ઉંમર વધે એમ શરીરમાં જુદા-જુદા પ્રૉબ્લેમ્સ આવ્યા જ કરે.
ઑ .પી .ડી
પ્રતીકાત્મક તસવીર
હું ૭૭ વર્ષનો છું અને મને મૅક્યુલર ડીજનરેશનનું નિદાન થયું છે. જોવામાં તકલીફ પડે છે. ઉંમર સાથે આવતી આ દૃષ્ટિની તકલીફ તો સામાન્ય છે. છતાં ડૉક્ટર કહે છે કે અમુક પ્રકારનાં ઇન્જેક્શન આવે છે જેનાથી રાહત રહેશે. આ ઇલાજ કરાવવો કે નહીં એની અસમંજસ છે. મારા મિત્રો કહે છે કે હવે ઉંમર થઈ તો રહેવા દો, શું ફરક પડે છે; બધું ધીમે-ધીમે નબળું પડતું જવાનું જ છે. જોકે મને જોવામાં પડતી તકલીફથી પ્રૉબ્લેમ છે. જીવન કેટલું છે એ ખબર નથી, પણ જેટલું છે એટલું જોઈને જવા માગું છું. શું હું ખોટો છું?
તમે મોકલાવેલા રિપોર્ટ્સ અનુસાર તમને વેટ મૅક્યુલર ડીજનરેશન છે. ઉંમરને કારણે દૃષ્ટિ નબળી પડવાના કે અંધાપો આવવાનાં કારણોમાંનું એક મહત્ત્વનું કારણ છે મૅક્યુલર ડીજનરેશન. વેટ મૅક્યુલર ડીજનરેશનમાં હમણાં ઉપલબ્ધ નવા ઇલાજ મુજબ અમુક પ્રકારનાં ઇન્જેક્શન આંખમાં આપવામાં આવે છે જેના દ્વારા આંખના ડૅમેજને અટકાવી શકાય છે. એમાં બે વર્ષના ગાળામાં ૧૪ ઇન્જેક્શન લેવાં જરૂરી બને છે. આ રોગના પ્રકારમાં તમને તકલીફ થાય અને જેટલા જલદી તમે ડૉક્ટર પાસે પહોંચી શકો એટલો વધુ ફાયદો થાય છે.
ઉંમર વધે એમ શરીરમાં જુદા-જુદા પ્રૉબ્લેમ્સ આવ્યા જ કરે. આજથી ૩૦ વર્ષ પહેલાં લોકોએ એ વાત સ્વીકારી લીધી હતી કે ઉંમર સાથે કેટલીક તકલીફ આવે જેને સહન કરવી પણ પડે. કેટલાય વડીલો એવા હતા અને આજે પણ કેટલાક એવા છે જેઓ માને છે કે મોટી ઉંમરે ઇલાજની જરૂર નથી, કારણ કે ઉંમર સાથે તકલીફો તો આવે જ છે. આજકાલ થોડો સમય બદલાયો છે. એક વૃદ્ધ વ્યક્તિ પણ વિચારે છે કે તેને એક ક્વૉલિટી લાઇફ જીવવા મળે એ જરૂરી છે. આજના વડીલો માંદા પડી, અશક્ત બનીને કોઈના પર નિર્ભર રહેવામાં માનતા નથી. એટલે લોકો પહેલાં કરતાં હેલ્થનું વધુ ધ્યાન રાખવા લાગ્યા છે, ઇલાજ અને રોગથી બચાવ બંને જરૂરી પાસાંઓ પર તેઓ ધ્યાન આપવા લાગ્યા છે. ઉંમર સાથે આમ તો ઘણી તકલીફો ચાલુ થાય છે જેમાં હાડકાં ઘસાવા, સ્નાયુઓ લચી પડવા, માનસિક રીતે ધીમું પડવું, શારીરિક ક્ષમતામાં ઘટાડો થવો જેવી ઘણી પરિસ્થિતિ ઉદભવે છે. એમાંની એક મહત્ત્વની પરિસ્થિતિ છે દૃષ્ટિ પર અસર. ઉંમર થાય એટલે દૃષ્ટિ નબળી પડે અને જોવાનું ધીમે-ધીમે ઓછું થતું જાય. આ પરિસ્થિતિમાં ઇલાજ કરાવવો જ જોઈએ. તમે ઇલાજ કરાવીને કશું ખોટું નથી કરતા.