ડાયાબિટીઝના દરદીઓ માટે આ બેસ્ટ છે પણ એમાં કયું ગળપણ વપરાય છે અને એ કેમ જરૂરી છે એ સમજ્યા વિના જ આ ચીજને શુગર-ફ્રી કરી દેવાથી એ ઔષધ નહીં, ઉપાધિજનક થઈ શકે છે
પૌરાણિક વિઝડમ
શુગર-ફ્રી ચ્યવનપ્રાશ વધુ સારો?
તમામ મોટી આયુર્વેદિક દવા બનાવતી કંપનીઓ હવે શુગર-ફ્રી ચ્યવનપ્રાશ વેચવા લાગી છે. એવો દાવો થાય છે કે ડાયાબિટીઝના દરદીઓ માટે આ બેસ્ટ છે પણ એમાં કયું ગળપણ વપરાય છે અને એ કેમ જરૂરી છે એ સમજ્યા વિના જ આ ચીજને શુગર-ફ્રી કરી દેવાથી એ ઔષધ નહીં, ઉપાધિજનક થઈ શકે છે
ગયા અઠવાડિયે આપણે ચા-કૉફી કે દૂધની સાથે ગોળ લેવાની વાત કરેલી. એ વાંચીને કેટલાક વાચકોએ ચ્યવનપ્રાશ વિશે સવાલ કર્યો છે કે આજકાલ ચાલેલા શુગર-ફ્રી ચ્યવનપ્રાશના ટ્રેન્ડનું શું? શિયાળામાં ચ્યવનપ્રાશનું સેવન બળવર્ધક અને આખા વર્ષ માટેનું રક્ષાકવચ આપવાનું કામ કરે છે, પણ ડાયાબિટીઝને કારણે અમે એ નથી લઈ શકતા તો શું શુગર-ફ્રી ચ્યવનપ્રાશ લઈ શકાય? છેલ્લાં બે વર્ષમાં તો પૅન્ડેમિક દરમ્યાન શિયાળો જ નહીં, બારેમાસ ચ્યવનપ્રાશ લેવાની હિમાયત થતી આવી હોવાથી ઘણા લોકો એ પણ સવાલ કરે છે કે કઈ બ્રૅન્ડનો ચ્યવનપ્રાશ વધુ સારો.
મારી પાસે આવતા લગભગ દસમાંથી પાંચ જણને શુગર-ફ્રી ચીજોનું ઘેલું લાગેલું હોય છે. રિફાઇન્ડ શુગર કોઈ પણ કાળે અનહેલ્ધી જ છે એ હું વારંવાર કહી ચૂક્યો છું, પણ સાથે એ પણ કહું છું કે શુગરને માત્ર કાર્બોહાઇડ્રેટ, ગળપણ કે કૅલરી સાથે જ ન સાંકળવામાં આવે. શુગર એટલે કે ગળપણનાં જે નૅચરલ ફૉર્મ્સ છે એનું આપણા આહારમાં બહુ જ મહત્ત્વ છે. માત્ર આહારમાં જ નહીં, ઔષધમાં પણ એટલું જ મહત્ત્વ છે. કોઈ પણ ઔષધનું ગોળ સાથે સંયોજન જુદી અસર કરે છે અને સાકર કે મધ સાથે કંઈક જુદી જ અસર આપે છે. ચ્યવનપ્રાશમાંથી શુગર એટલે કે ગળપણ કાઢી નાખવાથી એ ડાયાબિટીઝના દરદીઓ માટે હેલ્ધી થઈ જશે એવું માની લેવું એ નાદાનિયત સિવાય બીજું કંઈ નથી. એનું કારણ એ છે કે ચ્યવનપ્રાશમાં જે ગળપણ નાખવામાં આવે છે એ એના સ્વાદ માટે નથી હોતું, પણ ગુણ માટે હોય છે.
