શું આ રોગ અડવાથી પણ થાય? મારી મમ્મીને આ રોગ છે તો મને પણ આ રોગ થવાની સંભાવના ખરી? આ કારણે મારાં લગ્ન બાબતે કોઈ તકલીફ થવાની સંભાવના ખરી?
ઓ.પી.ડી.
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક
હું ૧૮ વર્ષની છું. મારી મમ્મીને હાલમાં સૉરાયસિસ થયું છે. પહેલાં તેને થોડી તકલીફ હતી, પરંતુ હવે એ વધી ગઈ છે. હવે તેને હાથ પર અને ખાસ કરીને કોણી પાસેના ભાગમાં પણ દેખાય છે. તે આજકાલ મને તેનાથી દૂર રાખવા લાગી છે. તેને ડર છે કે મને તેનો ચેપ લાગશે. શું આ રોગ અડવાથી પણ થાય? મારી મમ્મીને આ રોગ છે તો મને પણ આ રોગ થવાની સંભાવના ખરી? આ કારણે મારાં લગ્ન બાબતે કોઈ તકલીફ થવાની સંભાવના ખરી?
સૉરાયસિસ રોગ ચેપી નથી એટલે કે કોઈને થયો હોય અને તમે તેને અડી જાવ તો એ તમને થાય એવું નથી. એટલે તમે તમારી મમ્મીને સમજાવજો કે તે તમને તેનાથી દૂર ન રાખે. તમને તેમને અડવાથી આ રોગ નહીં થાય. આ રોગ પાછળ ઘણાં કારણો જવાબદાર છે. એનું નિશ્ચિત કારણ હજી સુધી શોધી શકાયું નથી એટલે સૉરાયસિસ કોને થાય અને કોને નહીં એ નિશ્ચિત રીતે ન કહી શકાય. આ એક ઑટો-ઇમ્યુન ડિસીઝ છે એટલે કે એ તમારી રોગપ્રતિકારક શક્તિનો જ એક પ્રકારનો રિસ્પૉન્સ છે જેમાં ચામડીના કોષો જલદી બને છે અને જલદી ખરે છે.
તમારી એ ચિંતા સાચી છે કે જો તમારી મમ્મીને હોય તો તમને પણ આ રોગ થઈ શકે. હા, એ જિનેટિક કારણોસર એટલે કે વારસાગત પણ આવી તો શકે છે. આમ જો તે પરિવારમાં હોય તો તમને આવી શકે છે. જોકે કયા પ્રકારના વાતાવરણમાં આ જીન્સ ઍક્ટિવ બને છે એના વિશે પણ કોઈ ખાસ તથ્યો મળ્યાં નથી. અમુક રોગોમાં લગ્ન કરતી વખતે મેડિકલ હિસ્ટરી તપાસવી જરૂરી બને છે. આ એ પ્રકારનો રોગ છે. જો પતિ-પત્ની બંનેને આ રોગ હોય અથવા તો બંનેના પરિવારમાં આ રોગ હોય તો બાળકને જિનેટિકલી સૉરાયસિસ થવાની શક્યતા ખૂબ વધી જાય છે. જો તમારા પિતાને પણ આ રોગ હોય તો તમને થવાના ચાન્સ વધી જાય છે. આ વિશે લોકોમાં ખાસ જાગૃતિ જોવા મળતી નથી, પરંતુ એ વિશે જાગૃત થવાની જરૂર છે. તમને સૉરાયસિસ થાય તો પણ લગ્નમાં તકલીફ એટલે ન થવી જોઈએ કારણ કે એનો ઇલાજ પણ છે અને દેખાવ સિવાય બાકી આ રોગ બીજી કોઈ રીતે વ્યક્તિને અસર કરતો નથી. એટલે ગભરાઓ નહીં. મમ્મીનો ઇલાજ કરાવો. એક સારા ડૉક્ટરને મળીને ઇલાજ લાંબો ચાલે તો પણ પૂરેપૂરો કરાવડાવો. આજના આધુનિક ઇલાજથી ઘણો ફાયદો થાય છે એટલે ગભરાઓ નહીં.