરવા મહિનામાં કેવડાનો ઉપયોગ સર્વશ્રેષ્ઠ છે. ભાદરવો એટલે શરદ ઋતુ. આ ઋતુમાં તાવ આવવાની શક્યતા વધી જાય છે. તાવના પ્રકોપથી બચવા અને એને નિયંત્રણમાં લાવવા કેવડાનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત કેવડો ઍન્ટિબૅક્ટેરિયલ અને ઍન્ટિ-ઇન્ફ્લૅમૅટરી છે. કેવડામાં એવાં ઍન્ટિઑક્સિડન્ટ્સ છે જે કોષોના ઑક્સિડેશન થકી ડૅમેજ થતું અટકાવે છે. ફાઇબર્સ અને વિટામિન C પણ પૂરતા પ્રમાણમાં છે. ભાદરવામાં તાપ અને ગરમી અસહ્ય હોય છે. આ સમયમાં શરીરને બળતરા અને પિત્તથી બચાવવા કેવડો ખૂબ કામ આવે છે. આમ ભાદરવામાં એ મિત્ર બનીને આવે છે એટલે જ પાર્વતીજીએ આ મહિનામાં ભગવાન શંકરને કેવડો અર્પણ કર્યો હશે.’
મીઠાઈમાં પણ વપરાય
હવેની મૉડર્ન મીઠાઈઓમાં વૅનિલા વધુ વપરાય છે, પરંતુ આપણી પરંપરાગત મીઠાઈઓમાં કેવડાનો ઉપયોગ ખૂબ થતો હતો. આની પાછળ પણ વિજ્ઞાન છે. ડૉ. હર્ષા કહે છે, ‘કેવડો ડાયાબિટીઝના દરદીઓ માટે પણ ગુણકારી છે, કારણ કે એના અર્કને કારણે શરીરમાં સાકર જલદીથી પચી જાય છે. શરીરમાં સાકરનું પ્રમાણ નિયંત્રણમાં રહે છે. ઘણી મીઠાઈઓની બનાવટમાં પણ એટલે જ કેવડો છૂટથી વપરાય છે. આજે જે સફેદ સાકર આપણે વાપરીએ છીએ એ બ્લીચ કરેલી અર્થાત કેમિકલ્સ-રસાયણો દ્વારા સફેદ કરેલી હોય છે. મૂળ સાકરનો રંગ ગાઢો લાલ કે બ્રાઉન રંગનો હોય છે. આવી સફેદ, પાસાદાર અને ચકચકિત દેખાવને કારણે સાકર આકર્ષક તો લાગે છે પણ કેમિકલ્સના યુઝને કારણે શરીરમાં ઍસિડિટી વધી જાય છે. આ સમયે કેવડાના જળના ઉપયોગથી બે ફાયદા થાય છે. આવી સાકર એના માધ્યમ દ્વારા ઝડપથી પચી જાય છે તેથી બળતરા (ઍસિડિટી)માં ફાયદો થાય છે અને ડાયાબિટીઝમાં પણ લાભ થાય છે.’
શ્રેષ્ઠ અરોમા અને અત્તર
આપણે ત્યાં કુદરતી ફળફૂલોનો ઉપયોગ કરીને વિવિધ સિરપો બનાવનારા ગણ્યાગાંઠ્યા ઉત્પાદકો છે તેમાંના એક છે વિદ્યુત નરમ. તેઓ કહે છે, ‘અમે બદામનું સિરપ બનાવીએ છીએ એમાં થોડુંક કેવડાનું દ્રવ્ય પણ ઉમેરીએ છીએ જેથી એ સુગંધિત અને સ્વાદિષ્ટ બને છે અને પીનારને સ્વાસ્થ્યના લાભ પણ મળે છે. મીઠાઈની બનાવટમાં પણ આ જ કારણે કેવડાનો વપરાશ થાય છે. કેવડાનાં ફૂલમાંથી શ્રેષ્ઠ અત્તર પણ બને છે. આજે તનાવભર્યા યુગમાં શરીરને વિવિધ બીમારીઓથી બચાવવા, મનને પ્રફુલ્લિત રાખવા તેમ જ મૂડ સુધારવા સુગંધ ચિકિત્સાનો ખૂબ ઉપયોગ થાય છે.’
અરોમાના વિવિધ આયામ
ચોક્કસ સુગંધી દ્વારા શરીર અને મનની વિવિધ ક્રિયાઓ પર એની સારી અને માઠી અસર પડતી હોય છે. કેવડો આ સુગંધ ચિકિત્સામાં પણ કૉમનલી વપરાતું પુષ્પ છે. એ વિશે ડૉ. હર્ષા કહે છે, ‘કેવડાનું એક નામ જ ગંધપુષ્પિકા - નૃપપ્રિયા છે. કેવડાના જળમિશ્રિત સ્નાન શરીરનો થાક તો ઉતારે છે સાથે તનને સુગંધિત અને આકર્ષિત બનાવે છે. તહેવારો-ઉત્સવોમાં આનું સ્નાન અવશ્ય કરવું જોઈએ. કેવડાનું જળ પીવાથી તન-મનને સંતુષ્ટિનો આભાસ થાય છે. જે લોકો ભ્રામક (આભાસી) રોગનો ભોગ બન્યા હોય તેમને આના સેવનથી ફાયદો થાય છે. અરોમાથેરપી (સુગંધ ચિકિત્સા) માં કેવડાના આવા અનેક ઉપયાગો છે.’
એકાગ્રતા વધારે કેવડાનું તેલ
કેવડાનું તેલ પણ ગુણકારી છે એમ જણાવતાં ડૉ. હર્ષા કહે છે, ‘કેવડાનું તેલ માથામાં નાખવાથી એમાંથી દુર્ગંધ આવતી હોય તો દૂર થાય છે. આ ઉપરાંત આ તેલ મનની એકગ્રતા વધારવામાં પણ અતિ ઉપયોગી છે એટલે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે લાભકારક છે. માત્ર તેલ જ નહીં, કેવડાના પાનને પણ ઉપયોગમાં લેવાય છે. તાવ આવી ગયા પછી શરીરને થકાનનો અનુભવ થતો હોય કે અશક્તિ લાગતી હોય તો કેવડાનાં પાનનો લેપ બનાવી લગાડી શકાય કે સ્નાન પણ કરી શકાય. શક્તિના સંવર્ધન માટે આનો ઉપયોગ થાય છે તેથી એનું એક નામ ધૃતપુષ્પિકા પણ છે. અતિશયોક્તિ નથી, પરંતુ એમ કહેવાય છે કે ૬૦૦ કરતાં વધુ બીમારીઓમાં કેવડાનો ઉપયોગ થાય છે. એનાં ફૂલ પણ તીખાં, ઉષ્ણ અને કાન્તિકર હોય છે. એ વાયુ, કફ અને વાળમાંથી આવતી દુર્ગંધને દૂર કરે છે. એનું કેસર કરોળિયાના રોગમાં ઉપયોગી છે. એનાં ફળ પણ મીઠાં હોય છે. કેવડો કડવો અને નેત્રને હિતાવહ છે. વાયુ, મેહ, વિષદોષ અને કફનો નાશ કરે છે. રક્ત પ્રદર, અપસ્માર અને ગરમીથી કપાળ કે માથું દુખતું હોય તો એમાં ઉપયોગી છે. કેવડાની અસંખ્ય પ્રજાતિઓ છે જેના માનવજાત માટે વિવિધ ઉપયોગ છે. કેવડાના થડનો પણ વિવિધ બીમારીઓમાં ઉપયોગ થાય છે.’
- મુકેશ પંડ્યા