લગભગ ૩૦થી ૫૦ દ્રવ્યોથી બનતા ચ્યવનપ્રાશમાં આમળા મુખ્ય ઘટક છે અને બાકીની વન્ય જડીબુટ્ટીઓ છે. એ ઉપરાંત સાકર, ગાયનું ઘી અને મધ જેવી ચીજો પણ છે. આ બધાં દ્રવ્યોનું સંયોજન જે રીતે જે માત્રામાં કરવામાં આવે છે એનાથી શરીરનાં રસ, રક્ત, માંસ, મજ્જા, મેદ, અસ્થિ અને શુક્ર એમ સાતેય ધાતુઓનું પોષણ થાય છે. સ્વાભાવિક રીતે આ ઔષધ શિયાળામાં ખવાતું હોવાથી એમાં શરીરને ગરમાટો આપવાનું કામ કરતાં દ્રવ્યો વપરાયાં હોય. વન્ય જડીબુટ્ટીઓમાંથી કેટલાંક દ્રવ્યો ઉષ્ણ હોવાથી પિત્તપ્રકૃતિના લોકોએ એનું સમજીવિચારીને સેવન કરવું જોઈએ એવું પણ કહેવાય છે.
આટલું સમજ્યા પછી ફરી એ સવાલ પર આવીએ કે ચ્યવનપ્રાશ શુગર-ફ્રી હોય તો હેલ્ધી હોય? ચ્યવન ઋષિએ જે ઔષધદ્રવ્યોનું કૉમ્બિનેશન કરીને આ ઔષધ બનાવ્યું હતું એમાં કદી ખાંડનો ઉપયોગ થતો નહોતો. રાધર, આયુર્વેદમાં જ્યારે પણ જ્યાં શુગરનો ઉલ્લેખ થાય ત્યારે એ ખડી સાકર જ કહેવાય છે. ચ્યવનપ્રાશમાં સાકર વપરાય છે, જે એમાં વપરાતી ઉષ્ણ જડીબુટ્ટીઓના જલદ ગુણને સંતુલિત કરવા માટે હોય છે. હવે જ્યારે તમે શુગર-ફ્રીની વાત કરો ત્યારે એમાંથી ખડીસાકરની બાદબાકી કરી દેવામાં આવે અને એને બદલે ગોળ અથવા તો સિન્થેટિક આર્ટિફિશ્યલ શુગર કે નૅચરલ પ્લાન્ટ સ્ટેવિયાનો ઉપયોગ થાય. ખડી સાકરના જેટલા પણ વિકલ્પો છે એ કદાચ સ્વાદમાં ગળપણ આપી શકે છે, પણ ખડી સાકરના શાતાદાયક ગુણ નથી આપતા. કહેવાનો ભાવાર્થ એટલો જ કે પિત્તવર્ધક ઔષધોની સાથે ખડીસાકરનો વિકલ્પ આપતી ચીજો વાપરવાથી એ ઔષધના ગુણોનું સંતુલન નથી થતું.
શુગર-ફ્રી ચ્યવનપ્રાશ જ નહીં, માર્કેટમાં તૈયાર મળતો કોઈ પણ કંપનીનો ચ્યવનપ્રાશ ખરેખર આયુર્વેદમાં જણાવાયું છે એવી પ્રમાણભૂત જડીબુટ્ટીઓ સાથે બન્યો હોય એ પણ જરૂરી નથી. જાતે જ ઔષધદ્રવ્યો લાવીને બનાવેલા ચ્યવનપ્રાશની તોલે બીજી કોઈ જ કંપની ચડિયાતી નથી હોવાની એટલું યાદ રાખવું.
ADVERTISEMENT
તો કરવું શું?
હંમેશાં પ્રમાણભૂત રીતે બનેલો ચ્યવનપ્રાશ જ લેવો. જો એમાં રિફાઇન્ડ શુગર કે ગળપણ માટે સુક્રોઝ જેવું હલકું ગળપણ નહીં વપરાયું હોય તો એમાં જેટલું ગળપણ આવે છે એનાથી કંઈ જ નુકસાન નથી થવાનું. રોજ દસ ગ્રામ જેટલો ચ્યવનપ્રાશ નરણા કોઠે ધીમે-ધીમે ચાટીને લેવો. એ પછી પચીસેક મિનિટની હળવી કસરત કરવી મસ્ટ છે. ધારો કે તમને ડાયાબિટીઝ છે અને શુગર કન્ટ્રોલ કરવાનું મસ્ટ છે તો તમે દિવસભરમાં બીજી જે ચીજો લો છો એમાં ગળપણ પર કન્ટ્રોલ કરી લો.
ખડી સાકરના જેટલા પણ વિકલ્પો છે એ કદાચ સ્વાદમાં ગળપણ આપી શકે છે, પણ ખડી સાકરના શાતાદાયક ગુણ નથી આપતા.