સેલ્ફ એક્ઝામિનેશન તો કરવાનું જ છે અને જો કઈ શંકાસ્પદ લાગે તો તાત્કાલિક ડૉક્ટર પાસે જવાનું જ છે, એ જરૂરી છે.
ઑ .પી .ડી
પ્રતીકાત્મક તસવીર
મારી ઉંમર ૩૫ વર્ષ છે. મારાં લગ્નને એક વર્ષ થયું છે. મારાં મમ્મીને હાલમાં બ્રેસ્ટ-કૅન્સરનું નિદાન થયું હતું. તેમની ટ્રીટમેન્ટ ચાલે છે. સર્જરી થઈ ગઈ છે અને કીમો શરૂ થયા છે. તેમની હાલત જોઈને હું ખૂબ ડરી ગઈ છું. એના માટે તો મને ડર લાગે જ છે, પરંતુ મને મારા માટે પણ ડર લાગે છે. મમ્મી તો ઘણી મજબૂત છે, હું એવી નથી. મને કૅન્સર થયું તો હું જીરવી નહીં શકું, એવું મને લાગે છે. શું આની તપાસ પહેલેથી શક્ય છે કે આ રોગ મને ભવિષ્યમાં થશે કે નહીં. જો એવી કોઈ ટેસ્ટ હોય તો હું કરાવવા માગું છું. એ વિશે મને માહિતી આપશો.
સારું છે કે તમને એ અંદાજ છે કે કૅન્સર જિનેટિકલી પણ ફેલાઈ શકે છે, પરંતુ એવું પણ નથી કે જિનેટિકલી કૅન્સર આવશે જ. જો તમારા ઘરમાં કૅન્સર છે તો તમને થવાની શક્યતા છે, પણ તમને થશે જ એવું નથી. માત્ર ૧૦ ટકા કૅન્સર આનુવંશિક હોય છે એટલે કે માતા-પિતા કે ઘરની કોઈ બીજી વ્યક્તિને કૅન્સર હોય તો તમને પણ થઈ શકે છે. આ માટે જો નિશ્ચિંત થવું હોય તો આંતરરાષ્ટ્રીય ગાઇડલાઇન્સ મુજબ જે દરદીઓની ઉંમર ૫૦થી નીચે છે તે દરદીઓને BRCA-1 અને BRCA-2 નામની જિનેટિક ટેસ્ટ કરાવવી જોઈએ. આ જીન્સ એ બ્રેસ્ટ-કૅન્સર માટે જવાબદાર જીન્સ છે. આ ટેસ્ટ દ્વારા ખબર પડશે કે મમ્મીને જે કૅન્સર થયું એ જિનેટિક છે કે નહીં.
ADVERTISEMENT
જો આ રિપોર્ટ નેગેટિવ આવે તો એનો અર્થ એમ કે મમ્મીને જે કૅન્સર થયું છે એ જિનેટિક નથી. તો મમ્મીને થયું છે એટલે તમને થશે એવું નથી, પરંતુ જો આ ટેસ્ટ પૉઝિટિવ આવી તો તમારી અંદર પણ આ જીન્સ રહેલા છે કે નહીં એ જોવું જરૂરી છે. જો તમારી અંદર પણ આ જીન્સ રહેલા હોય તો ઘણી બધી પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ પણ છે, જેના થકી તમને એ કૅન્સર ન થાય એનું ધ્યાન રાખી શકાય. આમ, ગભરાવાની જરૂર નથી. અહીં જો મમ્મીનો રિપોર્ટ નેગેટિવ આવે કે તમારો રિપોર્ટ પણ કરવો પડ્યો તો એનો અર્થ એ જ છે કે તમને જિનેટિક કૅન્સર નહીં થાય, પરંતુ બ્રેસ્ટ-કૅન્સર જ નહીં થાય એવો એનો અર્થ નથી. આમ, દરેક સ્ત્રીએ આ બાબતે સાવચેતી તો રાખવાની જ છે. સેલ્ફ એક્ઝામિનેશન તો કરવાનું જ છે અને જો કઈ શંકાસ્પદ લાગે તો તાત્કાલિક ડૉક્ટર પાસે જવાનું જ છે, એ જરૂરી છે.
અહેવાલ : ડૉ. જેહાન ધાબર