સાત વર્ષથી ઉપરના અને ૯૯ વર્ષ સુધીના દરેક જણ કલારીપયટ્ટુ શીખી શકે છે.
હેલ્થ ઇઝ વેલ્થ
કલારીપયટ્ટુ
હાર્ટ-અટૅક આવ્યા પછી એક મહિનાથી પણ ઓછા સમયમાં ઍક્ટર સુસ્મિતા સેન બે તલવાર લઈને કલારીપયટ્ટુ નામની માર્શલ આર્ટ કરતી હતી. આપણે ત્યાં સદીઓ પહેલાં પણ એવી સ્ત્રીઓ થઈ ગઈ છે જે યુદ્ધકલામાં પારંગત હતી. આજે ભલે સ્ત્રીએ રણભૂમિમાં લડવાનું ન હોય, પરંતુ આજની સ્ત્રીનું જીવન પણ રણભૂમિથી ઓછું નથી. આ પરિસ્થિતિમાં કલારીપયટ્ટુ સ્ત્રીને ઘણી મદદરૂપ થઈ શકે છે. આજે સમજીએ આ માર્શલ આર્ટને
૧૧ એપ્રિલે મીડિયામાં એ ખબર આવી હતી કે ફૉર્મર મિસ યુનિવર્સ અને ઍક્ટર સુસ્મિતા સેનને હાર્ટ-અટૅક આવ્યો હતો. સદા ફિટ રહેતી ૪૭ વર્ષની સુસ્મિતા સેનને હાર્ટ-અટૅક આવી શકે કે કેમ એવી નવાઈ પામતી જનતાને સુસ્મિતાએ એક મહિનાથી પણ ઓછા સમયમાં બીજો આંચકો આપ્યો. છઠ્ઠી મેના તેણે પોતાના સોશ્યલ મીડિયા હૅન્ડલ પર કેટલાક ફોટોગ્રાફ મૂક્યા હતા જેમાં તે કલારીપયટ્ટુ, જે એક માર્શલ આર્ટ ફૉર્મ છે એની પ્રૅક્ટિસ કરતી દેખાતી હતી. હાર્ટ-અટૅક પછી વ્યક્તિ ૪-૬ મહિને માંડ રિકવર થતી હોય છે અને એક મહિનાની અંદર જ બે-બે તલવારો લઈને એક યોદ્ધાની જેમ કલારીપયટ્ટુ પ્રૅક્ટિસ કરતી હતી. એ જોઈને ભલભલા દંગ રહી જાય એ સહજ છે. એ પોસ્ટમાં સુસ્મિતાએ લખ્યું હતું કે તેને કલારીપયટ્ટુ માર્શલ આર્ટ માટે ખૂબ માન છે. સુસ્મિતાને આ માર્શલ આર્ટ કરતા જોઇને કોઈપણને સ્ત્રીને લાગે કે કાશ હું પણ આ કરી શકતી હોત. યુદ્ધકલા આપણે ત્યાં એક સમયમાં સ્ત્રીઓને પણ શીખવવામાં આવતી જ. આજની મોર્ડન નારી જે જીવનના યુદ્ધ ક્ષેત્રમાં આટલી સબળ છે એ હોંશે-હોંશે આ માર્શલ આર્ટ શીખી શકે છે. ૪૭ વર્ષે જો હાર્ટ-અટૅક આવ્યા પછી તરત જ સુસ્મિતા એ કરી શકતી હોય તો બીજી સ્ત્રીઓ પણ આ માર્શલ આર્ટ શીખી જ શકે છે. આજે જાણીએ કલારીપયટ્ટુ વિશે વિસ્તારમાં.
ADVERTISEMENT
સેલ્ફ-ડિફેન્સ માટે વાપરવામાં આવતી રમત કે કળા એટલે માર્શલ આર્ટ. આશરે ૫૦૦૦ વર્ષ પહેલાં કેરલામાં જેનો જન્મ થયો એવી કલારીપયટ્ટુ વિશ્વની સૌથી જૂની માર્શલ આર્ટમાંની એક છે. કેરલાની આ યુદ્ધકલા વિશે આમ તો ઘણી જુદી-જુદી કથાઓ પ્રચલિત છે. કલારીપયટ્ટુનો સંધિવિચ્છેદ કરીએ તો કલારી એટલે રણભૂમિ અને પયટ્ટુ એટલે યુદ્ધમાં જે ઍક્શન કરવામાં આવે છે એ. જે કથા કલારીપયટ્ટુ સાથે સંકળાયેલી છે એ કથા અનુસાર વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામે પોતાની કુહાડી જ્યારે અરબસાગરમાં ફેંકી તો ધરતીનો જે ટુકડો ઊભરીને આવ્યો એ છે કેરલા. આ ધરતીની રક્ષા માટે તેમણે ૨૧ શિષ્યોને તૈયાર કર્યા જેમણે આગળ જતાં ૬૪ જુદા-જુદા ગુરુકુળ બનાવ્યાં હતાં. શ્રી પરશુરામે એમને જે યુદ્ધકલા શીખવી એ જ છે કલારીપયટ્ટુ.
