Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ગરમીમાં ગુણકારી એવાં શેતૂર

ગરમીમાં ગુણકારી એવાં શેતૂર

Published : 24 May, 2023 04:32 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

આમ તો બેરીઝ ઠંડા પ્રદેશોના ફળ તરીકે ઓળખાય એટલે કોઈને લાગી શકે છે કે બેરીઝ હંમેશાં શિયાળામાં જ આવે, પરંતુ શેતૂર એટલે કે મલબેરી ઉનાળાનું ફળ છે. મુંબઈમાં આ ફળ ખૂબ સરળતાથી નથી મળતું પરંતુ આજે તેના ગુણ જાણ્યાં પછી તમે ચોક્કસ તેને શોધવાના પ્રયાસો કરશો

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

ઇટ વેલ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


શેતુરમાં સોડિયમ, પોટૅશિયમ કે શુગરની માત્રા વધુપડતી નથી એટલે કિડનીના, હાર્ટના, ડાયાબિટીઝના કે ફેફસાના દરદીઓ આ ફળ બાઉલ ભરીને વગર કોઈ રોકટોકે ખાઈ શકે છે. 


ગરમીના દિવસોમાં ફળોનો રાજા આવે છે. એ રાજાની આગળ આપણે કશું જોતાં-જાણતાં જ નથી. ફળોની દુકાને ગયા અને બસ, કેરીના સૂંડલાના સૂંડલા ઉપાડી આવ્યા. ભારતમાં ભલે રાજાશાહી ખતમ થઈ ગઈ પણ ફળોમાં હજી પણ એ જ ચાલે છે. એક રીતે જોવા જઈએ તો ફળોમાં લોકશાહી જરૂરી છે. કેરીને ભલે વડા પ્રધાન જેટલું માન આપો પણ બાકીના તરબૂચ, ટેટી, તાડગોળા, લીચી, દ્રાક્ષ, જાંબુ, સફેદ જાંબુને પણ મિનિસ્ટર જેટલું તો માન મળવું જ જોઈએ. ખાસ ગરમીમાં આવતાં ફળોમાં એક એવું ફળ પણ છે જેને આપણે ભૂલી ગયા છીએ. એ ફળ છે શેતૂર, જેને અંગ્રેજીમાં મલબેરી કહે છે. સમય જાય એમ પરંપરાઓ બદલાતી જાય છે. આજકાલ આપણે બધા એસીમાં જ જીવીએ છીએ એટલે ગરમીને મારવા માટે આ ખાવું કે તે ખાવું જેવી વાતો આપણને ખાસ કામની નથી લાગતી. પરંતુ પહેલાંના સમયમાં ગરમી આવે એટલે શેતૂર લોકો ખૂબ ખાતા. એક સમયે શેતૂરનું શરબત ગુજરાતી ઘરોમાં ખાસ્સું પ્રચલિત હતું. શેતૂરના નામ સાથે દાદા-દાદીઓને ચોક્કસ તેમનો જમાનો યાદ આવી ગયો હશે જેમાં આખી રેંકડી ભરીને માણસ ઠંડાં-મીઠાં  શેતૂર... શરીરમાં તરવરાટ લાવી દેનારાં શેતૂર... એવી રાડો પાડીને વેચવા માટે નીકળતો. ઘણાં ઘરોમાં બપોરે ૩-૪ વાગ્યે બસ શેતૂરની જયાફત ચાલતી હોય. 



સરળતાથી મળતી નથી 


મુંબઈગરાઓ માટે બેરીઝ ખાવાનાં હોય તો એ ડિસેમ્બરની જ રાહ જોતા હોય છે. સ્ટ્રૉબેરી મોટા ભાગના મુંબઈગરાઓનાં ફેવરિટ બેરીઝ છે. બેરીઝ હંમેશાં ઠંડા પ્રદેશોમાં મળતાં હોય છે એવો ભાસ હોવાને કારણે લોકોને લાગે છે કે બેરીઝ શિયાળાનું ફળ છે પણ મલબેરી એટલે કે શેતૂર ઉનાળામાં મળતાં અને ખવાતાં બેરી છે, જે ઊગે છે તો ઠંડા પ્રદેશોમાં જ પણ ઉનાળામાં ઊગે છે. એટલે જ મહાબળેશ્વર શિયાળામાં આપણે જઈએ ત્યારે કહીએ કે સ્ટ્રૉબેરી સિવાયનાં મલબેરી કે બ્લૅકબેરી મળશે કે તો મળે તો છે, પરંતુ ભાગ્યે જ કોઈ વેચતું હોય. સ્ટ્રૉબેરીની માત્રામાં મલબેરી મુંબઈમાં મળતાં નથી. અત્યારે પણ તમારા ફળવાળાને કહેશો કે ભાઈ શેતૂર લાવી આપ તો એ તમને ટાળશે. કહેશે આવતાં જ નથી પણ આજે એના ફાયદાઓ જાણીને તમને પ્રેરણા ચોક્કસ મળશે કે બજારમાં જ્યાં પણ શેતૂર મળતાં હોય એ શોધી આવીએ અને ઘરે લેતા આવીએ. આ બહાને પણ જૂના દિવસો વાગોળવા મળે તો એનાથી રૂડું શું? 

