તમે જે સ્ટ્રેસની વાત કરો છો એ સ્ટ્રેસ તો જીવનનો એક ભાગ છે અને એને દૂર કરવા માટે સ્મોકિંગ એ સાચો ઉપાય નથી જ.
ઓ.પી.ડી.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
હું બાવન વર્ષનો છું. સ્મોકિંગ હું વર્ષોથી કરું છું. વચ્ચે-વચ્ચે છોડી દઉં છું, પણ ફરી શરૂ કરી દઉં છું, કારણકે સંપૂર્ણ રીતે છોડી શકતો નથી. હાલમાં રૂટીન ચેક-અપમાં મારી શુગર હાઈ આવી હતી અને એ પછી જરૂરી ટેસ્ટ કરાવી તો ખબર પડી કે મને ડાયાબિટીઝ છે. ડાયાબિટીઝને કારણે જ મારા પપ્પા ગુજરી ગયા છે. આ રોગ બને કે મને વારસામાં મળ્યો હોય, પરંતુ મેં એવું પણ સાંભળ્યું છે કે એનું મૅનેજમેન્ટ યોગ્ય કરો તો વાંધો આવતો નથી. એ માટે મેં જે ડૉક્ટરને કન્સલ્ટ કર્યા તે કહે છે કે સ્મોકિંગ છોડવું જ પડશે. સાચું કહું તો ધંધામાં ખૂબ સ્ટ્રેસ રહેતો હોવાને કારણે સિગારેટ તો પીવી જ પડે. ધંધો છોડી શકાય નહીં. જો સ્મોકિંગ છોડી દઈશ તો સ્ટ્રેસથી મરી જઈશ એવું લાગે છે મને. હું શું કરું?
જો તમને ડાયાબિટીઝ હોય તો તમારે સ્મોકિંગ છોડવું અત્યંત જરૂરી છે, કારણ કે સ્મોકિંગ લોહીની નસો પર અસર કરે છે અને ડાયાબિટીઝ પણ. બન્ને સાથે મળે તો લોહીની નસોનું ડૅમેજ થવાનું રિસ્ક બેવડાઈ જાય અને એને કારણે હાર્ટ ડિસીઝ અને સ્ટ્રોકનું રિસ્ક પણ બેવડાઈ જાય. ડાયાબેટિક ન્યુરોપથી અસર પણ વધી જાય. આમ, કૉમ્પ્લીકેશન અનેકગણાં થઈને સામે આવે જેને સંભાળવાં અઘરાં બની જાય. કોઈ પણ ડાયાબિટીઝના દરદી સામે અમે પહેલી શરત એ જ મૂકીએ છીએ કે જો તમે સ્મોકિંગ કરતા હો તો એ મૂકી દેજો. કારણ કે આ રીતે તમે શરીરને વધુ વિકટ પરિસ્થિતિમાં મૂકો છો.
સ્મોકિંગ કેટલી હદે ઘાતક છે એ આજની તારીખે બધા જાણે છે, પરંતુ એને છોડવા ઘણા ઓછા લોકો તૈયાર થાય છે. તમે જે સ્ટ્રેસની વાત કરો છો એ સ્ટ્રેસ તો જીવનનો એક ભાગ છે અને એને દૂર કરવા માટે સ્મોકિંગ એ સાચો ઉપાય નથી જ. સ્ટ્રેસ મૅનેજમેન્ટ શીખવાની જરૂર છે. જો એક વખત તમે સ્ટ્રેસ મૅનેજ કરતાં શીખી જશો તો ઘણાં કામ સરળ થઈ જશે. બાકી સિગારેટથી સ્ટ્રેસ દૂર થાય છે એવું સાયન્સ માનતું નથી. માટે ખુદને એ બહાનું ન આપો. તમે તમારા મનને સમજાવી રાખ્યું છે કે તમારો વાંક નથી, સ્ટ્રેસ છે એટલે હું સિગારેટ પી રહ્યો છું. આ બહાનું તમને સંપૂર્ણ રીતે સ્મોકિંગ છોડતાં રોકે છે. સિગારેટ તમે ઘણાં વર્ષોથી પીતા હશો તો છોડવી અઘરી જ થશે એ પ્રૅક્ટિકલ બાબત છે, કારણ કે અંતે એ એક લત છે. માનસિક સજ્જતા સાથે પ્રોફેશનલ મદદ લો. એનાથી તમને રિઝલ્ટ ચોક્કસ મળશે.