પરંતુ નવજાતને જેની જરૂર છે એ છે તેની માનું દૂધ.
ઓ.પી.ડી.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
મારી ડિલિવરી ડેટ આ મહિને છે. એક પેરન્ટિંગ બુકમાં મેં વાચ્યું છે કે બાળકને ૬ મહિના સુધી માના દૂધ સિવાય બીજું કઈ આપવું નહીં, જ્યારે અમારે ત્યાં ગળથૂથીનો રિવાજ છે, જેમાં એ મધ ચટાડે છે. મેં મારી મમ્મીને ના પાડી તો તે મને કહે છે કે વર્ષોથી બધાં બાળકોને ગળથૂથી ચટાડિયે જ છીએ, તો તારા બાળકને કેમ નહીં? એને કઈ નહીં થાય, એવી તે મને ધરપત આપે છે. આવું કરવું યોગ્ય છે? શું એનાથી બાળકને નુકસાન ખરું?
ગળથૂથી એટલે બાળકને જન્મ પછી તરત જે પહેલી વસ્તુ ખવડાવવામાં આવે એ, પરંતુ જો તમે ઇચ્છતા હો કે બાળકને સ્તનપાનમાં કોઈ જ તકલીફ ન રહે તો જન્મે એ પછી તરત જેટલું જલદી શક્ય છે એટલું તેણે સ્તનપાન કરવું જોઈએ. આજે પણ ગુજરાતી ઘરોમાં ગળથૂથીનું ઘણું મહત્ત્વ છે, પરંતુ આજના સમયે જન્મેલા બાળકને મધ ચટાડવાનું રિસ્ક ન લેવાય. રિવાજમાં કોઈ ખરાબી નથી, પરંતુ નવજાતને જેની જરૂર છે એ છે તેની માનું દૂધ. પહેલાંના સમયમાં અમુક લોકો માનું પીળું દૂધ બાળકને ન આપતા. ૩-૪ દિવસ પછી જ જ્યારે માને બરાબર દૂધ આવવા લાગે ત્યારે જ બાળકને સ્તનપાન કરાવતા, પરંતુ એ બરાબર નથી. બાળક જન્મે પછી એને તરત જ સ્તનપાન કરાવવું જોઈ અને એ પીળું દૂધ પણ આપવું જોઈએ. રહી વાત મધ ચટાડવાની તો એ બિલકુલ યોગ્ય નથી. બહારની કોઈ પણ વસ્તુ બાળકને આપવી જોઈએ જ નહીં. માના દૂધ સિવાય કોઈ પણ વસ્તુ તેને આપવી ઠીક નથી. એનાથી ઇન્ફેક્શન થવાનો ડર રહે છે. શિશુને થતું ઇન્ફેક્શન ઘાતક સાબિત થઈ શકે છે માટે આવું કોઈ પણ રિસ્ક ન જ લેવું જોઈએ. એ વાત સાચી કે આ પ્રથા ફોલો કરનાર બધાં બાળકો માંદા નથી પડતાં, પરંતુ એટલે તમારું બાળક પણ નહીં પડે એવું નથી હોતું.
ADVERTISEMENT
અહીં સમજવાનું એ છે કે મહત્ત્વ મધ ચટાડવું નથી, ગળથૂથી આપવી છે. એનો ઉપાય એ છે કે તમે તમારું દૂધ એક સાફ વાટકીમાં કાઢીને તમારી મમ્મીને આપજો. એ શરૂઆતનું ઘાટું પીળું દૂધ બાળકને ગળથૂથી તરીકે આપી શકાય. જે પણ વ્યક્તિ બાળકને પોતાના હાથે ગળથૂથી આપવા માગે છે એ આ મધને બદલે આ દૂધથી ગળથૂથી આપે, જેમાં રિવાજનું માન પણ રહી ગયું અને બાળકની હેલ્થ પણ સચવાઈ ગઈ.