હાસપર લોકલ ફળો શેતૂર ત્રણ રંગનાં મુખ્યત્વે મળતાં હોય છે - સફેદ, લાલ અને કાળાં. મુંબઈમાં મોટા ભાગે કાળાં અને નસીબ થોડાં સારાં હોય તો લાલ પણ જોવા મળે. બાકી સફેદ શેતૂર મુંબઈમાં મળતાં નથી. હકીકતે કાળા શેતૂર દક્ષીણ-પશ્ચિમી એશિયન દેશોમાં ઉગે છે. સફેદ શેતૂર મોટે ભાગે ચીનમાં ઊગે છે અને ત્યાં રેશમના કીડાના સંવર્ધન માટે કામ લાગે છે, જ્યારે લાલ રંગનાં શેતૂર અમેરિકા જેવા દેશોમાં વધુ જોવા મળે છે. આમ શેતૂર એવાં બેરીઝ છે જે દુનિયાના જુદા-જુદા ખૂણે છૂટાછવાયા જોવા મળે છે. એની વાત કરતાં ન્યુટ્રિશનિસ્ટ યોગિતા ગોરડિયા કહે છે, ‘શેતૂર મુખ્યત્વે હાઇપર લોકલ ફળ ગણાય. એટલે એ જેવું ઝાડ પર તૈયાર થાય કે એ જ દિવસે ખાઈ લેવું પડે. આ ફળ એવું છે કે એને સવારથી સાંજ પણ રાખી ન શકાય. સાંજ પડતાં એ ખરાબ થઈ જાય છે. આમ જો તમે એ ઘરે પણ લાવો તો તરત ખાઈ લો એ જરૂરી છે. હાઇપર લોકલ ફળોની વિશેષતા એ છે કે એ અત્યંત ગુણકારી હોય છે. એમાંથી જે પોષણ મળે છે એની તુલના સાધારણ ફળો સાથે કરી શકાય જ નહીં.’


વ્યવસ્થિત સાફ કરવાં જરૂરી

શેતૂર અત્યંત નાનકડાં હોય છે અને એની સપાટી એકદમ દાણેદાર હોય છે. એ વિશે વાત કરતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘એને સાફ કરવાં અત્યંત જરૂરી છે. એની દાણેદાર સપાટીમાં ઘણાં પેસ્ટિસાસડ્સ ફસાયેલાં હોય છે. એ એટલું નાજુક ફળ છે કે એને ગરમ પાણીમાં નખાય નહીં કે અત્યંત ઠંડું પાણી પણ એના માટે સારું નથી. એને ઘસીને પણ ધોઈ શકાય નહીં. એને રૂમ ટેમ્પરેચરવાળા પાણીમાં દસેક મિનિટ બોળી રાખો. એના પછી ૧-૨ પાણીએ ધોઈને મલમલના કપડા પર રાખી દો. પાણી સુકાઈ જાય પછી ખાઈ શકાય.’ 

આયર્નની માત્રા અઢળક 

શેતૂર લાલ કે કાળા રંગનાં હોય છે, જે રંગ જ સૂચવે છે કે એ કેટલું પોષણયુક્ત છે. એ વિશે વાત કરતાં ન્યુટ્રિશનિસ્ટ કેજલ શાહ કહે છે, ‘કાળી દ્રાક્ષ, ખજૂર, બીટ, દાડમ આ બધાં પ્રાકૃતિક તત્ત્વો લાલ-કાળા રંગનાં હોય છે. આ રંગ જ છે જે એના ગુણોની ચાડી ખાય છે. એ સૂચવે છે કે એમાં આયર્નની માત્રા ભરપૂર પ્રમાણમાં હોય છે. એટલે બાળકો, સ્ત્રીઓ અને વડીલોએ એ 
ખાવાં જ જોઈએ, કારણ કે હીમોગ્લોબિનની માત્રા કોઈ ને કોઈ કારણોસર ઓછી હોત તો એની પૂર્તિ થાય છે.’ 

દરેક પ્રકારના દરદીઓ ખાઈ શકે 

શેતૂરના ફાયદા ગણાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘શેતૂરમાંથી વિટામિન C, વિટામિન K, આયર્ન ભરપૂર માત્રામાં મળે છે. આ ફળમાં કાર્બોહાઇડ્રેટ્સ કે શુગરનું પ્રમાણ નહીં બરાબર છે. આ એક ફળ એવું છે કે એને કોઈ પણ પ્રકારના દરદીઓ ખાઈ શકે છે. એમાં સોડિયમ કે પોટૅશિયમની માત્રા વધુપડતી નથી એટલે કિડનીના, હાર્ટના કે ફેફસાના દરદીઓ આ ફળ બાઉલ ભરીને વગર કોઈ રોકટોકે ખાઈ શકે છે. ડાયાબિટીઝના દરદીઓ પણ શેતૂર યોગ્ય પ્રમાણમાં ખાઈ શકે છે, કારણ કે આ ફળમાં નુકસાન થઈ શકે એવું કશું જ નથી. ઊલટું ફાયદા અઢળક છે.’ 

ઉનાળામાં ગુણકારી 

શેતૂર ઉનાળાનું ફળ છે એટલે ઉનાળાની ગરમીમાં એ અત્યંત ગુણકારી છે. એ વિશે જણાવતાં કેજલ શાહ કહે છે, ‘સ્ક્રીન પર આખો વખત બેઠા રહેતાં બાળકો અને વડીલો માટે શેતૂર ઘણાં ગુણકારી છે, કારણ કે એમાં રહેલું કેરોટીન આંખ માટે ઘણું ગુણકારી સાબિત થાય છે અને સૂકી આંખ જેવી તકલીફોથી બચાવે છે. ઉનાળામાં પાચન મંદ પડી જાય છે એટલે કોઈ પણ વસ્તુ પચતી નથી અને એને કારણે ગૅસ અને ઍસિડિટી જેવી સમસ્યા થતી હોય છે. શેતૂર પાચન માટે ખૂબ જ સારાં છે. એમાં રહેલાં ફાઇબર્સ તમારું પાચન પ્રબળ બનાવે છે. બેરી હોવા છતાં એ એવું ફળ નથી જેનાથી ઍસિડિટી થાય, કારણ કે વિટામિન C સારી માત્રામાં છે પરંતુ ખટાશ એટલી નથી કે તમને એ માફક ન આવે. ઉનાળામાં આમ પણ લોકોમાં પિત્ત અને ઍસિડિટીની સમસ્યા વધુ હોય છે જે શેતૂરથી ઊલટું દૂર કરી શકાય છે. એટલે જ ઉનાળામાં શેતૂરનું શરબત લોકો પીતા. એનાથી ઉપરી નહીં, આંતરિક ટાઢક મળે છે.’ 

કઈ રીતે ખવાય? 

શેતૂર આમ તો આખાં જ ખવાય પણ એનો જૂસ બનાવીને પી શકાય છે. એમાં એનું ફાઇબર નકામું જતું નથી, કારણ કે શેતૂરનો જૂસ ગાળીને પીવાની જરૂર નથી; એ સીધો જ પી શકાય છે. શેતૂરના શરબતમાં ખાંડ નાખવામાં આવે છે પણ એટલી ખાંડ અનહેલ્ધી ગણાતી નથી ઊલટી ઉનાળાની ગરમીમાં એ એનર્જી આપે છે. છતાં ઉનાળામાં એના શરબતમાં સંચળ કે ફુદીનો નાખીએ તો એ વધુ ગુણકારી બને છે. ફુદીનો એને વધુ પાચક બનાવે છે અને સંચળ ઉનાળામાં થતી મીઠાની કમી પૂરી કરે છે. આ સિવાય શેતૂરને દહીંમાં ફેટીને એની સ્મૂધી કે લસ્સી પણ બનાવી શકાય છે, જે ખૂબ સારી લાગે છે. 

શેતુરને રૂમ ટેમ્પરેચરવાળા પાણીમાં દસેક મિનિટ બોળી રાખો. એના પછી ૧-૨ પાણીએ ધોઈને મલમલના કપડા પર રાખી દો. પાણી સુકાઈ જાય પછી ખાઈ શકાય. - યોગિતા ગોરડિયા

Whatsapp-channel Whatsapp-channel

24 May, 2023 04:32 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK