Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > હું ગમે તેટલી તકેદારી રાખું, મોડું તો થઈ જ જાય છે

હું ગમે તેટલી તકેદારી રાખું, મોડું તો થઈ જ જાય છે

Published : 17 October, 2024 03:41 PM | Modified : 17 October, 2024 04:22 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

તમારી પણ વ્યથા અને કથા જો આવી જ હોય તો સાવધાન થવાનો સમય આવી ગયો છે. નિષ્ણાતો માને છે કે સમય કરતાં મોડા પહોંચનારા લોકોની કરીઅરથી લઈને સંબંધો એમ બધું જ જોખમમાં મુકાઈ શકે છે. આવું શું કામ થાય અને આ આદત સુધારવાનો શું રસ્તો છે એ વિશે વાત કરીએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


હું ગમે તેટલી કોશિશ કરું પણ ડેસ્ટિની મને લેટ જ પહોંચાડે છે. નાની હતી ત્યારે સ્કૂલમાં મોડી પહોંચતી, મોટી થઈ તો નોકરીમાં મોડી પહોંચું છું. મારાં મોડાં પહોંચવાનાં કોઈ ઇન્ટેન્શન્સ નથી હોતાં, પણ ખબર નહીં હું દરેક જગ્યાએ સમય કરતાં મોડી જ પહોંચું છું અને મારા માથે લેટ લતીફનો થપ્પો લાગી ગયો છે.’


આ વ્યથા મુંબઈમાં જ રહેતી યુવતીની છે. એક અમેરિકન સાઇકોલૉજિસ્ટે તાજેતરમાં લેટ થવાને કારણે ઉદ્ભવતી સમસ્યાનું એક લિસ્ટ આપ્યું છે. મોટા ભાગે બધે જ મોડા પહોંચનારાઓની ઘણી વાર નોકરી જોખમમાં મુકાઈ જાય છે તો ક્યારેક સંબંધો.



સબકૉન્શિયસ માઇન્ડનો હાથ


મુલુંડમાં રહેતા લાઇફ અને સ્પિરિચ્યુઅલ કોચ હની વચ્છાની આ મુદ્દે વિસ્તારપૂર્વક વાત કરતાં કહે છે, ‘લેટ લતીફમાં પણ બે પ્રકારના હોય છે. જે લોકો ખરેખર નિર્ધારિત સમય પર પહોંચવા માટે કોશિશ કરે છે એ પહેલી કૅટેગરીમાં આવે અને બીજા એ લોકો જે શો-સ્ટૉપર બનવા માટે જાણી જોઈને મોડા આવતા હોય છે. આવા લોકો અટેન્શન સીકર હોય છે. રાહ જોવડાવવાની ટેન્ડન્સી ધરાવે છે. જોકે આ ખોટું છે. આપણે અહીં પહેલી કેટેગરીના લોકો વિશે વાત કરીશું. ઘણી વાર કે નાનપણથી જ બધું લેટ થતું હોય છે. સ્કૂલ-કૉલેજમાં ઍડ‍્મિશન લેટ થવું, નોકરી લેટ મળવી, લગ્ન મોડાં થવાં વગેરે-વગેરે. આવું એટલા માટે થાય છે કારણ કે આપણા મગજમાં મોડા પડવાની પૅટર્ન બની જાય છે. આપણા વિચારો અને શબ્દો સબકૉન્શિયસ માઇન્ડમાં પહોંચે છે. કૉન્શિયસ માઇન્ડથી આપણે ફેરફાર કરવાની ગમેતેટલી કોશિશ કરીએ, પણ સબકૉન્શિયસ માઇન્ડને જ્યાં સુધી કમાન્ડ નહીં આપો ત્યાં સુધી જીવનમાં ફેરફાર શક્ય નથી. સબકૉન્શિયસ માઇન્ડમાં બનતી પૅટર્ન કૉન્શિયસ માઇન્ડ કરતાં ૨૦ લાખ ગણી સ્ટ્રૉન્ગ હોય છે.’