ઇતિહાસના રેકૉર્ડ તપાસીએ તો કલારીપયટ્ટુની શરૂઆત દ્રવિડોના સંગમ કાળથી છે. એ સમયના ચોલા, ચેરા અને પંડ્યા એમ ત્રણ રાજ્યોની લડાઈ વખતે કલારીપયટ્ટુ યુદ્ધકળા ઘણી વિકાસ પામી હતી. સમય જતાં કલારીપયટ્ટુમાં પેઢી દર પેઢી આવતો બદલાવ, રાજકીય સ્તર પર થતાં નાનાં-મોટાં યુદ્ધો, સાંસ્કૃતિક આપ-લેને કારણે ફેરફાર થતો રહ્યો. ચેકાવર્સ નામની જાતિ છે જે
માનવામાં આવે છે કે કલારીપયટ્ટુમાં પારંગત હોય છે. પેઢીઓથી આ જાતિ કલારીપયટ્ટુની પરંપરાને લઈને ચાલી રહી છે. આ જાતિના લોકો જ વર્ષોથી આ માર્શલ આર્ટને સંભાળીને બેઠા છે અને લોકોમાં એનો પ્રચાર-પ્રસાર પણ કરી રહ્યા છે.
આ પણ વાંચો : અપ્રેઝલના વિચાર થી ઍન્ગ્ઝાયટી થઈ રહી છે?
શરીરને સશક્ત કરે
લડાઈની જુદી-જુદી તકનીક જેમ કે પ્રહાર અને સંરક્ષણની તકનીક, ભારતીય દર્શન સાથેનું સીધું જોડાણ, યોગ, આયુર્વેદ અને પ્રાણાયામ આ બધું જ કલારીપયટ્ટુના પાયામાં છે એમ જણાવતાં કલારીપયટ્ટુના મૂળભૂત સિદ્ધાંત, જેના પર આ માર્શલ આર્ટ નિર્ભર કરે છે એના વિશે વાત કરતાં કલારી ફૅલિસિટેટર બેલરાજ સોની કહે છે, ‘કલારીપયટ્ટુ એક યુદ્ધકળા છે એટલે ફિઝિકલ કન્ડિશનિંગ એનો અત્યંત મહત્ત્વનો ભાગ છે. એટલે જ જુદા-જુદા પ્રકારની એક્સરસાઇઝ જેમાં સ્ટ્રેચિંગ કે મૂવમેન્ટ દ્વારા શરીર અને ખાસ તો કરોડરજ્જુને સશક્ત કરવાની ટ્રેઇનિંગ મળે છે. જે પૉસ્ચર એમાં ઉપયોગમાં આવે છે એ ઍનિમલ પૉસ્ચર હોય છે. પ્રાણીઓ જેવા પૉસ્ચરનો ઉપયોગ કરીને શરીરની શક્તિ વધારવામાં આવે છે.’
હથિયારો સાથે પણ પ્રૅક્ટિસ
કલારીપયટ્ટુમાં ફુટવર્ક અત્યંત મહત્ત્વનું છે. એ સિવાય શરીરનું પૉસ્ચર ઠીક હોવું અને શરીર એક રેખામાં હોવું જરૂરી છે. એ માટેની પ્રૅક્ટિસ કરાવવામાં આવે છે. આ સિવાય બૅલૅન્સ પ્રસ્થાપિત કરવા, શરીરમાં ચપળતા લાવવા, ત્વરિત સજાગતા લાવવા માટે ઘણી અલગ-અલગ મુદ્રાઓ, સ્ટેપ્સ, મૂવમેન્ટ શીખવવામાં આવે છે. એ વિશે વધુમાં જણાવતાં બેલરાજ સોની કહે છે, ‘કલારીપયટ્ટુ એક યુદ્ધકળા છે. આ માર્શલ આર્ટમાં જાત-જાતનાં હથિયાર પણ વાપરવામાં આવે છે. લાકડામાંથી બનાવેલાં હથિયાર અને ધાતુમાંથી બનાવેલાં હથિયાર બંને એમાં વપરાય છે જેમ કે લાકડીઓ, તલવાર, ભાલા, ચાબુક વગેરે. આ સિવાય ખાલી હાથે પણ એની પ્રૅક્ટિસ કરવામાં આવે જ છે. હથિયાર સાથે કે હથિયાર વગર હુમલો કરવામાં કિક, પંચનો પ્રયોગ પણ શીખવવામાં આવે છે.
સંપૂર્ણ વિકાસ
આ સિવાય સ્વબચાવની તકનીકમાં કઈ રીતે સામેવાળાના પ્રહારનો સામનો કરવો, તેના ફોર્સ સામે કઈ રીતે ટકી રહેવું અને એની સાથે જ સામે કાઉન્ટર-અટૅક કરવા કઈ રીતે તૈયાર રહેવું એ બાબતે શીખવવામાં આવે છે. આમ આ ફક્ત શારીરિક સજ્જતા માટે નથી પરંતુ માનસિક રીતે આમાં ઘણું સજ્જ રહેવું પડે છે એમ સમજાવતાં બેલરાજ સોની કહે છે, ‘કોઈ પણ બીજી માર્શલ આર્ટની જેમ કલારીપયટ્ટુ ફક્ત શારીરિક પ્રૅક્ટિસ નથી પરંતુ જીવન જીવવાની રીત પણ છે. એ શીખો ત્યારે જીવવાની રીત તમને સમજાય, નિયમબદ્ધતા, માન, ખુદ પર અંકુશ અને અઢળક નૈતિક મૂલ્યો એના દ્વારા જીવનમાં ઊતરે છે. આ એક સાધના છે. યોગની જેમ વ્યક્તિ આમાં ઊંડી ઊતરીને આત્મિક જ્ઞાન મેળવે છે અને સ્પિરિચ્યુઅલ માર્ગે આગળ વધે છે. આમ કલારીપયટ્ટુ વડે વ્યક્તિ શારીરિક, માનસિક અને આત્મિક એમ સંપૂર્ણ વિકાસ સાધી શકે છે.’
લેવલ મુજબ
કલારીપયટ્ટુ વિશે જાણીએ કે એના વિડિયોઝ જોઈએ તો એવું લાગે કે એ ખૂબ અઘરી માર્શલ આર્ટ છે. આ બધા ન કરી શકે. પણ એવું નથી એમ સમજાવતાં કલારીપયટ્ટુના પર્સનલ ટ્રેઇનર ક્રિશ માન કહે છે, ‘દરેક વ્યક્તિને એમના લેવલ પ્રમાણે અમે શરૂ કરીએ છીએ. વ્યક્તિ શરૂ કરે અને એના અઠવાડિયામાં એના હાથમાં હથિયાર નથી દેવામાં આવતાં. પહેલાં તો અમારી પાસે જે લોકો આવે છે તેમની ફિઝિકલ સ્ટ્રેંગ્થ કેવી છે એ સમજીને તેમને તેમના લેવલનું શીખવીએ છીએ. આ માર્શલ આર્ટ જ નહીં, કોઈ પણ પ્રકારની માર્શલ આર્ટ તમે શીખો એમાં આ જ રીતે ધીમે-ધીમે લેવલ મુજબ આગળ વધી શકાય.’
સ્ત્રીઓને ઉપયોગી
આજકાલ લોકો કલારીપયટ્ટુ શા માટે શીખે છે? આ પ્રશ્નનો જવાબ આપતાં ક્રિશ માન કહે છે, ‘આજકાલ મોટા ભાગના લોકો ફિટનેસ માટે આ માર્શલ આર્ટ શીખે છે. બાળકોને શિસ્તબદ્ધ કરવા માટે, યુવાનો ફિટનેસ માટે અને ફિઝિકને વધુ સારું ટોન આપવા માટે, મિડ-એજના લોકો સ્ટ્રેંગ્થ વધારવા માટે અને વૃદ્ધ લોકો મનની શાંતિ માટે કલારીપયટ્ટુ કરે છે. આ માર્શલ આર્ટની ખાસિયત એ છે કે એ પુરુષો અને સ્ત્રીઓ બન્ને માટે છે. સ્ત્રીઓ પરંપરાગત રીતે પણ સદીઓ પહેલાં કલારીપયટ્ટુ પ્રૅક્ટિસ કરતી હતી. જો ખાસ સ્ત્રીઓની વાત કરીએ તો કલારીપયટ્ટુ વડે તેમનામાં આત્મવિશ્વાસ વધે છે. દુનિયાનો સામનો કરવાની તાકાત મળે છે. સ્વરક્ષણ પ્રબળ થાય છે. ફોકસ જીવનમાં વધે છે. જાગૃતતામાં પણ વૃદ્ધિ થાય છે. સ્ત્રીઓને
ફિઝિકલી અને મેન્ટલી સશક્ત કરવાના પ્રયાસમાં કલારીપયટ્ટુ ઘણી ઉપયોગી બની શકે છે.’
બીજી માર્શલ આર્ટની જેમ કલારીપયટ્ટુ ફક્ત શારીરિક પ્રૅક્ટિસ નથી પરંતુ જીવન જીવવાની રીત પણ છે. એ તમને નિયમબદ્ધતા, ખુદ પર અંકુશ અને અઢળક નૈતિક મૂલ્યો એના દ્વારા જીવનમાં ઊતરે છે. - બલરાજ સોની, કલારી ફૅલિસિટેટર