મારું પેઇન જતું રહ્યું એટલે મેં ફરીથી જિમ શરૂ કર્યું. બે દિવસમાં ફરીથી દુખાવો ચાલુ થઈ ગયો છે. હવે શું હું એકસરસાઇઝ નહીં કરી શકું?
ઓ.પી.ડી.
ઘૂંટણના દુઃખાવા માટેની પ્રતીકાત્મક તસવીર
હું ૪૭ વર્ષનો છું. ૩૫-૪૦ વર્ષ સુધી હું એક રનર હતો. મેં ઘણી મૅરથૉનમાં ભાગ લીધો છે. જોરે ઘરની અમુક પરિસ્થિતિને કારણે રનિંગ છોડવું પડ્યું. હાઇટ ૫.૧૧ ફુટ છે. દોડવાનું છોડ્યા પછી મારું વજન ૬૮થી વધીને ૭૯ કિલો જેટલું થઈ ગયું છે. વજન ઘટાડવા મેં દોડવાનું ફરી શરૂ કર્યું. એ માટે મેં જિમ જૉઇન કર્યું અને ટ્રેડમિલ પર દોડવાનું શરૂ કર્યું. તો બે જ દિવસમાં ઘૂંટણનો દુખાવો આવ્યો. મને ડૉક્ટરે ૧૫ દિવસ ફિઝિયો થેરપી લેવાનું કહ્યું. મેં એનો કોર્સ પૂરો કર્યો નહીં. મારું પેઇન જતું રહ્યું એટલે મેં ફરીથી જિમ શરૂ કર્યું. બે દિવસમાં ફરીથી દુખાવો ચાલુ થઈ ગયો છે. હવે શું હું એકસરસાઇઝ નહીં કરી શકું?
વજન ઉતારવા અને લાઇફને પહેલાં જેવી ઍક્ટિવ બનાવવા માટે સમજદારી જરૂરી છે. પહેલાં ફિઝિયો થેરપી પૂરી કરો અને પછી જ જિમ શરૂ કરો. ઉતાવળ ભારે પડશે. બધી જ એક્સરસાઇઝમાં ઘૂંટણ પર સામાન્ય કરતાં દસગણું વધુ પ્રેશર આવે છે. આ પ્રેશરને સહન કરવું અઘરું છે. આવી એક્સરસાઇઝ માટેની તૈયારી જો તમારી ન હોય તો આ એક્સરસાઇઝ તમારા ઘૂંટણને કાયમી ડૅમેજ કરી શકે છે. એટલે જરૂરી છે કે આ એક્સરસાઇઝ કરતાં પહેલાં તમે તમારા ઘૂંટણને સશક્ત કરો. એના માટે વેઇટ ટ્રેઇનિંગ મહત્ત્વની છે. જરૂરી નથી કે વધુ વજન, તમે એક-બે કિલો પણ જો તમારા પગ પર બાંધીને ઘૂંટણની એક્સરસાઇઝ કરી શકતા હો તો એનો અર્થ એ કે તમારા ઘૂંટણ સશક્ત છે. આ પ્રકારની એક્સરસાઇઝ નિયમિત કરો તો ઘૂંટણ સશક્ત રહેશે અને પછી તમે સ્ક્વોટ્સ, લન્જીસ કે જિમની એક્સરસાઇઝ કરી શકો છો. વ્યક્તિ જ્યારે દોડે છે ત્યારે ઘૂંટણના સ્નાયુઓને શૉક લાગતો હોય છે. એ જે ઝટકા લાગતા હોય છે એને કારણે ડૅમેજ થતું હોય છે. જે લોકો કાર્ડિયો એક્સરસાઇઝના ભાગરૂપે રનિંગ પસંદ કરે છે તેઓ ટ્રેડમિલ પર ભાગવાનું તો રહેવા જ દે. જો ભાગવું હોય તો જિમમાં જતાંની સાથે જ ટ્રેડમિલ ન કરો. ૧૫ મિનિટ સાઇક્લિંગ, ૧૫ મિનિટ ક્રિસ-ક્રૉસ કર્યા પછી ૧૫ મિનિટ ટ્રેડમિલ કરી શકો છો. ૪૦ વર્ષ પછી જો તમે દોડતા હો તો પહેલી જરૂરિયાત એ છે કે તમે તમારા ઘૂંટણના સ્નાયુઓને સશક્ત બનાવો. એ સશક્ત ત્યારે જ બનશે જ્યારે તમે અલગથી એને સશક્ત બનાવવાની એક્સરસાઇઝ કરો.