પૅટર્નને કરો બ્રેક


સબકૉન્શિયસ માઇન્ડમાં મોડા પહોંચવાની રજિસ્ટર્ડ પૅટર્ન્સને બ્રેક કરવી જરૂરી છે. ચાર દાયકાથી પર્સનલ ડેવલપમેન્ટની તાલીમ આપી રહેલી હની અહીં કહે છે, ‘હું લાઇફ કોચ છું અને સેશન્સ દરમિયાન ઘણા લોકો મારા ક્લાસ જૉઇન કરવામાં મોડું કરે છે. ઑનલાઇન ક્લાસ લઉં તો પણ તેમને જોડાતાં લેટ થઈ જાય છે. એક યુવતી તો દરરોજ લેટ હોય. મેં જાણવાની કોશિશ કરી તો ખબર પડી કે તેના જીવનમાં બાય ડિફૉલ્ટ બધું લેટ જ થઈ રહ્યું છે. આપણને એવું લાગે છે કે આપણે જ માઇન્ડને કન્ટ્રોલ કરીએ છીએ, પણ એવું નથી હોતું. મગજમાં બનતી પૅટર્ન્સ આપણને કન્ટ્રોલ કરે છે. આપણું મગજ ન્યુરો પ્લાસ્ટિક છે. આપણા વિચારો અને એને લગતાં કાર્યો કરવાથી એ પૅટર્ન મગજમાં બની જાય છે. મગજને શું સારું, શું ખરાબ એ ખબર નથી હોતી, આપણે એને ખબર પાડવી પડે છે. એક જ જેવી ઘટના અને પરિસ્થિતિ વારંવાર સર્જાય જે જીવનમાં નકારાત્મક પ્રભાવ પાડે તો એને બ્રેક કરવાની કોશિશ કરવી જોઈએ. ઘણા લોકોને કારણ ખબર હોવા છતાં ડિફેન્સ મેકૅનિઝમમાં જતા રહે છે. પોતાની ભૂલ ન જોતાં બીજામાં ખામીઓ કાઢે છે. જોકે આવું ન કરવું જોઈએ. મારા કૉન્ટૅક્ટમાં હજી એક છોકરી છે જેને લેટ થવામાં કોઈ ફરક પડતો નથી. ઑફિસમાં મોડી પહોંચે તો પેનલ્ટી ભરી દે, બસ ન મળે તો પ્રાઇવેટ રિક્ષા પકડી લે. તેની અડધા કરતાં વધુ સૅલેરી આમાં જ ખર્ચાઈ જાય. એ યુવતીને સમય, સંબંધો અને નાણાંની કોઈ વૅલ્યુ નથી. તો સૌથી પહેલાં આપણે કિંમત કરતાં શીખવું જોઈએ.’

લેટ લતીફનો ટૅગ હટાવવો હોય તો આટલું તો કરવું જ પડશે

વારંવાર જલદી પહોંચવાની કોશિશ કરવા છતાંય મોડા કેમ પહોંચાય છે? આ સવાલ પોતાની જાતને પૂછીને કારણ ઓળખવાની જરૂર છે.

જો મોડા પડવાનું કારણ તમે પોતે જ છો તો એ જવાબદારી લો અને સ્વીકારો.

પ્લાનિંગ અને ટાઇમ મૅનેજમેન્ટ બહુ જરૂરી પાસાંઓ છે, એને અવગણવાની ભૂલ કરવી નહીં.

રોજિંદા જીવનનાં કાર્યો માટેનું ટુ-ડૂ લિસ્ટ બનાવો અને કામની પ્રાથમિકતા સેટ કરો.

ઓવરકમિટિંગ નેચર પણ ક્યારેક મુશ્કેલીમાં મૂકી દે છે તો જેટલું કામ કરવાની તાકાત હોય એટલું જ કરવાના વાયદાઓ કરો.

મનમાં સકારાત્મક વિચારો રાખવા અને ૨૧ દિવસમાં ૨૧ વાર વિઝ્યુઅલાઇઝ કરવું કે હું સમયસર પહોંચી રહી છું. આવું ત્યાં સુધી કરવું જ્યાં સુધી મગજનું ન્યુરો-પ્લાસ્ટિક વાયરિંગ બદલાઈ ન જાય.

સાઇકોલૉજિકલ કારણો

ખારમાં રહેતાં અને નવ વર્ષથી સાઇકોથેરપીની પ્રૅક્ટિસ કરતાં દીપલ મહેતા હંમેશાં મોડા પડતા લોકો વિશે કહે છે, ‘ભારતમાં તો લોકોને સમય કરતાં મોડા પહોંચવાની આદત બની ગઈ છે. હસબન્ડ-વાઇફમાં તો લેટ થવું બહુ કૉમન થઈ ગયું છે અને મોટા ભાગના ઝઘડાનું કારણ પણ આ જ હોય છે. હંમેશાં મોડા થનારા લોકોમાં મુખ્યત્વે ઑબ્સેસિવ થિન્કિંગ અને ટાઇમ બ્લાઇન્ડનેસ જેવાં સાઇકોલૉજિકલ કારણો હોઈ શકે છે. ઑબ્સેસિવ થિન્કિંગ એટલે ઘણા લોકો કારણ વગરના વિચારોમાં પોતાની જાતને એટલી પરોવી નાખે કે તેમને સમયનું ભાન રહેતું નથી. પછી જ્યાં પહોંચવાનું હોય ત્યાં લેટ પહોંચવાથી તેમને શું નુકસાન થશે એ વિશે ઓવરથિન્ક કરે છે. તેઓ ઇફ ઍન્ડ બટમાં જ ગૂંચવાયેલા હોય છે. આવા પ્રકારની થૉટ પ્રોસેસ મગજની સિસ્ટમને ડૅમેજ કરે છે અને એને કારણે તેમની મેન્ટલ સ્ટ્રગલ બહુ વધી જાય છે. આવું ઍન્ગ્ઝાયટી અને ડિપ્રેશનને કારણે પણ થાય છે. બીજું અને મહત્ત્વનું કારણ છે ટાઇમ બ્લાઇન્ડનેસ. ટાઇમ બ્લાઇન્ડનેસ એટલે સમયની વૅલ્યુ ન કરનારા લોકો. આ કૅટેગરીના લોકો સમયની કિંમત કરતા નથી અને ચીજો અને સંબંધોને લાઇટલી લે છે, જેને કારણે તેમને વ્યક્તિગત અને સામાજિક રીતે સંબંધો સાચવવામાં મુશ્કેલીઓ થાય છે. તેઓ કોઈ પણ જવાબદારી કે સંબંધોને સિરિયસલી લેતા ન હોવાથી ટાઇમની વૅલ્યુ પણ કરતા નથી. તેઓ કૅર-ફ્રી નેચરના હોય છે. થવાનું હશે એ થશે એ વિચારીને જ જીવન જીવતા હોય છે પણ વાસ્તવિકતામાં આવા લોકોને સોશ્યલી જીવન જીવવામાં બહુ તકલીફ પડે છે.’

