દુખાવાવાળી જગ્યાએ સહેજ મસાજ કરીને એક નીડલ નાખીને થોડુંક રક્ત કાઢી લેવામાં આવે છે.
ઓ.પી.ડી.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
મારી ઉંમર ૬૧ વર્ષની છે. પાંચેક વર્ષથી મને પગની એડીમાં દુખાવો થાય છે. પહેલાં માત્ર શિયાળામાં જ દરદ હતું, પણ હવે તો પગ જમીનને અડાડી નથી શકાતો. ડૉક્ટરને બતાવ્યું તો એક્સ-રે કાઢ્યો અને નિદાન થયું કાલ્કેનિયમ સ્પરનું. પીડા માટે ડૉક્ટરે એડીમાં દવાનાં ઇન્જેક્શન્સ લેવાનું કહ્યું. એનાથી સારું પણ રહ્યું, જોકે માંડ બે મહિના માટે. ચોમાસું આવ્યું છે ત્યારે તો દુખાવો ખૂબ વધી જાય છે. પણ આમ વારંવાર કેટલી વાર ઇન્જેક્શન્સ લેવાં. ઑપરેશન કરીને હાડકી કપાવી નાખવાથી ફરક પડે? આયુર્વેદમાં પીડાનો કોઈ ઇલાજ ખરો?
પીડાના શમન માટે તમને જે ઇન્જેક્શન્સ અપાય છે એ લાંબા ગાળે ફાઇબ્રોસિસ થઈને કડક થઈ જાય છે. ઇન્જેક્શનની રાહત લાંબી નહીં ચાલે. શરીરમાં જ્યાં-જ્યાં વાયુ વધે છે ત્યાં-ત્યાં વેદના થથી હોવાથી વાયુ સંતુલિત કરતી સારવાર લેવી. પીડાના શમન માટે આયુર્વેદમાં શેકનો ઉપાય છે. શેક લેવાની પદ્ધતિ જરાક જાણી લેવી જરૂરી છે.
પહેલાં એક ઈંટ લો. એને ગેસ કે ચૂલા પર ખૂબ ગરમ કરો. લગભગ અડધો કલાક સુધી ગરમ કરીને બરાબર લાલચોળ થાય ત્યાં સુધી તપાવો. એ પછી ઇંટને લોઢાની કડાઈમાં મૂકી દો. બીજી તરફ બરફવાળા પાણીમાં ખૂબબધું મીઠું નાખીને એનું સૉલ્યુશન તૈયાર કરો. થોડુંક-થોડુંક આ પાણી ગરમા-ગરમ ઇંટ પર રેડો. એમ કરવાથી ઇંટમાંથી વરાળ નીકળશે અને એ વરાળમાં તમે અફેક્ટેડ એડીના ભાગે શેક કરો. આનાથી પીડામાં સારીએવી રાહત રહેશે.
બાકી આયુર્વેદમાં ઇન્સ્ટન્ટ રિલીફ માટે વેધનકર્મનો ચમત્કારિક ઉપાય છે. પગની પીડા એટલી હોય કે પગ જમીન પર પણ મૂકી ન શકાતો હોય, પરંતુ વેધન ચિકિત્સા કરાવ્યા પછી તરત જ પગે ચાલીને જઈ શકે છે. આમાં દુખાવાવાળી જગ્યાએ સહેજ મસાજ કરીને એક નીડલ નાખીને થોડુંક રક્ત કાઢી લેવામાં આવે છે. અનુભવી વૈદ્ય પાસે આ પ્રક્રિયા કરાવશો તો તરત રિલીફ મળશે. ખાસ કરીને કાલ્કેનિયમ સ્પરના દરદીઓ માટે આ અક્સીર ઉપાય છે.
મોંએથી લેવાની ઔષધ જો લેવી હોય તો ત્રિફળા ગૂગળનો પ્રયોગ કરી શકાય. આ રોગ વાયુના દરદને કારણે થાય છે એટલે કાચી મેથી પણ કામ કરે છે. રોજ સવારે અને સાંજે એક ચમચી મેથીનો પાઉડર ફાકવાથી વધેલા વાયુનું શમન થાય છે.