કિડનીમાં સોજો હોય તો દૂર્વાના કાઢાથી અંદર ભરાઈ રહેલો કચરો નીકળે છે
પૌરાણિક વિઝડમ
પ્રતીકાત્મક તસવીર
ત્વચા અને લોહીની અશુદ્ધિના વિકારોમાં ગણેશપ્રિયા દૂર્વા બહુ જ અકસીર છે. પિત્ત સંબંધિત દાહ અને બળતરાની સમસ્યાથી જે ઘાસે ગજાનનને મુક્તિ અપાવી હતી એના દુર્લભ લાભો અનેક છે. મૉડર્ન સાયન્સ એની શીતવીર્ય પ્રૉપર્ટી પર બહુ મોટા પાયે સંશોધન કરી રહ્યું છે ત્યારે જાણીએ દૂર્વાના ગુણો વિશે
ગણેશદર્શન કરવા જતી વખતે સૌ પ્રભુને દૂર્વા લઈને જરૂર જાય છે. જેમ ભગવાન શંકરને બીલીપત્ર અને વિષ્ણુજીને તુલસી ખૂબ પ્રિય છે એમ ગણપતિજીને દૂર્વા પ્રિય છે ને એટલે તેમને રીઝવવા માટે આ લીલા ઘાસનો ખાસ ઉપયોગ થાય છે. દિવ્ય ઔષધિઓમાં પણ તુલસી પછી દૂર્વાને જ યાદ કરવામાં આવે છે. સંસ્કૃતમાં દૂર્વાનો અર્થ થાય છે પ્રાણીઓ દ્વારા કાપીને જે ખવાય છે એ. એની ઠંડી પ્રકૃતિને કારણે એને શીતવીર્યા પણ કહેવાય છે.
ADVERTISEMENT
આયુર્વેદના પૌરાણિક ગ્રંથોમાં પણ દૂર્વાનો મહિમા લખાયો છે. રાજ નિઘંટુ અને ધન્વંતરિના કહેવા મુજબ રક્ત અને પિત્ત સંબંધિત વિકારોમાં તેમ જ ગરમીને કારણે થતી બળતરામાં દૂર્વા ખૂબ અકસીર છે. ભગવાનને ચડાવવા માટે મોટા ભાગે લીલી દૂર્વા વાપરીએ છીએ, પણ આયુર્વેદમાં બે પ્રકારની દૂર્વાનું વર્ણન થયું છે ઃ એક સફેદ અને બીજી લીલી. ઔષધીય ગુણોની દૃષ્ટિએ સફેદ દૂર્વા વધુ ગુણકારી મનાય છે. લીલી દૂર્વા સ્વાદમાં મધુર અને શીતળ છે. દૂર્વાનું ઘાસ મૂળ સહિત જ ઔષધમાં વપરાય છે. મૉડર્ન સાયન્સે આ ઘાસ પર પણ પ્રયોગો કરવાનું છોડ્યું નથી. એમાં શરીરને ઝેરી તત્ત્વોના નિકાલમાં મદદ કરે એવાં મિનરલ્સ, વિટામિન એ, સી અને ડી રહેલાં છે એવું સાબિત થયું છે. લીલી અને શ્વેત દૂર્વાને ત્વચાના વિકારો સુધારનારી અને વર્ણ નિખારનારી કહેવાય છે. અત્યારે તો ગણેશજીના પંડાલમાં દૂર્વાની પુડી એ ડેકોરેશન અથવા તો આસ્થાનું માધ્યમ માત્ર બનીને રહી ગઈ છે, પરંતુ મહર્ષિ સુશ્રુતે લીલી અને શ્વેત બન્ને દૂર્વાને ત્વચાનો રંગ અને વિકાર સુધારનારી ગણાવી છે.
ત્વચાવિકારમાં દૂર્વા
લીલી દૂર્વા સ્વાદમાં મધુર અને ગુણમાં શીતળ છે. ચામડીના મોટા ભાગના રોગો રક્ત અને પિત્તની દુષ્ટિને કારણે ઉદ્ભવતા હોય છે. દૂર્વાનો રસ શરીરમાં રહેલાં ઝેરી તત્ત્વોનું રેચન કરે છે. શરીરમાં બળતરા થતી હોય, ખણજ આવતી હોય ત્યારે દૂર્વા વપરાય છે. હર્પીસ ઝોસ્ટર નામના વાઇરલ રોગ જેમાં શરીરે અસહ્ય બળતરા ઊપડે છે એમાં દૂર્વા સિવાય કોઈ ઔષધિ આરામ નથી આપતી.
સ્ત્રીઓને રક્તવિકાર થયો હોય અને ખૂબ જ બ્લીડિંગ થતું હોય તો રોજ દૂર્વાના કાઢાનું સેવન તકલીફ પર થોડા જ દિવસમાં અસર દેખાડે છે. વધુપડતા બ્લીડિંગને કારણે ક્યારેક ગર્ભાશયની થેલી કાઢી નાખવાની નોબત આવી હોય ત્યારે ઔદુંબરાવલેહની સાથે દૂર્વા, નાગકેસર, અરડૂસી, અનંતા જેવાં દ્રવ્યો અને દૂર્વાનો કાઢો અકસીર નીવડે છે અને ગર્ભાશયનું ઑપરેશન ટાળી શકાય છે. માસિક પૂરતું ન આવતું હોય અને ગર્ભાશયમાં કચરો ભરાઈ રહેતો હોય તો એ માટે પણ દૂર્વા કામ આવે છે, પણ એ માટે સૂકવેલી દૂર્વાનો પાઉડર લેવાય છે. ત્રણ મહિના સુધી આ પ્રયોગ કરવાથી માસિકથી આંતરિક અવયવોની સ્વચ્છતા જળવાય છે.
કિડનીમાં સોજો હોય તો દૂર્વાના કાઢાથી અંદર ભરાઈ રહેલો કચરો નીકળે છે. પેશાબમાં બળતરા હોય કે ધૂંધળું યુરિન આવતું હોય તો દૂર્વાનાં લીલાં પાન વાપરવાં જોઈએ. શરીરમાં રક્તસ્રાવ થતો હોય ત્યાં દૂર્વાનો રસ દિવસમાં ત્રણથી ચાર વાર લગાવવાથી લોહી નીકળતું બંધ થઈ જાય છે. આંતરિક અવયવોમાંથી લોહી પડતું હોય ત્યારે પણ દૂર્વા કામ આવે છે.
દૂર્વાનો રસ શરીરમાં રહેલાં વિષતત્ત્વોનું રેચન કરે છે. ક્યારેક વધુપડતી એલોપૅથિક દવાઓ લેવાથી અથવા તો આડઅસર થઈ હોય તો એમાં પણ એ સહાયક બને છે. એપિલેપ્સી અને હિસ્ટેરિયા જેવા રોગોની દવામાં પણ એનો ઉપયોગ થાય છે.
પડવા-વાગવાને કારણે સોજો અને બળતરા થતા હોય તો દૂર્વાની પેસ્ટ કરીને એની પર લગાવવાથી રાહત થાય છે.
ગામડાંમાં તો આ ઘાસને ઝેર ઉતારવાનું હાથવગું ઔષધ માનવામાં આવે છે. વીંછી કરડે ત્યારે તન સળગાવી નાખે એવી અગન ઊપડે છે એમાં દૂર્વાને વાટીને એનો ૩૦થી ૪૦ મિલીલિટર જેટલો રસ પીવડાવવાથી બળતરા શમે છે અને ઝેર ઊતરી જાય છે.
હર્પીસ ઝોસ્ટર જેવા વાઇરલ ઇન્ફેક્શનમાં શરીરની બળતરા શમાવવા માટે તેમ જ વીંછીના ઝેર માટે દૂર્વાનો રસ ખૂબ જ અક્સીર મનાય છે.