ટાઇમ મૅનેજમેન્ટ ઇઝ ઓન્લી કી

લેટ લતીફીની આદતને લીધે થતી સમસ્યાના સમાધાન વિશે દીપલબહેન કહે છે, ‘ટ્રેન લેટ થઈ એટલે હું લેટ પહોંચ્યો, ટ્રાફિક જૅમમાં ફસાઈ ગયો હતો. આવાં બહાનાં તો મોટા ભાગના મુંબઈગરાના મોઢેથી સાંભળ્યા જ હશે. લેટ પહોંચવું એ ગુનો નથી, પણ નબળું ટાઇમ મૅનેજમેન્ટ છે. મુંબઈમાં ટ્રાફિક જૅમ અને ટ્રેનો લેટ થવાનો પ્રૉબ્લેમ કૉમન છે, પણ એને કારણે આપણા ટાઇમ મૅનેજમેન્ટ પર અસર ન થાય એનું ધ્યાન રાખવાની આપણી વ્યક્તિગત જવાબદારી છે. ધારો કે સવારે ૧૦ વાગ્યે ઑફિસ પહોંચવાનું છે અને પહોંચતાં એક કલાક લાગે છે તો ઘરેથી એક કલાકને બદલે સવા કલાક જલદી નીકળવું જોઈએ અને સ્પેરમાં થોડો સમય રાખીને ચાલવું જોઈએ. તેથી જો એક ટ્રેન છૂટી જાય કે રિક્ષા ન મળે તો પણ તમે સમયસર ઑફિસ પહોંચી શકો. આ રીતે સોલ્યુશન નીકળી શકે છે જેથી બૉસની વઢથી બચી શકાય. આવી રીતે સંબંધોને સાચવી શકાય. આ ઉપરાંત આર્ટિફિશ્યલ ડેડલાઇન બનાવવી જોઈએ. એટલે કે જો ગર્લફ્રેન્ડને સાંજે સાત વાગ્યે મળવા જવાનું હોય તો ઑફિસનું કામ છ વાગ્યાને બદલે પાંચ વાગ્યે પતાવવાનો ટાર્ગેટ સેટ કરવો જોઈએ જેથી લેટ ન થાય. જો માઇન્ડને આ રીતે તાલીમ આપવામાં આવે તો થોડા સમયમાં લેટ લતીફીની આદત છૂમંતર થઈ જશે.’

આ ટીચર પાર્ટીમાં લેટ પહોંચ્યાં તો ફ્રેન્ડ્સે પનિશમેન્ટમાં ગીતો ગવડાવ્યા

લાં લેટ લતીફની વાત થાય છે તો થાણેમાં રહેતાં અને વ્યવસાયે સ્કૂલ ટીચર અલ્પા ઠક્કર પોદાર પણ આ જ કૅટેગરીમાં આવે છે. તેમની લેટ થવાની આદત સાથે સંકળાયેલા કિસ્સાને સંભળાવતાં અલ્પાબહેન કહે છે, ‘આમ તો લેટ થવું એ મારી હૅબિટ જ બની ગઈ છે, પણ એક વખત તો મારી સાથે કૉમેડી અને ટ્રૅજેડી બન્ને થઈ હતી. મારી સહેલીઓએ એક પાર્ટીનું આયોજન કર્યું હતું અને સ્ટ્રિક્ટ વૉર્નિંગ પણ આપી હતી કે લેટ આવશો તો પનિશમેન્ટ મળશે. મારે નોકરીથી છૂટીને સીધું ત્યાં જ પહોંચવાનું હતું, પણ બાય ડિફૉલ્ટ મને ત્યાં પહોંચતાં મોડું થયું. પાંચ-દસ મિનિટ નહીં, એક કલાક મોડી પહોંચી હતી અને પનિશમેન્ટ મારા ભાગે આવી. એ લોકોએ જે ગીત કહ્યાં એ મારે મારા બેસૂરા અવાજમાં ગાવાં પડ્યાં એટલું જ નહીં, મારે બધાને વડાપાંઉની પાર્ટી પણ આપવી પડી.’

Whatsapp-channel Whatsapp-channel

17 October, 2024 04:22 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK